Wednesday 6 February 2019

Mahatma Gandhi 150th Celebrations


મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દીની ઉજવણીના મહોત્સવો   
ડૉ.હરિ દેસાઈ
·         ગાંધીએ સમાજપરિવર્તન માટેની આહ્લ્લેક જગાવી અને એમાંથી આઝાદી તો આડપેદાશ (બાય પ્રોડક્ટ) હતી
·         મહાત્માએ કાઇદ ઝીણાને વડાપ્રધાનપદ ઓફર કરીને ભાગલા ટળે એ માટેનો  દાવ અજમાવી જોયો હતો
·         ગાંધીજી ઉવાચ: હિંદુ હોવા માટે હું ખસૂસ ગર્વ લઉં છું,પરંતુ મારો હિંદુ ધર્મ  અસહિષ્ણુ કે વાડાબંધીવાળો નથી
·         ગાંધીજી તો સદીઓમાં ક્યારેક જ જન્મે અને  આપણે એમના વ્યક્તિત્વને મૂલવવામાં સાવ જ ઉણા ઉતરવાના
·         અંગ્રેજનિષ્ઠ સરકારોમાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાનાં બંગાળ, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં સહશયન  
મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સરકારો રમમાણ છે. હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડી ખાતે દાંડી સ્મારકનું ઉદઘાટન કર્યું. વર્ષ ૧૯૩૦માં દાંડી કૂચ થકી મીઠાનો સત્યાગ્રહ આદરીને મહાત્માએ અંગ્રેજ શાસનના મીઠાના અન્યાયી કાયદાને તોડવાનું કામ કર્યું હતું.આ પહેલાં વડાપ્રધાને રાજકોટમાં ગાંધીજીની શાળા આલ્ફ્રેડ સ્કૂલમાંથી નામાંતર પામીને મહાત્મા ગાંધી શાળા તરીકે ચાલતી શાળાને બંધ કરીને ત્યાં મ્યુઝિયમ શરૂ કર્યું હતું.મુખ્યમંત્રી તરીકે ગાંધીનગરમાં મોદીએ વૈશ્વિક સમારંભો યોજવા માટે મહાત્મા મંદિર નામક ભવ્ય ઈમારત બાંધી હતી. ગાંધીની સાદગી અને કુટીરો હવે નામશેષ થઇ ચુકી છે.હવે બધું મેગા સ્તરે થઇ રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે બાળપણ અને  શાળાજીવનથી લઈને વર્તમાન પાકટ નિવૃત્તિ વય લગી મતમાં સતત પરિવર્તન આવતું રહ્યાની પ્રામાણિક કબૂલાત આપવી પડે. સાથે જ ભારતમાં જ નહીં,સમગ્ર વિશ્વમાં પોતાના વિચારપ્રભાવને પાથરવામાં સફળ રહેલા ગાંધીજીના યોગદાનને બિરદાવવા અને ભારતની ભોમકા પરના એમના ઋણને સ્વીકારવું ય પડે. શક્ય છે કે મહાત્મા વિશે મત બદલાય તો જેમ ગાંધીજીએ નોંધ્યું છે તેમ આપણા મતમાં ય કોઈ  વિરોધાભાસ જણાય તો પાછળના સમયે વ્યક્ત થયેલા વિચારને આખરી મત ગણવો. ગાંધીજીએ ક્યારેય મૌલિકતાનો દાવો કર્યો નથી. સત્ય અને અહિંસા તો અનાદિકાળથી ચાલતાં આવ્યાં છે. ગાંધીજીના પૂર્વસૂરિઓએ સાધનશુદ્ધિનો માર્ગ જ સ્વીકાર્યો છે.
મતભિન્નતા છતાં આદરભાવ
પ્રારંભમાં જ એટલી વાત જરૂર નોંધી લઈએ કે મહાત્મા વિશે કોઈ તબક્કે અમને એમના અમુક નિર્ણય બાબતે અણગમો થયો હશે, પણ એમના રાષ્ટ્રીય અને વૈશ્વિક યોગદાનને નકારવા જેટલી ગુસ્તાખી તો કોઈપણ તબક્કે કરાઈ નથી.બીજી મહત્વની બાબત એ છે કે મતભિન્નતા છતાં આદરભાવ વ્યક્ત કરવાનું સહજ છે.ત્રીજું, મહાત્મા કે તેમના સાથીઓ જેવાં વિરાટ વ્યક્તિત્વોના યોગદાન વિશે અભિપ્રાય વ્યક્ત કરવામાં ક્યારેક  ગજા બહારની વાત થઇ પણ શકે. આમ છતાં ગાંધીજીના તુલનાત્મક અભ્યાસી તરીકે કેટલીક બાબતો અહીં નોંધવાની કોશિશ કરું છું. મહાત્મા ગાંધીએ સમાજપરિવર્તન માટેની આહ્લ્લેક જગાવી અને એમાંથી આઝાદી તો આડપેદાશ (બાય પ્રોડક્ટ) હતી એ આપણે સમજવાની જરૂર છે.આઝાદી આવ્યા પછી ભારત મહાત્માના માર્ગે ચાલ્યું નહીં એ હકીકત સ્વીકારવી પડે.બાપુના આગ્રહો અને દુરાગ્રહો અંગે એમના બે પટ્ટશિષ્યો પંડિત નેહરુ અને સરદાર પટેલ પણ ભિન્ન મત ધરાવતા હતા.સરદારના શબ્દો હતા: “બાપુ, તમે તો મહાત્મા છો.મારે તો દેશ ચલાવવાનો છે.” મહાત્માની વાત કરવાની હોય ત્યારે એ અનંત સુધી લંબાઈ શકે,પણ આપણે થોડીક વાતો કરીશું.
મુસ્લિમ તુષ્ટીકરણ અને  ભારતના ભાગલા
સામાન્ય રીતે મહાત્મા ગાંધીને મુસ્લિમોના તુષ્ટીકરણ અને બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા માટે જવાબદાર ગણવામાં આવે છે અને એ મુદ્દે જ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ની સંધ્યાએ નથુરામ ગોડસેએ એમની હત્યા કરી હતી. હકીકતમાં મહાત્મા ગાંધી ભાગલા ટાળવા માટે કોઈપણ પ્રકારનું સમાધાન કરવાના પક્ષધર હતા.એટલી હદ સુધી કે કાઈદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણાને સ્વતંત્ર ભારતનું વડાપ્રધાનપદ ઓફર કરીને પણ ભાગલા ટળે એ માટે પણ દાવ અજમાવી જોયો હતો. ભારત હિંદુ અને મુસ્લિમોની પોતીકી ભોમકા હોવાને કારણે બધા સાથે જ રહે અને મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની ઝીણાની માંગણી યોગ્ય નહીં હોવાનું ગાંધીજી છેલ્લે સુધી માનતા રહ્યા હતા.ભાગલા તો મારા મૃત શરીર પર થાય, એવું માનનારા ગાંધીજી નોઆખલી હતા ત્યારે વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન અને તેમના બંધારણીય સલાહકાર વી.પી.મેનનની ભાગલાની યોજના બાબતે સરદાર પટેલ અને પંડિત નેહરુએ (એ જ ક્રમમાં ) જીભ કચર્યા પછી મહાત્મા પાસે ઝાઝા વિકલ્પ રહ્યા નહોતા. અત્રે એ નોંધવું રહ્યું કે  આઝાદીની લડાઈમાં કોંગ્રેસના નેતાઓ ૧૯૪૨ની હિંદ છોડો હાકલ પછી જેલવાસ ભોગવતા હતા ત્યારે અંગ્રેજનિષ્ઠ પ્રાંતિક સરકારોમાં પાકિસ્તાનવાદી મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા સાથે મળીને બંગાળ, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં સત્તાનો ભોગવટો કરતાં હતાં.
સરદાર પટેલને અન્યાય
મહાત્મા ગાંધીને માથે પોતાના નિકટના સાથી સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન નહીં થવા દેવાનો અને ગગનવિહારી પંડિત જવાહરલાલ નેહરુને એ હોદ્દા માટે પસંદ કરવાનો દોષ મઢવામાં આવે છે.હજુ આજે પણ નેહરુની ભાંડણલીલામાં રમમાણ લોકો “સરદારને  અન્યાય”ની માળા જપતા રહે છે.દાયકાઓ સુધી અમે પણ આ પ્રકારના દોષનો ટોપલો ગાંધીજીને શિરે લાદતા રહ્યા હતા.એ પ્રકારના લેખો લખતા રહ્યા.સંભવતઃ સરદાર પ્રત્યેનો પ્રેમભાવ અને નેહરુ ભણી કેળવાયેલા અણસમજુ અભાવમાંથી જ આ મત બંધાયો હશે.વર્ષ ૧૯૯૭માં શાહીબાગસ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકના સરદાર મેમોરિયલ વ્યાખ્યાન આપવા માટે મુંબઈથી સમકાલીનતંત્રી તરીકે આવવાનું થયું ત્યારે ય આ જ  મત હતો. જોકે એ પછી વિશદ અભ્યાસ, સરદાર-પુત્રી મણિબહેન થકી દુર્ગાદાસના સરદાર ગ્રંથોની પ્રસ્તાવનામાં નોંધાયેલા શબ્દો ( “The Sardar did not aspire to prime ministership or any other high office.”  Sardar Patel’s Correspondence 1945-50 Volume-I p.liv) તેમ જ ગાંધીજીના “બાબલા” નારાયણ દેસાઈની પહેલી ગાંધીકથાના ગૂજરાત વિદ્યાપીઠમાં શ્રવણ થકી અમારી સમજણ પાકી થઇ કે ગાંધીજીએ સરદારને વડાપ્રધાન નહીં બનાવવામાં કોઈ અન્યાય કર્યો નથી. ગાંધીજી દીર્ઘદ્રષ્ટા હતા અને એમણે “બંને બળદને યોગ્ય રીતે જ ભારતના ગાડે જોતર્યા હતા”. અત્યારે સરદારને અન્યાયનાં ઢોલ પીટનારાઓની સંસ્થાના પૂર્વજો તો ગાંધીની હત્યા થઇ ત્યારે મીઠાઈઓ વહેંચીને હરખ મનાવતા હતા અને “હિંદુ મહાસભાની સાવરકરના હાથ નીચેની એક ઝનૂની પાંખે આ કાવતરું રચ્યું અને પાર ઉતાર્યું હતું”, એવું સ્વયં સરદાર પટેલે એ વેળા ૨૭ ફેબ્રુઆરી ૧૯૪૮ના પત્રમાં નોંધ્યું છે! સરદાર પટેલે પોતાને વડાપ્રધાન નહીં બનાવીને ગાંધીજીએ અન્યાય કર્યાની વાત કોઈની આગળ કહી નથી કે ના કોઈ પત્રમાં નોંધી છે. મહાત્મા પોતે સરદારના તબીબ હતા અને તે સુપેરે જાણતા હતા કે પટેલની તબિયત નાદુરસ્ત રહે છે. શેઠ (સરદાર) કરતાં ડાહ્યા અત્યારના વાણોતર જ ગાંધી અને નેહરુને ભાંડીને પોતાનાં તરભાણાં ભરવા  સરદારને અન્યાયની વાતો વહેતી કરે છે.
ગાંધીજીની દ્રષ્ટિએ  હિંદુધર્મ
ગાંધીજીની હિંદુ ધર્મની વિભાવના કેવી હતી એ “મહાત્મા ગાંધી: પૂર્ણાહુતિ”ના ચતુર્થ ખંડમાં એમના સચિવ રહેલા પ્યારેલાલે સુપેરે ટાંકી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ ગાંધીજીને દિલ્હીની વાલ્મીકિ કોલોનીમાં પોતાના કાર્યક્રમમાં લઇ ગયા હતા.તેમણે મહાત્માને “હિંદુ ધર્મે પેદા કરેલા એક મહાપુરુષ” તરીકે વર્ણવ્યા.જવાબમાં ગાંધીજીએ જણાવ્યું કે, હિંદુ હોવા માટે હું ખસૂસ ગર્વ લઉં છું,પરંતુ મારો હિંદુ ધર્મ  અસહિષ્ણુ કે વાડાબંધીવાળો નથી.મારી સમજ પ્રમાણે, હિંદુ ધર્મની શોભા એ છે કે, બધા ધર્મોનાં સારાં તત્વો તે અપનાવે છે.હિંદુઓ માનતા હોય કે, હિંદમાં સમાન અને માનવંત  ધોરણે બિનહિંદુઓ માટે સ્થાન નથી અને મુસલમાનો હિંદમાં રહેવા માંગતા હોય તો, તેમણે ઊતરતા દરજ્જાથી સંતોષ માનવો રહ્યો અથવા મુસલમાનો માનતા હોય કે, પાકિસ્તાનમાં હિંદુઓ મુસલમાનોની મહેરબાનીથી કેવળ દાસ તરીકે જ રહી શકે, તો એથી હિંદુ ધર્મનો તેમ જ ઇસ્લામનો અંત આવશે.ગાંધીજીએ વધુમાં કહ્યું કે, તમારી નીતિ ઇસ્લામ પ્રત્યે શત્રુતાની નથી એવી તમે મને ખાતરી આપી તેથી મને આનંદ થયો.તેમણે ચેતવણી આપી કે, મુસલમાનોની કતલો પાછળ તમારી સંસ્થા હતી એવો તમારી સામેનો આરોપ સાચો હશે તો એનું આવી બનશે.
સંઘના આ જ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરીમાં ગાંધીજીને ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કૌરવોનો નાશ કરવાની સલાહ આપે છે એ વિશેના પ્રશ્નના ઉત્તરમાં મહાત્માએ કહ્યું હતું: “તમે ન્યાયાધીશ અને શિક્ષા કરનાર ઉભય બની બેસશો તો સરદાર અને પંડિત નેહરુ બંને અશક્ત બની જશે.તેમને તમારી સેવા કરવાની તક આપો.કાયદો તમારા પોતાના હાથમાં લઈને તેમના પ્રયાસોને વિફળ ન બનાવો.”
સદીઓમાં ક્યારેક જ જન્મે
મહાત્મા ગાંધી જેવી વિશ્વપ્રતિભાની વાતને થોડાક શબ્દોમાં આવરી લેવાનો યત્ન તો આકાશને છાબમાં સમાવવા જેવું કહી શકાય.જોકે એક સામાન્યકક્ષાની પ્રતિભા સમગ્ર વિશ્વ માટે અનુસરણીય આદર્શ બની શકે એ કંઇ નાની સૂની વાત નથી.મહાત્માએ પોતાના વ્યક્તિત્વને પારદર્શી બનાવ્યું એટલે એમના ગુણ-અવગુણ સૌની નજરે ચડ્યા.એ જીવ્યા પારદર્શી અને પોતે બૅરિસ્ટર હોવા છતાં સામાન્ય ગામડિયાની જેમ સાવ સાદગીથી જીવ્યા. અનેક બૅરિસ્ટર મહાનુભાવો કે માલેતુજારોને એમણે સર્વસ્વ ત્યાગીને દેશસેવામાં જોતર્યા. ભલભલા રાજકીય શાસકોને એમણે પ્રેમથી વશ કર્યા. સત્ય, અહિંસા અને સત્યાગ્રહની તાકાતનો પરચો બતાવીને દેશને આઝાદ કરવા સુધીની મજલ કાપવામાં બેસુમાર લોકોનો સાથ મેળવી શક્યા. આવા ગાંધી માટે સત્ય એ જ ઈશ્વર હતો. સામાન્ય માણસમાંથી અસામાન્ય માણસ કરવાની પ્રક્રિયા એમને સહજ સાધ્ય હતી અને છતાં સાવ ઓલિયા માણસ તરીકે એ જીવ્યા અને પોતે નહીં કરેલા કૃત્યને કાજે અણસમજ હત્યારાની ગોળીએ મોતને એટલી જ સહજતાથી એ ભેટ્યા. ગાંધીજી જેવાં વ્યક્તિત્વો તો સદીઓમાં ક્યારેક જ જન્મે. આપણે એમના વ્યક્તિત્વને મૂલવવામાં સાવ જ ઉણા ઉતરવાના.
ઈ-મેઈલ : haridesai@gmail.com



No comments:

Post a Comment