કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મહામંત્રી તરીકે બહેન પ્રિયંકાની હૂંફ
ડૉ.હરિ દેસાઈ
  •          વિપક્ષી નેતાઓ પાછળ છોડી મૂકાતી કેન્દ્રની એજન્સીઓ વિપક્ષી મોરચાને વધુ મજબૂત કરવાનું નિમિત્ત બની જાય છે
  •          ભાજપી સાંસદો મેજર જનરલ બી.સી.ખંડૂરી, ડૉ.મુરલી મનોહર જોશી અને કલરાજ મિશ્રના તાજા અહેવાલ ચિંતાજનક
  •          પાકિસ્તાનને અત્યાર લગી અપાયેલો “મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)”નો દરજ્જો રદ કરવાનો આખરે નિર્ણય થયો
  •          જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરને “વૈશ્વિક ત્રાસવાદી” જાહેર કરવાના અનુરોધને ચીને ફરી ફગાવ્યો 

મૂળ ગુજરાતના ભરૂચના ગાંધી અટકધારી પારસી પરિવાર અને મૂળ કાશ્મીરી કૌલ-નેહરુ પરિવારના વંશજ રાહુલ રાજીવ ફિરોઝ ગાંધી અને એમનાં બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રા હવે કૉંગ્રેસને ફરી સત્તા સુધી લઇ જવા મેદાને પડ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં કૉંગ્રેસ માટે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને  સોનિયા ગાંધી માટે કેન્દ્રમાં સત્તા પુનઃપ્રાપ્તિ માટે શુકનિયાળ ગણાતા વલસાડના લાલડુંગરી મેદાન પર ૧૪ ફેબ્રુઆરીએ કૉંગ્રેસની ભવ્ય સભા યોજીને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કર્યા. કૉંગ્રેસનાં નવનિયુક્ત મહામંત્રી પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં કામે વળ્યાં છે.સંયોગવસાત્ જમ્મૂ-કાશ્મીરમાં મહાઆતંકી હુમલો થયાના આ જ દિવસે સમાચાર આવતાં ભાઈ-બહેને પરિપક્વ પ્રતિક્રિયા આપીને દેશ પરના હુમલાના સંજોગોમાં સમગ્ર દેશ સંગઠિત હોવાનો પરિચય આપ્યો. હવે લોકસભા ચૂંટણી થશે કે પાછી ઠેલાશે, એની ચર્ચા શરૂ થઇ ગઈ છે.ચૂંટણી નિર્ધારિત સમયે થાય તો તેમાં કૉંગ્રેસ અધ્યક્ષ  રાહુલની સફળતા-નિષ્ફળતા તો મતદારોને હાથ છે. ભવિષ્યવાણીઓ અત્યારથી થવા માંડી છે કે બેઉ જણ  કૉંગ્રેસને ડૂબાડશે અને ભાજપ આ વખતે ૪૦૦ બેઠકો સાથે ફરીને વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીને આરૂઢ કરશે.બાત કુછ હઝમ નહીં હુઈ.કારણ? વર્ષ ૨૦૧૪માં સાથી પક્ષોના વડાપ્રધાનપદના ઉમેદવાર મોદી લોકપ્રિયતાના શૃંગ પર હતા ત્યારે પણ તેમના પક્ષને માત્ર ૩૧ ટકા જેટલા મત સાથે ૨૮૨ બેઠકો મળી હતી. હવે તો એમના મોરચાના મુખ્ય સાથીઓ સાથ છોડીને ગયા છે કે જવામાં છે ત્યારે ૪૦૦ બેઠકોની ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડી શકે? દેશની પ્રજાને હજુ ચમત્કારોમાં વિશ્વાસ પડે છે. ક્યારેક ભાજપની નેતામંડળી લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ૩૭૫ની તો ક્યારેક ૨૭૫ બેઠકોની તો પછી ૪૦૦ બેઠકોની ઘોષણાઓ કરતી રહે છે.અમે જ જીતવાના છીએ એ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહેલા ભાજપની નેતાગીરીને અંદાજ આવી ગયો છે કે વર્ષ ૨૦૧૪થી વિપરીત આ વેળા  વિપક્ષો સંગઠિત છે, વચનો પળાયાં નથી, નિવેદનસૂર પક્ષ તરીકે વચનોની લહાણી હજુ કરાઈ રહી છે, વિપક્ષી નેતાઓ પાછળ છોડી મૂકાતી સીબીઆઇ અને ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ જેવી કેન્દ્રની એજન્સીઓ હકીકતમાં તો વિપક્ષી મોરચાને વધુ મજબૂત કરવાનું નિમિત્ત પૂરું પડે છે. રાફેલ યુદ્ધવિમાન સોદાનો વિવાદ હજુ કેડો છોડતો નથી. વિપક્ષી “મહાગઠબંધન”ને “મહામિલાવટ” ગણાવવામાં જોખમ વધવા માંડ્યાં છે.
મહાઆતંકી હુમલા પછીનો માહોલ
જોકે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર ૧૪ ફેબ્રુઆરીએ ભયાનક આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનોનાં મોત થયાં.રાજ્ય અને કેન્દ્રમાં સત્તા ભાજપના હાથમાં હોવાથી ચૂક થયાનું કબૂલવા સિવાય આરો નહોતો, છતાં આ મુદ્દે રાજકીય આરોપ-પ્રત્યારોપ શરૂ થઇ ગયા છે. કેન્દ્ર સરકારને સૂઝ્યું કે કરવો ઘટે અને કડક કાર્યવાહી કરવી જોઈએ. તાજો મહાહુમલો જૈશ –એ-મોહમ્મદ દ્વારા થયાનું આ ત્રાસવાદી સંગઠને સ્વીકાર્યું છે.વાજપેયી યુગમાં અપહૃત વિમાનના પ્રવાસીઓના સાટામાં છોડી મુકાયેલા ત્રાસવાદી અને ભારતમાંથી જેલમુક્ત થયા પછી પાકિસ્તાનમાં રહીને જૈશ-એ-મોહમ્મદ જેવા ત્રાસવાદી સંગઠનની સ્થાપના કરીને સંસદ અને અન્યત્ર પર હુમલા કરાવનાર મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાના ભારતના અનુરોધને ચીને ફરી ફગાવ્યો છે.  છેલ્લાં પાંચ વર્ષમાં આતંકી હુમલાઓ, શહીદ જવાનો અને માર્યા ગયેલા નાગરિકોની સંખ્યાના સરકારી આંકડા વધતા જ ચાલ્યા છે. હવે યુદ્ધ એ જ કલ્યાણનો અવાજ બુલંદ થઇ રહ્યો છે ત્યારે બીજી બાજુ,ચૂંટણી મોકૂફ રાખીને પણ યુદ્ધ કરી લેવાની વાતો સત્તાવર્તુળોમાં થવા માંડી છે. યુદ્ધ કરવાના સંજોગોમાં બે જોખમ છે: પાકિસ્તાને હુમલા સાથે પોતાનો સંબંધ નકાર્યો છે અને ચીન ખુલ્લેઆમ પાકિસ્તાનના ટેકામાં છે.બીજીબાજુ, ભારતીય સંસદની ભાજપી સાંસદો મેજર જનરલ બી.સી.ખંડૂરી, ડૉ.મુરલી મનોહર જોશી અને કલરાજ મિશ્રના નેતૃત્વવાળી અડધા કરતાં પણ વધુ ભાજપી સાંસદો ધરાવતી ત્રણ સંસદીય સમિતિઓએ વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માટે આપેલા અહેવાલ દુનિયાભરને ગુગલગુરુ મારફત જણાવી ચુક્યા છે કે ભારત પાસે ૧૦ દિવસથી વધુ યુદ્ધ ચાલે તો એ માટે શસ્ત્રસરંજામ નથી તથા લશ્કરી દળોએ ૧.૭૨ લાખ કરોડ રૂપિયાનું બજેટ માંગ્યું ત્યારે વર્તમાન સરકારે માંડ ૮૬,૦૦૦ કરોડ રૂપિયા જ ફાળવ્યા છે એટલે કે લશ્કરની ત્રણેય પાંખની જરૂરના અડધા નાણા પણ ફાળવ્યાં નથી.વિપક્ષમાં રહીને કોંગ્રેસની સરકારોની ટીકા કરતા રહેલા વડાપ્રધાન મોદીના તત્કાલીન વડાપ્રધાનો પંડિત નેહરુ,ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીથી લઈને ડૉ.મનમોહન સિંહ સુધીનાની જાહેરમાં જે રીતે ઠેકડી ઉડાવવાની પરંપરા સ્થાપી હતી એ જ હવે એમના માટે પ્રશ્નો ખડા કરી રહી છે.  
પ્રિયંકા ગાંધી-વાડ્રાનું અવતરણ
છેલ્લે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કનેથી ત્રણ મહત્વનાં રાજ્યો  મધ્યપ્રદેશ,રાજસ્થાન  અને છત્તીસગઢ છીનવી લેવામાં સફળ રહેલી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યકર્તાઓમાં ચેતનાનો નવસંચાર થઇ રહ્યો હતો. હવે રાહુલનાં બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રા સક્રિય રાજકારણમાં પ્રવેશ્યાં એટલે ઉત્તર પ્રદેશમાં રાજકારણ નવા હિલોળા લેવાનું સ્પષ્ટ થઇ ગયું છે.૧૧ ફેબ્રુઆરીએ ભાજપ શાસિત રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં રાહુલ, પ્રિયંકા અને જ્યોતિરાદિત્ય સિંધિયાના ૧૪ કિ.મી.લાંબા રોડ-શોમાં ઉમટેલી જનમેદની આવતા દિવસોમાં કંઈક આસમાની સુલતાનીનાં એંધાણ જરૂર આપે છે. વર્ષ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસને ભારે જનસમર્થન મળ્યું હતું.જોકે મે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની આંધીએ ભાજપનો ભગવો લહેરાવ્યો અને પ્રદેશની ૮૦ બેઠકોમાંથી મોદીના ભાજપ અને મિત્રપક્ષને ૭૩ બેઠકો મળી હતી. લોકસભામાં ભાજપને ૨૮૨ બેઠકો મળી એ ત્રણ દાયકા પછી કોઈ એક પક્ષને બહુમતી હતી. જોકે એ પછી ભાજપ અને મિત્ર પક્ષોની વિધાનસભા ચૂંટણીઓમાં વિજયપતાકા લહેરાતી રહી,પરંતુ લોકસભાની પેટાચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારો હારતા રહ્યા.એટલી હદ સુધી કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એમના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની લોકસભા બેઠકો પણ ભાજપ જીતી શક્યો નહોતો. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે લોકસભામાં ભાજપ પોતાની રીતે બહુમતી ગુમાવી ચુક્યો છે.એની સભ્યસંખ્યા ૨૮૨માંથી ઘટીને ૨૬૬ થઇ ગઈ છે અને કેટલાક સાથી પક્ષો સાથ છોડી ગયા છે.બીજા કેટલાક રૂસણે છે.લોકસભાની ચૂંટણીની માર્ચ મહિનામાં જાહેર થયા પછી આયારામ-ગયારામનાં ઘણાં દ્રશ્યો જોવા મળશે.
પરાજયની પરંપરા પછી  વિજય ભણી  
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણી દરમિયાન “પપ્પૂ” તરીકે ભાજપ થકી પ્રચારિત કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પરિપક્વ નવતર વ્યક્તિત્વનો પરિચય મળ્યો. કૉંગ્રેસ  પક્ષના મહારથી શંકરસિંહ વાઘેલાએ દગો દીધા પછી પણ વિધાનસભામાં કૉંગ્રેસ મજબૂત બની હતી.એ પછી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કર્ણાટક વિધાનસભાની મે ૨૦૧૮ની ચૂંટણીમાં ભાજપને  સત્તાથી દૂર રાખવામાં વિધાનસભામાં “બિગ-બ્રધર” હોવા છતાં સરકારમાં નાનાભાઈની ભૂમિકા સ્વીકારીને વિપક્ષી એકતાના મહાગઠબંધનને મજબૂત બનાવવા પોતે વડાપ્રધાનપદના ઉમેદવાર નહીં હોવાનું પણ રાહુલે જાહેર કરવાનું પસંદ કર્યું. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપી સેના પ્રચારિત કરવા કામે વળી છે કે રાહુલ ખોટ્ટાડા છે  અને કૉંગ્રેસના અધ્યક્ષની નિષ્ફળતાને પગલે પ્રિયંકાને પક્ષનાં મહામંત્રી બનાવવાં પડ્યાં છે. જોકે રાહુલ અને પ્રિયંકા તેમજ તેમના પક્ષના આગેવાનો ધીરગંભીર જણાય છે. કમરપટ્ટા નીચે (બિલો ધ બેલ્ટ) વાર પર વાર થયા કરતા હોય તો પણ ગજગામી ચાલે પોતાના મિશન તરફ આગળ વધી રહેલા રાહુલ ગાંધી ભગવી બ્રિગેડમાં ચિંતાનો સંચાર જરૂર કરી રહ્યા છે. છેલ્લી ચૂંટણીમાં કૉંગ્રેસ લોકસભામાં માત્ર ૪૪ બેઠકો મેળવી શકી હતી, એ મે ૨૦૧૯માં સત્તામાં આવે કે ના આવે,પણ આ  ચૂંટણીમાં એનો દેખાવ સુધારશે, એવું તો હવે ભાજપવાળા પણ કબુલતા થયા છે.કોલકાતાના પોલીસ કમિશનર અને મૂળ ઉત્તર પ્રદેશના રાજીવ કુમારના બંગલે સીબીઆઈના અધિકારીઓને પાઠવાયાને પગલે પશ્ચિમ બંગાળમાં જે ઘટનાક્રમે આકાર લીધો એ પછી તો વિપક્ષી એકતા માટે નવી તક મળ્યાનું અનુભવાય છે. પ્રિયંકાને પૂર્વ ઉત્તરપ્રદેશમાં પ્રભારી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પ્રભારી બનાવાયા પછી  સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટીના જોડાણમાં કૉંગ્રેસને સામેલ કરવાની નવી પહેલ જોવા મળી.કારણ કૉંગ્રેસ તમામ ૮૦ બેઠકો લડે તો સપા-બસપાના જોડાણને ફટકો પડે.
ઇન્દિરા અને પ્રિયંકામાં ઘણો ફરક
હરખપદૂડા કૉંગ્રેસીઓને પ્રિયંકામાં ઇન્દિરા ગાંધીનાં દર્શન થવા માંડે એ સ્વાભાવિક છે.કારણ ચહેરે મ્હોરે પ્રિયંકા પોતાનાં દાદી જેવાં લાગે છે,પણ જરૂરી નથી કે  વર્તમાન રાજકારણમાં એ પ્રિયદર્શિની નેહરુ-ગાંધી જેટલાં કાબેલ અને બાહોશ સાબિત થાય.શ્રીમતી ગાંધી પોતાના પિતાના માર્ગદર્શનમાં રાજકીય અને રાજદ્વારી પાઠ શીખીને તૈયાર થયાં હતાં.રાહુલ કે પ્રિયંકાને પોતાના વડાપ્રધાન પિતા રાજીવ ગાંધીના માર્ગદર્શનમાં એ રીતે તૈયાર થવા જેટલો અવસર મળ્યો નહીં. ઇન્દિરા વડાંપ્રધાન રહ્યાં અને એમની ૧૯૮૪માં હત્યા થઇ એને પગલે કૉંગ્રેસના સાંસદ રાજીવ ગાંધીને વડાપ્રધાન થવાની તક મળી તો ખરી,પણ ૧૯૯૧માં ફરીને વડાપ્રધાન થવાનો અવસર આવવામાં હતો ત્યાં જ તેમની પણ હત્યા થઇ હતી. ઘરમાં બબ્બે હત્યાઓ થયા પછી માતા સોનિયાને ઉચાટ રહેવો સ્વાભાવિક હતો.એમણે પણ રાજકારણમાં અનિચ્છાએ જ આવવાનું પસંદ કર્યું હતું. એમના માટે ૨૦૦૪માં વડાપ્રધાન થવાની તક આવી ત્યારે એ જન્મે ઇટાલિયન હોવાની વાત કાળોતરો થઈને આડી આવી અને એમણે ડૉ.મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવાનું પસંદ કર્યું હતું.વર્ષ ૨૦૦૯માં પણ કૉંગ્રેસના વડપણ હેઠળના મોરચાની મનમોહન સરકાર રચાઈ. જોકે સમગ્ર ગાંધી પરિવારે દાયકાઓ સુધી ઘણાં મહેણા સાંભળવાના પ્રસંગો આવ્યા. નવાઈ એ વાતની હતી કે પંડિત નેહરુ બૅરિસ્ટર થયા પછી તેમના પરિવારમાં સૌપ્રથમ સ્નાતક કે એમ.ફિલ. થનાર રાહુલ હતા.એ પછી એમના પિતરાઈ ફિરોઝવરુણ ગાંધી એમ.એ. થયા અને બહેન પ્રિયંકા પણ એમ.એ.સુધી ભણી.બંને ભાઈઓ લંડનમાં ભણીને ઊંચી પદવી લઇ આવ્યા.વિધિની વક્રતા કેવી કે ઇન્દિરા અને ફિરોઝ ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી ૧૯૮૦માં જ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને તેમનાં પત્ની મેનકા ગાંધી અને પુત્ર ફિરોઝવરુણ ગાંધી અત્યારે ભાજપમાં છે. મેનકા કેન્દ્રમાં મંત્રી છે. ભાજપી સાંસદ ફિરોઝવરુણ કૉંગ્રેસમાં પાછા ફરે એવી અટકળો છે.
સોનિયાની નિવૃત્તિ, રાયબરેલીમાં પ્રિયંકા
પ્રિયંકા સામાન્ય રીતે પોતાનાં માતા સોનિયા ગાંધીના મતવિસ્તાર રાયબરેલી અને ભાઈ રાહુલના મતવિસ્તાર અમેઠીને સંભળાતાં રહ્યાં છે.સામાન્ય લોકો સાથે એમનો સંબંધ ખૂબ જ નિકટનો છે. શ્રીમતી સોનિયા ગાંધી કૉંગ્રેસના વડપણવાળા યુપીએનાં અધ્યક્ષા છે પણ તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી આગામી લોકસભા ચૂંટણી પ્રિયંકા જ રાયબરેલીમાંથી લડે એવી ચર્ચા શરૂ થઇ ગઈ છે. આવા જ સંજોગોમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ છેલ્લાં પોણા ચાર વર્ષ સુધી રાહુલ,સોનિયા કે તેમના જમાઈ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ઝાઝી કાર્યવાહી કરીને જેલ ભેગાં કરવામાં નિષ્ફળ રહી હોવાથી હવે પ્રિયંકા-પતિ રોબર્ટ વાડ્રાની કલાકો સુધી દિલ્હી અને જયપુરમાં તપાસ ચાલે છે.કોઈ ખટલાઓમાં તેઓ ફસાય અને એનો લાભ ભાજપને આગામી ચૂંટણીમાં મળે એ માટે ભાજપના તમામ પ્રવક્તાઓ જ નહીં,ખુદ વડાપ્રધાન મોદી પણ સરકારી કાર્યક્રમોમાં બેફામ નિવેદનો કરી રહ્યા છે. જોકે સમગ્ર વિપક્ષને ભ્રષ્ટાચારી ગણાવવાની વડાપ્રધાન અને તેમના પક્ષની આક્રમકતા સામે સવાલો એ ઊઠે છે કે તો ભ્રષ્ટ નેતાઓને સાડા ચાર વર્ષ દરમિયાન જેલ ભેગા કેમ ના કરાયા અને ચૂંટણી માથે છે ત્યારે જ આ ઉપાડો કેમ લીધો છે? વળી, વડાપ્રધાન અને એમના પક્ષના આવા વલણને કારણે તેઓ વિપક્ષોની એકતાને “મહામિલાવટ” કહીને જેટલું વધારે ભાંડે છે એટલા વધુ વિપક્ષો સંગઠિત થઇ રહ્યા છે. વિપક્ષી નેતાઓ તો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યાં છે કે વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વિપક્ષના અવાજની કચડવાની કોશિશ કરે છે.આગામી દિવસોમાં ચૂંટણી જાહેર થતાં જ બધું નીરક્ષીર થવા માંડશે.
ઈ-મેઈલ : haridesai@gmail.com

0 Comments