પાંચ રાજ્યોમાં
ભાજપના પરાજયથી મહાગઠબંધનનો આશાવાદ
ડૉ.હરિ દેસાઈ
·
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો ગઢ જીતીને રાહુલ ગાંધીની ડૂબતી સાખમાં
એકાએક ઉછાળો આવ્યો
·
ભોપાલ કમલનાથને અને જયપુર અશોક ગેહલોત-સચિન પાઈલટને સોંપાતાં નાણા અને જોડાણની
નવી હવા
·
નારાજ ભાજપી સાંસદ ફિરોઝવરુણ ગાંધી પિતરાઈ રાહુલની સેનામાં સામેલ જાય તો બહુ આશ્ચર્ય નહીં થાય
·
દેશભરમાં ભગવો લહેરાવવાનો દાવો કરનાર ભાજપ કને આજે દેશના ૩૧માંથી માત્ર ૧૨ જ
મુખ્યમંત્રી છે !
આખરે રાહુલ ગાંધીના
નેતૃત્વમાં કોંગ્રેસ જીતવા માંડી છે. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની સેમી-ફાયનલ
ગણાતી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણ અને મિઝોરમ સહિતનાં ભારતનાં પાંચ
રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના
કારમા પરાજયે લોકોને કોંગ્રેસના નવસર્જનની આશા પૂરી પાડી છે. હિંદીભાષી હૃદયસમાં ભાજપ
શાસિત ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં “મૃતઃપ્રાય” ગણાવાતી
કોંગ્રેસ સત્તામાં આવે એ નાની સૂની ઉપલબ્ધિ નથી.મધ્યપ્રદેશમાં કોંગ્રેસના જૂના
કારીગર અને બાજીગર ગણાતા કમલનાથ મુખ્યમંત્રીપદે પસંદ કરીને ૧૨, તઘલખ લેન (રાહુલનું
સત્તાવાર નિવાસસ્થાન) થકી બરાબરની સોગઠી મારવામાં આવી છે.એવું જ રાજસ્થાનમાં અશોક
ગેહલોત અને સચિન પાઈલટની જોડીને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ
કરીને માત્ર કોંગ્રેસ જ નહીં, વિપક્ષી મહાગઠબંધન મજબૂત બને એ માટે કવાયત આદરી છે. તેલંગણમાં
વર્તમાન મુખ્યમંત્રી અને તેલંગણ રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ)ના સુપ્રીમો કે.ચંદ્રશેખર
રાવે ઓવૈસીબંધુઓના મિત્ર પક્ષ
મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એમઆઈએમ) સાથે મળીને ફરી સત્તા મેળવવામાં ભવ્ય વિજય
હાંસલ કર્યો છે.બટુક ખ્રિસ્તીબહુલ રાજ્ય મિઝોરમમાં દાયકાઓથી શાસન કરતા કોંગ્રેસના
મુખ્યમંત્રી લાલ થનહવલાને ભૂંડા હાલે હરાવીને વિપક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ
(એમએનએફ)નું સત્તારોહણ થયું છે.તોરમાં જણાતા ભાજપના અશ્વમેધને રોકવામાં કોંગ્રેસના
“પપ્પૂ” ગણાવી કઢાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેદાન મારી લોકસભાની આગામી
ચૂંટણી માટે ભાજપના વડપણવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા(એનડીએ)ની નેતાગીરીની
નીંદર હરામ કરી દીધી છે.જોકે સામે પક્ષે ભાજપ અને સંઘ પરિવાર આગામી દિવસોમાં
કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવીને લોકસભાની ચૂંટણી ફરી
જીતીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન થાય એવા વ્યૂહ જરૂર રચશે.
કુલ ૩૧ વિધાનસભામાંથી
માંડ ત્રીજા ભાગની વિધાનસભાઓમાં ભાજપ આપબળે બહુમતી ધરાવે છે. એ ૧૦ રાજ્યોમાં પણ તેણે
કોંગ્રેસ કે એજીપી જેવા પક્ષોમાં ધાડ પાડીને પોતાના ઉધારીના નેતાઓ અને મુખ્યમંત્રીઓ
થકી સત્તા મેળવેલી છે. ભાજપની બહુમતી હોય અને મુખ્યમંત્રી હોય તેવાં રાજ્યોમાં ગુજરાત,
હરિયાણા,ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ,
મણિપુર અને આસામ છે. અત્રે એ સ્મરણ રહે કે મે ૨૦૧૪માં વડાપ્રધાનપદના એનડીએના
ઉમેદવાર મોદી લોકપ્રિયતાના શૃંગ પર હતા અને મોદી મોજું દેશભરમાં ફરી વળ્યું હતું
ત્યારે પણ તેમના પક્ષ ભાજપને માત્ર ૩૧ % મત સાથે ૨૮૨ બેઠકો મળી હતી. ભાજપને ૧૪
કરોડ મત અને કોંગ્રેસને ૧૦ કરોડ મત મળ્યા હતા, ભલે કોંગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી
હોય.સ્વાભાવિક રીતે વિપક્ષો વેરવિખેર હતા એટલે તેમની વચ્ચે મત વહેંચાઇ ગયા
હતા.આગામી ચૂંટણીમાં વિપક્ષો મહાગઠબંધન રચીને ભાજપના નેતૃત્વવાળા એનડીએનો મુકાબલો
કરવાના છે.અત્રે એ સ્મરણ રહે કે મે
૨૦૧૪માં વડાપ્રધાનપદના એનડીએના ઉમેદવાર મોદી લોકપ્રિયતાના શૃંગ પર હતા અને મોદી
મોજું દેશભરમાં ફરી વળ્યું હતું ત્યારે પણ તેમના પક્ષ ભાજપને માત્ર ૩૧ % મત સાથે
૨૮૨ બેઠકો મળી હતી. ભાજપને ૧૪ કરોડ મત અને કોંગ્રેસને ૧૦ કરોડ મત મળ્યા હતા, ભલે
કોંગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી હોય.સ્વાભાવિક રીતે વિપક્ષો વેરવિખેર હતા એટલે
તેમની વચ્ચે મત વહેંચાઇ ગયા હતા.આગામી ચૂંટણીમાં વિપક્ષો મહાગઠબંધન રચીને ભાજપના
નેતૃત્વવાળા એનડીએનો મુકાબલો કરવાના છે.
ગજગામી કોંગ્રેસ
વિજયમાં પણ સ્વસ્થ
વર્ષ ૧૯૯૫માં
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ.પદવી મેળવનાર રાહુલ અને તેમનાં માતુશ્રી તેમજ
સંયુક્ત પ્રગતિશીલ જોડાણ (યુપીએ)નાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ છેલ્લાં કેટલાંક
વર્ષોમાં હીન પ્રકારના પ્રચારના ભોગ બનવું પડ્યું હોવા છતાં ધ્યૈર્ય જાળવ્યું છે.
પક્ષને મજબૂત કરવાનું ધ્યેય હાંસલ કરવા ભણી ધ્યાન કેન્દ્રિત કર્યું.એના જ પ્રતાપે
કોંગ્રેસના અધ્યક્ષ બન્યાના એક વર્ષની પૂર્ણાહુતિના દિવસે જ એટલે કે ૧૧ ડિસેમ્બર
૨૦૧૮ના રોજ ત્રણ મહત્વનાં રાજ્યોમાં ભાજપ પાસેથી સત્તા હાંસલ કરવાના શુભ સમાચાર
કોંગ્રેસના અધ્યક્ષને સોંપડ્યા છે. એમણે તે વિનમ્રતાપૂર્વક ગ્રહણ કર્યા છે. આ નિર્ણાયક
વિજય છતાં કોંગ્રેસ છાકટી થયેલી લાગતી નથી. “કોંગ્રેસ મુક્ત ભારત”ની ભાજપની
નેતાગીરીની જેહાદ છતાં રાહુલે “ભાજપમુક્ત ભારત”ના વિચારને પોતાના કાર્યકરોમાં
પ્રવેશવા નહીં દેવાની હાકલ કરી છે.સોનિયા ગાંધીએ “ભાજપના નકારાત્મક રાજકારણ”ને
પ્રજાએ નકારી કાઢયાનું જણાવ્યું હતું. છેલ્લી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ
અને સંઘ પરિવાર તરફથી આસમાની સુલતાનીના પ્રયાસો કરાયા.વડાપ્રધાન મોદી, ભાજપ
અધ્યક્ષ અમિત શાહ,કેન્દ્રના ગૃહ મંત્રી રાજનાથ સિંહ તેમ જ ઉત્તર પ્રદેશના
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામમંદિર, હનુમાનજીની જ્ઞાતિ, રાહુલ ગાંધીનું ગોત્ર,
કોંગ્રેસની વિધવા, હિંદુત્વ, ગોરક્ષા સહિતના મુદ્દા ખૂબ ઉછાળ્યા છતાં ભાજપના
હાથમાંથી ત્રણ મુખ્ય રાજ્યો સરી ગયાં.ખેડૂતોની નારાજગી, આદિવાસી અને દલિતોનું
કોંગ્રેસ ભણી પાછા ફરવું, કેન્દ્ર સરકારનાં
વચનોના અમલમાં વિલંબ તેમજ લઘુમતીઓમાં અસલામતી સહિતના મુદ્દા કેન્દ્ર અને
રાજ્યોમાં સત્તારૂઢ ભાજપને નડી ગયા.પ્રજાને સ્પર્શતા મુદ્દાઓની કોંગ્રેસની વાત,
ખેડૂતોની આત્મહત્યાઓ, ખેડૂત દેવાં માફીની ખાતરી, યુવા વર્ગને નોકરીઓ આપવાની વાત
તેમજ કોમી સૌહાર્દ જાળવવાની વાતે પ્રભાવ પાડ્યો. નોટબંધી અને જીએસટીના પ્રતાપે
પ્રજાએ ભોગવવી પડેલી હાલાકી પણ મુદ્દા બન્યા.
ગુજરાતથી રાહુલની
નવી છબિ
ગુજરાત સહિતની દેશની
વર્ષ ૨૦૧૭ની ઉત્તર પ્રદેશ, પંજાબ, મણિપુર, ગોવા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશની વિધાનસભાઓની
ચૂંટણીઓમાં એકમાત્ર પંજાબ સિવાય અન્ય રાજ્યોમાં પરાજય છતાં રાહુલ ગાંધી હિંમત
હાર્યા નહીં. ભાજપ થકી રાહુલને પરાજયના સોદાગર ગણાવવામાં આવવા માંડ્યા હતા. હજુ
આજે પણ રાહુલ જ્યાં સભા યોજે ત્યાં
બેઠક જીતે છે કે હારે છે એની ચર્ચા થાય
છે. રાહુલના દાદા ફિરોઝ ગાંધી મૂળ ભરૂચના પારસી પરિવારના હતા.એમનાં લગ્ન પંડિત
જવાહરલાલ નેહરુનાં એકમાત્ર સંતાન એવાં ઇન્દિરાજી સાથે થયાં હતાં.નેહરુ ભારતના
પ્રથમ વડાપ્રધાન હતા.તેમનાં પુત્રી ઇન્દિરા પણ વડાંપ્રધાન બન્યાં હતાં. તેમજ જમાઈ ફિરોઝ પણ
સાંસદ હતા.ફિરોઝ અને ઇન્દિરાના બે દીકરા રાજીવ ગાંધી અને સંજય ગાંધી.રાજીવ
વડાપ્રધાન બન્યા હતા.ઈન્દિરાજી અને રાજીવ બંનેની આતંકવાદીઓએ હત્યા કરી હતી. બંને
દેશ કાજે શહીદ થયાં હતાં.સંજય સાંસદ હતા અને વિમાન અકસ્માતમાં માર્યા ગયા
હતા.તેમનાં પત્ની મેનકા ગાંધી અત્યારે મોદી સરકારમાં મંત્રી છે. સંજય-પુત્ર
ફિરોઝવરુણ ગાંધી પણ ભાજપના સાંસદ છે. સંજયના આજીવનમિત્ર રહેલા કમલનાથ મુખ્યમંત્રી
બનતાં ફિરોઝવરુણ ગાંધી કોંગ્રેસ ભણી ગતિ કરે તો નવાઈ નહીં. પિતરાઈ રાહુલ સાથે એમના
અંગત સંબંધ સારા જ રહ્યાં છે અને ભાજપની નેતાગીરીથી એ નારાજ ચાલે છે.રાજીવ-પત્ની
સોનિયા ગાંધી કોંગ્રેસનાં અધ્યક્ષા રહ્યાં અને કોંગ્રેસનાં સાંસદ છે.રાહુલ પણ
કોંગ્રેસના સાંસદ છે. ડિસેમ્બર ૨૦૧૭ની ગુજરાત
વિધાનસભા ચૂંટણીએ રાહુલના વ્યક્તિત્વમાં આમૂલ પરિવર્તન આણ્યું. વિધાનસભામાં
વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા જ નહીં બીજા ૧૪ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્યસભાની
ચૂંટણી ટાણે જ પક્ષ સાથે દગો કરીને ભાજપની છાવણીને મદદ કરવાનું નક્કી કર્યું. એ
છતાં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલ જીત્યા.રાજ્યમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા
ઉપરાંત નવી પેઢી અને અનુભવી પેઢી વચ્ચે તાલ મેળવીને પક્ષને મજબૂત કરવાનો પડકાર પણ
રાહુલ ગાંધી સામે હતો.એમણે તાજેતરની ચૂંટણીઓમાં એ સુપેરે નિભાવ્યો.
એનડીએના સાથીઓ સાથ
છોડતા થયા
ભાજપના નેતૃત્વવાળા
એનડીએના સાથી પક્ષો સાથ છોડવા માંડ્યા અથવા તો ખુલ્લેઆમ વડાપ્રધાન મોદી અને ભાજપની
ટીકા કરતા થયા.કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સાંસદો કે ધારાસભ્યો સ્વગૃહે પરત ફરવા
માંડ્યાનાં ઘણાં ઉદાહરણ મહારાષ્ટ્રમાં મળ્યાં છે. હમણાં જ મિઝોરમમાં કોંગ્રેસના
મુખ્યમંત્રી લાલ થનહવલાને ઘરભેગા કરીને મુખ્યમંત્રીપદે ફરીને આરૂઢ થઇ રહેલા
ઝોરામથંગાનો મિઝો નેશનલ ફ્રન્ટ પક્ષ એનડીએમાં હોવા છતાં તેમણે ભાજપનું મિઝોરમમાં
કોઈ કામ નહીં હોવાનું અને તેમને ભાજપના એક ચૂંટાયેલા ધારાસભ્યના ટેકાનો પણ ખપ નહીં
હોવાનું સ્પષ્ટ કર્યું છે.એમનું કહેવું છે કે મિઝોરમ ખ્રિસ્તી બહુલ રાજ્ય છે અને ભાજપ
અમને સદે નહીં.ભાજપના ચૂંટાયેલા સભ્ય લાલ થનહવલાની કોંગ્રેસ સરકારમાં રહેલા બૌદ્ધ
ચકમા એવા બુદ્ધ ધન ચકમા છે. મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપના મિત્ર પક્ષ
શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને તેમના સાંસદ તંત્રી સંજય રાઉત છાસવારે મોદી
અને ભાજપની જ નહીં મહારાષ્ટ્ર અને કેન્દ્રની સરકારની ટીકા કરતા રહે છે.એમણે લોકસભા
ચૂંટણી ભાજપથી અલગ લડવાનો ઠરાવ પણ પક્ષમાં કરાવી લીધો છે. બિહારના કેન્દ્રના
મંત્રી અને આરએલએસપીના સુપ્રીમો ઉપેન્દ્ર કુશવાહાએ પણ હમણાં કેન્દ્ર સરકારમાંથી
રાજીનામું આપીને કોંગ્રેસના વડપણવાળા યુપીએ ભણી ગતિ કરવાના સંકેત આપ્યા છે. તેમણે
તો વડાપ્રધાનના નેતૃત્વને પડકાર્યું છે.આરપીઆઈના વડા રામદાસ આઠવલે કેન્દ્રમાં
મંત્રી છે પણ મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં સરકાર સામે નિવેદનોનાં ઉંબાડિયાં કરતા
રહે છે.અગાઉ તેઓ શરદ પવારની મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા.લોક જનશક્તિ
પાર્ટીના રામવિલાસ પાસવાન પણ પવન જોઇને દિશા બદલવા માટે દ્રમુક કે અન્નાદ્રમુકની
જેમ કુશળ છે. લોજપા,દ્રમુક અને અન્નાદ્રમુક એ ત્રણેય પક્ષો એનડીએ અને યુપીએ
સરકારોમાં સાથી રહ્યા છે.તેઓ ગમે ત્યારે પલટી મારવા માટે જાણીતા છે. વાત માત્ર
રાજનેતાઓ પૂરતી સીમિત નથી. જહાજ ડૂબતું લાગે ત્યારે ઉંદરડા સૌથી પહેલાં ભાગે
છે.મોદી સરકારે નિયુક્ત કરેલા કેટલાક અધિકારીઓ અથવા નિવૃત્તો પણ સરકારમાંથી
રાજીનામાં આપવા માંડ્યા છે.સ્વયં મોદી સરકારે નિયુક્ત કરેલા રિઝર્વ બેંકના ગવર્નર
અને રિલાયન્સના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી ઉર્જિત પટેલ ઉપરાંત સુરજિત ભલ્લા જેવા
કેટલાક ટોચના આર્થિક સલાહકારો કે મોદી
સરકારની વિવિધ ઉચ્ચ સમિતિઓમાં રહેલા મહાનુભાવો પણ સરકાર સાથે છેડો ફાડતા રહ્યા છે.
દેશમાં ૩૧માંથી ભાજપના
માત્ર ૧૨ મુખ્યમંત્રી
ભારતમાં ૨૯ રાજ્યો
અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો છે.૨૯ રાજ્યો ઉપરાંત બે કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી
અને પુડુચેરીમાં વિધાનસભા અને મુખ્યમંત્રીનો હોદ્દો છે. મે ૨૦૧૪માં કેન્દ્રમાં
સત્તામાં આવ્યા પછી પ્રત્યેક રાજ્યમાં પોતાના રાજ્યપાલ કે નાયબ રાજ્યપાલ નિયુક્ત
કરનાર ભાજપ વર્ષ ૨૦૧૭ સુધી તો દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં ભગવો લહેરાવવાનો દાવો
કરતો હતો.જોકે એનાથી સાથી પક્ષો છૂટા થતા
રહ્યા એટલું જ નહીં, મોટાભાઈ તરીકેની કથિત જોહુકમીને કારણે કેટલાક સાથી પક્ષો
એનડીએનો સાથ છોડી ગયા અથવા તો જોડાણમાં રહીને પણ શિવસેનાની જેમ ખુલ્લેઆમ તેની નીતિરીતિ સામે વિરોધ કરતા રહ્યા
છે.આજે દેશનાં ૨૯ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો ધારાસભા ધરાવે છે. એ
૩૧માંથી માત્ર ૧૨ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી છે! કોંગ્રેસ કે અન્ય પક્ષોમાંથી
પક્ષપલટો કરાવીને પોતાના પક્ષમાં જોડીને રાજ્યોની વિધાનસભાઓમાં બહુમતી કરવાની
ભાજપની ફાવટ પણ સારી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ
પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મણિપુર, ત્રિપુરા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ આ
રાજ્યોમાં પણ મિત્ર પક્ષો સાથે ભાજપ સરકાર ચલાવે છે. ગોવા અને મણિપુરમાં તો સૌથી
મોટા પક્ષ તરીકે કોંગ્રેસ ચૂંટાયા છતાં ભાજપે સરકાર રચી હતી.આ કવાયતમાં પોતીકા
રાજ્યપાલોની ભૂમિકા મદદરૂપ થતી હોય છે.ભારતનાં
બાર સિવાયનાં તમામ રાજ્યો અન્ય પક્ષો દ્વારા શાસિત છે.લોકસભાની ચૂંટણી આવતાં
સુધીમાં તો સત્તા અને વિપક્ષના મોરચાઓમાં ઘણા બધા
ફેરફાર જોવા મળશે.જોકે મોદીના નેતૃત્વવાળા વીસ કરતાં વધુ પક્ષોના એનડીએ
સામે કોંગ્રેસ,ટીડીપી, દ્રમુક સહિતના વીસ કરતાં વધુ પક્ષોનું મહાગઠબંધન
ટકરાશે એ નિશ્ચિત. શક્ય છે કે એ વેળા
તેલંગણના મુખ્યમંત્રી કેસીઆરનો ત્રીજો મોરચો પણ બને.ભાજપ અને સંઘ પરિવાર વચ્ચે
દેખાડા પૂરતું રામમંદિર કે અન્ય મુદ્દે વિવાદનું વાતાવરણ બતાવવામાં આવે તો પણ સંઘ
પોતાના બાળક સમા ભાજપનાં હિતોની રક્ષા માટે સક્રિય રહે તે સ્વાભાવિક છે.કોંગ્રેસ
પાસે પંજાબ પછી જનતાદળ (સેક્યુલર) સાથે કર્ણાટક તેમજ બટુક કેન્દ્રશાસિત પુડુચેરી
પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આવતાં આવતા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં
ખરાખરીનો જંગ જોવા મળશે.
ઈ-મેઈલ : haridesai@gmail.com
No comments:
Post a Comment