Wednesday 12 December 2018

Kautilya, Corruption and Paper Leak


ભ્રષ્ટાચારની ગંગોત્રી: કૌટિલ્યના અર્થશાસ્ત્રથી લઈને લોકરક્ષકકાંડ લગી
ડૉ.હરિ દેસાઈ
પવિત્ર ગંગા નદી હવે અબજોના ખર્ચે પણ શુદ્ધ થતી નથી. ગુજરાતીમાં તો ભ્રષ્ટાચાર સાથે ગંગોત્રીનું નામ પણ જોડાઈ જ ગયું છે. અઢી હજાર વર્ષ પહેલાં થઇ ગયેલા અને “પૂર્વના મૅકિયાવેલી” તરીકે ઓળખાયેલા કૌટિલ્યે લખેલા રાજયશાસન વ્યવસ્થા (પૉલિટી) અંગેના ગ્રંથ ”અર્થશાસ્ત્ર”ની એકાદ સદી પહેલાં મળેલી હસ્તપ્રત પછી દુનિયાભરમાં એની ચર્ચા રહી. કૌટિલ્ય પણ શાસન વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર હોય જ એવું લખે છે,પણ એને નાથવાના ઉપાયો જરૂર સૂચવે છે. આઝાદ ભારતમાં પણ ભ્રષ્ટાચાર ક્યારેક મુદ્દો બને  છે તો ક્યારેક શિષ્ટાચાર તરીકે સ્વીકારાઈ જાય છે. બધા જ રાજકીય પક્ષો પારદર્શી શાસનના અગસ્ત્ય ઋષિ જેવા વાયદા તો કરે છે,પણ ભ્રષ્ટાચાર જુદા જુદા સ્વરૂપે વ્યવસ્થામાં પોતાનો પ્રભાવ પાથરતો જાય છે. સરકારી નોકરીમાં જોડાવા માટે પહેલાં પ્રવેશ પરીક્ષા પાસ કરવા આગોતરી વ્યવસ્થા પેટે  લાખો રૂપિયા ચૂકવીને ઉમેદવારોને પહેલાંથી પ્રશ્નપત્ર  ફોડી દેવાની કે ઇન્ટર્વ્યૂમાં પસંદગી માટે  નાણાં સાટે પાકું કરી દેવાના કૉન્ટ્રેક્ટ લેવાની એજન્સીઓ ચાલે છે. આ બધું રાજકીય સત્તાધીશો અને સંબંધિત અધિકારીઓની સામેલગીરીથી ચાલે છે. કૌભાંડ બહાર આવે તો નાનાં માછલાં પકડાઈ જાય છે અને મોટાં માથા એમને બચાવી લેવાની વેતરણમાં રહે છે.
પરીક્ષાનાં પેપર ફોડવાનો ધંધો
દેશવિદેશમાં ક્યારેક ગુજરાત મોડેલની ખૂબ ચર્ચા હતી.આજકાલ ગુજરાત સરકારી નોકરીઓનાં મહાકૌભાંડોના નામે બદનામ થઇ રહ્યું છે. તલાટી ભરતી કૌભાંડ, શિક્ષક પરીક્ષા (ટાટ) કૌભાંડ પછી હવે તાજું લોકરક્ષક પરીક્ષા કૌભાંડ ચર્ચામાં આવ્યું છે.અગાઉનાં કૌભાંડોની તપાસ અને ધરપકડો પછી પાછું બધું શમી જતું હોય છે.તાજેતરમાં આઠ-નવ  લાખ કરતાં વધુ ઉમેદવારો માત્ર નવ હજાર જેટલી લોકરક્ષક (હંગામી-ફિક્સ પગારવાળા પોલીસ કોન્સ્ટેબલ, જેમને પાંચ વર્ષ પછી કાયમી નોકરીમાં સમાવાય)ની જગ્યાઓ માટેની પરીક્ષામાં બેસવાના હતા. આવા તબક્કે જ  તેમની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટ્યું. કેટલાકને એ પ્રશ્નપત્રની આન્સર-કી લાખોમાં વેચવાનું પ્રકરણ બહાર આવ્યું.એ દ્રષ્ટિએ સમગ્ર પ્રકરણનો અંદાજ ૪૫૦ કરોડ રૂપિયાના કૌભાંડનો મૂકાય છે. વાડ જ ચીભડાં ગળતી હોય એવો માહોલ સામે આવ્યો.પોલીસ અધિકારીઓ અને સત્તારૂઢ ભાજપના હોદ્દેદાર કાર્યકરોની એમાં સંડોવણી બહાર આવતાં એમની ધરપકડો અને પોલીસ રિમાન્ડનો દોર શરૂ થયો. મીડિયાને મસાલો મળ્યો અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સંયોજક હાર્દિક પટેલે તો રાજ્યની ભાજપ સરકારના મંત્રી રહેલા શંકરભાઈ ચૌધરી પર આ પ્રકરણમાં સંડોવણીના ખુલ્લા આક્ષેપ કર્યા. સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ થવાને બદલે એને રાજકીય સ્વરૂપ મળી ગયું છે. રાજકીય નેતાઓ અને ચળવળકારો તથ્યોને આધારે વાત કરવાને બદલે બેફામ વાણીવિલાસ કરતા વધુ જણાય છે. આમપણ, રાજકીય શાસકોનો વહીવટીતંત્ર પર કડપ કેવો છે એના પર ઘણો બધો મદાર છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ભાગ્યેજ આવાં કોઈ કૌભાંડો કે ભરતી કૌભાંડોની ચર્ચા જોવા મળતી હતી. અત્યારે છાસવારે આવા ઘટનાક્રમની ગાજવીજ થયા કરે છે. કૅબિનેટમાં બેઠેલા મહાનુભાવો સુધી આક્ષેપ અને પ્રતિઆક્ષેપ થયા કરે છે, પણ અંતે તો  પાણી વલોવીને માખણની અપેક્ષા કરવા જેવું ચિત્ર ઊભું થાય છે.
ભ્રષ્ટાચાર બન્યો શિષ્ટાચાર
ભારતીય વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના યુગમાં એમના નામે એક વાક્ય ખૂબ પ્રચલિત બન્યું હતું: ભ્રષ્ટાચાર તો શિષ્ટાચાર બની ગયો છે. અત્યારે ફેક ન્યૂઝ અને પ્લાન્ટિંગ ઑફ ન્યૂઝના યુગમાં સમજવું મુશ્કેલ છે કે ખરેખર એ વેળાનાં વડાપ્રધાન શ્રીમતી ગાંધીએ આવું કહ્યું હતું કે એમના નામે એ કથનને ચડાવી દેવાયું હતું. જોકે એમના મોટા પુત્ર રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ૧૯૮૫માં મુંબઈમાં કૉંગ્રેસ પક્ષની શતાબ્દી ઉજવણી વખતે એ વાક્ય જરૂર બોલ્યા હતા કે દિલ્હીથી હું એક રૂપિયો ગામડે મોકલાવું છું પણ એ ગામ સુધી પહોંચતાં માત્ર ૧૫ પૈસા જ થઇ જાય છે. એનો અર્થ એ કે તેમણે આવા ભ્રષ્ટાચારની  નાબૂદીની  ઝુંબેશ ચલાવવાનો સંકલ્પ કર્યો હતો. દુનિયાભરમાં લશ્કરી દળો માટે થતા શસ્ત્રોના સોદાઓમાં વચેટિયા કે દલાલ હોય છે અને એમને  દલાલી ચુકવાતી હોય છે.રાજીવે એવી દલાલી પ્રથાને બંધ કરવા વચેટિયાને ચુકવણું ટાળવાનો નિયમ કર્યો,પણ એ પોતે જ બોફોર્સના ૬૪ કરોડ રૂપિયાના વચેટિયાને  ચુકવણીના કળણમાં ફસાઈ ગયા. ભારત સરકારે આજ લગી એ ૬૪ કરોડ રૂપિયા કોના ખિસ્સામાં ગયા એ શોધવા માટે ૫૫૦ કરોડ રૂપિયાથી વધુ રકમ ખર્ચી હોવા છતાં આજ લગી જાણી શકાયું નથી કે એ કોના ખિસ્સામાં ગયા!
કૌટિલ્યના “અર્થશાસ્ત્ર”માં બોધદર્શન  
હકીકતમાં તો અઢી હજાર વર્ષ પહેલાં તક્ષશિલા વિદ્યાપીઠ અને મૌર્ય સામ્રાજ્ય સાથે સંબંધ ધરાવતો કૌટિલ્ય કે ચાણક્ય માંડ પાંચસો વર્ષ પહેલાં અત્યારના ઈટલીમાં થઇ ગયેલા નિકોલો મૅકિયાવેલીનો પૂર્વજ ગણાય.રાજયશાસન વ્યવસ્થા અંગે વાસ્તવમાં “ધ પ્રિન્સ”ના રચયિતા મૅકિયાવેલીને  “કૌટિલ્ય ઑફ વેસ્ટ” તરીકે ઓળખાવવો જોઈએ. કમનસીબી તો જુઓ કે ભારત આઝાદ થયાને સાત દાયકા વીત્યા છતાં કોઈ યુનિવર્સિટીમાં “અર્થશાસ્ત્ર” ભાગ્યેજ ભણાવવામાં આવે છે. કેટલીક શિક્ષણ સંસ્થાઓમાં સંસ્કૃતમાં એનો આછેરો અભ્યાસ કરાવાય છે,પણ મૅકિયાવેલી જરૂર ભણાવાય છે! સરકારીતંત્રમાં ભ્રષ્ટાચાર હોય જ એ વાત કૌટિલ્ય ગાઈવગાડીને કહે છે, પણ એને અંકુશમાં કઈ રીતે લાવી શકાય એના ઈલાજ પણ એ બતાવે છે. “અર્થશાસ્ત્ર”ના નવમા અધ્યાયમાં એ બાબતને વિગતે વર્ણવવામાં આવી છે. કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર” મૂળ સંસ્કૃતમાં રચાયેલું છે. વર્ષ ૧૯૮૨માં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના અધ્યક્ષ એવા નિવૃત્ત આઈસીએસ અધિકારી તેમજ ભારતના કૅબિનેટ સચિવ ઉપરાંત નાણાં અને ગૃહ મંત્રી રહેલા એચ.એમ.પટેલે “અર્થશાસ્ત્ર” ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવ્યું ત્યારે એમણે નોંધ્યું હતું કે રશિયન ભાષામાં “અર્થશાસ્ત્ર” પ્રકાશિત થયું ત્યારે એની લાખો નકલો વેચાઈ હતી. આવા ગ્રંથ પ્રત્યે સમગ્ર ભારત આજે પણ ઉદાસીન છે.
જીભ પરના મધ અને ઝેર
કૌટિલ્યના ગ્રંથના નવમા અધ્યાયમાં સંસ્કૃતમાં જે બોધ રજૂ થયો છે એ ગુજરાતીમાં કંઈક આવા શબ્દોમાં મૂકી શકાય : “ઈચ્છા હોય કે ન હોય તો પણ જીભ પર મૂકેલા મધ કે ઝેરનો સ્વાદ અવશ્ય લેવાઈ જ જાય, એવી રીતે રાજાના ધનની લેવડ-દેવડનાં કાર્યો પર નીમાયેલા કર્મચારીઓ  રાજધનનો થોડોક પણ સ્વાદ ન લે, એમ કદાપિ બની શકતું નથી.તેઓ ઓછા-વત્તા પ્રમાણમાં રાજધનનું અપહરણ અવશ્ય કરતા જ રહે.” (૯:૩૬)  “આકાશમાં ઉડતાં પક્ષીઓની ગતિને જાણી શકાય છે,પરંતુ ગુપ્ત રીતે રાજાના ધનનું અપહરણ કરનારા રાજ કર્મચારીઓની ગતિને (ધન ઉચાપત કરવાની રીત કે પ્રકાર) જાણવાનું કામ અતિ કઠીન છે.” (૯:૩૮)  “એટલા માટે આવા પ્રકારના કર્મચારીઓના વિષયમાં રાજા માટે ઉચિત છે કે, ધનનું અપહરણ કરીને માતબર થયેલા, તે અધ્યક્ષો અથવા કર્મચારીઓ પાસે કેટલું ધન છે, તે તેમની સમૃદ્ધિ-વૈભવ પરથી અથવા ગુપ્તચરો દ્વારા પ્રથમ, સારી પેઠે જાણી લઈને  તેમની પાસેથી તે બધું જપ્ત કરી લેવું,પછી તે કર્મચારીઓને તેમના હોદ્દા પરથી નીચે ઉતારી મૂકવા ને તેમને હલકાં કામો પર નીમવા.જેથી તેઓ ફરીથી ધન અપહરણ ન કરી શકે ને અપહરણ કરેલું ધન તેઓ આપમેળે જ ઓકી નાંખે-પાછું આપી દે! (૯:૩૯) “જે અધ્યક્ષો-કર્મચારીઓ રાજધનનું ક્યારેય અપહરણ કરતા નથી ને ન્યાયપૂર્વક રાજધનની વૃદ્ધિ કરવામાં સદા તત્પર રહે છે ને રાજાનું પ્રિય તથા હિત કરવામાં જ લાગેલા રહે છે તેવા અધ્યક્ષોને હંમેશાં ઉચ્ચ પદ પર નીમવા અને તેમના પગારમાં વધારો કરવો. (૯:૪૦)  આનાથી ઉલટું વર્તમાન સમયમાં તમામ રાજકીય પક્ષો કેટલાક એવા લોકોને પણ ધારાસભા કે લોકસભા માટે પોતાના ઉમેદવાર બનાવીને એ પવિત્ર ગૃહોમાં મોકલે છે જે કાંતો પોતે સસ્પેન્ડ થયેલા પોલીસ કૉન્સ્ટેબલ હોય કે પછી કેટલાક ગુનાઓમાં સંડોવાયેલા હોય! વર્તમાન સમયમાં ફરીને લોકશાહી પરંપરાને મજબૂત કરવા અને પ્રજાના કલ્યાણ માટે ભ્રષ્ટાચારને વેગ આપનારાઓને બદલે વ્યક્તિગત અને જાહેર જીવનમાં સાધનશુદ્ધિનો આગ્રહ રાખનારા હોય તેવાઓને પ્રાધાન્ય આપવું. કમસે કામ જયારે ભારત સરકાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દી (૧૫૦મી) મનાવે છે ત્યારે તો આવો આગ્રહ સેવી શકાય.
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment