Wednesday, 19 December 2018

Who’s Copyright on Bharat Mata ki Jai? Read Nehru in Discovery of India


Dr. Hari Desai writes weekly column in Gujarat Samachar of ABPL Group, London 15 December 2018 You may read the full text and comment.
નેહરુયુગના નારા ભારતમાતા કી જયના વિવાદમાં રાહુલ વિરુદ્ધ મોદી: ડૉ.હરિ દેસાઈ
ભાજપી મુખ્યમંત્રી ફડણવીસે જાહેર કર્યું કે જે ભારતમાતા કી જયબોલે નહીં એમને આ દેશમાં રહેવાનો અધિકાર નથી
ભારતનાં હિંદુવાદી સંગઠનો મુસ્લિમો પર વંદે માતરમ્‌ બોલવા કે ભારતમાતા કી જયબોલવાનું દબાણ કરી હરખ કરે છે
ભાજપના સાંસદ ફિરોઝવરુણ ગાંધી કહે છે કે નાનાજીની જેમ લાંબો જેલવાસ ભોગવી વડાપ્રધાનપદ મળે તો પણ તૈયારી નહીં
પંડિત નેહરુના મતે, ભારતમાતા તત્વતઃ હિંદની કરોડોની બનેલી આમ જનતા  છે અને એનો જય એટલે કે એ જનતાનો જય

ભારતનાં પાંચ રાજ્યોની  વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચારનો સ્તર કેવો રહ્યો એ વિશે કંઇ કહેવા જેવું નથી,પણ “ભારતમાતા કી જય”ના મુદ્દે કેવા વરવા વિવાદ સર્જાયા એ સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને વિપક્ષ કૉંગ્રેસ બેઉને માટે શરમજનક કહી શકાય. ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરતાં કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને ભાજપના ટોચના નેતા નરેન્દ્ર મોદીને મહેણું મારતાં કહ્યું કે મોદીજી દરેક ભાષણની શરૂઆત “ભારતમાતા કી જય”થી કરે છે,પણ હકીકતમાં એમણે તો એમના મળતિયાઓ અનીલ અંબાણી, નીરવ મોદી અને મેહુલ ચોકસીની જય બોલાવીને ભાષણની શરૂઆત કરવી જોઈએ. ઉદ્યોગપતિ અનીલ અંબાણીનું નામ હમણાં રાફેલ સોદા અંગે ચર્ચામાં છે, જયારે હીરા-ઝવેરાતના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી હજારો કરોડ રૂપિયાની બેંક લોનો ભરપાઈ કર્યા વિના દેશ છોડી ગયા હોવાથી એમની સામે ખટલા દાખલ કરાયેલા છે. રાજસ્થાનમાં ગુજરાતના સુરેન્દ્રનગરના ભાજપી સાંસદ દેવજી ફતેપુરાએ ચૂંટણી પ્રચારમાં રાહુલ માટે “પપ્પૂ” શબ્દપ્રયોગ કર્યો તો સ્થાનિક આદિવાસી કૉંગ્રેસી નગરસેવિકાએ વિરોધ નોંધાવીને સાંસદ કને માફી મંગાવી  અને એમને ભાગવાની ફરજ પાડી હતી.ચૂંટણી પ્રચાર ખૂબ આક્રમક રીતે થઇ રહ્યો હતો ત્યારે વડાપ્રધાન મોદી પણ રાહુલ ગાંધીનો વારો કાઢી ના લે તો મોદી નહીં. એમણે સીકરની સભામાં કહ્યું કે કૉંગ્રેસે ફતવો બહાર પડ્યો છે કે અમારે “ભારતમાતા કી જય” બોલવું નહીં. વાતનું વતેસર કરવાનું બંને પક્ષે સ્વાભાવિક જોવા મળતું હતું. હકીકતમાં કૉંગ્રેસનો ઈતિહાસ “ભારતમાતા કી જય” બોલાવવાનો રહ્યો હોવા છતાં આજકાલ ભાજપ અને સંઘ પરિવારમાં જ ભાષણની શરૂઆત કે અંત “ભારતમાતા કી જય”ના નારાથી થતો હોવાથી જાણે કે એ નારો ભગવી બ્રિગેડનો કૉપીરાઇટ હોય એવી છાપ ઉપસી છે. સામે પક્ષે કૉંગ્રેસવાળા પોતાના ઇતિહાસનો પણ અભ્યાસ કરવાનું ટાળતા હોવાથી કે એ વિશે  ઉદાસીન હોવાને  કારણે વાજબી વાત પણ રજૂ કરવામાં વિફળ રહે છે.
દેશ છોડવાની અપાતી ધમકીઓ
નવાઈ એ વાતની છે કે ભારતમાં સુપ્રીમ કૉર્ટના ચુકાદા અનુસાર કોઈને રાષ્ટ્રગીત “જન ગણ મન” ગાવાની ફરજ પાડી શકાતી નથી ત્યાં ભાજપના નેતાઓ અને સંઘ પરિવારના અગ્રણીઓ છાસવારે ઘોષણાઓ કરતા ફરે છે કે “ઇસ દેશ મેં રહના હૈ તો ભારતમાતા કી જય બોલના પડેગા” કે “ઇસ દેશ મેં રહના હૈ તો વંદે માતરમ્ કહના હોગા”. આ વાત ભાવનાત્મક બની જાય છે અને ક્યારેક તો વિધાનસભામાં ધાંધલ સર્જે છે. મહારાષ્ટ્રમાં એક મુસ્લિમ ધારાસભ્યે ભારતમાતા કી જય બોલવાનો ઇનકાર કર્યો ત્યારે એને  ઝૂડી નાંખવા ઉપરાંત સભ્યપદેથી વંચિત કરવાનો પ્રયાસ પણ સર્વપક્ષી નેતાઓએ કર્યો હતો. સ્વયં ભાજપી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ જાહેર કર્યું હતું કે જે લોકો “ભારતમાતા કી જય” બોલે નહીં એમને આ દેશમાં રહેવાનો અધિકાર નથી. આની સામે દારુલ ઉલૂમે ફતવો બહાર પડ્યો હતો કે વંદે માતરમની  જેમ જ મુસ્લિમો “ભારતમાતા કી જય” બોલી શકે નહીં કારણ કે ઇસ્લામ મૂર્તિપૂજામાં માનતો નથી. હિંદુવાદી સંગઠનો મુસ્લિમો પર વંદે માતરમ્ બોલવા કે “ભારતમાતા કી જય” બોલવાનો આગ્રહ કરીને ઈડરિયો ગઢ જીત્યાનો હરખ કરે છે,પણ સુપ્રીમ કૉર્ટે આપેલા ચુકાદાનું અનુસરણ કરાવવા અથવા નવું સર્વસ્વીકૃત રાષ્ટ્રગીત તૈયાર કરીને અમલમાં લાવવાની દિશામાં કોઈ પહેલ થતી નથી. આઝાદીની લડાઈના દિવસોમાં હિંદુ અને મુસ્લિમ સાથે મળીને “ભારતમાતા કી જય” કે વંદે માતરમ્ બોલતા હતા એ વાતને સમજદારીપૂર્વક મુસ્લિમોને ગળે ઉતારવાનો પ્રયાસ કરવાને બદલે આવા નારા ના લગાવવા હોય તો પાકિસ્તાન ચાલ્યા જાવ, એવાં નિવેદન સત્તાપક્ષના જવાબદારો કરે ત્યારે એની પાછળના હેતુ ઝગારા માર્યા વિના રહેતા નથી.
“ભારતમાતા કી જય” વિશે નેહરુ
આઝાદીના જંગમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલના અનન્ય સાથી અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ “ભારતમાતા કી જય” વિશે શો મત વ્યક્ત કર્યો છે એ કૉંગ્રેસી આગેવાનો વાંચે તો તેઓ પણ પોતાની સભાની શરૂઆત “ભારતમાતા કી જય”ના નારાથી જ કરાવે. કમનસીબે કૉંગ્રેસની વર્તમાન પેઢી એના ભવ્ય ઇતિહાસથી અજાણ છે અને એ વિશે ઉદાસીન રહેવાનું પસંદ કરે છે કે એમને સરળતાથી ભાજપ કે અન્ય રાજકીય પક્ષોના નેતાઓ મહાત આપી શકે. એપ્રિલ ૧૯૪૪થી સપ્ટેમ્બર ૧૯૪૪ના ગાળા દરમિયાનના પાંચ મહિના સુધી નેહરુ અહમદનગર કિલ્લાના કારાવાસમાં હતા ત્યારે તેમણે જે ગ્રંથ લખ્યો એનું નામ “ડિસ્કવરી ઑફ ઇન્ડિયા”. ગુજરાતીમાં મણિભાઈ ભ.દેસાઈએ એનો અનુવાદ “મારું હિંદનું દર્શન” એ શીર્ષક હેઠળ કરીને ઉપલબ્ધ કરાવ્યો છે. આ ગ્રંથમાં પંડિતજીએ “ભારતમાતા કી જય” વિશે વિસ્તારથી લખીને એને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો છે. નેહરુના દોહિત્ર અને ભાજપના સાંસદ ફિરોઝ-વરુણ ગાંધી પોતાના નાનાએ આઝાદીની લડત દરમિયાન ૧૫ વર્ષ માટે જેલવાસ ભોગવ્યાનું કહેતાં ઉમેરે છે કે મને કોઈ કહે કે તમે ૧૫ વર્ષ જેલમાં રહો તો તમને અમે વડાપ્રધાન બનાવીશું તો હું કહું કે “ભૈયા, માફ કરો.આદમી કી જાન હી નિકલ જાયેગી.” પોતાના નાના નેહરુ ૧૫ વર્ષ જેલમાં રહ્યાનું વરુણ કહે છે, પણ વાસ્તવમાં પંડિતજી  ડિસેમ્બર ૧૯૨૧ અને ૧૫ જૂન ૧૯૪૫ દરમિયાન ૮ વર્ષ ૧૧ મહિના અને ૭ દિવસ જેલમાં રહ્યાનું અધિકૃત દસ્તાવેજમાં નોંધવામાં આવ્યું છે.
સઘળી પ્રજા પોતે જ ભારતમાતા
જવાહરલાલજીએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર તેમજ સંસ્કૃત ભાષા વિશે અદભુત લખાણ કર્યું છે. મહદઅંશે લંડનમાં ભણીને સ્નાતક જ નહીં, બૅરિસ્ટર પણ થયેલા પંડિત નેહરુએ ભારતમાં જેલમાં રહી ગહન અધ્યયન કરીને કે સાથી જેલવાસી મહાનુભાવો સાથે ચર્ચા વિચારણા કરીને પોતાના ગ્રંથમાં ભારતમાતા વિશે કાંઇક આવા શબ્દો નોંધ્યા છે:
“સભાના સ્થળે હું પહોંચતો ત્યારે કેટલીક વાર “ભારતમાતા કી જય”ના ગગનભેદી પોકારથી મારું સ્વાગત કરવામાં આવતું. કોઈક વાર અચાનક જ હું તેમને પૂછતો કે, એ પોકારનો તમે શો અર્થ સમજો છો? જેનો જય થાય એમ તમે ઈચ્છો છો તે ભારતમાતા કોણ છે? મારો પ્રશ્ન સાંભળીને તેઓ રમૂજમાં આવી જઈને હસતા અને આશ્ચર્ય પામતા અને શો જવાબ આપવો તેની બરાબર ખબર ન હોવાથી તેઓ અંદર અંદર એકબીજાની તરફ અને પછી મારી તરફ જોઈ રહેતા.પણ હું પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખતો. છેવટે,અનંત પેઢીઓથી જેના પૂર્વજો ભૂમિને ખોળે ઊછરતા આવ્યા હતા એવો એક કદાવર જાટ કહે છે કે એનો અર્થ આ ધરતી છે, એમ અમે સમજીએ છીએ.પણ કઈ ધરતી? તમારા ગામની ધરતીનો ટુકડો  કે તમારા જિલ્લા યા પ્રાંતની ધરતીના એવા બધા ટુકડા કે પછી આખા હિંદની ધરતી? આમ સવાલજવાબોની પરંપરા ચાલતી અને છેવટે અધીરા થઈને તેઓ એને વિશે બધું ય કહેવાને મને જણાવતા.”  
“હું એમ કરવાનો પ્રયત્ન કરતો અને તેમને સમજાવતો કે, તમે જે વિચારો છો એ બધાનો હિંદમાં અથવા ભારતમાં સમાવેશ થાય છે પણ તે એનાથીય વિશેષ છે. હિંદના પર્વતો અને નદીઓ અને આપણને ખોરાક પૂરો પાડનારાં જંગલો તથા ખેતરો આપણને વહાલાં છે પણ આખરે તો આ વિશાળ દેશના એક છેડાથી બીજા છેડા સુધી વસતા તમારા અને મારા જેવા લોકો એટલેકે સમસ્ત હિંદની પ્રજા એ જ મહત્વની વસ્તુ  છે. ભારતમાતા તત્વતઃ હિંદની કરોડોની બનેલી આમજનતા  છે અને એનો જય એટલે કે એ જનતાનો જય. મેં તેમને કહ્યું કે, એ ભારતમાતામાં તમારો સૌનો સમાવેશ થાય છે અને એ જ રીતે તમે પોતે જ ભારતમાતા છો. અને આ વસ્તુ ધીમે ધીમે તેમને ગળે ઉતરતી અને એ વખતે પોતે જાણે કંઇ ભારે શોધ કરી હોય એમ તેમની આંખો ચમકી ઊઠતી.”  ભારતની સર્વસમાવેશક ભૂમિકા અને ભારતના આત્માનો પરિચય પણ પંડિતજીએ  અહીં આપી જ દીધો. અત્યારે કેટલીક ક્ષુલ્લક બાબતોના વિવાદ જગાડવામાં આવતા હોય છે ત્યારે આઝાદીકાળનાં વિરાટ વ્યક્તિત્વોએ રજૂ કરેલી શાશ્વત ભૂમિકા ભણી થોડી નજર કરી લેવામાં જ ગનીમત.
 ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment