Wednesday 7 November 2018

BJP God-father Dr.Syama Prasad opposed to Hindu Rashtra


ભાજપના આસ્થાપુરુષ શ્યામાપ્રસાદ મુકરજી હિંદુરાષ્ટ્રના વિરોધી: ડૉ. હરિ દેસાઈ
·         શ્યામાબાબુ કોંગ્રેસી ધારાસભ્ય, હિંદુ મહાસભાના અધ્યક્ષ, નેહરુના ઉદ્યોગપ્રધાન અને જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ રહ્યા
·         કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા કુલપતિ થકી નોબેલવિજેતા  સી. વી. રામનની હકાલપટ્ટી ને ભારત છોડોનો દ્રોહ
·         ૧૯૪૦માં મુસ્લિમ લીગ અધિવેશનમાં પાકિસ્તાન ઠરાવફઝલુલ હકની ૧૯૪૨ની સરકારમાં મુકરજી નાણાં મંત્રી રહ્યા
·         કાશ્મીર મુદ્દે શહીદી વહોરનાર અપ્રતિમ નાયકના હત્યારા અબ્દુલ્લાના પરિવાર સાથે અનુગામીઓનાં સત્તાનાં સહશયન

અત્યારે ભારત પર જેનું શાસન છે એ ભારતીય જનતા પક્ષ(બીજેપી)નો પૂર્વ અવતાર ગણાતો રાજકીય પક્ષ એટલે ભારતીય જનસંઘ(બીજેએસ). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી) અને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીએ મળીને કરેલા સંકલ્પનું ફળ એટલે ૧૯૫૧માં શ્યામાબાબુની અધ્યક્ષતામાં સ્થપાયેલો એ પક્ષ. આજે એ વટવૃક્ષ બન્યો છે. ભારતીય જનતા પક્ષના બે આદ્યપુરુષોની છબિઓ એના કોઈપણ મહત્વના  દિવસે પાર્શ્વભૂમાં ઝળકે છેઃ એક ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી અને બીજા પંડિત દીનદયાળ ઉપાધ્યાય. બંનેનાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયાં હતાં. સુભાષચંદ્ર બોઝ અને લાલ બહાદુર શાસ્ત્રીનાં રહસ્યમય મૃત્યુના રહસ્ય પરથી પડદો ઊંચકવાની છાસવારે ઘોષણા કરનારા વર્તમાન શાસકોએ પોતાના બે આસ્થાપુરુષનાં રહસ્યમય મૃત્યુ પરથી પડદો ઊંચકવાની કોશિશોની હવે માંડવાળ કરી લાગે છે. જ્યાં લગી કૉંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યાં લગી નેહરુ સરકારને કે નેહરુ - પુત્રીની સરકારને તેમનાં મૃત્યુનાં રહસ્ય ઉકેલવામાં  રસ નહીં હોવાની ભાંડણલીલા ચાલતી રહી હતી.

૬ જુલાઈ ૧૯૦૧ના રોજ જન્મેલા અને ૨૩ જૂન ૧૯૫૩ના રોજ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલા શ્યામપ્રસાદ મુકરજીએ માત્ર ૫૨(બાવન) વર્ષની નાની ઉંમરમાં એટલું બધું યોગદાન કર્યું કે આજે પણ દેશ એમનું સ્મરણ કરે છે. બંગાળ ભાજપના સંઘનિષ્ઠ અધ્યક્ષ રહેલા અને મોદીયુગમાં ત્રિપુરા પછી મેઘાલયના  રાજ્યપાલ તથાગત રાયે એમની જીવનકથા લખીને એનું શીર્ષક આપ્યું છેઃ અપ્રતિમ નાયક ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી.’ ૨૩ જૂન ૧૯૫૩ના રોજ જમ્મૂ-કાશ્મીરના પ્રીમિયર (મુખ્યમંત્રી) શેખ અબ્દુલ્લાની સરકારના કેદી તરીકે રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલા શ્યામાબાબુને ભાગ્યે જ અણસાર આવ્યો હશે કે એમને જમ્મૂ-કાશ્મીરની સરહદે વળાવવા ગયેલા અટલ બિહારી વાજપેયી ભવિષ્યમાં એમની જ હત્યા માટે જવાબદાર ગણાયેલા અબદુલ્લા પરિવારનાં ફરજંદો સાથે સત્તા કાજે સમાધાન કરશે. ‘શેર હમારા મારા હૈ, અબ્દુલ્લાને મારા હૈના નારા લગાવનારા સંઘ-જનસંઘ-ભાજપના કાર્યકરોએ સત્તાકાજે અબ્દુલ્લાના પુત્ર ડૉ. ફારુક અબ્દુલ્લા અને પૌત્ર ઓમર અબ્દુલ્લાને અટલ-અડવાણી સાથે જોઈને કદાચ આઘાત અનુભવ્યો હશે. વાજપેયી સરકારમાં ઓમર વિદેશ રાજ્યમંત્રી હતા અને ભાજપના વડપણવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ) થકી જમ્મૂ-કાશ્મીરમાં ડૉ. ફારુક અબ્દુલ્લાની સરકાર હતી. અત્યારના ભાજપી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદથી જમ્મૂ-કાશ્મીરમાં અબ્દુલ્લાવિરોધી રાજકીય પરિવાર અને અગાઉના કોંગ્રેસી એવા મુફ્તીના પક્ષ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી સાથે ભાજપની સંયુક્ત સરકાર અસ્તિત્વમાં આવી.બાપ-બેટીને ચૂંટણી પ્રચારમાં ભાંડ્યા પછી જ એમના જ પક્ષ સાથે ઘર માંડવાનો વારો આવ્યો.બંને પક્ષના તલાક પણ થયા, અસ્સલ અગાઉ અબદુલ્લાના પક્ષ સાથે થયા હતા એમજ. વી. પી. સિંહના વડા પ્રધાનપદ વખતે મુફ્તી મોહમ્મદ સઈદ કેન્દ્રના ગૃહપ્રધાન હતા. એમની દીકરી રુબિયાના અપહરણની ઘટના એ વેળા બની હતી. રુબિયાને છોડાવવા સાટે અમુક ત્રાસવાદીઓને જેલમુક્ત કરાયા ત્યારે ભાજપની નેતાગીરીએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. સત્તા કાજે પલટીઓ મારવાનું રાજકીય પક્ષો અને નેતાઓ માટે સહજ છે. દરેક વખતે અનુકૂળ તર્ક આપવાનું એમની પાસે તૈયાર જ હોય છે.પ્રેમ અને જંગમાં બધું જ વાજબી જ  હોય છે. નવાઈ એ વાતની છે કે આદર્શ અને નીતિમૂલ્યોના પ્રણેતા અને પુરસ્કર્તા મનાતા રાજનેતાઓના વ્યક્તિત્વનાં આવાં નોખાં પાસાં પ્રકાશમાં આવે ત્યારે એમના ભણી આસ્થાની નજરે જોનારાની શ્રદ્ધા પણ ક્યારેક ડગવા માંડે છે. જોકે રાજકારણમાં આવનારાઓ મંજીરા વગાડવા માટે આવતા નથી એટલે એમની સત્તા માટેની કોશિશોને વાસ્તવદર્શી દૃષ્ટિએ જ નિહાળવી પડે.

બંગાળમાં કોલકતાના અંગ્રેજનિષ્ઠ પરિવારમાં જન્મેલા અને ઉછરેલા શ્યામાબાબુ ભદ્રલોક બ્રાહ્મણ પરિવારનું ફરજંદ. સર આશુતોષ મુકરજી કે મુખોપાધ્યાયના એ તેજસ્વી પુત્ર. સૌથી નાની વયે(૩૩) તેઓ કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ બન્યા એટલું જ નહીં, બબ્બે મુદ્દત માટે એક કુલપતિ રહ્યા. એ દરમિયાન ઘણા બધા શૈક્ષણિક સુધારા કરી શક્યા. પિતા પણ કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ રહ્યા. અંગ્રેજ સરકાર અને બંગાળના ગવર્નર સાથે સારો ઘરોબો. ભણતરની કારકિર્દી તેજસ્વી. ભારતમાં એ બી.., એમ.. થવા ઉપરાંત વકીલાતની પદવી મેળવ્યા પછી લંડન જઈને બેરિસ્ટર પણ થઈ આવ્યા. જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં શ્યામાબાબુએ વકીલાતના ઝાઝા કેસ લડ્યા નહીં, પણ પિતા સર આશુતોષ મુકરજીએ કલકત્તા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક નિયુક્ત કરેલા તે ડૉ. એસ. રાધાકૃષ્ણન (જે પાછળથી રાષ્ટ્રપતિ થયા)ને પક્ષે પ્રવાસીઅને મોર્ડન રિવ્યુના સંપાદક રામાનંદ ચેટરજી વિરુદ્ધ બદનક્ષીના કેસમાં ધારાશાસ્ત્રી તરીકે જરૂર ઊભા રહ્યા હતા.

સર આશુતોષના પ્રયત્નોથી જ બ્રિટિશ સરકારની ફિનાન્શિયલ સિવિલ સર્વિસના અધિકારી તરીકે રાજીનામું આપીને કલકત્તા યુનિવર્સિટીમાં પાલિત પ્રાધ્યાપક તરીકે જોડાયેલા અને પાછળથી નોબેલ પારિતોષિક વિજેતા બનેલા ભૌતિકશાસ્ત્રી સર સી. વી. રામનને કોલકાતા છોડાવવાના ષડયંત્રકાર તરીકે પણ રામનનાં બાયોગ્રાફર ઉમા પરમેશ્વરન શ્યામાપ્રસાદ મુકરજીનો ખાસ્સો ઉધડો લે છે. જોકે તથાગત રાય આ બાબતમાં શ્યામાબાબુ ભણી સાનુકૂળ રહેવાની નોંધ કરવાની સાથે જ રામનની વરવી વિદાયની વાત જરૂર મૂકે છે. પ્રથમ એશિયાઈ અને પ્રથમ અશ્વેત નોબેલ વિજેતાને કોઈ વિદાયમાન અપાયું નહીં, એટલું જ નહીં, રામન જીવ્યા ત્યાં લગી એમણે ક્યારેય કોલકાતામાં ફરી પગ મૂક્યો નહીં, જે કોલકાતાને ૧૯૧૧થી ૧૯૩૩ સુધી પોતીકું ગણ્યું હતું. રામન બ્રિટિશ સનદી સેવામાં ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ તરીકે નાગપુરથી બદલી પામીને કોલકાતા આવ્યા હતા.

કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ તરીકે શ્યામાબાબુએ ઈતિહાસ જરૂર સર્જ્યો : તેમણે કવિવર રવીન્દ્રનાથ ઠાકુર કે ટાગોરને દીક્ષાંત વ્યાખ્યાન માટે તેડાવ્યા. કવિવરની શરત હતી કે તેઓ બંગાળીમાં વ્યાખ્યાન આપશે. અંગ્રેજીમાં વ્યાખ્યાનની પરંપરાને બદલે આ નોખો ચીલો એમણે ચાતર્યો. અંગ્રેજીમાં વ્યાખ્યાનની છાપેલી નકલો વિતરીત કરાઈ અને વ્યાખ્યાન બાંગલામાં થતાં ઈતિહાસ સર્જાયો. એ પણ બંગાળના સત્તાધીશ મુસ્લિમ લીગી પ્રધાનોના બહિષ્કાર અને વિરોધની વચ્ચે. કલકત્તા યુનિવર્સિટીના કુલપતિપદેથી નિવૃત્ત થતાં યુનિવર્સિટીએ શ્યામા બાબુને ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરી હતી.

શ્યામાપ્રસાદનું વ્યક્તિત્વ અનેક વિરોધાભાસોથી ભરેલું રહ્યું. એ સૌપ્રથમવાર બંગાળ વિધાન પરિષદમાં ધારાસભ્ય તરીકે કલકત્તા યુનિવર્સિટીની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ૧૯૨૯માં ચૂંટણી લડ્યા અને જીત્યા. માંડ એકાદ વર્ષ પણ થયું નહોતું અને કૉંગ્રેસે ધારાસભાઓના બહિષ્કારની હાકલ કરી એટલે એમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું. જોકે એ પછી તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડીને ધારાસભામાં ગયા. રાજકારણમાં એમના પ્રવેશના બે હેતુ હતાઃ() શૈક્ષણિક ક્ષેત્રમાં સુધારા કરી શકાય () બંગાળની લઘુમતી હિંદુ પ્રજાને થતા અન્યાય સામે લડવા એને પડખે રહેવું. તેઓ સમયાંતરે હિંદુ મહાસભાની નજીક આવતા ગયા. ૧૯૩૭ની ધારાસભાની ચૂંટણીમાં બંગાળ પ્રાંતમાં કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ હોવા છતાં એણે સરકાર રચવા કૃષક પ્રજા પાર્ટી સાથે હાથ મિલાવવાનો નન્નો ભણ્યો એટલે મુસ્લિમ લીગ અને કૃષક પ્રજા પાર્ટીએ મળીને સરકાર રચી હતી. ૧૯૪૦ના માર્ચમાં મોહમ્મદ અલી ઝીણાના વડપણ હેઠળ મુસ્લિમ લીગનું અધિવેશન લાહોરમાં મળ્યું. આ અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ જેમણે રજૂ કર્યો એ ફઝલુલ હક મૂળે શ્યામાબાબુના પિતા સર આશુતોષના જુનિયર હતા. બંગાળની જે હિંદુ મહાસભા બે જૂથમાં વિભાજિત હતી એને સંગઠિત કરીને ડિસેમ્બર ૧૯૩૯માં શ્યામાપ્રસાદના પ્રયાસોથી કલકત્તામાં અખિલ ભારતીય હિંદુ મહાસભાનું અધિવેશન યોજાયું. ૧૯૪૦ની શરૂઆતમાં શ્યામાબાબુને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા, કારણ તેના અધ્યક્ષ સ્વાતંત્ર્યવીર સાવરકરની તબિયત બરાબર રહેતી નહોતી. આ જ ગાળામાં લાહોરમાં બલરાજ મધોકના આગ્રહથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શિબિરમાં વ્યાખ્યાન આપવા જવાનું થયું. એપ્રિલ ૧૯૪૦માં કલકત્તામાં આરએસએસની શાખામાં એમણે હાજરી આપી ત્યારે પાછળથી સંઘના તૃતીય સરસંઘચાલક બનેલા બાળાસાહેબ દેવરસ ત્યાં હાજર હતા.

ઓગસ્ટ ૧૯૪૧માં બંગાળની મુસ્લિમ લીગ અને કૃષક પ્રજા પાર્ટીની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો. ઢાકાના નવાબ અને ફઝલુલ હકને ઝીણાએ મુસ્લિમ લીગમાંથી તગેડી મૂક્યા. ગઠબંધન સરકારે રાજીનામું આપ્યું એ સંજોગોમાં ડૉ. મુકરજીએ વિચાર્યું. “બંગાળના વિશાળ હિત માટે” લીગને સત્તામાંથી બહાર રાખવાનું અનિવાર્ય છે એટલે તેમણે હક સાથે નિકટતા સાધીને  એમને સબળ બનાવ્યા. ઢાકાના નવાબ અને હક સાથે મળીને ૧૨૭ ધારાસભ્યોનો ટેકો થતો હતો. સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ સરતચંદ્ર સહિતનાને પ્રધાનમંડળમાં લેવાનું નક્કી લાગતું હતું. પરંતુ બંગાળના ગવર્નર હરબર્ટને એ પસંદ નહોતું. જોકે તેમણે ફઝલુલ હકને સરકાર રચવા નિમંત્રણ આપ્યું. એ સંયુક્ત સરકારમાં શ્યામાપ્રસાદ નાણાંમંત્રી થયા. ૧૨ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ આ સરકારનો શપથગ્રહણ સમારોહ થયો, એના આગલા દિવસે અંગ્રેજ સરકારે સરત ચંદ્રની ધરપકડ કરી. એ પછી શ્યામાપ્રસાદ મંત્રી તરીકે ભાગલપુર ગયા કારણ હિંદુ મહાસભાના અ.ભા. અધ્યક્ષ તરીકે અધિવેશનમાં જતાં મંત્રી હોવા છતાં પાંચ દિવસ જેલમાં રહ્યા હતા.આ ઘટના પણ ઐતિહાસિક હતી.

બંગાળમાં શ્યામા-હક સરકાર હતી ત્યારે જ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસે હિંદ છોડોઆંદોલન આરંભ્યું. સ્વયં શ્યામાપ્રસાદ મુકરજીએ બંગાળના પ્રધાન તરીકે ગવર્નરને ૨૬ જુલાઈ ૧૯૪૨ના રોજ પત્ર લખીને એ આંદોલનને નિષ્ફળ કેમ બનાવવું એનાં સૂચનો કર્યાં. શ્યામાબાબુની જીવનકથા લખનાર મેઘાલયના રાજ્યપાલ તથાગત રાય નોંધે છેઃ ભારતીય કોમ્યુનિસ્ટોએ સંપૂર્ણપણે અંગ્રેજોને સાથ આપ્યો... મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાએ પણ પોતાને આંદોલનથી દૂર રાખવાનું પસંદ કર્યું... ૧૯૩૯થી હિંદુ મહાસભાના નેતા ડૉ.મુકરજીએ પક્ષની લાઈનનું પાલન કર્યું અને સંસદીય રાજનીતિ ચાલુ રાખી. અનુસૂચિત જાતિઓના નેતા ડૉ.આંબેડકર પણ આંદોલનના ટીકાકાર હતા.’ એ વેળા આંબેડકર વાઈસરોયની કાઉન્સિલમાં મજૂર પ્રધાન હતા અને હિંદુ મહાસભાના શ્રીવાસ્તવ સહિતના ઘણા હિંદુ નેતા પણ વાઇસરોયની કાઉન્સિલમાં હતા. મુકરજીએ ઝીણાની મુલાકાત લઈને પાકિસ્તાનની માગણી છોડવા સમજાવવાની કોશિશ પણ કરી જોઈ. પાછળથી બ્રિટિશ ગવર્નર સાથેના અણબનાવ અને બંગાળના દુકાળના પગલે ૧૬ નવેમ્બર ૧૯૪૨ના રોજ ડૉ.મુકરજીએ રાજીનામું આપ્યું. ૨૦ નવેમ્બર ૧૯૪૨ના રોજ તેમનું નાણાં ખાતું મુખ્યમંત્રી (પ્રીમિયર) હકે પોતાની પાસે લઈને શ્યામાબાબુને ગવર્નર દ્વારા પ્રધાનપદેથી છૂટા કરાયા.

ગાંધીજીની અહિંસામાં નહીં માનનારા ડૉ.મુકરજી વચગાળાની સરકારમાં ગાંધીજીના આગ્રહથી અને સરદાર-સાવરકરની સમજાવટથી ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન તરીકે જોડાયા. જોકે હિંદુ મહાસભા સાથે એમના મતભેદ વધતા ચાલ્યા હતા. ગાંધીહત્યાને તેમણે વખોડી. બિન-હિંદુને પણ હિંદુ મહાસભામાં લેવામાં આવે તેવો એમનો આગ્રહ સાવરકરવાદીઓએ ફગાવી દીધો ત્યારે તેમણે હિંદુ મહાસભાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામાં આપીને માત્ર નેહરુ સરકારમાં ઉદ્યોગપ્રધાન તરીકે કામગીરી ચાલુ રાખી. તેઓ કોઈ પક્ષ સાથે જોડાયેલા રહ્યા નહોતા.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેનો ડૉ.મુકરજીનો સંબંધ સ્થપાતો જતો હતો. ૧૯૫૦માં કોલકાતાના સ્વયંસેવકને ઘેર સંઘના દ્વિતીય સરસંઘચાલક ગુરુજી અને ડૉ.મુકરજીની મુલાકાત કરાવવામાં આવી હતી. પૂર્વ પાકિસ્તાનમાં હિંદુઓની કનડગતના મુદ્દા સહિતની બાબતોમાં નેહરુ સાથેના મતભેદને પગલે તેમણે ૬ એપ્રિલ ૧૯૫૦ના રોજ નેહરુ સરકારમાંથી ય રાજીનામું આપ્યું. ૧૯ એપ્રિલ ૧૯૫૦ના રોજ તેમણે રાજીનામા અંગે લોકસભામાં ભાષણ આપ્યું. નેહરુ સરકારમાંથી છૂટા થતાં જ રા. સ્વ. સંઘે એમને સાથે લેવાનો પ્રયાસ વધુ સક્રિય કર્યો. ગુરુજી સાથેની ચર્ચા નવા રાજકીય પક્ષની સ્થાપના ભણી આગળ વધવાની ભૂમિકા તૈયાર કરતી હતી.

એવામાં જ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીએ એક પત્રકાર પરિષદમાં હિંદુ મહાસભાને ખરા અર્થમાં કોમવાદી (સાંપ્રદાયિક) ગણાવતાં ઉમેર્યું કે એ હિંદુરાષ્ટ્રમાં વિશ્વાસ રાખે છે. આરએસએસના દ્વિતીય સરસંઘચાલક ગુરુજીએ ડૉ.મુકરજીને જણાવ્યું કે આરએસએસ પણ ભારતને હિંદુરાષ્ટ્રતરીકે જોવા ઈચ્છુક છે. જોકે તે હિંદુ મહાસભાની જેમ કટ્ટર નથી. બધા સ્વયંસેવકો હિંદુ રાષ્ટ્રમાં શ્રદ્ધા રાખે છે. અગાઉ ડૉ.મુકરજીએ કોલકાતામાં કે અન્યત્ર કરેલાં ભાષણોમાં ભારતને ધર્મનિષ્ઠ (થિયોક્રેટિક) સ્ટેટ બનાવવા વિરુદ્ધમાં પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તથાગતે નોંધ્યું છે કે ડૉ.મુકરજીએ પાછળથી હિંદુરાષ્ટ્રઅંગે સંમતિ આપી હતી.

હવે તેમણે નવો પક્ષ રચવાનો હતો. પહેલાં તેમણે યંગ ઈન્ડિયા પાર્ટીનામ વિચાર્યું, પછીથી ઓલ ઈન્ડિયા પીપલ્સ પાર્ટીકર્યું. આરએસએસ તરફથી સૂચવાયું કે નામ તો હિંદીમાં હોવું જોઈએ અને એનો ધ્વજ કેસરિયો રાખવામાં આવે. ‘ભારતીય લોકસંઘનામ વિચારીને પછીથી ડૉ.મુકરજીએ ભારતીય જનસંઘનામ સૂચવ્યાનું બલરાજ મધોકે નોંધ્યું છે. લોકસભાની ૧૯૫૨ની ચૂંટણીમાં જનસંઘના ડૉ.મુકરજી સહિત કુલ ૩ સાંસદ ચૂંટાયા હતા. ૧૯૫૩માં તો શ્યામાબાબુનું નિધન થયું હતું. સંયોગ તો જુઓ ડૉ.મુકરજી સાથેના જનસંઘના સંસ્થાપક સભ્યોમાંના બલરાજ મધોક અને પંડિત મૌલીચંદ શર્મા પાછળથી જનસંઘના અ. ભા. અધ્યક્ષ બન્યા, પણ એ બેઉને નાગપુરના(સંઘના) આદેશોને અવગણવા કે પડકારવા બદલ પક્ષમાંથી તગેડી મૂકવામાં આવ્યા હતા ! ભાજપના પૂર્વ સાંસદ પ્રફુલ્લ ગોરડિયા સાથે કહેવા પૂરતા જનસંઘના અધ્યક્ષ તરીકે ૯૮ વર્ષ સુધી  બલરાજ મધોક ઈતિહાસને વાગોળવા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા પૂરતા જીવિત અને સક્રિય રહ્યા હતા. જોકે મધોકની આત્મકથાનો ત્રીજો ભાગ વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે શ્યામાબાબુની હત્યામાં અંદરના જ કયા કયા માણસો સંડોવાયેલા હતા, એનો સ્ફોટક ફોડ પાડીને પ્રકાશિત થયો હતો,પણ કોઈ માનહાનિનો ખટલો દાખલ કરાયો નહોતો !
 -મેઇલ:haridesai@gmail.com                                                                                      



No comments:

Post a Comment