Wednesday 14 November 2018

Changing the name of Ahmedabad to Karnavati or Ashaval


Dr.Hari Desai writes weekly column in Gujarat Samachar (London),  Sardar Gurjari (Anand), Gandhinagar Samachar (Gandhinagar) and other Dailies. You may read the full text  and comment.


અમદાવાદનું કર્ણાવતી કરવા જતાં સાપે છછૂંદર ગળ્યાનો તાલ

અમદાવાદના કર્ણાવતી નામકરણમાં આશા ભીલના આશાવલને ય અન્યાય
ડૉ.હરિ દેસાઈ
·         અણહીલવાડ પાટણના રાજવી કર્ણદેવે ઈ.સ.૧૦૬૪માં ભીલરાજા પર આક્રમણ કરીને સાબરમતી તીરના નગરને કબજે કર્યું હતું
·         હિંદુ રાજપૂત પૂર્વજો ધરાવતા સુલતાન અહમદશાહે ઈ.સ. ૧૪૧૧માં સ્થાપેલા કોટના શહેરને ૨૦૧૭માં યુનેસ્કોનો હેરિટેજ દરજ્જો
·         છેક વર્ષ ૧૯૮૮માં ભાજપ શાસિત મહાનગરપાલિકાએ નામાંતરનો ઠરાવ કર્યો,પણ વાજપેયીની સરકારે પણ એને ફગાવ્યો હતો
·         ગ્રહણ ટાણે સાપ નીકળે તેમ માથે ચૂંટણી ઝળુંબતી હોય ત્યારે જ કર્ણાવતીનો આલાપ શરૂ કરવા પાછળનાં સ્પષ્ટ રાજકીય ગણિત
·         વાજપેયી સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતની વડી અદાલતને એક પંકિતમાં લેખિત જણાવ્યું હતું કે નામાંતર નહીં જ થાય

હમણાં ગુજરાતમાં અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી કરવાનો રાજકીય માહોલ રચવાનું રાજકારણ જોરમાં છે. ત્રીસેક વર્ષથી આ વાત ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર આગળ વધારે છે.પોતાની રીતે તેઓ અમદાવાદને કર્ણાવતી કહેવાનો આગ્રહ રાખે છે,પરંતુ આટલા લાંબા ગાળામાં મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ભાજપનું શાસન આવ્યા છતાં તેમણે આ અંગે નિર્ણય લેવાનું ટાળ્યું છે. અમદાવાદનું કર્ણાવતી કરવાના ભાજપની સરકારનાં નિવેદનોએ આ વેળા એક નવો વિવાદ પણ સર્જ્યો છે : કર્ણાવતી પહેલાં આશા ભીલ નામના ભીલ સરદાર કે રાજાનું આશાવલ હતું તો પછી એના પર આક્રમણ કરીને પરાજિત કરનાર રાજા કર્ણદેવે પાછળથી વસાવેલા કર્ણાવતીને બદલે આશાવલ કેમ નહીં? ભાજપની રાજ્ય સરકાર  માટે સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ થયો છે. હિંદુ રાજપૂતમાંથી મુસ્લિમ થયેલા ગુજરાતના સુલતાનના વંશજ એવા સુલતાન અહમદશાહે વસાવેલા અમદાવાદને યુનેસ્કોએ ભારતના પહેલાં હેરિટેજ શહેરનો દરજ્જો આપ્યાના બીજા જ વર્ષે એનું નામ બદલવાની વાત માત્ર ચૂંટણીને નજરમાં રાખીને કરવામાં આવે અને હિંદુઓને રાજી કરવાનો આ ખેલ હાથ ધરવા જતાં તો આદિવાસીઓ નારાજ થવા માંડ્યા છે. તેઓ આંદોલન કરવાની ધમકીઓ ઉચ્ચારવા માંડ્યા છે. નવાઈની વાત તો  એ છે કે કેન્દ્રમાં જયારે વાજપેયી સરકાર હતી ત્યારે જ એણે અમદાવાદનું કર્ણાવતી કરવાનું નકાર્યું હતું. વળી, હમણાં આ લખનારને મળેલા સંઘ પરિવારના એક પ્રકાશનમાં કર્ણાવતીને બદલે આશાવલ નામ રખાયા મુદ્દે આશ્ચર્ય થયું હતું. મૂળ નામ આશાવલ હતું.એ ઈતિહાસ ક્યારેક સંઘ પરિવારની ઈતિહાસ સંકલન સમિતિના સત્તાવાર પ્રકાશનમાં પણ સ્વીકાર થયો છે.
બનારસમાં “ગંગા જમુની તહજીબ”
દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્ર મોદી મે ૨૦૧૪માં બનારસથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં હતા ત્યારે “ગંગા જમુની તહજીબ”ની દુહાઈ દેતાં થાકતા નહોતા.હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના સમન્વય માટે વાપરતાં આ શબ્દપ્રયોગને એક લોકસભાની ચૂંટણીથી બીજી લોકસભા ચૂંટણી આવતાં લગી કોરાણેમૂકાઈ રહ્યાનું ગુજરાત અને અન્યત્ર અનુભવાઈ રહ્યું છે. ગુજરાત સરકાર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની વેતરણ કરીને રાજકીય લાભ ખાટવાની કોશિશમાં છે. છેલ્લા ત્રણ દાયકાથી એટલે કે ૧૯૮૮થી ભારતીય જનતા પક્ષ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ભૂમિકા લઈને તમામ ચૂંટણી લડે છે. છેલ્લાં ૨૩ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો નિર્ણય અમલમાં આવ્યો નથી. દર્શાવે છે કે ગ્રહણ ટાણે સાપ કાઢવાની ઉક્તિને સાર્થક કરવામાં આવે તે રીતે  ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પક્ષને અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું યાદ આવે છે. છેલ્લે છેલ્લે ઉતરપ્રદેશમાં ભાજપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા જ્યાં આવેલું છે તે જિલ્લાને ફૈઝાબાદને બદલે અયોધ્યા ઓળખાવાનું  જાહેર કરવા ઉપરાંત બીજાં પણ કેટલાંક શહેરોનાં  નામો બદલ્યાં.  એમાંથી મોડેમોડે પ્રેરણા લઈને કદાચ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી (એ જ ક્રમમાં) અમદાવાદનું  કર્ણાવતી કરવાનાં નિવેદનો કરવા માંડ્યા. આની પાછળની ભૂમિકા બહુ સ્પષ્ટ છે. અમદાવાદની ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ સ્થાપના કરનાર ગુજરાતના સુલતાન અહમદશાહના  નામ પરથી નગરનું નામ અમદાવાદ પડ્યું. ગુજરાત સરકારના અનુદાનથી પ્રકાશિત ભો.જે.વિદ્યાભવનના અધિકૃત ગ્રંથોમાં જણાવ્યા મુજબ, હિંદુ રાજપૂત પૂર્વજો ધરાવતા દેશી મુસ્લિમ શાસક અહમદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી. અહમદશાહે  સ્થાપેલા આ નગરને હિંદુ રાજા કર્ણદેવના નામ સાથેનું  કર્ણાવતીનું  નામ આપવાની તાજી હિલચાલમાં  રાજકીય લાભ ખાટવાથી વિશેષ કોઈ કવાયત  નથી.
નિર્ણય ટાળવાનો ૩૦ વર્ષનો વિક્રમ
નવાઈની વાત છે કે અત્યારના અમદાવાદની સ્થાપના ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ  ગુજરાતના સુલતાન અહમદશાહે કરી હોવાના ઈતિહાસ અને તેમણે બાંધેલાં સ્થાપત્યોની વિગતો સાથે હજુ ૨૦૧૬માં યુનેસ્કોને ૫૪૨ પાનાંનો  અહેવાલ ભાજપ શાસિત મહાનગરપાલિકાએ પાઠવ્યો હતો. આ અહેવાલને આધારે જ હજુ વર્ષ ૨૦૧૭માં  યુનેસ્કો પાસેથી ભારતના સર્વપ્રથમ હેરિટેજ સિટીને મંજૂર કરાવવામાં અમદાવાદ મહાનગરપાલિકાને સફળતા મળી છે. અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાવાર નામકરણમાં પણ અમદાવાદ અથવા તો અંગ્રેજીમાં AHMEDABAD એવું સ્પષ્ટ કરાયા છતાં પાલિકામાં  વર્ષોથી શાસક રહેલા  ભારતીય જનતા પક્ષે  “AMDAVAD MUNICIPAL CORPORATION એવું નામકરણ પોતાની મેળે કરી નાખ્યું છે. હકીકતમાં અમદાવાદનું જે નામ છે તે અંગ્રેજીમાં AHMEDABAD તરીકે યુનેસ્કોમાં પણ રજૂ થયું છે. રજૂ કરીને હેરિટેજ શહેર તરીકે ગૌરવ ધારણ કરનાર અમદાવાદ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ યુનેસ્કો તરફથી મળવાની જોગવાઈ શક્ય બની છે. આમ  હોવા છતાં એકાએક ભાજપી શાસકોને કર્ણાવતીનું ભૂત ધૂણ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ બહુમતીથી ઠરાવ કરીને  અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવે એવો આગ્રહ રાખવામાં આવ્યો,એ વખતે ગુજરાતમાં કોંગ્રેસની  સરકાર હતી. એને   ઠરાવ પાઠવવામાં આવ્યો  હતો. ૧૯૮૮માં ભલે કોંગ્રેસની સરકાર હતી,પણ એનાં બે વર્ષમાં જ  ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા અને તેમની સરકારમાં ભાજપના મંત્રીઓ તરીકે કેશુભાઈ પટેલ, અશોક ભટ્ટ  સહિતના મહાનુભાવો જોડાયા હતા. વખતે જનતા દળ અને ભારતીય જનતા પક્ષની મિશ્ર સરકાર હતી. આવા સંજોગોમાં એ મિશ્ર સરકારની પણ જવાબદારી હતી કે તેમણે અમદાવાદ મહાનગરપાલિકાએ પસાર કરેલા ઠરાવ અંગે યોગ્ય નિર્ણય કરવો. નિર્ણય ટાળવામાં આવ્યો. વર્ષ ૧૯૯૫માં તો  ભારતીય જનતા પક્ષની કેશુભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર આવ્યા પછી પણ અમદાવાદનું કર્ણાવતી કરવાનો  કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં. ભાજપમાં બળવો થયા પછી પણ સુરેશ મહેતાની ભાજપની સરકાર હતી. એ પછી બળવાખોર શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની બે સરકારોના બે વર્ષના વહીવટ પછી ફરી ૧૯૯૮માં કેશુભાઈ પટેલની ભાજપ સરકાર આવી.ઓક્ટોબર ૨૦૦૧માં ભાજપના જ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીપદે આરૂઢ થયા અને છેક મે ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી રહીને વડાપ્રધાન થયા. વચ્ચે કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષના અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકાર હતી અને ધાર્યું હોત તો સરકાર પણ અમદાવાદનું કર્ણાવતી કરવાની બાબતમાં નિર્ણય કરી શકી હોત.તેમણે પણ મામલો લટકાવેલો જ રાખ્યો. કોંગ્રેસની દિલ્હીની “સલ્તનત” પર દોષારોપણ કરવા માટે જ કદાચ 
વાજપેયી સરકારનાં પારોઠનાં પગલાં
જો કે વાજપેયી સરકાર વખતે થોડીક હિલચાલ જરૂર થઈ, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશનો દાખલ કરવામાં આવી. હાઇકોર્ટમાં પિટિશન કરનારાઓમાંના એક ફિરોઝ ખાને જણાવ્યું હતું કે કેન્દ્રના ગૃહ મંત્રાલયે એ વેળા એક પંક્તિનો પત્ર પાઠવ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર અમદાવાદનું કર્ણાવતી કરવાની નથી. આ પત્ર વડી અદાલતમાં રજૂ થયો હતો પણ એ કોઈક રહસ્યમય રીતે પગ કરી ગયો ત્યારે અમારે થોડાક સમય પહેલાં કેન્દ્રમાં આરટીઆઈ કરીને મેળવવો પડ્યો હતો ! એ  તબક્કે ભાજપના વડપણવાળી કેન્દ્ર સરકારે પારોઠનાં પગલાં ભર્યાં હતાં.   વેળાના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ અમદાવાદમાં દૂત તરીકે આવ્યા હતા. સરકાર પોતે અમદાવાદનું કર્ણાવતી કરવા માગતી નથી, એવી ખાતરી આગળ ધરીને તેમણે હાઇકોર્ટમાંથી બંને રિટ પિટિશન પાછી ખેંચાય પ્રકારની ગોઠવણ કરવામાં વિશેષ રસ દાખવ્યો હતો. બહુ સ્પષ્ટ છે કે અમદાવાદનું કર્ણાવતી કરવા માટે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી પોતે ઠંડી રહી છે અને પારોઠનાં પગલાં ભરી રહી છે, પરંતુ માથે ચૂંટણી હોય ત્યારે એને અમદાવાદનું કર્ણાવતી કરવાનું યાદ આવે છે. એની પાછળની ભૂમિકા પણ બહુ સ્પષ્ટ છે. મતદારોમાં સ્પષ્ટ સંકેત જાય કે અહમદશાહના નામે જે મહાનગર અમદાવાદનું નામ છે એને રાજા કર્ણદેવના નામે બદલવામાં ભાજપની નેતાગીરીને રસ છે. એનો અર્થ થયો કે અમદાવાદને વસાવનાર બાદશાહનું નામ ટાળીને ભાજપ “સબ કા સાથ, સબ કા વિકાસ”ને બદલે હિંદુ વોટ બેંકને કેન્દ્રમાં રાખવાનું પસંદ કરે છે. એન કારણે હિંદુ વોટ બેંક વધુ મજબૂત થાય એવી ગણતરી સદાય રાખવામાં આવી છે. આ ગણતરી સામે ભારતીય જનતા પક્ષ પોતાનાં નિવેદનો પૂરતી  અસંમતિ દર્શાવે છતાં અમદાવાદનું કર્ણાવતી કરવા પાછળની ભૂમિકાના સંકેત સર્વવિદિત  છે.
રાજા કર્ણદેવે આક્રમણ કર્યું હતું
અમદાવાદનું  નામ બદલીને રાજા કર્ણદેવના નામની પાછળ કર્ણાવતીનું નામ રાખવા પાછળની ભાજપની ભૂમિકાનો ઈતિહાસ તપાસવો જરૂરી છે. હકીકતમાં રાજા કર્ણદેવે જેમને હરાવીને વિસ્તારના આશાવલ અથવા તો આશાપલ્લી નગરને કબજે કર્યું આશાવલ અને ભીલ-આદિવાસી રાજા આશા ભીલ સાથે અન્યાય કરવા જેવી વાત બને છે. ગુજરાત સરકારે પ્રગટ કરેલા અમદાવાદ જિલ્લાના ગેઝેટિયર તેમજ ભો.જે. વિદ્યાભવને  ગુજરાત સરકારના આર્થિક સહયોગથી પ્રકાશિત કરેલા “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ”ના ગ્રંથોમાં દર્શાવાયું છે કે અત્યારે જે અમદાવાદ છે એની પાસે અગાઉ આશા ભીલનું આશાવલ કે આશાપલ્લી નગર હતું .આ આશા ભીલ પર ગુજરાતના રાજા અને ઉત્તર ગુજરાતના અણહીલવાડ પાટણમાં રાજધાની ધરાવતા રાજા કર્ણદેવે આક્રમણ કર્યું હતું. આશા ભીલને હરાવી તેની રાજધાની આશાવલ કે આશાપલ્લી કબજે કરી. પોતે પાછળથી કર્ણાવતીની સ્થાપના કરી હતી. આ સઘળો ઘટનાક્રમ અત્યારે અમદાવાદ જ્યાં વસે છે એની બાજુમાં સાબરમતી નદીના કાંઠે આશાવલ અને કર્ણાવતી જેવાં  નાનકડાં નગર અસ્તિત્વમાં આવ્યાં હતાં. વાસ્તવિકતા છે કે સુલતાન અહમદશાહે   ઈ.સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના કરી હતી. તેના કોટ વિસ્તારની અંદર જે કોઈ બાંધકામો થયાં, સ્થાપત્યો તૈયાર કરાયાં અને યુનેસ્કોએ જેને અમદાવાદ તરીકે દેશના પહેલા હેરિટેજ નગર તરીકે સ્વીકાર્યું તે અમદાવાદ હકીકતમાં અહમદશાહે સ્થાપેલું અમદાવાદ જ છે. અહમદશાહ  કોઈ દેશની બહારથી આવેલો આક્રાંતા હતો, વાત પણ સરકાર થકી પ્રકાશિત કરવામાં આવેલા ઉપરોક્ત ગ્રંથોમાં બહુ સ્પષ્ટ થાય છે. એમના પૂર્વજો હિંદુ રાજપૂત હતા, બાબત પણ ઇતિહાસના ગ્રંથોમાં નોંધવામાં આવી છે. એમના પૂર્વજોએ દિલ્હીના તુઘલક શાસન સાથે રોટી-બેટી વ્યવહાર જોડી,ઇસ્લામ કબૂલી ગુજરાતના શાસનને કબજે કર્યું હતું. અમદાવાદ સુધી આણ વર્તાવવામાં તેઓ  સફળ થયા હતા.
કોમી  વિભાજનનો  રાજકીય લાભ
 આવા સંજોગોમાં અમદાવાદનું કર્ણાવતી કરવાનું ગતકડું છેલ્લાં ૩૦ વર્ષથી ચલાવીને ભારતીય જનતા પક્ષ પોતે એનો અમલ નહીં કરવાની અથવા તો અમલ થઈ શકે તેમ નહીં હોવાની પ્રતીતિ થવા  છતાં કોમી ધોરણે વિભાજનનો  રાજકીય લાભ ખાટવાની ભૂમિકા પર મુદ્દાને ચગાવવાની કોશિશ કરે છે. આવા સંજોગોમાં શહેરોનાં નામ કે રાજ્યનાં નામ રસ્તાઓનાં નામ કઈ રીતે બદલી શકાય છે, એની કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય થકી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો પણ ઉલ્લેખ તબક્કે કરવો જરૂરી છે. માર્ગદર્શિકામાં બહુ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે વિદેશી આક્રાંતાઓ અથવા તો અંગ્રેજ શાસકોનાં નામો જ્યાં હોય ત્યાં તેમને બદલે સ્થાનિક ગૌરવંતાં નામો અને ખાસ કરીને આઝાદીની ચળવળમાં જેમણે યોગદાન કર્યું છે એવા અથવા તો મોટા રાજકીય-સામાજિક  નેતાઓનાં નામો આપવામાં આવે. એ માટેની પ્રક્રિયાના ભાગરૂપે રાજ્ય સરકાર પોતાની દરખાસ્ત કેન્દ્રના ગૃહ મંત્રાલયને પાઠવે અને માર્ગદર્શિકા મુજબની દરખાસ્ત હોય તો એને ગૃહ મંત્રાલય મંજૂર રાખે છે. એનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. રીતે શહેરોનાં નામ કે રસ્તાઓનાં નામ બદલાય છે. રાજ્યનું નામ બદલવાનું હોય તો વિધાનસભામાં અંગે ઠરાવ કરવામાં આવ્યો હોય તો તે કેન્દ્ર સરકારને પાઠવવો પડે. કેન્દ્ર સરકાર અંગે કાર્યવાહી કરીને યોગ્ય નિર્ણય કરે છે. જોકે આ બધામાં કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તેને અનુકૂળ કે પ્રતિકૂળ નામાંતર અંગેના  નિર્ણયો લેવાની પરંપરા આપણે ત્યાં જોવા મળે છે.
નામાંતરમાંય રાજકીય વહેરોવંચો
સામાન્ય રીતે કોઈપણ રાજ્ય તરફથી દરખાસ્ત આવે ત્યારે પક્ષાપક્ષીથી પર રહીને દરખાસ્ત અંગે નિર્ણય કરવાનો હોય છે. જોકે આટલી સરળ બાબત રાજકીય અનુકૂળતા-પ્રતિકૂળતાનો વિચાર કરીને અમલમાં મૂકવામાં આવતી હોવાનું જોવા મળે છે. અત્યાર સુધીમાં બૉમ્બેનું મુંબઈ થયું. મદ્રાસનું ચેન્નઇ થયું. કલકત્તાનું કોલકાતા થયું. ત્રિવેન્દ્રમનું તિરુઅનંતપુરમ્ થયું .આવી રીતે ઇતિહાસની દ્રષ્ટિએ જે નામો કે જે મૂળ નામ હતાં   નામોની દરખાસ્ત એમના ઇતિહાસની રજૂઆત સાથે કેન્દ્રને મોકલવામાં આવી હોય તો તેને મંજૂરી અપાઈ છે. રાજ્યોનાં નામ બદલવાની બાબતમાં રાજકીય પક્ષાપક્ષીનો તાજો અનુભવ પશ્ચિમ બંગાળનું નામ બાંગલા કરવાની બાબતમાં જોવા મળે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કેન્દ્રની વર્તમાન સરકારને પ્રતિકૂળ એવા રાજકીય પક્ષનાં નેતા છે. આવતા દિવસોમાં વડાપ્રધાનપદનાં સંભવિત ઉમેદવાર પણ  છે. એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળની વિધાનસભાએ પસાર કરેલા ઠરાવને અમલમાં મૂકવાની બાબતમાં વાંધાવચકા આદર્યાનો અનુભવ આપણને જોવા મળે છે. આવું અન્ય રાજ્યોની બાબતમાં પણ જોવા મળી શકે, પરંતુ દેશના હિતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પક્ષાપક્ષીથી પર રહીને નિર્ણયો લેવામાં આવે અપેક્ષિત છે.
નક્કર મુદ્દાઓને બદલે ભાવનાત્મક
અત્યાર સુધી જે નગરોનાં નામ બદલવામાં આવ્યાં છે, તેમાં ગુજરાતમાંથી પણ કેટલાંક નામો બદલાયાં છે. એમની યાદી પણ ખાસ્સી મોટી છે. અગાઉ બરોડા તરીકે જેનો ઉલ્લેખ થતો તે હવે વડોદરા છે. અગાઉ કૅમ્બે તરીકે જેનો ઉલ્લેખ થતો તે હવે ખંભાત છે. અગાઉ બલસાર કહેવાતું તે હવે વલસાડ છે. રીતે બ્રિટિશ શાસકો માટે જેમના ઉચ્ચારો કરવાનું અશક્ય હતું અથવા વિચિત્ર ઉચ્ચારો થતા હતા અથવા જુદા પ્રકારની જોડણી લખવામાં આવતી હતી, બદલીને આઝાદી પછીના સમયગાળામાં ભારતીય મૂળને અનુરૂપ નામકરણ કરવામાં આવેલાં જોવા મળે છે. એટલે અમદાવાદનું કર્ણાવતી કરવાની બાબતમાં રાજકીય રોટલા શેકવાની કોશિશ છેલ્લા ત્રણ દાયકાથી થઇ રહી છે. તેને હજુ અમલમાં લાવવાનું શક્ય બન્યું નથી. જો કે રાજાને ગમે તે રાણી, ન્યાયે મહાપાલિકા,રાજ્ય અને કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે અને માથે ચૂંટણી છે એવા સંજોગોમાં ચૂંટણીમાં  નક્કર પ્રજાલક્ષી કલ્યાણના મુદ્દાઓની ચર્ચાને બદલે માત્ર ભાવનાત્મક (ઈમોશનલ) મુદ્દાઓ ઉછાળવાના વ્યૂહના ભાગરૂપે  અમદાવાદનું કર્ણાવતી કરવાની બાબત ફરી ગજવવામાં આવે  છે. અત્યાર સુધી કોંગ્રેસે અમદાવાદનું કર્ણાવતી થવા દીધું અને અમે કરીને બતાવ્યું, એવો દાવો થઈ શકે, એ દર્શાવવાની યોજના છે. જો કે ૧૯૮૮થી  અત્યાર સુધીમાં અમદાવાદનું કર્ણાવતી કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારોએ  કેમ વિલંબ કર્યો, એવો પ્રશ્ન કોઈ પૂછે ત્યારે તેના પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કરવાનું ચૂંટણી જંગમાં શક્ય બનાવીને મુખ્ય મુદ્દાઓને બાજુમાં હડસેલવાની કવાયત છે.
કોંગ્રેસ ભૂમિકા સ્પષ્ટ કરવામાં નિષ્ફળ
આવા સંજોગોમાં કોંગ્રેસ પોતે પણ બાબતમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવામાં નિષ્ફળ નીવડી છે.  હકીકતમાં કોંગ્રેસની છબી મુસ્લિમ પાર્ટી  તરીકેની જળવાઈ રહી છે. ભારતીય જનતા પક્ષ “સબકા સાથ, સબકા વિકાસ”ની વાત કરીને પણ પોતાની છબી બહુમતી હિંદુઓની પાર્ટી હોવાની  છાપ વધુ મજબૂત બનાવાય છે. આગામી ચૂંટણી પૂર્વે કર્ણાવતી જેવા અનેક મુદ્દાઓ ઉછાળવામાં આવે   સ્વાભાવિક છે. જો કે અંતે પ્રશ્ન  તો આવીને ઊભો રહે છે કે અમદાવાદનું નામ કોઈ મુસ્લિમ સંસ્થાપકને નામે હોવાનું કઠતું  હોય  તો તેને કર્ણાવતી કેમ કરવું ? કારણ કે આશા ભીલનું આશાવલ કે આશાપલ્લી કેમ કરી શકાય ? એ બાબતે  પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ સંતોષકારક ઉત્તર આપવો પડે.આદિવાસી સમાજમાં પણ ભારે અજંપો જોવા મળે છે.મુસ્લિમ સમાજ મહદ્ અંશે મૂકપ્રેક્ષક બની રહેવા વિવશ છે.આવી રાજકીય ખેંચતાણોમાં દેશની પ્રજાની સુખાકારી અને ચૂંટણી ઢંઢેરાનાં વચનોના અમલની વાત વિસારે પાડવાના જ વ્યૂહ હોય એ સ્વયંસ્પષ્ટ છે. પ્રજા જાગે અને પ્રશ્નો પૂછતી થાય નહીં, એ માટે એને આવા નાત-જાત કે ધાર્મિક વિભાજનોના વિતંડાવાદમાં અટવાયેલી રાખવાની આ યોજનાબદ્ધ કોશિશથી વિશેષ કશું નથી.
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment