Wednesday 22 August 2018

The Death of Vajpeyee: End of an Era of Graceful Politics


Dr.Hari Desai writes weekly column in Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Sanj Samachar (Rajkot), Hamlog (Patan) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full text of the article here and comment.
 અટલજી જતાં ગરિમાપૂર્ણ રાજનીતિનો એક યુગ આથમ્યો : ડૉ.હરિ દેસાઈ

બસ, નામ લ્યો અને વિરાટ વ્યક્તિત્વને વંદન કરનારાઓમાં સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ કતાર લગાવે. કોઈ હોદ્દા કે વિશેષણોની એમને જરૂર નથી. એ વડાપ્રધાન બન્યા, ત્રણ-ત્રણ વખત, પણ કવિહૃદય સંવેદનાને સ્થાને લુચ્ચાઈ કે ખંધાઈને એમણે નજીક ફરકવા પણ દીધી નહોતી. અટલ બિહારી વાજપેયી નામ લ્યો એટલે પૂરતું છે. ૯૩ વર્ષની વયે એમના નિધને જે ખાલીપો ભારતીય રાજકારણ અને સાહિત્યકારણમાં સર્જ્યો એ ક્યારેય ભરાય એવો નથી. વ્યક્તિગત રાગદ્વેષથી પર એવી એમની રાજનીતિ રાષ્ટ્રના હિતમાં સદૈવ સમર્પિત અને સક્રિય હતી. ગબનાક પ્રભાવી વક્તા.જોડકણાં કરવાની લગીરે જરૂર નહીં., મા સરસ્વતી એમના મુખે સહજ પ્રગટે. જનસભાઓમાં એમનાં ભાષણ સંભાળવા વિરોધી વિચારના લોકોય ઊમટે. ક્યારેક “લોગ સુનને કે લિએ  તો બહોત આતે હૈં, લેકિન વોટ નહીં દેતે”ની વ્યથામાંથી પોતાના પક્ષને દેશની સત્તા સુધી લઇ આવ્યા. સત્તા છોડવાનો વખત આવ્યો ત્યારે પણ સહજતાથી, કોઈ ડંખ વિના, રાજધર્મનું પૂરું પાલન કરવાના સંકલ્પ સાથે, ત્યાગી પુરુષની જેમ ચાલી નીકળ્યા.
સ્વજનોના ઘણા ઘા ઝીલ્યા
પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ કે એમનાં વડાંપ્રધાન પુત્રી ઇન્દિરા ગાંધી ભણી દ્વેષભર્યા  કે હલકા શબ્દો ક્યારેય એમના મુખે આવ્યા નહીં. એ રાજનેતા નહીં, રાજપુરુષ હતા. ના ક્યારેય એમણે કોંગ્રેસમુક્ત ભારતનો નારો લગાવ્યો. ચૂંટણી જંગમાં કોંગ્રેસની સરકારની ટીકા કરે ત્યારે પણ ક્યારેય કમરબંધ નીચે ઘા કરવાની વૃત્તિ નહીં. ગોત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું, પૂર્ણકાલીન પ્રચારક અને પત્રકારશિરોમણિ રહ્યા,પણ ઓળખ તો કવિ તરીકેની વધુ. રાજનેતા બન્યા પછી અનેકવાર રાજકારણ છોડીને કાવ્યસર્જન માટે બધું છોડવાનું સૂઝ્યું,પણ રાજકારણે એવા  બાહુપાશમાં જકડી રાખ્યા કે ક્યારેય છૂટી ના શક્યા.રાજકારણ કે પક્ષ કે સરકારના ટોચના હોદ્દે રહ્યા ત્યારેય હરફનમૌલાની જેમ હળવાફૂલ થઈને ખાણીપીણી કે કવિતા કરવામાં છોછ નહીં.જીવનની કિતાબ સાવ જ ખુલ્લી રાખીને જીવ્યા અને સ્વજનોના ઘણા ઘા ઝીલ્યા. ડંખ કે દંભ વિના જીવ્યા.અને એટલે જ ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ નશ્વરદેહે એમણે માયા સંકેલી લીધી છતાં હજુ આજેય એ આપણી આસપાસ જ વર્તાય છે; એમના કવિતા સંગ્રહો કે સંસદમાં વ્યાખ્યાનો થકી  કે પછી એમના પત્રકારત્વ દરમિયાનના લેખો અને ચિંતન  થકી. ગુજરાતમાં ગોધરા-અનુગોધરા રમખાણો વખતે એ વેળાના મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રજાની વચ્ચે નાત-જાતના  ભેદ નહીં કરવાના રાજાના રાજધર્મની શીખ આપવાનું પણ એ ચુક્યા નહોતા. એવું જ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ રામજન્મભૂમિ-બાબરી વિવાદાસ્પદ ઢાંચો તોડયો ત્યારે પણ પ્રગટપણે વેદના વ્યક્ત કરવામાં સંઘ પ્રચારક હોવા છતાં એમને  સંકોચ થયો નહોતો.
ગ્વાલિયરના સામાન્ય પરિવારમાં ઉછેર  
ગ્વાલિયરના પંડિત કૃષ્ણ બિહારી અને શ્રીમતી કૃષ્ણાદેવીનાં સાત સંતાનોમાંથી અટલ બિહારી ક્યારેક વડાપ્રધાન બનશે એવી તો કોઈએ કલ્પના કરી નહોતી. હા, વડાપ્રધાન નેહરુએ અટલજી લોકસભામાં પહેલીવાર ૧૯૫૭માં ચૂંટાઈ આવ્યા અને પહેલીવાર તેમણે ભાષણ કર્યું, ત્યારે પ્રભાવિત વડાપ્રધાન નેહરુએ એમને શાબાશી આપી એટલુંજ નહીં તેઓ એક દિવસ વડાપ્રધાન થશે,એવી ભવિષ્યવાણી કરી હતી. વાજપેયી પરિવાર મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાના બટેશ્વરનો. અટલજીના પિતામહ પંડિત શ્યામલાલ જીવ્યા ત્યાં લગી બટેશ્વરમાં જ રહ્યા,પણ પુત્ર કૃષ્ણ બિહારીને ગ્વાલિયરમાં વસવાની સલાહ આપેલી.પંડિત કૃષ્ણ બિહારી અધ્યાપક હતા અને સાથે જ કવિ પણ.સંસ્કૃતના જાણીતા વિદ્વાન પણ.ગ્વાલિયર રાજદરબારમાં પણ એમનું માનપાન હતું.એમનાં સંતાનોમાં ચાર પુત્રો અવધ બિહારી, સદા બિહારી, પ્રેમ બિહારી અને અટલ બિહારી ઉપરાંત ત્રણ દીકરીઓ વિમલા, કમલા અને ઉર્મિલા.
અટલજીના શાળાના પ્રમાણપત્રમાં તેમની જન્મતારીખ ૨૫ ડિસેમ્બર ૧૯૨૬ નોંધાઈ છે,પણ એ વર્ષ ૧૯૨૪માં ૨૫ ડિસેમ્બરે એટલેકે નાતાલના દિવસે ગ્વાલિયરમાં ખ્રિસ્તી દેવળની નજીક આવેલા શિંદે(સિંધિયા) છાવણીમાં જન્મ્યાનું સ્વીકારાય છે. નાનકડા ઘરમાં સંસ્કૃતનાં ઘણાં પુસ્તકો રહેતાં.બાળક અટલ બિહારીને એ વાંચવાની તક મળી.સાથે જ કાવ્યરચના કરવાની પણ. અટલજીએ  બી.એ. ગ્વાલિયરની વિક્ટોરિયા કૉલેજ (હવેની લક્ષ્મીબાઈ કૉલેજ)માંથી કર્યું. કોલેજમાં વિદ્યાર્થી સંઘના મંત્રી અને ઉપાધ્યક્ષ પણ રહ્યા.અધ્યક્ષ તરીકે કોલેજના અધ્યાપક રહેતા.અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાં વક્તૃત્વસ્પર્ધામાં નિર્ણાયક તરીકે કવિ હરવંશરાય બચ્ચન હતા ત્યારે વાજપેયીને પ્રથમ પુરસ્કાર પ્રદાન કરાતાં વક્તા તરીકે તેમની હોંશ વધી.કાનપુરની ડી.એ.વી.કોલેજમાંથી એમણે રાજ્યશાસ્ત્રમાં એમ.એ. કર્યું.એ પછી એલ.એલ.બી. કરવા સેવાનિવૃત્ત પિતાની સાથે જ એકજ વર્ગમાં ભણવા ગયા તો ખરા પણ સંઘના કામને કારણે એ અડધેથી છોડી દીધું.
અટલજીએ ૧૯૪૨માં લખનઉની કાલીચરણ કોલેજમાં સંઘના ઓટીસી વર્ગમાં દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)ની ઉપસ્થિતિમાં સ્વરચિત ગાન “હિંદૂ તન-મન, હિંદૂ જીવન, રગ-રગ  હિંદૂ મેરા જીવન” લલકાર્યું અને એ ખૂબ જ લોકપ્રિય થઇ ગયું. સંઘ સાથે આજીવન નાતો બાંધી લેવા માટેની એમની ફિલસૂફી રજૂ કરતી આ કવિતા આજે પણ એમના કાવ્યસંગ્રહોમાં મહત્વનું સ્થાન ધરાવે છે:
હોકર સ્વતંત્ર મૈંને કબ ચાહા હૈ કર લૂં જગ કો ગુલામ ?
મૈંને તો સદા સિખાયા હૈ કરના અપને મન કો ગુલામ.
ગોપાલ-રામ કે નામોં પર કબ મૈંને અત્યાચાર કિએ ?
કબ દુનિયા કો હિંદૂ કરને ઘર-ઘર મેં નરસંહાર કિએ?
કોઈ બતલાએ કાબુલ મેં જા કર કિતની મસ્જિદ તોડી?
ભૂભાગ નહીં, શત-શત માનવ કે હૃદય જીતને કા નિશ્ચય.
હિંદૂ તન-મન, હિંદૂ જીવન, રગ-રગ હિંદૂ મેરા પરિચય.

વાજપેયીનું પત્રકારત્વમાં યોગદાન
સંઘના વરિષ્ઠ પ્રચારક અને જનસંઘના સંસ્થાપક મહામંત્રી તેમજ પાછળથી અધ્યક્ષ બનેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય અટલજીને ૧૯૪૬માં લખનઉ લઇ ગયા.ત્યાં “રાષ્ટ્રધર્મ”ના પ્રથમ સંપાદક  નિમાયા. એમના પરિશ્રમ થકી “રાષ્ટ્રધર્મ” રાષ્ટ્રીય સ્તરે મશહૂર થયું. ૧૯૪૮માં કોંગ્રેસની પ્રદેશ સરકારે એને સીલ કરી દીધું. અદાલતના આદેશથી મે ૧૯૪૮માં તાળાં ખુલી ગયાં. અહીં અટલજીએ “સ્વદેશ દૈનિક” શરૂ કર્યું,પણ પાંચ અંક નીકળ્યા ત્યાંજ એના કાર્યાલયને પણ સીલ કરી દેવાયું.પછી એ કાશી ગયા.કાશીથી એમના સંપાદકપદે  સાપ્તાહિક “ચેતના” શરૂ થયું. એ પછી  “પાંચજન્ય” શરૂ થયું અને અટલજીને એના સંપાદક બનાવવામાં આવ્યા. અટલજીએ પોતાના પત્રકારત્વનાં વર્ષોમાં રાષ્ટ્રીય મહત્વના અને દેશ-વિદેશના જે વિષયો પર લેખો લખ્યા એ આજે પણ વાંચીએ તો તાજા જ લાગે.અટલજીનું વ્યક્તિત્વ સદાય અભ્યાસપૂર્ણ અને ચિંતન સાથેનાં લખાણો લખવા માટે જાણીતું હતું.એમનાં ભાષણોમાં પણ પૂર્વતૈયારી અને મૌલિક ચિંતન હંમેશ અનુભવાતું રહ્યું છે. 
લખનઉ રાજકારણમાં પ્રવેશનું નિમિત્ત
અટલજી સંઘના પ્રચારક હતા. ૧૯૪૬માં પંડિત દીનદયાળ ઉપાધ્યાય અટલજીને લખનઊ લઇ ગયા અને “રાષ્ટ્રધર્મ”ના પ્રથમ તંત્રી નિયુક્ત કર્યા. ”વીર અર્જુન” અને  “સ્વદેશ” જેવાં દૈનિકો અને “પાંચજન્ય” સામયિકના તંત્રીપદને એ સંભાળી ચુક્યા હતા.વર્ષ ૧૯૫૫માં વડાપ્રધાન નેહરુનાં બહેન શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતે લોકસભામાંથી રાજીનામું આપ્યું એટલે તેમની લખનઊ બેઠક ખાલી પડી.અટલજીને જનસંઘના ઉમેદવાર બનાવાયા.ટાંચાં સાધનોને લીધે ચૂંટણી હાર્યા તો ખરા,પણ ૧૯૫૭ માટેનું રિહર્સલ થઇ ગયું.બે વર્ષ પછી એ લોકસભામાં આવ્યા.એ વેળા જનસંઘના માત્ર ચાર જ સભ્યો ચૂંટાયા હતા અને એ ચારેય કયારેય વિધાનસભા કે બીજી કોઈ ચૂંટણી જીત્યાના અનુભવ વિનાના કોરી સ્લેટ સાથે આવ્યા હતા.સંસદમાં અંગ્રેજીમાં બોલવાની પરંપરાથી ભિન્ન અટલજી તો હિંદીમાં બોલતા થયા.નેહરુ પણ અંગ્રેજીની સાથે હિંદીમાં અટલજીએ ઉઠાવેલા મુદ્દાઓનો ઉત્તર વાળતા થયા.વાજપેયીએ પછી તો સંયુક્ત રાષ્ટ્રમાં પણ હિંદીમાં બોલવાનું પસંદ કર્યું એટલે અંગ્રેજીમાં  બોલવા  ટેલીપ્રોમ્પ્ટર રાખવાની એમને  ક્યારેય જરૂર જણાઈ નહીં. વિદેશનીતિ એમનો રસનો વિષય રહ્યો અને એ બાબતમાં એ પોતાના મૌલિક વિચારો સંસદમાં રજૂ કરતા રહ્યા.જનસંઘની નીતિ શરૂઆતથી જ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપવાની રહી,પણ છેક નરસિંહરાવના શાસનકાળ દરમિયાન એ શક્ય બન્યું.પાકિસ્તાન અને ચીન સાથે પણ સંબંધ સુધારવાની દિશામાં અટલજી છેક તેમના વડાપ્રધાનકાળ સુધી સક્રિય રહ્યા.
રાજકારણમાં પણ એ સદૈવ સંવેદનશીલ રહ્યા એ વાત એમની કવિતામાં પણ ઝળકતી રહી :
માસૂમ બચ્ચોં,
બુઢી ઔરતોં,
જવાન મર્દોં,
કી  લાશો કે ઢેર પર ચઢ કર
જો સત્તા કે સિંહાસન તક પહુંચના ચાહતે  હૈં
ઉનસે મેરા એક સવાલ હૈ:
ક્યા મરને વાલોં કે સાથ
ઉનકા કોઈ રિશ્તા થા?

રાજકારણના નવા લપસણા રસ્તાઓ
 સંઘના પ્રચારક અને સંઘનાં પ્રકાશનોના તંત્રી રહેલા તેમજ છેલ્લે જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીના અંગત સચિવ રહેલા વાજપેયી જનસંઘ અને ભાજપના વટવૃક્ષના સંવર્ધન કરનાર લેખાય.વાજપેયી અને લાલકૃષ્ણ આડવાણી રામ-લક્ષ્મણની જોડી બની રહ્યા.આરએસએસના સરસંઘચાલક કુ.સી.સુદર્શને જયારે “વોક ધ ટોક”ના શેખર ગુપ્તા સાથેના બહુચર્ચિત ઇન્ટરવ્યૂમાં ઇન્દિરા ગાંધીને દેશનાં સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન લેખાવ્યાં ત્યારે આડવાણી સહિતનાને માઠું લાગી ગયું હતું,પણ વાજપેયી તો ધીરગંભીર હતા.કોઈનાં વખાણથી ફુલાઈ જવું કે ટીકાથી નારાજ થવું એ એમની પ્રકૃતિમાં નહોતું. રાજકારણના લપસણા રસ્તાઓ વિશે ભારતીય વિદ્યાભવનના સામયિક “નવનીત”ને  ડિસેમ્બર ૧૯૬૩માં આપેલી મુલાકાતમાં અટલજીએ વ્યક્ત કરેલી વાતો આજેય સમસામયિક લાગ્યા વિના રહેતી નથી: “મારી સૌથી મોટી ભૂલ રાજકારણમાં આવવાની થઇ...મનની શાંતિ મરી ગઈ.સંતોષ ખતમ થઇ ગયો.એક વિચિત્ર ખાલીપો અનુભવી રહ્યો છું.” એ વધુમાં કહે છે : “આજના રાજકારણમાં (વાકપટુઓ એને રાજનીતિનું રૂપકડું નામ આપે છે) વિવેક નહીં,વાક્ચાતુર્ય ઝંખે છે.સંયમ નહીં, અસહિષ્ણુતાને પ્રોત્સાહન આપે છે.શ્રેય નહીં, પ્રેય પાછળ પાગલ છે. મતભેદનો સમાદર કરવાનું તો દૂર રહ્યું, એને સહન કરવાની પ્રવૃત્તિ પણ લુપ્ત થતી જાય છે.આદર્શવાદનું સ્થાન તકવાદ લઇ રહ્યો છે.ડાબા-જમણાનો ભેદ પણ વ્યક્તિગત વધુ છે,વિચારગત ઓછો.બધા પોતાનું માર્કેટિંગ કરવામાં પડ્યા છે.ઉત્તરાધિકારની શતરંજનાં પ્યાદાં ગોઠવવાની સૌને ચિંતા છે.”



સત્તાસંઘર્ષ સ્વના પક્ષ સાથે જ
“સત્તાનો સંઘર્ષ વિરોધપક્ષવાળા સાથે સાથે નહીં, પણ પોતાના પક્ષવાળાઓ સાથે જ લાગે છે.પદ અને પ્રતિષ્ઠાને જાળવવા માટે તોડ-ફોડ અને બાંધછોડનાં કાંઠાંકબાડાં જરૂરી બની જાય છે.નીડરતા અને સ્પષ્ટ વાત કરવાનું જોખમી બની ગયું છે.આત્માને કચડીને જ આગળ વધી શકાય છે.”  “હું જે રાજકીય પક્ષ સાથે જોડાયેલો છું એ પણ આવાં દૂષણોથી મુક્ત નથી.એમાં પણ એવા લોકોની સંખ્યા વધી રહી છે જે હલકી ટીકા કરવામાં વધુ રસ લે છે.વિરોધીની પ્રામાણિકતા વિશે શંકા વ્યક્ત કરવાને પોતાનો અધિકાર સમજે છે.” ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી રહેલા માધવસિંહ સોલંકી જયારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી હતા ત્યારે એકવાર અટલજીને ઘેર બેઠા હતા. એમની કોઈએ કરેલી ટીકાથી વ્યથિત હતા.અટલજી ઘરના અંદરના ખંડમાં ગયા અને એક દળદાર ફાઈલ લઈને બહાર આવ્યા.એ ફાઈલ માધવસિંહભાઈના હાથમાં મૂકીને કહે કે “નિરાંતે ઘેર જઈને વાંચી મને પરત કરશો. મારા જ પક્ષના લોકોએ મારી વિરુદ્ધમાં લખેલા પત્રોની આ ફાઈલ છે.આવા લોકોથી દુઃખી થઈએ તો જીવવું દુષ્કર બની જાય.”

વિયોગી હોગા પહલા કવિનો અહેસાસ
કવિ કૈદીરાયનું તખલ્લુસ ધરાવતા અટલજીની કવિતાઓનું પઠન કરતાં અમને સદાય સુમિત્રાનંદન પંતની પંક્તિઓનું સ્મરણ થાય છે :
वियोगी होगा पहला कवि,
आह से उपजा होगा गान.
निकलकर आँखों से चुपचाप,
बही होगी कविता अनजान..
સ્વજનોએ દીધેલા ડંખની વેદના અટલજીની કવિતામાં ડોકાયા કરે છે. રાજકારણના ખેલ ભણી એમની દ્રષ્ટિ એમાં ઝળકે છે. એ લખે છે કે કવિતા અને રાજનીતિ સાથેસાથે ચાલી ના શકે.રોજેરોજ શ્રોતાઓને પ્રભાવિત કરી શકે તેવાં ભાષણ કરવાનાં હોય, ત્યાં કવિતાની એકાંતસાધના માટે સમય અને વાતાવરણ મળે જ ક્યાંથી? મારામાંના કવિ પ્રત્યે વફાદાર રહેવા માટે મારે ઘણી મોટી કિંમત ચૂકવવી પડી છે.છતાં કવિ અને રાજકીય  કાર્યકર્તા વચ્ચે મેળ બેસાડવા માટે હું સદાય પ્રયત્નશીલ રહ્યો છે.ક્યારેકતો ઈચ્છા થઇ આવે છે કે બધું છોડીને ક્યાંક એકાંતમાં વાંચવા,લખવા અને ચિંતન કરવા માટે પોતાને ખોઈ નાંખું.પણ આવું થતું નથી. રાજકારણના લપસણા રસ્તાઓ પર મિત્ર અને દુશ્મન, કૌરવ અને પાંડવ એ બધાની અનુભૂતિ કરનાર વાજપેયી એક બાબતમાં નક્કર છે : “ટૂટ સકતે હૈં મગર હમ ઝુક નહીં સકતે. સત્ય કા સંઘર્ષ સત્તા સે, ન્યાય લડતા નિરંકુશતા સે, અંધેરે ને દી ચુનૌતી હૈ, કિરણ અન્તિમ અસ્ત હોતી હૈ...દાંવ પર સબ કુછ લગા હૈ,રુક નહીં સકતે. ટૂટ સકતે હૈં મગર હમ ઝુક નહીં સકતે.” એમની કવિતા એટલે રાષ્ટ્રવાદ  અને દેશભક્તિથી છલોછલ કવિતા.પ્રશ્ન કાશ્મીરનો હોય કે પાકિસ્તાન સાથેના યુદ્ધનો. કવિ કૈદીરાય મડદાંને પણ બેઠાં કરી દે એવી કવિતા રચે છે.જોકે એમની કવિતામાં શબ્દછળને બદલે સામાન્ય જન  માટેની વેદનાની અનુભૂતિ સતત થયા કરે છે.
વિરાટોના યુગમાંથી આપણે વામણાઓના યુગમાં આવી ગયા છીએ ત્યારે અટલજીની આ કવિતા મમળાવવાનું જરૂર ગમે :
ધરતી કો બૌનોં કી નહીં
ઊંચે કદ કે ઈંસાનોં  કી જરૂરત હૈ.
ઇતને ઊંચે કિ આસમાન કો છૂ લેં
નએ નક્ષત્રોં મેં પ્રતિભા કે બીજ બો લેં,
કિન્તુ ઇતને ઊંચે ભી નહીં
કિ પાંવ તલે દૂબ હી જમે
કોઈ કાંટા ચુભે,
કોઈ કલી ખીલે.
વસંત હો, પતઝડ,
હો સિર્ફ ઊંચાઈ કા  અંધડ,
માત્ર અકેલેપન કા સન્નાટા.
આયખું આખું દેશને સમર્પિત કરીને ગયેલા અટલજી “અપનોં કે મેલે મેં મિત નહીં પાતા હૂં”ની વેદના સાથે સતત જીવ્યા. હલાહલ પણ હસતે મોંઢે પીને મસ્તરામ તરીકે જીવ્યા.એ પોતીકાઓમાં ભલે દોસ્તો ના મેળવી શક્યા,પણ જીવ્યા ત્યાં લગી અને મૃત્યુને ભેટ્યા ત્યાર પછી પણ દુનિયા આખી એમની મિત્ર હોવાની અનુભૂતિ થતી રહી.

ઈ-મેઈલ : haridesai@gmail.com

જીતા-જાગતા રાષ્ટ્રપુરુષ
ભારત જમીન કા ટુકડા નહીં, જીતા-જાગતા રાષ્ટ્રપુરુષ હૈ.
હિમાલયમ ઇસકા મસ્તક હૈ, ગૌરી શંકર  શિખા હૈ.
કશ્મીર કિરીટ હૈ,પંજાબ ઔર બંગાલ દો વિશાળ કંધે હૈં.
વિન્ધ્યાચલ કટિ હૈ, નર્મદા કરધની હૈ.
પૂર્વી ઔર પશ્ચિમી ઘાટ, દો વિશાલ જંઘાએ હૈં.
કન્યાકુમારી ઇસકે ચરણ હૈ, સાગર ઇસકે પગ પખારતા હૈ.
પાવસ કે કાલે-કાલે મેઘ ઇસકે કુંતલ કેશ હૈં.
ચાંદ ઔર સૂરજ ઇસકી આરતી ઉતરતે હૈં.
યહ વન્દન કી ભૂમિ હૈ, અભિનંદન કી ભૂમિ હૈ.
યહ તર્પણ કી ભૂમિ હૈ,યહ અર્પણ કી ભૂમિ હૈ.
ઇસકા કંકર-કંકર શંકર હૈ,ઇસકા બિંદુ-બિંદુ ગંગાજળ હૈ.
હમ જિએંગે  તો ઇસકે લિએ, મરેંગે તો ઇસકે લિએ.
-     અટલ બિહારી વાજપેયી


No comments:

Post a Comment