વચનોની લહાણીથી ઓબીસી-અનામતની ચૂંટણીલક્ષી કવાયતો : ડૉ.હરિ દેસાઈ
·
વર્ષ ૨૦૧૧ની નાત-જાત આધારિત વસ્તીગણતરી પછી હવે
૨૦૨૪માં અન્ય પછાતોને ગણવાના ગૂંચવાડા
·
પછાત સવર્ણ જ્ઞાતિઓ માટે
૨૫ % અનામત આપવાનો ઉપકાર દર્શાવતાં ૭૫ % અનામતનું લટકાવાતું ગાજર
·
મહિને ૬૬,૦૦૦ રૂપિયાની
આવકવાળા “ગરીબ અને પછાતો”ને ક્રીમી લેયર બહાર ગણવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય
·
ઉજળિયાત પણ પોતાને પછાત ગણાવવાની સ્પર્ધામાં હોઈ અનામતનો લાભ મેળવવા માટે આંદોલનના માર્ગે
પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે પટેલોને અનામત અને ખેડૂતોનાં દેવાં માફ
કરવાના મામલે આમરણ ઉપવાસ આદરીને ગુજરાતમાં ભારે અજંપો સર્જ્યો છે. દેશભરમાં એની
ચર્ચા થવી સ્વાભાવિક છે. અપેક્ષા તો હતી કે ભારતીય બંધારણ અમલમાં આવશે પછી સમાજમાં
કોઈ ઊંચ કે નીચ નહીં રહે, બધા મુખ્યધારામાં આવીને સમાન અધિકારો ભોગવશે.બંધારણ
ઘડાનારાઓમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર અને પંડિત જવાહરલાલ નેહરુ સાથે ડૉ.રાજેન્દ્ર
પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી સહિતનાં વિરાટ
વ્યક્તિત્વો હોવા છતાં આજના યુગના વહેંતિયાઓ એમને ભાંડવામાં મશગુલ છે. આખું બંધારણ
જ નકામું હોવાનું જણાવીને અને એને નવેસરથી
ઘડવા કે એમાં આમૂલ પરિવર્તન લાવવાની રીતસરની ઝુંબેશો ચલાવાય છે. ચૂંટણીલક્ષી અમુક
નુકસાન વહોરવાં ના પડે એટલા માટે કેટલાક મહાનુભાવો વાતને વાળી લેવાની કોશિશ કરે
છે.એકબાજુ, સત્તાસ્થાને કેન્દ્ર અને રાજ્યમાં એકજ પક્ષની સરકાર હોવા છતાં બિહારમાં
અનામતવિરોધી આંદોલન પૂરજોશમાં ચલાવાય છે. બીજીબાજુ, અનામતશ્રેણીનો વ્યાપ વધારવાની
સાથે જ યાવદ્ચંદ્રદિવાકરૌ અનામત જાળવવાની ખાતરીઓ સર્વોચ્ચસ્થાનેથી અપાય છે.
સમાજમાં સંઘર્ષો ખાળવાના પ્રયાસો હાથ ધરવાને બદલે બેવડી રમતો ચાલતી રહે છે.
ઓબીસી ગણતરીમાં વિરોધાભાસ
રાજકીય તરભાણાં ભરવાની જ કવાયતો ચાલે છે. ચૂંટણી જીતવા માટે દેશની વસ્તીના
૧૬.૬ % અનુસૂચિત જાતિ(એસસી) અને ૮.૬ %
અનુસૂચિત જનજાતિના વર્ગ કરતાં ૪૧% અન્ય
પછાત વર્ગો (ઓબીસી)ની વસ્તી વધુ ઉપયોગી
હોવાને કારણે એમને રાજી રાખવાના ખેલ ચાલતા રહે છે. અન્ય પછાત વર્ગોના રાષ્ટ્રીય
પંચને બંધારણીય દરજ્જો આપવાથી લઈને આગામી ૨૦૨૧ની વસ્તીગણતરી જ્ઞાતિ આધારિત કરવાનો
નિર્ણય કરવા ઉપરાંત ઓબીસીની વસ્તી કેટલી
છે એની પણ ગણતરી કરીને એને ન્યાલ કરી દેવાનાં વચનોની સત્તાધીશોએ લહાણી કરવા માંડી
છે.વિરોધાભાસ અહીં જ છે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોળી છે.ઉત્તરપ્રદેશમાં એ
અનુસૂચિત જાતિ (એસસી)માં સામેલ છે,પણ ગુજરાત આવે ત્યારે એમણે ઓબીસી કોળી સમાજ સાથે
સાંકળવામાં આવે છે.ગુજરાતના આંજણા પટેલો ઓબીસીમાં આવે છે,પણ રાષ્ટ્રીય સૂચિમાં તેઓ
જનરલ કેટેગરીમાં છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંના પટેલો રાજ્ય અને
રાષ્ટ્રીય સૂચિમાં ઓબીસીમાં આવે છે,પણ ગુજરાતમાં એ ઓબીસી કે અન્ય અનામત શ્રેણીમાં
સમાવેશ માટે ત્રણ વર્ષથી આંદોલન કરતા રહ્યા છે.
સમાજનું સંધાણ કે વિભાજન
વર્ષ ૧૯૩૧માં છેલ્લી વાર નાત-જાતને આધારે જનગણના થઇ હતી.એ પછી ગણનામાંથી
જ્ઞાતિનું ખાનું કાઢી નાખવામાં આવ્યું
હતું. વર્ષ ૧૯૪૧ની જનગણના અંગ્રેજ શાસનમાં થયેલી છેલ્લી ગણતરી હતી. એના ધાર્મિક
આંકડાઓને આધારે દેશના ભાગલા કરતી વખતે પ્રદેશોની વહેંચણી કરવામાં આવી હતી. એ વેળા
દલિતોને હિંદુ ગણવામાં નહોતા આવતા.પાકિસ્તાનમાં આજે પણ દલિતોને વસ્તીગણતરીમાં અલગ
ગણવામાં આવે છે. ભારતની સ્વદેશી સરકાર વર્ષ ૨૦૧૧ની જનગણના કરવાનો નિર્ણય લેતી હતી
ત્યારે કોણ જાણે શાસકોને શું કુમતિ સૂઝી કે એમણે ફરીને નાતજાતને આધારે (કાસ્ટ
બેઇઝ્ડ) વસ્તીગણતરી કરવાનું વિચાર્યું. વિપક્ષે એ વેળા ભાજપવાળા હતા. ભાજપની
માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ સંઘની
ભૂમિકા માંડતાં આવી નાત-જાત આધારિત વસ્તીગણતરીનો વિરોધ નોંધાવ્યો. સમાજમાં નવાં
વિભાજનો સર્જાવાની શક્યતા વ્યક્ત કરી. ભાજપના અધ્યક્ષ રહેલા અને દાયકાઓથી ભાજપનો
ચૂંટણી ઢંઢેરો તૈયાર કરનારા ડૉ.મુરલીમનોહર જોશીએ પણ મનમોહન સરકારના આ વિચારને
પોતાના પક્ષે ટેકો નહીં આપવો જોઈએ, એવી ભૂમિકા લીધી. ભાજપના સત્તાકાંક્ષીઓ ના
સંઘનું માન્યા, ના માર્ગદર્શકમંડળ તરફ ગતિ કરી રહેલા વયોવૃદ્ધ નેતાનું. ભાજપે
નાત-જાત આધારિત જનગણનાને ટેકો આપ્યો. વિવાદ હવે શરૂ થવાનો હતો. ઓબીસી સમાજના
અગ્રણીઓ એવા લાલુપ્રસાદ યાદવ અને શરદ યાદવે કેન્દ્રમાં સત્તામાં આવેલી ભાજપના
વડપણવાળી સરકારને નાત-જાતના વસ્તીના આંકડા જાહેર કરવા વારંવાર દબાણ કર્યું. એ
જાહેર ના જ કરાયા. ભાજપનો બિહારમાં પરાજય થયો. માતૃસંસ્થાના વડા ડૉ.મોહનરાવ ભાગવતે
અનામતની સમીક્ષા કરવા સંદર્ભે કરેલા નિવેદન ઉપરાંત પેલા આંકડા નહીં જાહેર કરાયાના
પ્રતાપે જ ભાજપનો પરાજય થયો. છેવટે નીતીશકુમાર સાથે લાલુના પક્ષના છૂટાછેડા
કરાવીને જેડી(યુ) સાથે ભાજપે બિહારમાં ઘર
માંડ્યું.
અનામતસમીક્ષા અભેરાઈએ
બંધારણમાં અસ્પૃશ્યતાને ગુનો જાહેર કરીને એના નિર્મૂલન સાથે જ દલિતોને સમાજની
મુખ્યધારામાં લાવવા માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત આપવા ઉપરાંત સંસદ અને
ધારાસભાઓમાં પણ અનામતની જોગવાઈ કરવામાં આવી. એવું જ આદિવાસી સમાજ માટે પણ કરવામાં
આવ્યું. દલિતો ધર્મપરિવર્તન કરે તો તેમના અનામતના લાભ ગુમાવવા પડે,પણ આદિવાસી
ધર્મપરિવર્તન કરે તો પણ એમને અનામતનો લાભ ચાલુ રહે એવું બંધારણીય સુરક્ષાકવચ
મળ્યું છે. મૂળે સરદાર પટેલ અને ક.મા.મુનશી જેવા બંધારણ સભાના અગ્રણી અને કેન્દ્ર
સરકારમાંના પ્રધાનો અનામતના વિરોધી હતા,પરંતુ અનામતની જોગવાઈ કરવામાં ના આવે તો
દેશના કાયદા પ્રધાન અને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકર
રાજીનામું આપવા તૈયાર થયા એટલે સરદારે ઢીલું છોડવું પડ્યું હતું. દલિતો અને
આદિવાસીઓ ઉપરાંત શીખોમાંના દલિતો માટે પણ અનામતની જોગવાઈ કરાઈ.
મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમાજના બંધારણસભાના પ્રતિનિધિઓને સરદારે અનામત
નહીં માંગવા માટે મનાવી લીધા હતા. જોકે દર દસ વર્ષે અનામતની સમીક્ષા કરવાની જોગવાઈ
અનિવાર્ય કરાયા છતાં આ મામલો એટલો સંવેદનશીલ બની ગયો કે કોઈ એની વાત કરે તો એના
પક્ષનું આવી જ બને. સ્વયં ડૉ.બાબાસાહેબે અનામતની ટકાવારી ૫૦ ટકાથી વધે નહીં, એવો
આગ્રહ રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પણ અનેક ચુકાદાઓમાં આ ટકાવારીને માન્ય રાખી છે.
આમ છતાં દેશનાં અનેક રાજ્યોમાં ૬૯ % સુધીની અનામત અમલમાં છે અને કેન્દ્રના સામાજિક
ન્યાય રાજ્ય પ્રધાન રામદાસ આઠવલે તો બંધારણ સુધારીને આ ટકાવારીને ૭૫ ટકા સુધી લઇ
જવાની અને આર્થિક રીતે પછાત સવર્ણ જ્ઞાતિઓ
માટે ૨૫ % અનામત આપવાનો ઉપકાર દર્શાવતા રહ્યા છે. જોકે આ માત્ર મત મેળવવા માટે
લટકાવી રાખેલું ગાજર જ છે.
ધાર્મિક અને આર્થિક અનામત નહીં
ડૉ.આંબેડકરે ૧૯૫૬માં લાખો દલિતો સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને દેશમાં બૌદ્ધ
ધર્મને પુનઃજીવિત કર્યો. સમયાંતરે દલિતમાંથી બૌદ્ધ થનારાઓને માટે વી.પી.સિંહના
શાસન વેળા એસસીમાં અમુક ટકા અલગથી અનામતનો લાભ આપવાનું નક્કી થયું. બંધારણમાં
ધર્મઆધારિત અને આર્થિક આધાર પર અનામત માટેની જોગવાઈ નહીં હોવા છતાં આજ દિવસ લગી
બંધારણ બદલીને કે અનામતના જે તે વર્ગમાં અલગથી અમુક ટકાવારી નક્કી કરીને મુસ્લિમો,
ખ્રિસ્તીઓ અને અન્યોને અનામતનો લાભ અપાવવાનું અમુક રાજ્ય સરકારોએ કર્યે રાખ્યું
છે.સર્વોચ્ચ અદાલત આવી જોગવાઈઓને લગતા ચુકાદા આપતી રહી છે, પણ અનામત માટેની સમાજની
પિપાસા અને રાજકીય પક્ષો થકી મતબેંક
ટકાવવાના સ્વાર્થને લીધે મામલા ગૂંચવાતા રહ્યા છે. પ્રત્યેક રાજ્યમાં બ્રાહ્મણ,
રાજપૂત અને પટેલ-મરાઠા-જાટ સહિતની મોટાભાગની ઉજળિયાત ગણાતી જ્ઞાતિઓ પણ અનામત માટે અરજી કરવા માંડી છે.એ માટે રેલીઓ
કાઢે છે અને આંદોલન પણ કરે છે.
ઓબીસી અનામતનો ઘટનાક્રમ
બંધારણના ઘડવૈયાઓએ “સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત” માટે અનામતની જોગવાઈ કર્યા છતાં નેહરુ સરકારે એ અંગે
પંચ નિયુક્ત કરીને કોઈ પગલાં લીધાં નહીં,
એવો મુદ્દો પણ કાયદા પ્રધાન તરીકે ડૉ.આંબેડકરે સપ્ટેમ્બર ૧૯૫૧માં રાજીનામું આપવા માટેનાં કારણોમાં સમાવિષ્ઠ
કરાયો હતો. અન્ય પછાત વર્ગ (ઓબીસી) શબ્દના જનક પણ બાબાસાહેબ હતા.મુશ્કેલી એ છે કે
તેમણે ઓબીસી અનામત માટે નેહરુએ કંઇ ના કર્યાની વાત કરી, હિંદુ કોડ બિલ મંજૂર
કરાવવા માટે નેહરુએ કંઇ ના કર્યું; આ વાત પણ કરી તો ખરી,પણ નેહરુના સાથીઓ સરદાર
પટેલ અને રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ તેમજ ઉદ્યોગ પ્રધાન ડૉ.શ્યામાપ્રસાદ
મુકરજી અનામતના વિરોધમાં હતા અને હિંદુ કોડ બિલના ય વિરોધમાં હતા, એ વાત ભાગ્યેજ ચર્ચામાં આવે છે.
નેહરુ સરકારે ૨૯ જાન્યુઆરી ૧૯૫૩ના રોજ
સવાઈ ગુજરાતી સર્જક અને સાંસદ કાકાસાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં બંધારણના
અનુચ્છેદ (કલમ) ૩૪૦ હેઠળ પહેલું પછાતવર્ગ આયોગ રચ્યું અને એણે ૩૦ માર્ચ ૧૯૫૫ના રોજ અહેવાલ આપ્યો. એમાં ૨૩૯૯ જ્ઞાતિઓને પછાત ગણાવી
અને તેમાંની ૮૩૭ને “અતિપછાત” દર્શાવી. આ પંચે ૪૦ % થી ૭૦ % સુધીની અનામતની ભલામણ
કરી. જોકે કાકાસાહેબ સહિતના ૧૧ સભ્યો વચ્ચે ભલામણો અંગે સંમતી સધાઈ નહોતી અને
ઓબીસી અનામત ટલ્લે ચડી ગઈ.
કમંડળ સામે મંડળની રાજનીતિ
છેક ડિસેમ્બર ૧૯૭૮માં મોરારજી દેસાઈની સરકારે સાંસદ અને બિહારના પૂર્વ
મુખ્યમંત્રી બી.પી.મંડળની અધ્યક્ષતામાં
બીજું પછાત વર્ગ આયોગ નિયુક્ત કર્યું. મંડળ ઉપરાંત જસ્ટિસ આર.આર.ભોળે, દિવાન મોહન
લાલ, કે.સુબ્રમણિયમ અને એલ.આર.નાઈક થકી ૩૧ ડિસેમ્બર ૧૯૮૦ના રોજ મંડળ પંચનો અહેવાલ
રજૂ કરાયો.એણે ૧૯૩૧માં જ્ઞાતિ આધારિત છેલ્લી વસ્તી ગણતરી થયાના આંકડાનો ઉપયોગ કરવો
પડ્યો.દેશની કુલ ૫૨ % વસ્તી અન્ય પછાત વર્ગોમાં આવતી હોવાની ગણતરી સાથે તેમણે
ઓબીસીને ૨૭ % અનામત આપવાની ભલામણ કરી. જોકે વડાપ્રધાન વી.પી.સિંહે ભાજપની કમંડળની રાજનીતિ સામે મંડળની રાજનીતિનું
કાર્ડ ખેલ્યું ત્યાં સુધી આ અહેવાલ અભેરાઈએ જ રહ્યો. ૧૩ ઓગસ્ટ ૧૯૯૦ના રોજ ભારત
સરકારે જાહેરનામું બહાર પાડીને ૨૭ % અનામતનો લાભ ઓબીસીને આપવાનું ઠરાવ્યું તો
ખરું,પણ રમખાણો અને અદાલતી ખટલાઓમાં એ અટવાયેલી રહી. છેક ૧૯૯૨માં સર્વોચ્ચ અદાલતના
નવ ન્યાયાધીશોની ખંડપીઠે આપેલા ઇન્દિરા સાહની ચુકાદાને પરિણામે ૧૦ માર્ચ ૧૯૯૩થી ૨૭
ટકા ઓબીસી અનામત અમલી બની. એ જ વર્ષે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ પણ બનાવવામાં
આવ્યું. જોકે મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ગોવા જેવાં કેટલાંક
રાજ્યોએ મંડળ પંચે પછાત જ્ઞાતિઓની જે યાદી જાહેર કરી હતી તેણે યથાવત સ્વીકારી
લીધી.જયારે ગુજરાત જેવા રાજ્યમાં એ ટુકડે ટુકડે સ્વીકારાઈ.
બ્રાહ્મણો અનામતથી લાભાન્વિત
પ્રત્યેક રાજ્યમાં સરકારો વિકાસની માળા જપે છે છતાં અત્યારે ૫૦૦૦ જેટલી ઓબીસી
જ્ઞાતિઓ-જૂથોની પછાત વર્ગોની યાદી સતત લંબાતી જાય છે. સર્વોચ્ચ અદાલતના ઇન્દિરા
સહાની ચુકાદામાં ક્રીમી લેયરનો વિચાર ઘુસી ગયો. એસસી કે એસટી પરિવાર ગમે તેટલા સમૃદ્ધ હોય તો પણ તેમને અનામતનો લાભ
નકારી શકતો નથી,પણ ઓબીસીમાં અમુક આવકથી વધુ આવક ધરાવનાર પરિવારના સભ્યોને અનામતનો
લાભ મળતો નથી. મંડળ પંચ હેઠળની અનામતનો લાભ હકીકતમાં જે ખરેખર ગરીબ કે પછાત છે
તેમને મળવાને બદલે મહિને ૬૬,૦૦૦ રૂપિયાની આવક ધરાવનારા “ગરીબ અને પછાતોને” મળે એવો
નિર્ણય થોડા વખત પહેલાં મોદી સરકારે કર્યો
છે. ઓબીસી અનામત અમલી બની ત્યારે વર્ષે જે પરિવારની આવક રૂપિયા એક લાખ કરતાં ઓછી
હોય તેમને જ અનામતનો લાભ અપાતો હતો. મોદી સરકારને મહિને ૧.૨૫ લાખ રૂપિયા એટલે કે
વર્ષે ૧૫ લાખ રૂપિયાની આવકવાળા ઓબીસી પરિવારને અનામતનો લાભ મળે તેવી ભલામણ
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે કરી હતી,પણ સરકારે “વાજબી કરીને” મહિને રૂપિયા ૬૬,૦૦૦ની
આવક ધરાવતા ગરીબ પરિવારોને અનામત લાભ મળે, એવું ઠરાવ્યું હતું. દલિત અને આદિવાસી અનામતનો લાભ લઈને સરકારી
નોકરીમાં આવેલાઓને બઢતીમાં પણ અનામતનો લાભ મળે છે, જે ઓબીસીને મળતો નથી.
ક્યારેક મદ્રાસ પ્રાંતમાં અંગ્રેજોની મીઠી નજર તળે અનામતનો સૌપ્રથમ લાભ બ્રાહ્મણોને મળ્યો હતો, જયારે અત્યારે ૬૯ %
જેટલી અનામતની ટકાવારી ધરાવનારા તમિળનાડુમાં બ્રાહ્મણો ૫% અનામત મેળવવા માટે રેલીઓ
કાઢે છે છતાં એમને દક્ષિણારૂપે પણ આટલી અનામત અપાતી નથી ! દેશ ખરેખર વિકાસ કરી
રહ્યાનાં ઢોલ પીટવામાં આવે છે,પરંતુ અનામતના લાભ લેવા માટે ઊલટી ગંગા ચાલુ છે.
અગાઉ પોતાને ઊંચા ગણાવવાની સ્પર્ધા ચાલતી હતી અને સમાજશાસ્ત્રી એમ.એસ. શ્રીનિવાસ
એને સંસ્કૃતીકરણની થિયરી ગણાવતા હતા. હવે ઉજળિયાત પણ પોતાને પછાત ગણાવવાની સ્પર્ધામાં સામેલ થઈને અનામતનો
લાભ મેળવવા માટે આંદોલન કરે છે. સમય સમયની બલિહારી છે.
No comments:
Post a Comment