Wednesday 15 August 2018

National Parties in race to bring Karunanidhi’s party on their side


Dr. Hari Desai’s  Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot),  Hamlog (Patan), Gandhinagar Samachar (Gandhinagar ), Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat). You may read the full text here and comment.
દ્રવિડનાડુના પ્રણેતા કરુણાનિધિના પક્ષને સોડમાં લેવાની ચડસાચડસી :ડૉ.હરિ દેસાઈ
તમિળનાડુમાં ભગવાન રામ અને રામસેતુના દ્રોહી, નાસ્તિકવાદના પ્રણેતા, ઉત્તર ભારત અને હિંદી વિરોધી દ્રવિડ ચળવળના સૂત્રધાર, લિબરેશન ઓફ તમિળ ટાયગર્સ ઇલમ (એલટીટીઈ) જેવી પ્રતિબંધિત ખૂનખાર ત્રાસવાદી સંસ્થાના પ્રગટપણે સમર્થક  તેમજ અલગ દ્રવિડ નાડુના ટેકેદાર એવા ભ્રષ્ટાચારમાં શિષ્ટાચાર નિહાળતા  “અવતારીપુરુષ” મનાતા “કળઈંગર”(કળાના જાણકાર) એમ.કે.કરુણાનિધિના ૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ મૃત્યુએ જાણે કે રાજકીય ખાલીપો સર્જ્યો છે. એ ખાલીપો ભરવાની વેતરણમાં આખું ભારત જાણે કે તેમની દફનવિધિમાં ઉમટ્યાનો માહોલ જોવા મળ્યો. તમિળનાડુનાં છ-છ વાર મુખ્યમંત્રી થવાનો વિક્રમ સર્જનાર જયલલિતા જયરામના રહસ્યમય મૃત્યુને હજુ બે વર્ષ પણ પૂરાં નથી થયાં ત્યાં કરુણાનિધિ ગયા. છેલ્લા પચાસ વર્ષથી દ્રવિડ મુનેત્ર કળગમ (દ્રમુક-ડીએમકે)ના પ્રમુખ રહેલા “કળઈંગર” કરુણાનિધિએ ૯૪ વર્ષની વયે દેહ છોડ્યો.મૂળે કરુણાનિધિ દ્રવિડો માટેના અલગ રાષ્ટ્ર દ્રવિડ નાડુ અને પછીથી તમિળો માટેના અલગ રાજ્યના આગ્રહી રહેલા “પેરિયાર” એ.વી.રામાસામીની સ્વાભિમાન ચળવળના યુવા કાર્યકર હતા.પછીથી તમિલ ફિલ્મોની પટકથાના લેખક ગાજ્યા. સી.એન.અન્નાદુરાઈએ પેરિયારથી નોખું ચૂંટણીલક્ષી રાજકારણ આરંભ્યું. એ વેળા કરુણાનિધિ સુપરસ્ટાર એમ.જી.રામચંદ્રન સાથે અંતરંગ મૈત્રી ધરાવતા હતા,પણ રાજકીય કટુતાને પગલે એમજીઆરના કટ્ટર દુશ્મન બન્યા.૧૯૬૭માં દ્રવિડ ચળવળના પ્રભાવને કારણે અન્નાનો દ્રમુક પક્ષ સત્તામાં આવ્યો. અન્ના મુખ્યમંત્રી બન્યા.બસ, ત્યારથી આજ લગી કોઈ રાષ્ટ્રીય પક્ષને રાજ્યમાં સત્તા મળી નથી.અન્ના માંડ  બે વર્ષ મુખ્યમંત્રીપદે રહ્યા પછી કેન્સરને લીધે ગુજરી ગયા. ૧૯૬૯માં કરુણાનિધિ મુખ્યમંત્રી તથા દ્રમુકના વડા બન્યા.એ પછી કળઈંગરનો પક્ષ  દ્રમુક અને એમજીઆરનો પક્ષ અન્નાદ્રમુક મહદઅંશે વારાફરતાં સત્તામાં આવતા રહ્યા.અગાઉ કોંગ્રેસના સી.રાજગોપાલાચારી અને કે.કામરાજ જેવા મહારથીઓ મુખ્યમંત્રીપદે રહ્યા હતા, પણ  ૧૯૬૭ પછી તો કોંગ્રેસનું નામું જ નંખાઈ ગયું.

આઝાદી-પ્રજાસત્તાક દિવસનો શોક
મહદઅંશે દક્ષિણ પર ઉત્તરની જોહુકમી સામે દ્રવિડ પક્ષો લડત ચલાવે છે. હિંદી વિરોધી આંદોલનની પહેલ તો કરુણાનિધિએ જ  કરી હતી. છેક પેરિયારના વખતથી ભારતને આઝાદી મળી કે દેશ પ્રજાસત્તાક થયો ત્યારે પણ અલગ દ્રવિડ નાડુની માંગણી કરીને સ્વતંત્રતા દિવસ કે પ્રજાસત્તાક દિવસનો વિરોધ કરવામાં દ્રવિડ ચળવળના નેતા સક્રિય હતા.પેરિયારની હાકલથી દ્રવિડો માટે અલગ દેશ મેળવાનો પ્રયાસ થયો હતો. હજુ એ ભાવના સુષુપ્ત અવસ્થામાં પડી જ છે. સમયાંતરે કેન્દ્રમાં સત્તા સાથે સંધાણ રાખવા માટે દ્રમુક તથા અન્નાદ્રમુક કોંગ્રેસ અને ભાજપ સાથે અનુકૂળતા મુજબ રાજકીય સહશયનની નીતિ રીતિ  બદલતા રહ્યા છે. હજુ આજે પણ કેન્દ્રમાં ભાજપ સત્તામાં હોવા છતાં કોંગ્રેસની જેમજ રાજ્યમાં એનો પ્રભાવ નહીંવત છે.કરુણાનિધિના નિધન પછી બદલાયેલા સંજોગોમાં સર્જાયેલા ખાલીપાને ભરવામાં ભાજપ કે કોંગ્રેસ કેવી કવાયતો હાથ ધારે છે અને કેટલી સફળતા મળે છે,એ ભણી સૌની મીટ છે. રાજ્યના રાજકીય અભ્યાસીઓને લાગે છે કે દ્રવિડ ચળવળનાં વળતાં પાણી થયાં છે ત્યારે કોઈ રાષ્ટ્રીય પક્ષ ફરીને અહીં પગદંડો જમાવી શકે છે.

અવતારવાદનો યુગ પૂરો થયો
“તમિળનાડુમાં હવે ફિલ્મોનું  અફીણ ઉતરી ગયું છે,” એવું જણાવતાં છેલ્લાં ૬૦ વર્ષથી રાજ્યમાં વસતા અને ૧૯૫૮ની કેડરના આઇએએસ અધિકારી રહેલા દેવેન્દ્ર ઓઝા નામના ગાંધીવાદી ગુજરાતી મહાનુભાવ કરુણાનિધિના મૃત્યુના જ દિવસે આ લેખક સાથેની ચર્ચામાં ઉમેરે છે: “અહીંની પ્રજા રાજકારણમાં આવનારી ફિલ્મીહસ્તીઓ જેવી કે  અન્નાદુરાઈ, એમજીઆર, કરુણાનિધિ  કે જયલલિતાને અવતાર તરીકે લેખતી રહી છે.કરુણાનિધિના અવસાનથી એ અવતારવાદનો યુગ પૂરો થયો છે.” ૮૫ વટાવી ગયેલા દેવેન્દ્રભાઈ લીંમડી અને વલભીપુરના દીવાન કેશવલાલ ઓઝાના પુત્ર છે અને તમિળનાડુ સરકારમાં અધિક મુખ્ય સચિવના હોદ્દેથી નિવૃત્ત થયા  હતા. અત્યારે ફિલ્મી હસ્તીઓ જેમકે કમલ હસન કે રજનીકાંત (શિવાજીરાવ ગાયકવાડ) તમિળ ફિલ્મોમાંથી નિવૃત્ત થઈને રાજકારણમાં આવવા ઈચ્છુક હોવા છતાં એમને એટલું જનસમર્થન મળતું નથી. થોડા વખત પહેલાં વિજયકાંત નામના અભિનેતાએ રાજકીય  પક્ષ કાઢ્યો હતો, પણ અત્યારે એ શોધ્યા જડે તેમ નથી. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ઈમર્જન્સીના વિરોધી અને બબ્બેવાર જેમની સરકારને બરખાસ્ત કરાઈ હતી, એવા કળઈંગર કાયદાથી પર હોવાનો અનુભવ કરાવતા રહ્યા છે.

સત્તા સાથે સંધાણના જાદુગર
મૂળ કોલ્હાપુરના ગાયકવાડ પરિવારના અને બેંગલુરુમાં જન્મેલા શિવાજીરાવ કોલીવુડમાં નસીબ અજમાવવા ચેન્નાઈ ગયા અને સુપરસ્ટાર થયા.જોકે એમને ભાજપ સાથે ઘર માંડવા ખૂબ સમજાવવામાં આવ્યા છતાં હજુ એ માન્યા નથી. તમિળનાડુની પ્રજા મહદઅંશે પછાત વર્ગો અને મુસ્લિમોને સાથે લઈને ચાલનારી સેક્યુલર પ્રજા મનાય છે.અહીંની વિધાનસભામાં આજે પણ ભાજપને એક પણ બેઠક મળતી નથી.લોકસભામાં ૩૯ બેઠકોમાંથી માત્ર એકજ કન્યાકુમારીવાળી બેઠક ભાજપને મળે છે.ગત લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ થકી જયલલિતાની અન્નાદ્રમુક સાથે ચૂંટણી સમજૂતી કરવાના લાખ પ્રયત્નો છતાં અમ્માએ એ જોડાણને નકારી કાઢીને પણ ભવ્ય વિજય મેળવ્યો હતો.કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે દ્રમુક અને અન્નાદ્રમુક સાથે વારાફરતાં સમજૂતી થઇ હતી. જયલલિતા તો અયોધ્યામાં રામમંદિર મુદ્દે ભાજપના સમર્થનમાં હતાં,પણ પછીથી એમને એ મૈત્રી માફક આવી નહોતી.એવુંજ કંઈક દ્રમુકનું પણ હતું.વાજપેયી સરકારમાં દ્રમુક ભાગીદાર હતી,પણ પછી ડૉ.મનમોહન સિંહની સરકારમાં પણ દ્રમુક સહભાગી હતો. બંને મુખ્ય દ્રમુક પક્ષોની નીતિ “જિસકે તડ મેં લડ્ડુ, ઉસકે તડ મેં હમ” જેવી જ રહી છે.જયલલિતાના અવસાન બાદ અન્નાદ્રમુકમાં ભાગલા પડ્યા હતા.એમને ભેગાં કરવાનું શ્રેય કંઈક અંશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. એટલે તમિળનાડુમાં સત્તાપક્ષ અન્નાદ્રમુક મોદીની દત્તક પાર્ટી ગણાવાય છે.

રાષ્ટ્રદ્રોહી- ઉત્તરવિરોધી નીતિ
દેશને તોડવાની વાત કરનારને રાષ્ટ્રદ્રોહી કહીને પાકિસ્તાન પાઠવવાની વાતો કરનારા નિવેદનશૂરો તમિળનાડુમાં દ્રવિડ નાડુની બાંગ પોકારનારાઓને તો લળીલળીને દિલ્હી તેડાવવાની વાતો કરે છે. તમિળનાડુના રાજકારણમાં સફળતા મેળવવા માટે ઉત્તર ભારત કે હિંદી ભાષાની વિરુદ્ધ આંદોલન છેડવાની પરંપરા રહી છે. હદ તો ત્યારે થાય છે કે કરુણાનિધિના રાજકીય વરસ એવા એમનાં બીજાં પત્નીના વચેટ પુત્ર એમ.કે.સ્ટાલિને માર્ચ ૨૦૧૭માં જ દક્ષિણનાં રાજ્યોના અલગ “દ્રવિડ નાડુ”ની ઘોષણા કરી હતી. એમની દિલી ઈચ્છા  તેમણે ઇરોડમાં પત્રકાર પરિષદ ભરીને વ્યક્ત કરી  હતી.દક્ષિણનાં રાજ્યો તમિળનાડુ,કર્ણાટક,આંધ્ર પ્રદેશ,તેલંગણ, કેરળ અને કેન્દ્રશાસિત પુડુચેરીને જોડીને અલગ દ્રવિડ નાડુ બને અને પ્રત્યેક રાજ્યની દ્રવિડ ભાષાને  મહત્વ અપાય એવો તેમનો ખ્યાલ હોવાનું રાજકીય દ્રષ્ટિએ એમને વધુ અનુકૂળ  આવે છે. રાજકીય નેતાઓ અને સત્તાધીશોને રાજકીય જોડાણ કરવા માટેની વિવશતા જણાય છે. એકબાજુ જમ્મૂ-કાશ્મીરમાં ઓટોનોમી કે કાશ્મીર રાજ્યની માંગણી કરવામાં આવે તો એમને રાષ્ટ્રદ્રોહી ગણવામાં આવે છે,જયારે એનાથી ઉલટું દક્ષિણ ભારતને અલગ દ્રવિડ નાડુ બનાવવા ઝંખનારાઓ સાથે ચૂંટણી જોડાણ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો થનગને છે.

ભ્રષ્ટાચાર બન્યો શિષ્ટાચાર
ભ્રષ્ટાચાર નાબૂદી અને પારદર્શી વહીવટની મીઠડી વાતો કરનારા રાજકીય શાસકો તમિળનાડુના ભ્રષ્ટાચારમાં ગળાબૂડ એવા રાજનેતાઓ અને શાસકોને ગળે મળવામાં જાણે કે ગૌરવ અનુભવે છે. યુપીએ સરકારમાં મંત્રી રહેલા દ્રમુકના નેતા એ.રાજા અને  કરુણાનિધિની  ત્રીજાં પત્ની થકી થયેલી પુત્રી કનિમોળી (મધ  જેવી વાણીવાળી કે  મંજુભાષિણી) અબજોના મનાતા ટુ-જી કૌભાંડમાં જેલવાસી હતાં અને પછી છૂટ્યાં.સ્વયં કરુણાનિધિ સામે ભ્રષ્ટાચારના ખટલાઓ ચાલતા રહ્યા છે.જયલલિતા અને એમનાં સખી શશિકલા સામે અબજોના ભ્રષ્ટાચારના ખટલા ચાલ્યા.જયલલિતા અને શશિકલા તો અગાઉ બેંગલુરુમાં જેલવાસ ભોગવી ચૂક્યાં છે.શશિકલા સાથે ફરીને જેલ ભોગવવાનો સમય જયલલિતા માટે આવે એ પહેલાં એમનું મૃત્યુ થયું હતું.કરુણાનિધિનાં દ્વિતીય પત્નીથી થયેલા પુત્ર અળાગિરિ કેન્દ્રમાં મનમોહન સરકારમાં મંત્રી રહ્યા.એમના સગા નાનાભાઈ અને કરુણાનિધિના રાજકીય વારસ એવા સ્ટાલિન પિતાની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહ્યા.અળાગિરિ અને  સ્ટાલિન સામે પણ ભ્રષ્ટાચારના ખટલાઓ રહ્યા છે. કરુણાનિધિનાં મોટાં બહેન શન્મુગા સુંદરથમાલના સદગત પુત્ર મુરસોલી મારન વાજપેયી સરકારમાં વાણિજ્ય મંત્રી હતા.એમના પુત્રો કલાનિધિ અને દયાનિધિ સામે અબજોના ભ્રષ્ટાચારના ખટલા ચાલે છે. કલાનિધિ સન ટીવી સહિતના ઉદ્યોગ સામ્રાજ્યના માલિક છે.દયાનિધિ મનમોહન સરકારમાં મંત્રી હતા. ડૉ.સિંહની સરકારમાં જ બીજા દ્રમુક મંત્રી ટી.આર.બાલુ સામે ભ્રષ્ટાચારના ખટલા ઉપરાંત રામસેતુ મુદ્દે ભાજપની નેતાગીરી સાથે ભારે ભાંડણલીલા થયેલી છે. જોકે રાજકીય સ્વાર્થ બંને  મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસને એમની સાથે જોડાણ કરવા વિવશ કરે છે.

અળાગિરિ વિ.સ્ટાલિન-કનિમોળી
સ્ટાલિનને કરુણાનિધિએ પોતાની હયાતીમાં જ દ્રમુકમાં “નંબર-ટુ” નિયુક્ત કરીને કાર્યાધ્યક્ષ બનાવતાં એમનું હવે દ્રમુકના સર્વોચ્ચ નેતા બનવું સ્વાભાવિક છે. કરુણાનિધિએ માર્ચ ૧૯૫૩માં જન્મેલા આ પુત્રનું નામ પેરિયાર (અય્યા) અને અન્નાદુરાઈ (અન્ના)ના નામ પરથી અય્યાદુરાઈ રાખવાનું વિચાર્યું હતું,પણ સોવિયેત શાસક જોસેફ સ્ટાલિનને અંજલિ અર્પવા માટે યોજાયેલી સભામાં એમણે પુત્રજન્મના સમાચાર મળતાં તેમણે એનું નામ સ્ટાલિન જાહેર કર્યું હતું !  સ્તાલિનની ઓરમાન બહેન અને મહિલા તેમજ સાહિત્ય-કલા વિભાગની પ્રભારી એવી સાંસદ-કવયિત્રી કનિમોળીએ તો સ્ટાલિનને ટેકો આપી દીધો છે. મદુરાઈ ખાતે રહેતો સ્ટાલિનનો સગો ભાઈ અળાગિરિ પક્ષમાંથી તગેડાયા પછી પણ કેડરમાં ભાગલા પડાવીને સ્ટાલિનને પજવી શકે છે.બંનેના ટેકેદારો વચ્ચે ભૂતકાળમાં પણ લોહિયાળ જંગ ખેલાતો રહ્યો છે. દિલ્હીનાં સત્તાકેન્દ્રો જયારે રાજકીય જાળ બિછાવે ત્યારે તેમાં કરુણાનિધિના પરિવારના આંતરકલહનો લાભ જરૂર લેવાય.લંગર અળાગિરિ ભણી ફેંકાય એ પહેલાં સ્ટાલિન અને કનીમોળીને અજમાવી જોવાય એ સ્વાભાવિક છે. ૧૯૭૭થી ૧૯૮૭ સુધી મુખ્યમંત્રી રહેલા એમજીઆરનું નિધન થતાં તેમનાં પત્ની વી.એન.જાનકી (અગાઉનાં અભિનેત્રી) અને એમજીઆરની સુપરહિટ ફિલ્મોનાં હીરોઈન તથા રાજકીય ક્ષેત્રમાં પટ્ટશિષ્યા જયલલિતા જયરામ વચ્ચે મુખ્યમંત્રીપદ માટેની ખેંચતાણમાં અન્નાદ્રમુક બે ફાડમાં વિભાજીત થયો હતો.

દ્રવિડ પક્ષોમાં ભાગલા અને રેણ
છેક પેરિયારના વખતથી દ્રવિડ પક્ષોમાં ભાગલા પડતા રહ્યા છે. ભાગલા પછી ઘણા દ્રવિડ પક્ષો અમિબાની જેમ એકીકરણ પણ સાધતા રહ્યાં છે. એમજીઆરના ગયા પછી અન્નાદ્રમુક બે છાવણીમાં વહેંચાયો. જાનકીઅમ્મા  માત્ર  ૨૩ દિવસ માટે મુખ્યમંત્રી બન્યાં, પણ અંતે રાજકારણમાં છવાયાં તો જયલલિતા જ. બે ફાડ પાછી એક થઇ ગઈ હતી.જયલલિતાના મૃત્યુ પછી પણ પક્ષમાં બે ભાગ પડ્યા અને મોદીની મદદથી રેણ પણ થયાં. હવે દ્રવિડ ચળવળનો મુદ્દો ઝાઝો પ્રભાવી રહેતો નથી એટલે નાણાંની થેલીઓ ખુલ્લી મૂકીને ખેલાતાં રાજકારણમાં ક્યારે કોણ કોની વહેલમાં બેસે છે અને દ્રવિડ ચળવળના માંધાતા વિદાય થયા પછી કયો રાષ્ટ્રીય પક્ષ સોગઠી મારે છે એન ભણી સૌની મીટ છે.દિલ્હીશ્વર માટે અત્યારના સત્તારૂઢ અન્નાદ્રમુક કરતાં દ્રમુકને મનાવી લેવાનું વધુ આકર્ષક રહે. કારણ સ્પષ્ટ છે. વેરવિખેર અન્નાદ્રમુક કરતાં દ્રમુકના એક નેતા સ્ટાલિન સાથે વાત કરીને ચૂંટણી સમજૂતી ઠરાવી શકાય.સ્ટાલિનને ચેન્નઈની ગાદીમાં રસ છે. બહેન કનિમોળી દિલ્હીના રાજકારણમાં રહે.અત્રે સ્મરણ રહે કે અગાઉ દિલ્હીમાં સાંસદ રહીને જ જયલલિતા ચેન્નાઈની ગાદી સંભાળવાના દાવપેચ બરાબર શીખી શક્યાં હતાં !

ઈ-મેઈલ : haridesai@gmail.com
  

No comments:

Post a Comment