તમિળ નાડુમાં હવે પછી સરકાર રચવાના મુખ્ય દાવેદાર એવા
ડીએમકે કે દ્રમુકના કાર્યાધ્યક્ષ એમ.કે. સ્ટાલિને સૂતેલા સાપને જગાડવાની પહેલ કરી
છે.
Dr.Hari Desai's Column in Divya Bhaskar Wednesday, 21 March 2018
દક્ષિણમાં દ્રવિડ નાડુનો વિદ્યુતસંચાર
ડૉ.હરિ દેસાઈ
ચૂંટણીલક્ષી વચનોની લ્હાણી ઉત્તરની જોહુકમી વિરુદ્ધનો માહોલ સર્જે છે
રાજકીય પક્ષોની
સત્તાપિપાસાએ સરદાર પટેલના વડપણ હેઠળ અખંડ થયેલા ભારતને ફરી નવાં વિભાજનો નોતરવા
ભણી દોરી જાય એવા સંજોગો નિર્માણ કર્યા છે..ઇશાન ભારતને ફત્તેહ કર્યાના દાવા પછી અશ્વમેધનો ઘોડો કર્ણાટક ભણી વાળવા જતાં
દક્ષિણનાં પાંચેય રાજ્યોમાં દિલ્હી સામે બગાવતના જે સૂર ઊઠવા માંડ્યા છે, એને તાકીદે
કાન દેવાનો સમય આવી ગયો છે. સૌથી વધુ જોખમી રાગ તમિળ નાડુમાં હવે પછી સરકાર રચવાના
મુખ્ય દાવેદાર એવા ડીએમકે કે દ્રમુકના કાર્યાધ્યક્ષ એમ.કે. સ્ટાલિને છેડ્યો
છે.એમણે દક્ષિણનાં પાંચેય દ્રવિડ રાજ્યોને દિલ્હીની કથિત જોહુકમી સામે સંગઠિત થવા
માટે હાકલ કરી છે.તમિળ નાડુના આસ્થાપુરુષ એવા એ.વી.રામસામી નાયકર ઉર્ફે પેરિયાર થકી પહેલાં બ્રાહ્મણવિરોધી સ્વાભિમાન
ચળવળ, જસ્ટિસ પાર્ટી અને પછીથી દ્રવિડ કળગમ(ડીકે)ના માધ્યમથી અલગ રાષ્ટ્ર “દ્રવિડ નાડુ”ની માંગણીના ટેકામાં ચળવળ આરંભવામાં
આવી હતી. એનું સ્મરણ કરાવીને સ્ટાલિને સૂતેલા
સાપને જગાડવાની પહેલ કરી છે. દાયકાઓ પહેલાં દક્ષિણ ભારતને હચમચાવી નાંખનાર દ્રવિડ
નાડુ સંદર્ભે, દક્ષિણ ભારતનાં પાંચ
રાજ્યો, તમિળ નાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગણ અને કેરળ ઉપરાંત પુડુચેરી
કેન્દ્રશાસિત પ્રદેશના, આ અંતરિયાળ વિદ્યુતપ્રવાહ ભણી દિલ્હીએ ભાગ્યેજ ગંભીરતા
દાખવી છે.ઉત્તર ભારતના આધિપત્ય સામે વર્તમાન સંજોગોમાં સૌથી મોટો પડકાર
દક્ષિણમાંથી ઊભો થઇ રહ્યો છે એ રખે ભૂલીએ.
સ્ટાલિને શનિવાર, ૧૭
માર્ચે દક્ષિણનાં રાજ્યોને અન્યાય સામે એકત્ર થવા માટે દ્રવિડ નાડુની માંગણીનો
પ્રસ્તાવ કરવા માટે પેરિયારના જન્મસ્થળ ઈરોડને પસંદ કર્યું એ પણ ઘણું સૂચક છે.
૧૯૬૭માં ડીકેથી અલગ થઇ ડીએમકે (દ્રમુક) સ્થાપી તેની સરકારના મુખ્યમંત્રી બનીને આજ
લગી કોંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષોને કાયમ માટે સત્તાના વનવાસમાં મોકલવાનું
નિમિત્ત બનેલા પેરિયારના “રાજકીય પુત્ર” સી.એન.અન્નાદુરાઈ હતા. તેમણે સૂચવ્યું
હતું કે ભારતીય બંધારણમાં સુધારો કરીને “સંઘીય વ્યવસ્થા મુજબના સંપૂર્ણ સ્વાયત્ત”
એવા દ્રવિડ નાડુના સંઘની જોગવાઈ કરી શકાય. એ પહેલાં તો અન્ના ગુરુ પેરિયાર કરતાં
પણ વધુ આક્રમક રીતે અલગ તમિળ નાડુ રાષ્ટ્રના આગ્રહી હતા. જોકે મુખ્ય મંત્રી તરીકે
માત્ર બે વર્ષ પણ પૂરાં કર્યા વિના, કેન્સરની બીમારીને કારણે, એ પોતાના
લાંબાગાળાના અનુગામી તરીકે કે.કરુણાનિધિને મૂકી આ ફાની દુનિયા છોડી ગયા.કરુણાનિધિ
અને એમ.જી.રામચંદ્રન વચ્ચેની અંટસને પગલે દ્રમુકમાંથી અન્નાદ્રમુકનો જન્મ થયો.
૧૯૬૭થી આજ લગી દ્રમુક કે અન્નાદ્રમુક જ વારાફરતાં મદ્રાસમાં અને હવેના ચેન્નઈમાં
સત્તામાં આવતા રહ્યા છે. મુખ્યમંત્રી જયલલિતા જયરામના નિધન પછી અન્નાદ્રમુકનાં બે
ફાડીયાં થયાં હતાં,પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરામતથીતેઓ ફરી એક થઈને અત્યારે રાજ
કરે છે.લોકસભામાં ઉપાધ્યક્ષનો હોદ્દો અન્નાદ્રમુકના એમ.થમ્બીદુરાઈને અપાયેલો છે.
વર્ષ ૨૦૨૧માં તમિળ
નાડુમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં દ્રમુક મેદાન મારે એવા સંજોગો
છે.રાજાજી-કામરાજની કોંગ્રેસના રાજ્યમાં પતન પછી તમિળ ફિલ્મી હસ્તીઓનું રાજકારણ જ
ચાલ્યું. ફિલ્મ સંવાદ લેખક કરુણાનિધિ કે અભિનેતા રામચંદ્રન કે જયલલિતા મુખ્ય
મંત્રીપદે આવતાં રહ્યાં છે.ભાજપ અને કોંગ્રેસ બેઉને રાજ્યની પ્રજાની વ્યાપક
સ્વીકૃતિ મળતી નથી.અમીબા પક્ષોની બોલબાલા છે.રાજ્યના નાયબ મુખ્ય મંત્રી રહેલા સ્ટાલિન
હવે મેદાન મારી જાય એવા સંજોગોમાં દિલ્હીએ તમિળ સુપરસ્ટાર રજનીકાંતને સાધવાના
પ્રયાસો આદર્યા છે. અભિનેતા-નિર્દેશક કમલ હસને પોતાનો પક્ષ સ્થાપ્યો.રજનીકાંતે
પૂર્ણકાલીન રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત તો કરી છે,પણ હજુ પક્ષ સ્થાપ્યો નથી.રજની
ઉત્તર ભારતના ભાજપ સાથે ઘર માંડે અને રાજકારણમાં છવાઈ જાય એ પહેલાં દ્રવિડ નેતાઓએ
“ફિલ્મોમાં અમારો રજની સ્વીકાર્ય,પણ મૂળ જન્મે મરાઠી એવો શિવાજીરાવ ગાયકવાડ ઉર્ફે
રજનીકાંત મુખ્ય મંત્રી તરીકે સ્વીકાર્ય નથી” એવી ઝુંબેશ આદરી છે.મૂળ કોલ્હાપુરના
પણ બેંગલુરુમાં જન્મેલા શિવાજીરાવે બસ કંડકટરમાંથી તમિળ ફિલ્મોના સુપરસ્ટાર તરીકે રજનીકાંત રાજકારણમાં કેવો વળાંક લાવે છે એ ભણી
સૌની મીટ છે. કથિત ટુ-જી કૌભાંડમાં સંડોવાયેલા મનાતા દ્રમુક નેતા અન્ડીમુથુ રાજા
અને કરુણાનિધિ-પુત્રી સાંસદ કળીમોળી સહિતના ૧૯ આરોપીને ડિસેમ્બર ૨૦૧૭માં વિશેષ
અદાલતે નિર્દોષ છોડી મૂક્યાં ત્યારે આગામી દિવસોમાં ભાજપ અને દ્રમુક નજીક આવે એવાં
એંધાણ મળવા માંડ્યાં હતાં. હવે માત્ર દ્રમુક જ નહીં, અન્નાદ્રમુક પણ ભાજપની
કેન્દ્ર સરકાર સામે તીર તાકવાની વેતરણમાં છે.આવા સંજોગોમાં વિશેષ અદાલતના ચુકાદાને
ઍન્ફોર્સમૅન્ટ ડિપાર્ટમૅન્ટ(ઇડી) થકી ત્રણ મહિના પછી દિલ્હીની વડી અદાલતમાં
પડકારવાનું પસંદ કર્યું છે.
ચાલુ વર્ષે કર્ણાટક
વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યના મુખ્ય મંત્રી તરીકે ભ્રષ્ટાચારના ખટલાઓમાં
કથિત સંડોવણીને પગલે ઑગસ્ટ ૨૦૧૧માં હોદ્દા પરથી
રાજીનામું આપનાર અને લોકાયુક્તની
અદાલતના આદેશથી ઑક્ટોબર ૨૦૧૧માં સૅન્ટ્રલ જેલમાં પાઠવાયેલા બી.એસ.યેડિયુરપ્પાએ જેલમુક્ત
થતાં બીજા વર્ષે. ભાજપ છોડી અલગ પ્રાદેશિક પક્ષ સ્થાપ્યો હતો. એમની ઘરવાપસી પછી એ
ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થયા છે.તેઓ લિંગાયત નેતા છે.રાજ્યમાં
પ્રભાવી લેખાતા ૧૭ ટકા વસ્તી ધરાવતા આ સમાજની હિંદુ ધર્મથી અલગ ધર્મ તરીકે એને
લઘુમતીનું સ્થાન મળે એ માટેની લાંબા સમયની માંગણીના તેઓ વિરોધી રહ્યા છે. કર્ણાટકના વર્તમાન કોંગ્રેસી
મુખ્ય મંત્રી સિદ્ધરામૈયાની સરકારે વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિના વડપણ હેઠળના
પંચના ૩ માર્ચ ૨૦૧૮ના રોજ સરકારને મળેલા અહેવાલમાં ”વેદમાં વિશ્વાસ નહીં ધરાવતા
અને બસવન્ના થકી બૌદ્ધ અને જૈન ધર્મની જેમ ૭૦૦ વર્ષ પૂર્વે સ્થપાયેલા લિંગાયત
ધર્મને લઘુમતી ધર્મ” તરીકેની માન્યતા આપવાની ભલામણને સ્વીકારી લીધી છે. એટલું જ કેન્દ્ર ભણી એને મંજૂર કરવા પાઠવીને ચૂંટણી
પહેલાં જ બરાબરની સોગઠી મારી છે. ૨૭ જાન્યુઆરી ૨૦૧૪એ જૈનોને ધાર્મિક લઘુમતી જાહેર
કરવાની અધિસૂચના ડૉ.મનમોહન સિંહ સરકારે બહાર પાડી ત્યારે ભાજપ એના વિરોધમાં હતો,પણ
બે વર્ષ બાદ એટલેકે ૭ મે ૨૦૧૬ના રોજ ગુજરાતની ભાજપ સરકારે પણ રાજ્યના જૈન સમાજને
ધાર્મિક લઘુમતી જાહેર કરી હતી ! અત્યારે કોંગ્રેસની કર્ણાટક સરકારના નિર્ણયને “આગ
સાથેની રમત” લેખાવતા ભાજપનું ભવિષ્યમાં હૃદયપરિવર્તન થાય એવા સંજોગો આકાર લઇ શકે. કર્ણાટકમાં
મુસ્લિમ અને ખ્રિસ્તી લઘુમતીની વસ્તી પણ ૧૫ ટકા હોવાનું વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી
દર્શાવે છે.
કેરળમાં છેલ્લા કેટલાય
દાયકાઓથી આરએસએસની સૌથી વધુ શાખાઓ ચાલતી હોવા છતાં ગત વિધાનસભામાં આક્રમક ચૂંટણી
પ્રચાર અને પ્રભાવી ઇઝવાહા સંગઠન શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ (ઍસઍનડીપી)
પ્રાયોજિત ભારત ધર્મ જન સેના સાથે જોડાણ છતાં ભાજપને રોકડી એક જ બેઠક મળી
હતી.ડાબેરી મોરચાની સરકાર રચાઈ હતી. અત્યારે તો ભાજપી મિત્રપક્ષો વચ્ચે પણ કમઠાણ
વધ્યું છે. આંધ્ર પ્રદેશમાં સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી) અને ભાજપનું
જોડાણ તૂટી ગયું છે.ભાજપના વડપણવાળી કેન્દ્ર સરકારને ટેકો પાછો ખેંચી લેવા અને
અવિશ્વાસનો ઠરાવ રજૂ કરવા માટે મુખ્યમંત્રી નર ચંદ્રબાબુ નાયડુ મેદાને પડ્યા
છે.ભાજપ સાથે ઇલુ-ઇલુ કરતી વાયએસઆર કોંગ્રેસના જગન રેડ્ડી પણ કેન્દ્ર સરકાર સામે
ખુલ્લો વિરોધ કરી રહ્યા છે. તેલંગણના મુખ્ય મંત્રી કે.ચંદ્રશેખર રાવ બિન-કોંગ્રેસી
બિન-ભાજપી ત્રીજો મોરચો રચવા પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી સહિતના સાથે
બેઠકો કરી રહ્યા છે.પુડુચેરી અત્યારે કોંગ્રેસી સરકાર હેઠળ છે. સમગ્રપણે દક્ષિણ
ભારત કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી મોરચા સરકારને ભીંસમાં લેવા મેદાને પડ્યું છે.કેન્દ્ર
સરકારના શિવ સેના, અકાલી દળ, લોક જનશક્તિ પાર્ટી જેવા મિત્ર પક્ષો પણ
“આત્મનિરીક્ષણ”ની સલાહ આપવા શૂરા થઇ વિકલ્પો ખુલ્લા રાખે છે.આવા સંજોગોમાં દ્રવિડ
નાડુનો ગરમાટો વધે નહીં એ માટેની સક્રિયતા અનિવાર્ય લેખાશે, માથે જયારે ૨૦૧૯ની
લોકસભા ચૂંટણી ઊભી છે ત્યારે.
No comments:
Post a Comment