Wednesday 28 March 2018

Shameless Scenes in the Gujarat Legislative Assembly




(૨૭ માર્ચ ૨૦૧૮ના રોજ  વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બુચ્ચા થઇ ગયા.બજેટ સત્ર આખું વેડફ્યા પછી સત્ર સમાપ્તિના આગલા દિવસે અધ્યક્ષ સામેની અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચાઈ અને સરકાર વતી નાયબ મુખ્ય મંત્રીએ રજૂ કરેલી ગુજરાત વિધાનસભાના નિયમ વિરુદ્ધ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની અવધિ નિયમ મુજબ સત્ર સમાપ્તિ સુધીની કરવામાં આવી.રાજ્યની પ્રજાને કેવી ઊલ્લૂ બનાવી !)  

Dr.Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London), Gujarat Guardian (Surat), Sardar Gujari (Anand), Gandhinagar Samachar (Gandhinagar) and other Dailies. You can read the full text here  and comment.

ગુજરાત વિધાનસભામાં સંસદીય પરંપરાનું ખુલ્લેઆમ ચીરહરણ : ડૉ.હરિ દેસાઈ

·         ગૃહમાં મારામારી માટે વિપક્ષી ધારાસભ્યોને જ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા એ ધરાર નિયમની વિરુદ્ધ
·         કૉંગ્રેસી ધારાસભ્ય અમરીશ ડેરને પાડીને ગડદાપાટું કર્યાની ખાનગીમાં શેખી મારતા ભાજપના ધારાસભ્યો   
·         સુરેશ મહેતા કહે છે, સભ્યોને ૩ વર્ષ  સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકાય તો પણ અધ્યક્ષે એને ફગાવવી ઘટે
·         સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ચર્ચા માટે હાથ ધરાય ત્યારે અધ્યક્ષે સામે ગૃહમાં બેસવું પડતું હોય છે

એવું નથી કે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં ધાંધલ-ધમાલનાં દૃશ્યો અગાઉ સર્જાયાં નહોતાં, પરંતુ સત્તાપક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ગાળાગાળી અને મારામારીનાં દૃશ્યો તો આ બજેટસત્રમાં જ જોવા મળ્યાં. એને શરમજનક જ લેખવાં પડે. અઢી લાખ મતદારોના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં ચૂંટાઈ આવનારા સભ્યોની ગરિમા અને સંસ્કાર જળવાય એ અપેક્ષિત છે. કમનસીબે વર્તમાન ધારાસભામાં નવલોહિયા ધારાસભ્યોને વારી શકે એવા વડીલોની ભૂમિકા ઊણી ઉતરે છે. વિધાનસભાના અધ્યક્ષપદે રાજેન્દ્ર ત્રિવેદી જેવા યુવા ધારાશાસ્ત્રી ચૂંટાયા છે, પરંતુ એમના થકી વિધાનસભા શરૂ થયાના બે સપ્તાહમાં જ તોફાની બારકસ જેવા નિશાળિયાઓના પ્રભાવી મૉનિટર થવામાં સફળતા મેળવી શકાઈ નથી. વિધાનસભાના નિયમો મુજબ ગૃહ ચાલે, પણ અધ્યક્ષ એમના સભ્યો ભણી તટસ્થભાવે અને હળવાફૂલ રહીને ગૃહ ચલાવવાને બદલે નિયમ બતાવી જેલ ભેગા કરવાની ચીમકીથી લઈને ત્રણ-ત્રણ વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરવા સુધીનું ફરમાવે ત્યારે કશુંક અજુગતું થઈ રહ્યાનું જરૂર લાગે. સામાન્ય રીતે ગૃહની અને અધ્યક્ષની  ગૃહના નેતા એટલેકે મુખ્ય મંત્રી અને વિપક્ષના નેતા સ્વીકારતા હોય છે,પણ મામલો એટલી હદ સુધી બિચક્યો કે સર્વાનુમતે અધ્યક્ષ વરાયેલા વડોદરાના ધારાસભ્ય ત્રિવેદી સામે વિપક્ષે રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્ત આ લખાય છે ત્યાં લગી તો પાછી ખેંચાઈ નથી.હવે એ ચર્ચામાં આવે એ પૂર્વે પાછી ના ખેંચાય તો ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત અધ્યક્ષ સામાન્ય સભ્ય તરીકે ગૃહમાં આરોપનામું સંભાળવા માટે સામેની પાટલીએ બેસશે અને કૉંગ્રેસના સભ્યો તેમની પર ટીકાનાં બાણ છોડશે અને સત્તાપક્ષ એમને બિરદાવશે. એ દ્રશ્ય પણ વરવું હશે.ગૃહમાં બેસતા વરિષ્ઠ સભ્યોનાં મસ્તક ખરેખર આવાં દ્રશ્યો નિહાળીને શરમથી ઝૂકી જવાં જોઈએ.
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ વખતે જરા વધુ પડતા ઉત્સાહમાં આવીને કૉંગ્રેસનો વારો કાઢી લેવાના મૂડમાં છે.વરિષ્ઠ સભ્ય અને પરિપક્વ નેતા હોવા છતાં કૉંગ્રેસના પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને ત્રણ-ત્રણ વર્ષ માટે અને બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે ગૃહમાંથી જ નહીં, વિધાનસભા પરિસરમાંથી પણ સસ્પેન્ડ કરવાની દરખાસ્ત એ રજૂ કરીને દેશમાં ઈતિહાસ સર્જવાની ઉતાવળમાં જણાય છે.આ તબક્કે તટસ્થભાવે અધ્યક્ષે એમનું નિયમાવલિ ભણી ધ્યાન ખેંચીને વારવાની જરૂર હતી,પણ બધાએ  જ જાણે આક્રોશમાં આવીને બહુમતિએ એ દરખાસ્તને પસાર કરીને ઈડરિયો ગઢ જીત્યાનો હરખ કર્યો. આવા ઘટનાક્રમથી સંસદીય પ્રણાલીને લુણો લાગતો હોવાનું જરૂર વર્તાય છે.ઓછામાં પૂરું અમારી સાથે ટીવી ડિબેટમાં સહભાગી ડૉ.નિમાબહેન આચાર્ય તો એટલાં ઉત્સાહમાં આવી ગયાં કે બંને તોફાની કોંગ્રેસી ધારાસભ્યોની સામે એફઆઈઆર દાખલ કરવાનું અને પોલીસને તપાસ સોંપવાનું કહી બેઠાં.બહેન કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં વરિષ્ઠ ધારાસભ્ય છે એટલે અમે એમને ધારાગૃહમાં પોલીસ કે અદાલતી કાર્યવાહી સામે વિશેષાધિકાર હોવાનું સ્મરણ કરાવ્યું.ગૃહમાં તોફાન મચાવનારા કે મારામારી કરનારા બંને પક્ષના સભ્યોને ઠપકો અપાય કે નિયમાવલિ મુજબ “ગૃહના સત્રની સમાપ્તિ સુધી” સસ્પેન્ડ કરી શકાય.કૉંગ્રેસના અમરીશ ડેરને નીચે પાડી દઈને ગડદાપાટું કર્યાની ખાનગીમાં શેખી મારતા ભાજપી ધારાસભ્યોને ખ્યાલ છે કે જો ગૃહની તે ઘટનાની સંપૂર્ણ કાર્યવાહીના ફૂટેઝ રજૂ થાય તો નીચાજોણું થાય. બીજાં રાજ્યોના નિયમો ગુજરાત વિધાનસભાને લાગુ ના પડે,પણ જ્યાં ધાર્યું જ કરવું હોય ત્યાં તર્ક ચાલતો નથી.
આ બધું એવા વખતે થયું  જ્યારે રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી યોજવાની પ્રક્રિયા ચાલુ હતી. ભાજપના ચાર રાજ્યસભા સાંસદ નિવૃત્ત થતાં ભાજપ અને કૉંગ્રેસ બેઉના બબ્બે સાંસદો ચૂંટાય એવા સંજોગો હતા. ગૃહ ૧૮૨ સભ્યોનું છે. ભાજપ કને માત્ર ૧૦૦નું સંખ્યાબળ છે, જ્યારે કૉંગ્રેસ પાસે ૮૧નું સંખ્યાબળ છે. એક સાંસદ ચૂંટવા માટે ૩૭ મત જોઈએ. પહેલાં તો ભાજપના બે કેન્દ્રીય રાજ્યપ્રધાન પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અને પછી ભાજપ થકી કિરીટસિંહ રાણાને ફોર્મ ભરાવાયું. કૉંગ્રેસના બે સત્તાવાર ઉમેદવાર તરીકે ડૉ. અમીબહેન યાજ્ઞિક અને નારણ રાઠવાને જાહેર કરાયા, પણ રાઠવાના ફોર્મને રદ કરાવીને ત્રણ ભાજપી સભ્યોને ચૂંટવાના વ્યૂહને, કૉંગ્રેસે પી. કે. વાલેરાને અપક્ષ ફોર્મ ભરાવીને, ઊંધો વાળ્યો. આખરે ખાસ્સી હૂંસાતૂંસ પછી રાણા અને વાલેરા બેઉનાં ફોર્મ પાછાં ખેંચાતાં ભાજપના બે અને કૉંગ્રેસના બે ઉમેદવાર ચૂંટાયેલા જાહેર થયા. મતદાન કરવું પડ્યું નહીં, અન્યથા પેલા સસ્પેન્ડ ધારાસભ્યોના મતદાનનો પ્રશ્ન જરૂર ઊભો થાત. કારણ વિધાનસભા ભવનમાં જ રાજ્યસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાતું હોવાથી અધ્યક્ષ ત્રિવેદીએ આપેલા ચુકાદા મુજબ, સસ્પેન્ડ થયેલા ધારાસભ્યો મતદાન કરી શકત નહીં.કૉંગ્રેસનો તો એવો આક્ષેપ હતો કે વિધાનસભામાંથી ૨૫ જેટલા કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરીને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનથી વંચિત રાખી ભાજપ વધુ એક બેઠક જીતવાની વેતરણમાં હતો. જોકે, આવું ના બન્યું એ સારું થયું.
વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની  ચૂંટણી અગાઉ ઓગસ્ટ ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ બેઠકોમાંથી બે બેઠકો ભાજપને અને એક બેઠક કૉંગ્રેસને ફાળે જાય એવું હતું. છતાં કૉંગ્રેસના ૧૪ ધારાસભ્યોને ભાજપમાં જોડવા ઉપરાંત પક્ષાંતર કરીને આવેલા અબજોપતિ કૉંગ્રેસી ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને ભાજપે ઉમેદવારી આપીને કૉંગ્રેસના અહેમદ પટેલને હરાવવા હતા. જોકે ભાજપની એ ચાલ ઊંધી વળી હતી. બળવંતસિંહ હાર્યા અને અહેમદ પટેલ જીતી ગયા હતા. ભાજપનાં બે ઉમેદવારમાં પ્રધાન સ્મૃતિ ઈરાની અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જીત્યા કરતાં ત્રીજો ઉમેદવાર જીતાડવામાં અહેમદ પટેલે આપેલી પછડાટ ભાજપ માટે વધુ આઘાતજનક હતી.આ પરિણામ પણ ચૂંટણીપંચના આદેશથી પેલા બે મત રદ કરાતાં શક્ય બન્યું હતું અને એને વડી અદાલતમાં પડકારવામાં આવ્યું છે.
નવી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆતના પંદર જ દિવસમાં સત્તાપક્ષ અને વિપક્ષે સાથે મળીને અધ્યક્ષપદે રાજેન્દ્ર ત્રિવેદીની વરણીને સર્વાનુમતે શક્ય બનાવ્યાના સૌહાર્દ પર પાણી ફરી ગયું. ત્રિવેદી વડોદરાના ભાજપી ધારાસભ્ય રહ્યા છે. એમણે તો પ્રધાનપદ મેળવવું હતું, પણ નસીબે યારી ના આપી અને અધ્યક્ષપદે વરણી થઈ. એ પહેલાં એમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું તો ખરું, પણ છેલ્લા કેટલાક દિવસ દરમિયાન એમના વલણે કૉંગ્રેસને એ અન્યાય કરતા હોવાની ફરિયાદો ઊઠવા માંડી. એટલું જ નહીં, વિપક્ષી કૉંગ્રેસ તરફથી એમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી. કૉંગ્રેસના સભ્યો કોઈ પ્રશ્ન પૂછવા ઊભા થાય કે આંગળી ઊંચી કરે કે પૉઈન્ટ ઓફ ઓર્ડર પર બોલવાનું શરૂ કરે કે તૂર્ત જ એમને બેસાડી દેવાનું રોજિંદું બન્યું હતું. સામે પક્ષે પ્રશ્નકાળમાં સત્તાપક્ષના પ્રધાનો ટૂંકમાં જવાબ આપવાને બદલે ચૂંટણીલક્ષી ભાષણ કરતા જણાય તો પણ અધ્યક્ષશ્રી એમને રોકતા નહીં હોવાની વિપક્ષ ફરિયાદો વધવા માંડી હતી.
કૉંગ્રેસના સભ્યોને અધ્યક્ષ તરફથી અન્યાય થઈ રહ્યાની લાગણી તો હતી જ અને એમાં વિધાનસભાનું ઉપાધ્યક્ષપદ વિપક્ષને આપવાનું નકારાતાં માહોલમાં કટુતા વધતી ચાલી. જોકે, વાત વણસે ત્યારે સંસદીય કાર્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી તથા ઉપનેતા શૈલેશ પરમાર સાથેની બેઠકમાં સમાધાન થતું રહ્યું, પણ રોજેરોજ અધ્યક્ષના આદેશથી વિપક્ષી સભ્યોને ટીંગાટોળી કરીને ગૃહમાંથી બહાર કાઢવાનાં દૃશ્યો સર્જાતાં હતાં, એ છેવટે મારામારી અને ગાળાગાળી સુધી મામલો વણસ્યો. ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લોકસભા અને રાજ્યસભાની જેમ જીવંત પ્રસારણ થતું નથી. જે દૃશ્યો બહાર આવ્યાં એ સંપૂર્ણ ચિત્ર દર્શાવનારાં નથી. ભાજપના સભ્યો થકી ઉશ્કેરણી અને મા-બહેન સામી ગાળો દેવાયા પછી કૉંગ્રેસના સભ્યોએ હાથ ઉપાડ્યો એવી દલીલ વિપક્ષે કરી. જોકે, અધ્યક્ષ ત્રિવેદીએ ગૃહના નિયમ ૫૨ (૨)ની જોગવાઈને અવગણીને બે ધારાસભ્યોને ત્રણ-ત્રણ વર્ષ તથા એકને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાની નાયબ મુખ્ય મંત્રીની દરખાસ્તને માન્ય રાખી, એ યોગ્ય નહીં હોવાનું ભૂતપૂર્વ ભાજપી મુખ્ય પ્રધાન અને ન્યાયાધીશ રહી ચુકેલા સુરેશ મહેતાએ કહ્યું હતું. એમના મત મુજબ, સંબંધિત ધારાસભ્યના મતવિસ્તારના ચાર-ચાર મતદારો એમના ધારાસભ્યને સસ્પેન્ડ કરાયાની વિરુદ્ધમાં વડી અદાલતમાં દાદ માંગી શકે છે. મહેતાએ તો અધ્યક્ષના અધિકારો વિશે પણ સવાલ ઊઠાવ્યો અને કહ્યું કે એ સસ્પેન્ડ ધારાસભ્યને પરિસરમાં આવતા રોકી ના શકે.
સામે પક્ષે સંસદીય કાર્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે અન્ય રાજ્યોની વિધાનસભામાં આવી રીતે વધુ મુદત માટે ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા છે. મહેતાના મત મુજબ, વિધાનસભામાં કૌલ અને શકધરને આધારે ગુજરાતીમાં તૈયાર કરાયેલી નિયમાવલિ વધુમાં વધુ સત્ર સમાપ્તિસુધી જ સસ્પેન્ડ કરવાની જોગવાઈ ધરાવે છે. વિધાનસભાના અધ્યક્ષના વર્તનને એ વખોડે છે.વિધાનસભામાં હજુ ચુડાસમા જેવા પરિપકવ અને ઠરેલ નેતા બેસતા હોવાથી સંસદીય ગરિમા જાળવવા સૌહાર્દપૂર્ણ સમાધાન શક્ય લાગે છે. અન્યથા ગાંધી-સરદારની ભૂમિમાં આવાં વરવાં દૃશ્યો તમામ ગુજરાતી માટે નીચાજોણાનો જ અનુભવ કરાવે એ સ્વાભાવિક છે.
ઈ-મેઈલ : haridesai@gmail.com                            (લખ્યા તારીખ:૨૪ માર્ચ ૨૦૧૮)


No comments:

Post a Comment