Wednesday 21 March 2018

TDP deserts NDA and Efforts to form New Front



Dr. Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London), Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Sanj Samachar (Rajkot), Gandhinagar Samachar (Gandhinagar) and other Dailies.
You may read the full text here or on Blog : haridesai.blogspot.com and comment.

એનડીએમાંથી ટીડીપી ફારેગ થતાં નવા મોરચાની મથામણ
ડૉ. હરિ દેસાઈ
• જૂના સાથી ટીડીપીના ભાજપ સાથે તલાક પછી આંધ્ર પ્રદેશમાં ભાજપ વધુ મજબૂત થવાના વેતમાં
• ઉત્તર પ્રદેશમાં બે લોકસભા બેઠક હાર્યા પછી ભગવી પાર્ટીનો સન્નિપાત વધવો સ્વાભાવિક જ લેખાય
• રાહુલ ગાંધી વિપક્ષી એકતાને મજબૂત કરવા માટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાની તૈયારીમાં
• ૨૦૧૯ આવતાં લગી તો બદલાતાં રાજકીય સમીકરણોમાં દેડકાની પાંચશેરી જેવા સંજોગોનાં દર્શન
ભારતીય જનતા પક્ષ(ભાજપ)નો અશ્વમેધનો ઘોડો ઇશાન ભારત સર કરીને કર્ણાટક તરફ વળે એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પક્ષના પ્રમુખ અમિત શાહ માટે બે દિશામાંથી માઠા સમાચાર આવ્યા છે : હાલતૂરત સરકારને ભલે વાંધો આવે નહીં,પણ આઘાત અનુભવાય એવાં વાવડ જરૂર છે. એક, આંધ્ર પ્રદેશના સત્તારૂઢ પક્ષ અને ભાજપના જૂના સાથી પક્ષ એવા તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સાથે “તલાક” થઇ ગયા છે.બીજા, ઉત્તર પ્રદેશમાં ભાજપી મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યના રાજીનામાથી લોકસભાની જે બંને બેઠકો ખાલી થઇ હતી, એ બંને બેઠકો સમાજવાદી પાર્ટીએ છીનવી લીધી છે. “સપા-બસપાના સ્વાર્થી અને અપવિત્ર જોડાણ”નાં ઢોલ પીટીને ભાજપની નેતાગીરી ગોરખપુર અને ફૂલપુર બેઉ લોકસભા મતવિસ્તારની પેટા ચૂંટણી હાર્યાના ગમને ભૂલવાનો પ્રયાસ કરે છે.અગાઉ બેઉ સાથે ભાજપનાં જોડાણ હતાં એ વાત અનુકૂળતાએ વીસરી જવાની કોશિશ કરવામાં આવે છે.ઓછામાં પૂરું, બિહારના રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના નેતા અને ક્યારેક જનસંઘ-ભાજપના સાથી રહેલા લાલુપ્રસાદ યાદવ જેલવાસી હોવા ઉપરાંત પટણામાં જનતા દળ–યુનાઈટેડ(જેડી-યુ) સાથે ભાજપે સત્તાકાજે ઘર માંડ્યું હોવા છતાં અરરિયા લોકસભા મતવિસ્તાર પર પેટા ચૂંટણીમાં ભાજપને હરાવીને આરજેડી જીતે એ ભાજપ માટે નાલેશી તો ગણાય.મહારાષ્ટ્રમાં શિવસેના ફારગતીની ગાજવીજ કરતી હતી,પણ એને સત્તા વહાલી હોવાથી હાલપૂરતું એનડીએમાં રહેવાનો યુ-ટર્ન લીધો છે.વડાપ્રધાન મોદી શિવસેનાને ઝાઝો ભાવ આપતા નથી અને હમણાં શિવસેનામાંથી કૉંગ્રેસમાં આંટો મારી આવેલા બહુચર્ચિત નારાયણ રાણેને ભાજપે રાજ્યસભામાં મોકલ્યા છે.આગામી દિવસોમાં આંધ્રના વાયએસઆર કૉંગ્રેસના જગન રેડ્ડી મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવે તો કૉંગ્રેસ અને ટીડીપી પણ એને ટેકો આપવાના પક્ષે છે.જોકે મોદી-વ્યૂહ ક્યારે ક્યાં બાકોરાં પાડે એ કહેવાય નહીં.આગામી લોકસભાની ચૂંટણી સુધી કેવા કેવા મોરચા રચાય છે,એ જોઇને ભાજપી મોરચાના લાભમાં સુરંગો ગોઠવવાની કવાયતો મોદી-શાહ ઘડી ચૂક્યા હશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાંથી આંધ્ર પ્રદેશના તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી)ના બે પ્રધાનો અશોક ગજપતિ રાજુ અને સુજન ચૌધરીએ રાજીનામાં આપી દીધાં એટલે ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ) માટે માઠા દિવસો આવી રહ્યાનું માનવું એ ઉતાવળિયું આકલન ગણાશે. ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીની કેન્દ્ર સરકારને બહારથી ટેકો આપી ટીડીપીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર માટે સૌથી વધુ આર્થિક સાધનોની ફાળવણી મેળવી હતી. મોદીયુગમાં એવી ધાક બેસાડવા જતાં નાયડુ માટે ભોંય ભૂલવાના સંજોગો આવી પડવાનાં એંધાણ છે.આંધ્ર પ્રદેશમાંથી વર્ષ ૨૦૧૪માં બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં : તેલંગણ અને આંધ્ર પ્રદેશ. રાજધાની હૈદરાબાદ સહિતના દસ જિલ્લા તેલંગણને ફાળે જતાં આંધ્રની નવી રાજધાની અમરાવતી બંધાય ત્યાં લગી હૈદરાબાદમાં બેઉ રાજ્યો સહકારથી રહેશે. રાજ્યોના વિભાજન પછી તેલંગણમાં કે.સી.આર. એટલે કે ચંદ્રશેખર રાવની તેલંગણ રાષ્ટ્ર સમિતિની બહુમતી સાથેની સરકાર બની હતી. આંધ્રમાં તેલુગુ દેશમ્ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી મિત્ર-ગઠબંધનથી સરકારમાં આવ્યાં હતાં. રાજ્યના વિભાજનને કારણે આંધ્ર પ્રદેશને ભારે આર્થિક નુકસાન થયું હોવાને કારણે એ ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકારે ૪૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છતાં ટીડીપી અને ભાજપની સંયુક્ત સરકારના મુખ્ય પ્રધાન અને ટીડીપીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ રાજ્યને વિશેષ દરજ્જો અપાય એવો આગ્રહ સેવ્યો હતો.
કેન્દ્ર સરકારનો તર્ક એ હતો કે ૧૪મા નાણાં પંચની ભલામણો અમલી બન્યા પછી ‘સ્પેશ્યલ સ્ટેટસ કેટેગરી’માં આંધ્રને મૂકવામાં આવે તો અન્ય રાજ્યો પણ એ માટેની માગણી કરે અને વિકટ સ્થિતિ ઊભી થઈ શકે. નાણાં પ્રધાન અરુણ જેટલીએ તો નાયુડની માગણી વિશે સંરક્ષણ ખાતાના બજેટને કાપીને આંધ્રને વિશેષ આર્થિક રાહત આપી ના શકાય એવું નિવેદન કરીને વિજયનો મધપૂડો છંછેડ્યો છે. બે પ્રધાનોનાં રાજીનામાંની આંધ્રના રાજકારણમાં કેવી અસર પડશે, એ વિશેના તર્કવિતર્ક છતાં ભાજપ ગજગામી છે.
તેલુગુ દેશમ્ પાર્ટીના બે પ્રધાનોનાં કેન્દ્ર સરકારમાંથી રાજીનામાંના પ્રત્યાઘાત તરીકે આંધ્ર સરકારમાંથી ભાજપના બે પ્રધાનોએ રાજીનામાં આપ્યાં. તેલુગુ દેશમ્ પાર્ટી ૧૭૫ સભ્યોની આંધ્રની વિધાનસભામાં ૧૦૨ સભ્યો ધરાવે છે એટલે એની સરકારને ભાજપ સાથે છૂટાછેડા થાય તો પણ વાંધો આવે તેમ નથી. એવું જ કેન્દ્રની મોદી સરકારનું પણ છે. લોકસભામાં ટીડીપીના ૧૬ સાંસદો છે. ભાજપના ૨૭૩ સભ્યો છે. ૫૪૩ સભ્યોની લોકસભામાં (નામનિયુક્ત એંગ્લો ઈન્ડિયન એવા બે સભ્યો સિવાય) ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી એની સરકારને વાંધો આવે નહીં. નાયડુએ સમજીને એનડીએમાંથી નીકળી જવાનો નિર્ણય પાછો ઠેલ્યો હતો. કેન્દ્રમાં સત્તારૂઢ મોરચામાં રહેવાના લાભથી એ સુવિદિત હોવાને કારણે તથા આંધ્રમાં વાય. એસ. જગન રેડ્ડીની વાય.એસ.આર. કૉંગ્રેસ ભાજપ સાથે જોડાણમાં નહીં હોવા છતાં એનડીએમાં આવવા બારણે ટકોરા જરૂર મારે છે. મોદી-શાહ જોડી માટે તો બેઉ હાથમાં લાડુ છે.
જોકે, ભાજપ મિત્રપક્ષોના ટેકે ચાલવાને બદલે આપબળે ગજું કરવામાં માનતો હોવાથી નાયડુ તથા જગન રેડ્ડીને રમવા દઈને ભાજપ પોતાની લીટી મોટી કરવાની વેતરણમાં છે. અત્યારે લોકસભામાં આંધ્રમાંથી ભાજપના માત્ર બે સભ્ય છે અને વિધાનસભામાં માત્ર ૪ સભ્ય છે. આવા સંજોગોમાં આંધ્રમાં કેન્દ્ર સરકારની કામગીરીના પ્રચારથી લોકોને પ્રભાવિત કરીને એકલે હાથે ભાજપ પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવાની વેતરણમાં છે. આમ પણ મોદી-શાહના રાજકારણમાં મિત્રપક્ષો ભાજપને દબડાવી જાય એ સહન કરી લેવાને સ્થાન નથી.
બિહારમાં અત્યારે જનતા દળ (યુનાઈટેડ) અને ભારતીય જનતા પક્ષની સંયુક્ત સરકાર છે. મુખ્ય પ્રધાનપદે નીતિશ કુમાર (જેડી-યુ) અને નાયબ મુખ્ય પ્રધાનપદે સુશીલ મોદી (ભાજપ) છે. વિપક્ષમાં જેલવાસી લાલુ પ્રસાદના રાષ્ટ્રીય જનતા દળનું સુકાન યાદવપુત્રો અને એમાંય નાના પુત્ર તથા અગાઉ નીતિશકુમાર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન રહેલા તેજસ્વી યાદવ સંભાળી રહ્યા છે. આંધ્રમાં તમામ રાજકીય પક્ષો રાજ્યને વિશેષ દરજ્જો મળે એ માટે આંદોલન ચલાવી રહ્યા છે અને કેન્દ્ર સરકારમાંથી ટીડીપીના બે પ્રધાનોના રાજીનામાં પડ્યાં, એ જ વેળા બિહારના સત્તારૂઢ પક્ષ જેડી (યુ) થકી બિહારને પણ વિશેષ દરજ્જો અપાય અને કેન્દ્ર સરકાર ખાસ પેકેજ આપે એવી માગણી ઊઠી છે. અગાઉ ભાજપની નેતાગીરી પણ બિહારને વિશેષ દરજ્જો અપાયાના ટેકામાં હતી, પણ હવે કેન્દ્રમાં સત્તારૂઢ હોવાથી અન્ય રાજ્યો પણ આવી માગણી કરે તથા ૧૪મા નાણાં પંચની ભલામણોને આગળ કરીને આવો વિશેષ દરજ્જો આપવાનું શક્ય નહીં હોવાનું જણાવાય છે.
બિહાર ઉપરાંત ઓડિશા પણ વિશેષ દરજ્જાની માગણી કરે છે. ૧૩મા નાણાં પંચે રાજ્યોને કેન્દ્ર સરકારની યોજના સહાય ૩૨ ટકા આપવાની ભલામણ કરી હતી. એ વધારીને ભાજપ સત્તારૂઢ થયા પછી નિયુક્ત કરાયેલા ૧૪મા નાણાં પંચની ભલામણ મુજબ ૪૨ ટકા કરવામાં આવી હતી. અગાઉ પાંચમા નાણાં પંચે પછાત રાજ્યોને કેન્દ્ર તરફથી વિશેષ સહાય આપીને વિકાસની તક પૂરી પાડવાની ભલામણ કરી હતી. એટલે ૧૯૬૯થી એ જોગવાઈ અમલી બની હતી.સામાન્ય રીતે ડુંગરાળ પ્રદેશનાં રાજ્યોને અને ટાંચાં આર્થિક સાધન ધરાવતાં રાજ્યોને માટે આ જોગવાઈ મુજબ, વિશેષ રાજ્યનો દરજ્જો અપાતો હતો. એમાં ૧૧ રાજ્યોનો સમાવેશ કરાયો હતો. અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા એટલે કે ઈશાન ભારતનાં રાજ્યો ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ.
લોકસભાની મે ૨૦૧૪ની ચૂંટણીની સાથે જ આંધ્ર પ્રદેશમાંથી વિભાજિત થયેલાં બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આંધ્ર પ્રદેશથી વિપરીત તેલંગણમાં કે.ચંદ્રશેખર રાવની તેલંગણ રાષ્ટ્ર સમિતિને બહુમતી મળી હતી. ચંદ્રશેખ રાવ મુખ્ય પ્રધાન બન્યા હતા. હવે એ રાષ્ટ્રીય રાજનીતિમાં જવાની તૈયારી કરી રહ્યા છે. અને રાજ્યનું સુકાન પોતાના પુત્ર કે.ટી.આર. એટલે કે કે.ટી. રામારાવને સોંપવા ઈચ્છુક હોવાથી પક્ષના ઉમેદવારોની ટિકિટોની વહેંચણી પણ કેટીઆરને સુપરત કરી રહ્યા છે.
ચંદ્રશેખર રાવની જેમ જ નર ચંદ્રબાબુ નાયડુ પણ પોતાના અનુગામી તરીકે પુત્ર નર લોકેશને તૈયાર કરી રહ્યા છે. ચંદ્રબાબુ પોતે સસરા એન.ટી. રામારાવને ઉથલાવીને ટીડીપીને કબજે કરી બેઠા છે. રામારાવનો પરિવાર પણ ભાજપ (દુગ્ગુબતી પુરન્દેશ્વરી - અગાઉ કૉંગ્રેસના કેન્દ્રિય પ્રધાન અને હવે ભાજપી સાંસદ) તથા ટીડીપીમાં વિભાજિત છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીની સાથે જ બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. આવા સંજોગોમાં ભાજપ-ટીડીપીના જોડાણમાં ખટરાગ છે.ચંદ્રશેખ રાવ કોંગ્રેના નેતૃત્વમાં એનડીએ-યુપીએ અને ભાજપથી અલગ ત્રીજા મોરચાની વેતરણમાં છે. આંધ્રમાં ફિલ્મસ્ટાર પવન કલ્યાણનો પક્ષ જનસેના પણ મેદાનમાં છે. અગાઉ એ ભાજપ-ટીડીપી સાથે હતો. જોકે, એણે હજુ છૂટાછેડા લીધા નથી, પણ ચંદ્રશેખર રાવના ત્રીજા મોરચાને ટેકો આપી રહ્યા છે.
આગામી દિવસોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી આંધ્ર અને તેલંગણમાં યોજાય એ પૂર્વે કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપ કેવું કાઠું કાઢે છે, એના પર તેલુગુ પ્રદેશ પર એનો પ્રભાવ નક્કી થશે. દરમિયાન, નવા વિપક્ષી મોરચા કેટલા બને છે એ ભણી સૌની મીટ છે.કૉંગ્રેસના વડપણ હેઠળના યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ વિપક્ષી એકતા માટે જે ડીનર યોજ્યું,એમાં ડાબેરીઓ અને તૃણમૂલના પ્રતિનિધિઓ પણ આવ્યા.નવાં સમીકરણો દેડકાની પાંચશેરી જેવા સંજોગોનાં દર્શન કરાવે છે.જો અને તો વચ્ચે રાષ્ટ્રીય રાજકારણ અટવાયેલું છે.જોકે વડાપ્રધાન મોદી સુપેરે જાણે છે કે વિપક્ષ એક થાય તો એમના પક્ષને મુશ્કેલી જરૂર પડે.સાથી પક્ષોના ટેકે સત્તામાં આવવાના સંજોગો એમને કઠે. વર્ષ ૨૦૧૯ આવતાં લગી તો નવા રૂપરંગ જોવા મળશે.અત્યારથી વિપક્ષના સર્વમાન્ય ઉમેદવારની કવાયત શરૂ થઇ ચૂકી છે અને કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રમાંથી મોદી સરકારને હટાવવા માટે અન્ય કોઈને પણ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે સ્વીકારી લેવા તૈયાર છે.ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.
ઈ-મેઈલ : haridesai@gmail.com (૧૭-૩-૨૦૧૮)

No comments:

Post a Comment