Wednesday 15 November 2017

Narendra Modi, the Only Savior of the Sinking Ship of BJP

Narendra Modi, the Only Savior of the Sinking Ship of BJP
ભાજપની ડૂબતી/હાલકડોલક નૈયાના એકમેવ તારણહાર નરેન્દ્ર મોદી
Dr.Hari Desai's Weekly Column in Gujarat Samachar (London), Gujarat Guardian(Surat), Gandhinagar Samachar (Gandhinagar), Sardar Gurjari (Anand) and Hamlog(Patan).
Read the Full Text here or on Blog : haridesai.blogspot.com and react.
ભાજપની ડૂબતી/હાલકડોલક નૈયાના એકમેવ તારણહાર નરેન્દ્ર મોદી
અતીતથી આજ - ડૉ. હરિ દેસાઈ
-------
• સત્તામાં આવવામાં હાંફ અનુભવતા વડાપ્રધાન ન ભૂતો ન ભવિષ્યતિ વિક્રમી સભાઓ યોજશે

• સરકારવિરોધી આંદોલનકારીઓની સભાઓમાં ઉમટતી જનમેદનીએ સત્તાધીશોના હાંજા ગગડાવ્યા

• રાહુલ ગાંધીની પપ્પુની છબિ બનાવી દેવાઈ હતી, હવે એ જ ઘાવ ભાજપએ ઝીલવા પડે છે

• સદનસીબે ગુજરાતની પ્રજા પ્રશ્ન પૂછતી થઈ છે, જાગતી થઈ છે એટલે જ લોકશાહી ટકવાની છે
-------
ભાથામાંથી તીર નીકળી ગયાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે માથે આવીને ઊભી છે ત્યારે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષની નેતાગીરીના બે દાયકાના શાસનમાં પહેલી વાર કેન્દ્ર અને રાજ્યોમાં સત્તા મેળવનાર ભાજપના હાંજા ગગડી જાય એવો માહોલ સર્જાયો છે. ઘોષણાઓ તો ‘૧૫૦ પ્લસ’ ના મિશનની કરાતી હતી, પણ હવે “ત્રણ ચતુર્થાંશ” એટલે કે ૧૮૨ બેઠકોમાંથી ૧૩૬ બેઠકો મળવાની વાતો કે “બે તૃતીયાંશ” એટલેકે ૧૨૧ બેઠકો મળવાની વાતો ભાજપી નેતા કરવા માંડ્યા છે. પ્રજામાંનો આક્રોશ સત્તાપક્ષને ભૂ પાઈ દેવા માટે મોઢું વકાસીને ઊભો છે. આંદોલનકારી નેતાઓને ભાજપમાં ભેળવવાના લાખ પ્રયાસ છતાં એમણે સાગમટે ‘ભાજપને પાડી દ્યો’નો મંત્ર પ્રજાને જનસભાઓમાં આપ્યો છે. વડાપ્રધાનો ભૂતકાળમાં સામાન્ય રીતે સમગ્ર ચૂંટણી દરમિયાન માંડ ચાર-પાંચ સભાઓ યોજાતા રહ્યા છે, પણ આ વખતે ભૂતકાળમાં સૌથી વધુ બેઠકોના માધવસિંહ સોલંકીના વિક્રમને તોડવાના દાવા કરનાર ભાજપના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેક વિધાનસભા મતવિસ્તારમાં બબ્બે ચૂંટણીસભા સંબોધવાના છે એટલે કે કુલ લગભગ ૭૦ સભાઓ સંબોધશે !
અગાઉ પાટીદાર અનામત આંદોલને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં કૉંગ્રેસની ‘ભાજપી ટીમ’ના નેતા શંકરસિંહ વાઘેલા પક્ષમાં હતા ત્યારે પણ ૩૩માંથી ૨૬ જિલ્લા પંચાયતો કૉંગ્રેસને અપાવી હતી. ઓબીસી ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર ભાજપી સરકાર સમક્ષ રજૂઆતો કરતા રહ્યા અને સાનુકૂળ પ્રતિસાદ નહીં મળતાં જ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં ઠાકોર સેનાનું સંધાણ કૉંગ્રેસ સાથે કરી બેઠા છે. દલિત આંદોલનના અગ્રણી જિજ્ઞેશ મેવાણી છડેચોક કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યાનો સંતોષ વ્યક્ત કરે છે. ચોથા આંદોલનકારી નેતા પ્રવીણ રામ પણ ભાજપની મૂંઝવણ વધારી રહ્યા છે. કારડિયા રાજપૂત સમાજ, ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જિતુ વાઘાણીના ગોચરની જમીનના કથિત પ્રકરણ અને સરપંચ દાનસંગ મોરીની કનડગતના મુદ્દે હજારોની સંખ્યામાં ઊમટીને, ભાજપવિરોધી ટંકાર કરે છે. પાટીદાર યુવાનેતા હાર્દિક પટેલ પર કાદવઉછાળની કોશિશો કરવામાં આવી રહ્યા છતાં એની સભાઓમાં લાખ-લાખની સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉમટે છે. સત્તાધારી પક્ષના નેતાઓની સભાઓમાં ૯૦૦-૯૦૦ બસો મૂકાયા મૂકાયા છતાં જનમેદની ઊમટતી નથી. સંકેતો સ્પષ્ટ છે છતાં ભાજપની અંતિમ આશા સમા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૩ જિલ્લામાં અને મહાનગરોમાં પ્રચાર સભાઓ કરીને ભાજપના તારણહાર બનશે, એવી આશા હજુ અમર છે. ગુજરાતની પ્રજા જાગી છે. પ્રશ્નો પૂછતી થઈ છે. ધાર્મિક કે સામાજિક વિવાદના મુદ્દે હવે બાઝતી નથી. વિકાસની ઠાલી વાતોથી ભરમાતી નથી. સત્તારૂઢ પક્ષના વંશવાદને નિહાળીને ભોળવાતી નથી.
કૉંગ્રેસ ભણીનાં તીર બૂમરેંગ થવા માંડ્યાં
ભાજપ ગુજરાતમાં ૧૯૯૮થી લગાતાર સત્તામાં છે. એ પહેલાં પણ ૧૯૯૦-૯૧માં અને ૧૯૯૫-૯૬માં એણે શાસન કર્યું છે. યુવાનોની નવી પેઢીએ કૉંગ્રેસનું રાજ્ય જોયું નથી. જે અજંપો સમાજમાં નિર્માણ થયો છે એના ઉકેલની જવાબદારી સંપૂર્ણપણે ભાજપની છે. હવે તો કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. એટલે દિલ્હીની સલ્તનત અન્યાય કરી રહ્યાનો અગાઉની ચૂંટણીઓમાં ગજવાતો મુદ્દો પણ નિરર્થક બની ગયો છે.સોશિયલ મીડિયામાં અગાઉ કૉંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની છબિ પપ્પુની બનાવી દેવાઈ હતી, પણ હવે એ જ ઘાવ ભાજપની નેતાગીરીએ ઝીલવા પડે છે. કૉંગ્રેસના નેતાઓ પ્રશ્નો ઊઠાવે છે ત્યારે એમનાં કેન્દ્ર અને રાજ્યનાં જૂનાં કરતૂતોનો આલાપ ભાજપી નેતા આક્રમક રીતે કરે છે, પણ જનતા હૈ કિ સબ કુછ જાનતી હૈ, વિકાસ કોનો થયો, એ પ્રશ્ન પૂછતી થઈ છે. જય અમિત શાહ કે શૌર્ય અજિત ડોભાલનાં કથિત કૌભાંડોના પ્રશ્નોના ઉત્તરો વાળવાને બદલે એમને અદાલતે પુરાવા સાથે જવાનું કહેવામાં આવે છે. ભાજપના એ જ નેતા કૉંગ્રેસનાં કથિત કૌભાંડો વિશે આક્ષેપ કરતા અને પુરાવા સાથે અદાલતે જવાનું ટાળતા એ વાતને વિસારે પાડે છે. કૉંગ્રેસના શાહજાદા કે યુવરાજ રાહુલ ગાંધીની છબિ મલિન કરવાના પ્રયાસો બૂમરેંગ થતા જાય છે. કાલ ઊઠીને ચૂંટણીનાં પરિણામ કૉંગ્રેસને જીતાડે કે હરાવે, પણ આજે તો આ યુવરાજની સેનાએ કેન્દ્ર અને રાજ્યના સત્તાપક્ષની નીંદર હરામ કરી મૂકી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના રાહુલ ગાંધીના પ્રવાસને મળેલા જનપ્રતિસાદે ભાજપની નેતાગીરીને રીતસર ઘાંઘી કરી મૂકી છે. હજુ ઉત્તર ગુજરાતનો રાહુલનો પ્રવાસ યોજાવાની જાહેરાત માત્રથી સત્તારૂઢ પક્ષમાં ખળભળાટ મચ્યો છે. ભાજપ થકી કૉંગ્રેસ ‘સોફ્ટ હિંદુત્વ’ ભણી પાછી ફરી રહ્યાની વાતને ચગાવવામાં આવી રહી છે ત્યારે રાહુલના દાદીમા ઈંદિરા ગાંધી અંબાજીના દર્શન કરીને ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ કરતાં એ વાતને અનુકૂળતાએ વીસારી દેવાય છે.
સામાજિક અને કોમી એખલાસનું વાતાવરણ
સત્તારૂઢ પક્ષની નેતાગીરી સવાર-સાંજ ‘આંદોલનકારીઓ સામાજિક અને ધાર્મિક વિભાજનો કરાવી રહ્યાની’ માળા જપતી હોવા છતાં સદનસીબે આખા ગુજરાતમાં આંદોલનકારી નેતાઓની જાહેર સભા સહિતના કાર્યક્રમોમાં સર્વસમાજ અને સર્વધર્મ માટેના સમભાવનો માહોલ અકબંધ રહ્યાનું સ્પષ્ટ થાય છે. સત્તાપક્ષ સાથે જોડાઈ ગયેલા અને આંદોલનમાંથી તોડવામાં આવેલા કેટલાક નેતાઓ થકી આંદોલનકારી નેતા ત્રિપુટી સામે આક્ષેપો કરાવાય છતાં સમાજ પર એની ઝાઝી અસર વર્તાતી નથી. પાટીદાર નેતા હાર્દિક પટેલની પ્રત્યેક જનસભામાં પચાસ હજારથી લાખ સુધીની જનમેદની સ્વયંભૂ ઊમટે છે, જ્યારે સત્તાધીશોની સભાઓમાં સરકારી તંત્રના પ્રત્યક્ષ-પરોક્ષ ઉપયોગ છતાં પણ ખુરશીઓ ખાલી જોવા મળતી હોવાના વીડિયો વાયરલ થયા છે. નવાઈ તો એ વાતની છે કે, અગાઉ સુરતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સભામાં ખુરશીઓ ઊછળી હતી, એવું જ એમની કરમસદની સભામાં થયું હતું. હમણાં પટેલોના ગઢસમા સુરતના વરાછા રોડના મેદાન પર કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભા થયા પછી એ સભામાં ‘ભાજપ... ભાજપ’ના નારા લાગ્યાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા, પણ જેમણે રાહુલની સભાને લાઈવ નિહાળી હતી, એમણે આવા નારા ક્યાંય સાંભળ્યા નહોતા! આનો અર્થ બહુ સ્પષ્ટ છે કે પાછળથી રાહુલની સભાના વીડિયોમાં ‘કરામત’ કરીને એ નારા ઘૂસાડવામાં આવ્યા હતા.આ વેળાની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા બનાવટી વીડિયો કે અન્ય સંદેશાઓને પડકારવાનું કામ ટીવી ચેનલો તથા વિવિધ ગ્રુપ કરી રહ્યા છે એટલું જ નહીં, કૉંગ્રેસ અને ભાજપનાં આવાં ગ્રુપ એ વાયરલ સંદેશાઓનું નીરક્ષીર કરીને પ્રજા સમક્ષ ખોટા સંદેશા જતાં રોકે છે. સત્તારૂઢ પક્ષની નેતાગીરી મીડિયાને અંકુશમાં લાવવાની કોશિશ કરવા પ્રયત્નશીલ હોવા છતાં આંદોલનકારીઓની સભામાં સત્તાધીશોની સભા કરતાં વધુ મેદની ઊમટે છે.આવા સંજોગોમાં ટીવી માધ્યમો પણ જે તે આંદોલનકારીની સભાનું જીવંત પ્રસારણ ભલે ટાળે, પણ સમાચારમાં તો એને સ્થાન આપે છે. પ્રજા સમજુ છે.
જનજાગૃતિ લોકશાહીને મજબૂત કરશે
સત્તાધીશો કે વિપક્ષો થકી આરોપ-પ્રત્યારોપનો માહોલ ચરમસીમા ભણી આગળ વધી રહ્યો છે. રાજકીય નેતાઓ મુદ્દાની અને તથ્યોની વાત કરવાને બદલે લોકો ભાવાવેશમાં આવીને મતદાન કરે એવા મુદ્દા ઉછાળવા પ્રયત્નશીલ છે, છતાં પ્રજા નીરક્ષીર કરવા માંડી છે. ટીવી ચર્ચાઓમાં મુદ્દાની ચર્ચાને ગુજરાતના બે દાયકાના શાસન પર કેન્દ્રિત રાખવાને બદલે કાશ્મીર કોકડા કે આતંકવાદ પર લઈ જવાની કોશિશો થાય છે. કૉંગ્રેસના અગાઉના દાયકાઓના ભ્રષ્ટાચારની વાતો થાય છે, પણ રાજ્યમાં બે દાયકાના ભાજપી શાસન અને કેન્દ્રમાં સાડા ત્રણ વર્ષના ભાજપી શાસન છતાં દોષિતોને દંડિત કેમ કરાતા નથી એવા પ્રશ્નો પ્રજા ઊઠાવવા માંડી છે. ઉલટાનું જે ભ્રષ્ટ કૉંગ્રેસી રાજનેતા ભાજપમાં જોડાય એને જાણે પવિત્રતાના પારસમણિનો સ્પર્શ થઈ જતો હોય એમ એને હોદ્દા અપાય છે. પ્રજા સમજુ થઈ રહી છે. લોકશાહી પરિપક્વ થઈ રહી છે. ભાજપમાં નહીં જોડાતા પણ કૉંગ્રેસમાં જોડાનારા આંદોલનકારીઓને કૉંગ્રેસના ઈશારે આંદોલન કરનારા લેખવાની પરંપરાની પોપટવાણી પ્રજા સમજે છે. ગુજરાતમાં વિકાસની બ્લુ-પ્રિન્ટ શું કે છેલ્લા ૨૦ વર્ષ દરમિયાનની ચૂંટણીઓ માટેના ચૂંટણીઢંઢેરામાં શાં વચનો અપાયા અને કેટલાં વચનો પળાયાં, કેટલાને રોજગારી અપાઈ, કેટલું મૂડીરોકાણ આવ્યું, ટાટાને નેનો પ્લાન્ટ શરૂ કરવા મફતના ભાવે ૩૫ હજાર કરોડ રૂપિયાની લોન કેમ અપાઈ વગેરે વગેરે પ્રશ્નોના મુદ્દાસરના જવાબ આપવાનું સત્તાપક્ષને ફાવતું નથી. તેમનો એક જ ઉત્તર જોવા મળે છેઃ ‘કૉંગ્રેસને આવું પૂછવાનો કે અમારો હિસાબ માગવાનો અધિકાર નથી.’ લોકશાહીમાં વિપક્ષને પ્રશ્ન પૂછવાનો અધિકાર ના હોય, સત્તાપક્ષને ઉત્તર વાળવાની અને એ સાચો ઉત્તર વાળવાની તમા ના હોય, તો આવી લોકશાહીનો અર્થ શો? સદનસીબે ગુજરાતની પ્રજા પ્રશ્ન પૂછતી થઈ છે, જાગતી થઈ છે એટલે જ લોકશાહી ટકવાની છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com

No comments:

Post a Comment