Wednesday 15 November 2017

Urdu Lover Sardar Patel and Poet of Revolution Josh Malihabadi


Urdu Lover Sardar Patel and Poet of Revolution Josh Malihabadi

ઉર્દૂપ્રેમી સરદાર અને ક્રાંતિશાયર જોશ મલીહાબાદી

Dr.Hari Desai's Weekly Column "No Men's Land" in Loksatta Daily of Vadodara 15 November 2017 

Read the Full Text here or on Blog : haridesai.blogspot.com and do send your comments.

ઉર્દૂપ્રેમી સરદાર અને ક્રાંતિશાયર જોશ મલીહાબાદી

નો મૅન્સ લૅન્ડ : ડૉ.હરિ દેસાઈ

-------

• ભારતની ભવ્યતા છોડીને પાકિસ્તાનને વહાલું કરવાની કરુણાસભર મહાભૂલ 

• સરદાર સાહેબને સામ્યવાદી વિચારકો ભણી ઘૃણા હતી છતાં જોશ તો અપવાદ 

------

હિંદી ભાષા આઝાદ ભારતની રાષ્ટ્રભાષા બને એવો આગ્રહ ધરાવતા સરદાર વલ્લભભાઇ પટેલને રખેને કોઇ ઉર્દૂવિરોધી માની લે. ઉર્દૂ ભારતીય ભાષા તરીકે જ અવતરી છે. ઉર્દૂને કચડવાનો સરદારનો કોઇ ઇરાદો હોવાની વાત, ભારત સરકારના જવાબદાર માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન તરીકે, એમણે નકારી છે. ઉર્દૂ પણ હિંદીની જેમ જ કોઇ એક પ્રદેશની ભાષા નથી. એટલે પટેલ એને પ્રાંતોની ભાષા કરતાં નોખી રાખવા આતુર હતા. ઉર્દૂ માત્ર મુસ્લિમોની ભાષા નથી. સરદાર પટેલે ઑલ ઇન્ડિયા રૅડિયોનાં પ્રસારણોમાં સૅક્યુલર રાષ્ટ્રના સિદ્ધાંતોને પ્રોત્સાહિત કરવા અને મુસ્લિમો તેમ જ નિર્વાસિતોના વિશાળ વર્ગના સાંસ્કૃતિક જતન માટે દિલ્હીથી ઉર્દૂ પ્રસારણોનો આરંભ આગ્રહપૂર્વક કરાવ્યો હતો. નાયબ વડાપ્રધાન સરદાર પોતે ગૃહ ખાતું અને રિયાસતોનો વિભાગ સંભાળવા ઉપરાંત માહિતી અને પ્રસારણ ખાતાની જવાબદારી પણ સંભાળતા હતા. વિવિધ રજવાડાંના વિલીનીકરણની કામગીરીની વચ્ચે પણ કાયદો અને વ્યવસ્થાના એ વિકટ સંજોગોમાંય સરદાર પટેલે ભારત સરકારના પ્રકાશન વિભાગમાં શ્રેષ્ઠ ઉર્દૂ માસિક ‘આજકલ’નો શુભારંભ કરાવીને ઉર્દૂ પત્રકારત્વને મહત્ત્વ બક્ષ્યું હતું. મશહૂર ઉર્દૂ કવિ જોશ મલીહાબાદીને સરદાર પટેલના આગ્રહને કારણે જ માનભેર ‘આજકલ’ના મુખ્ય સંપાદક બનાવવામાં આવ્યા હતા. જોશ શાયર-એ-ઇન્કિલાબ(ક્રાંતિના શાયર) તરીકે બ્રિટિશ હકૂમત વિરુદ્વ ગઝલ, નજ્‌મ અને લેખો લખીને મશહૂર હતા. ઉત્તર પ્રદેશના મલીહાબાદના આફ્રિદી પઠાણ પરિવારમાં જન્મેલા જોશનું મૂળ નામ તો શબ્બીર હસન ખાન હતું. પણ સરદાર પટેલથી લઇને જવાહરલાલ નેહરુ જ નહીં, પાકિસ્તાનના શાસકોના પણ લાડકા રહેલા આ ‘ક્રાંતિના શાયર’ ૧૯૮૨માં જન્નતનશીન થયા ત્યારે એ પાકિસ્તાની નાગરિક હતા ! 

આઝાદીની ચળવળ દરમિયાન અંગ્રેજોની ખિલાફત કરનાર આ પ્રગતિશીલ લેખક-કવિ-શાયર માટે કયારેક સરદાર પટેલ પોતાના વિભાગના અધિકારીઓને ખખડાવી નાંખવા જેટલો પ્રેમ ધરાવતા હતા. વડા પ્રધાન નેહરુ એમના અંતરંગ મિત્રવર્તુળમાં ગણાતા હતા, પરંતુ કોણ જાણે જોશને એવું તે શું જોશ આવ્યું કે નેહરુ સરકારે પદ્મભૂષણ જેવા ઇલકાબથી નવાજ્યા પછી છેક ૧૯૫૬માં ભારત છોડીને કરાંચી જઇ વસવાનું પસંદ કર્યું. ઉર્દૂ પ્રેમની ઓથમાં જોશે પાકિસ્તાની નાગરિકતા મેળવી. અંગત સ્વાર્થ કાજે એમણે વતન સાથે દ્રોહ કર્યો અને દોજખ જેવી જિંદગીને વહોરી લીધી. ડૉ. મોહમ્મદ ઇકબાલ પણ જેનાથી પ્રભાવિત થયેલા એવા મોટા ગજાના ઉર્દૂ શાયર અને લેખક-પત્રકાર જોશ મલીહાબાદી પાકિસ્તાની શાસકોના તિરસ્કારનો ભોગ બન્યા. રાવલપિંડીમાં ૧૯૮૨માં એમણે જીવનલીલા સંકેલી ત્યારે દારૂણ ગરીબી અને દયનીય અવસ્થા એમને ઘેરાઇ વળેલી હતી.

મુશીરૂલ હસન સંપાદિત ‘ઇન્ડિયા પાર્ટિશન્ડ : ધ અધર ફેસ ઑફ ફ્રીડમ’ (રોલી બુક્સ, નવી દિલ્હી)માં જોશ મલીહાબાદીની આત્મકથાનક દર્દનાક જિંદગીનો પરિચય આપણાં રૂવાડાં ખડાં કરી દે છે. ‘પાકિસ્તાની નાગરિક તરીકેની મારી દર્દનાક કહાણી’માં જોશે ભારતની ભવ્યતા છોડીને પાકિસ્તાનને વહાલું કરવાની જે મહાભૂલ કરી હતી એનું કરુણાસભર બયાન કર્યું છે. જોશ ભારત પાછા ફરવા ઇચ્છતા હતા, પણ મૌલાના અબુલ કલામ આઝાદે રાષ્ટ્રવાદી મુસ્લિમોને માથે કાળી ટીલી સમાન કરતૂત કરનાર આ મહાન શાયર પાછો ફરે તો તેનું સ્થાન ભારતીય જેલમાં હોવાનું જાહેર કર્યું હતું. પાકિસ્તાનમાં પણ જોશની જિંદગી જેલવાસ કરતાંય બદતર હતી.

સરદાર પોતાના અંગત સચિવ વી.શંકરને જોશની રાષ્ટ્રવાદી ગઝલ પેશ કરવાની ફરમાઇશ કરતા. પંડિત નેહરુ તો દિલ્હીના યુનાઇટેડ કૉફી હાઉસના માલિક કિશનલાલને ઘેર જોશની વિશેષ ઉપસ્થિતિમાં ફિરાક ગોરખપુરી, સાહીર લુધિયાનવી, કૈફી આઝમી અને મહીન્દર સિંહ બેદી જેવા શાયરો શરીક થતા એ ડિસેમ્બરી મુશાયરામાં અચૂક હાજર રહેતા. સરદારને સામ્યવાદી વિચારકો ભણી ઘૃણા હતી છતાં જોશ અપવાદ હતા. જોશની નિમણૂકનો પત્ર નીકળ્યો અને સરદારનો આભાર માનવા માટે મળ્યા ત્યારે વલ્લભભાઇના માયાળુ સ્વભાવનો એમને પરિચય થયો.વાસ્તવમાં સરદાર પટેલને મળવા જવાનું નેહરુએ જ જોશને સૂચવ્યું હતું. વડા પ્રધાને પૃચ્છા કરેલી કે તમે તમારા વિભાગના મંત્રી સરદારને મળ્યા કે ? જોશનો જે ઉત્તર હતો તે તેમણે આત્મકથાનકમાં નોંધ્યો છે : ‘મેં કહ્યું, મળ્યો નથી. તેમને (સરદારને) મળવાની ઇચ્છા પણ નથી’. પંડિતજી કારણ જાણવા ઇચ્છુક હતા. મેં અંગ્રેજીમાં ઉત્તર વાળ્યો : ‘બિકોઝ હી હૅઝ ગૉટ અ ક્રિમિનલ ફેસ’. જેવી જેની દૃષ્ટિ એવી એની સૃષ્ટિ. જોશને સરદાર પટેલ સાથે મુલાકાત કર્યા વિના જ એમનો ચહેરો કોઇ ગુનેગાર જેવો લાગતો હતો.

સરદાર પટેલ અને જોશ મલીહાબાદીની એ ઐતિહાસિક મુલાકાત વિશે જોશે ખાસ્સું વિગતે વર્ણન કર્યું છે. આખ્ખાબોલા જોશ અને એવી જ પ્રકૃતિ ધરાવતા સરદાર વચ્ચે મનમોકળાશથી વાતો થઇ. જોશે કહ્યું : ‘હું ખાસ કારણસર તમને મળવા આતુર હતો.’ ‘ખાસ કારણ ?’ જોશનો ઉત્તર હતો : ‘કારણ એ હતું કે મેં તમારી વિરુદ્ધ અનેક ટિપ્પણો સાંભળી છે.’ નિરાંતે બેઠા પછી સરદારે જોશને કહ્યું, : ‘તમે સાંભળ્યું હશે કે હું મુસ્લિમોનો દુશ્મન છું. મને ખબર છે કે તમે વાતચીતમાં આખાબોલા છો. સ્પષ્ટ વક્તા છો. હું પણ. એટલે જ હું સ્પષ્ટ કરી દઉં કે તમારા જેવા મુસ્લિમો જેમના પૂર્વજો ભારત બહારથી આવ્યા અને અહીં વસ્યા તેમના ભણી હું આદરભાવ ધરાવું છું.” જોશ સરદારની વાત સાથે પ્રતિવાદ કરવા જતા હતા અને સરદાર એનો પ્રતિભાવ વાળે તે પહેલાં તેમના સચિવે પતિયાળાના મહારાજાની મુલાકાતનો સમય થયાનું યાદ દેવડાવ્યું એટલે વાત ત્યાં અટકી. સરદારના ઘરેથી જોશ સીધા મૌલાના આઝાદને ત્યાં ગયા. મૌલાનાને આશ્ચર્ય થયું : ‘જોશ સાહબ, આપ ઔર સરદાર પટેલ !’ મૌલાના માટે જોશ અને સરદાર પટેલની મુલાકાત તો સાવ જ અઘટિત ઘટના હતી. 

પાકિસ્તાની શાસક ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથે જોશની નિકટતાથી માર્શલ લો શાસક જનરલ ઝિયા-ઉલ-હકના વહીવટી તંત્રે ૧૯૭૮માં બ્લેકલિસ્ટ કરતાં મલીહાબાદીને અનિચ્છનીય વ્યક્તિ (પરસોના-નૉન-ગ્રાન્ટા) જાહેર કર્યા. રૅડિયો પાકિસ્તાનના એ ઇન્ટરવ્યૂમાં જોશે ઇસ્લામ, પવિત્ર કુરાન, કાયદે આઝમ અને અલ્લામા ઇકબાલ વિશે નિંદાભર્યા શબ્દો કહીને પાકિસ્તાનની રચના સામે જ પ્રશ્નો ઉઠાવ્યા હોવાનું જાહેર કરાયું. રાષ્ટ્રવાદી શાયર જોશને સલામ, પણ રાષ્ટ્રદ્રોહી બની પાકિસ્તાનમાં દોજખ અનુભવનારા મલીહાબાદી ભણી દયાભાવ.

E-mail : haridesai@gmail.com

No comments:

Post a Comment