Wednesday 11 October 2017

And now the final drama to retain or snatch the power in Gujarat

બસ, હવે ગુજરાતની ગાદી ટકાવવા કે છીનવવાના આખરી ખેલ
અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ
·         યુવા ત્રિપુટી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી કોનાં ભાણાં બગાડે કે સુધારે એની પ્રતીક્ષા
·         ભાજપના ઈશારે જ વાઘેલાએ રા.જ.પા.નો વીંટો વાળ્યા પછી ફરી જનવિકલ્પની જાન જોડી છે
·         સરકારી ઉદઘાટનો અને યાત્રાઓ ઉપરાંત બિન અનામત ઉજળિયાતો માટે નવા નિગમ સહિતની જાહેરાતો
·         રાહુલને મળતા આવકારે કૉંગ્રેસનો ઉત્સાહ વધાર્યો અને સોશિયલ મીડિયામાં ભાજપની  ભીંસ વધારી
·         ભાજપના અધ્યક્ષ અમિત શાહે સામેથી આનંદીબહેન પટેલને ઘેર મળવા જવું પડે એ ખૂબ જ સૂચક

આપણે ત્યાં કહેવત છે : કાબે અર્જુન લૂંટિયો,વહી ધનુષ;વહી બાણ. ચૂંટણીનો માહોલ બંધાતો જાય છે એમ સત્તારૂઢ ભાજપ પર કૉંગ્રેસ ભીંસ વધારી રહી છે અને વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી અને મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના મહારથીઓએ અજમાવેલા સોશિયલ મીડિયા સહિતના નુસખાઓ હવે ભાજપના વિરોધીઓ એના પર વાર કરવા માટે અપનાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી જીતવી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષ (ભાજપ) માટે આગામી લોકસભા ૨૦૧૯ને જીતવાની અનિવાર્ય પૂર્વશરત છે. બે દાયકા કરતાં પણ વધુ સમયથી સત્તાવિમુખ રહેલી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ માટે ડિસેમ્બર ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી જીતીને રાખમાંથી બેઠા થવાનો ફિનિક્સ પક્ષીનો અવતાર ધારણ કરવા જેવું છે. યુદ્ધનો ટંકાર જાહેર થવામાં છે. ઓક્ટોબર મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને બીજા સપ્તાહમાં રાષ્ટ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાત આવીને ચૂંટણીની તારીખો જાહેર કરવાની પૂર્વ તૈયારીરૂપ કવાયત આદરશે. ડિસેમ્બરમાં બે તબક્કામાં મતદાન યોજાય એની ઘોષણા થશે. પ્રતીક્ષા માત્ર તારીખોની જાહેરાતની છે. અન્યથા સત્તાપક્ષ અને વિપક્ષ બેઉની દૃષ્ટિએ ગુજરાત ક્યારનું ય ઈલેક્શન મોડમાં આવી જ ગયું છે. કોઈ ગૌરવયાત્રાઓ કાઢે છે તો કોઈ રોડ-શો કરે છે. સત્તારૂઢ ભાજપને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે ભીંસનો અનુભવ થઈ રહ્યો છે, છતાં મિશન ૧૫૦+નું ઊંચું લક્ષ્ય લઈને અમિત શાહના નેતૃત્વમાં પક્ષના કાર્યકરોની આર્મી અને સંઘ પરિવારનાં સંગઠનો કામે વળ્યાં છે.આમ છતાં યુવા ત્રિપુટી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી કોનાં ભાણાં બગાડે કે કોનાં તરભાણાં   ભરે  એની પ્રતીક્ષા સૌને છે.

વર્ષ ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં ઈલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટ પરનાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોવામાં આવે તો અત્યારના વડા પ્રધાન અને એ વેળાના મુખ્ય પ્રધાન કે જેમના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ હતી એવા નરેન્દ્ર મોદીના પક્ષને ઘટતી જતી બેઠકો મળી હતી. ૧૮૨ ધારાસભ્યોની વિધાનસભામાં પેટાચૂંટણીઓ જીતીને વિક્રમી આંકડો માંડ  ૧૨૧ સુધી પહોંચાડ્યો. ભાજપના ઈશારે જ વિવશતા અનુભવતા શંકરસિંહ વાઘેલાએ રા.જ.પા.નો વીંટો વાળ્યા પછી ફરી જનવિકલ્પની જાન જોડી છે. કૉંગ્રેસમાં રહીને એકાદ વરસ મુખ્ય પ્રધાનપદ અને એ પછી કેન્દ્રમાં કાપડ પ્રધાનપદ અને વિધાનસભામાં વિપક્ષમાં વિપક્ષના નેતા તરીકે ભાજપની બી-ટીમ તરીકે મોકાના વખતે સભાત્યાગ કરી જઈને અને છેલ્લી રાજ્યસભાની ચૂંટણી ટાણે કૉંગ્રેસમાં રહીને એને રમણભ્રમણ (સાબોટાઝ) કરનાર વાઘેલા અત્યારે દેખાડાના જનવિકલ્પથી ભાજપને લાભ પહોંચાડવાની વિવશતામાં ગુજરાત ખૂંદી રહ્યા છે. ક્યારેક કૉંગ્રેસના મોભી વસંતદાદા પાટીલની પીઠમાં છરો હુલાવીને જનસંઘીઓ, સમાજવાદીઓ અને શેકાપવાળાઓ સાથે ઘર માંડી મહારાષ્ટ્રમાં પુલોદ સરકાર બનાવનાર શરદ પવારે કૉંગ્રેસથી નોખો ચોકો રચીને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના માધ્યમથી કેન્દ્ર અને રાજ્યમાં એ જ કૉંગ્રેસ સાથે દાયકા કરતાં ય વધુ લાંબા સમય સુધી સત્તાનાં સંવનન પછી હવે ગુજરામાંય ભગવી-રમત આદરી છે.

યાત્રા શબ્દની પાછળની ભાવના ખૂબ પવિત્ર મનાય છે. રાજકારણમાં ધર્મકારણ અને ધર્મસ્થાનકોને ભેળવીને યાત્રાઓ કઢાવા માંડી ત્યારથી વર્તમાન સત્તારૂઢ પક્ષ ભાજપનો ઉદય ૫૪૫ની લોકસભામાં બે લોકસભા બેઠકોથી ૨૦૦ અને હવે ૨૮૨એ પહોંચ્યો છે. સૅક્યુલર પરંપરા અને દંભી કે છદ્મ પરંપરા જેવા શબ્દપ્રયોગો ચલણી બનાવનારા ભારતના નાયબ વડા પ્રધાન રહેલા લાલકિશન આડવાણી જેવા મહારથીઓ માટે ભલે હવે વનવાસયુગ આરંભાયો હોય, વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીના આગમન પછી લોકસભાના અધ્યક્ષપદે સુમિત્રા મહાજન, રાષ્ટ્રપતિપદે રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિપદે વેંકૈયા નાયડુના સત્તારોહણ પછી ભાજપનો ભગવો ચોમેર છવાઈ ગયો છે. કૉંગ્રેસ ક્યારેક રાજીવ ગાંધીના યુગમાં લોકસભે ૪૦૪થી ૪૨૬ બેઠકો ધરાવતી હતી, એ અત્યારે સાવ ૪૪ બેઠકોની સૌથી નીચી સપાટીએ છે. લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સત્તાવાર રીતે મેળવવા જેટલી બેઠકો પણ એની કને નથી. જોકે, ગુજરાત વિધાનસભામાં શંકરસિંહે જે ધાડ પડાવી એ પછી ૧૮૨ના ગૃહમાં કૉંગ્રેસ પાસે રોકડી ૪૩ બેઠકો જ રહી છે, છતાં કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સૌરાષ્ટ્ર યાત્રાએ બે દાયકાથી સત્તાવિમુખ આ પક્ષને આશાનું કિરણ દર્શાવવાની અપેક્ષા જરૂર જગવી છે. પાટીદાર અનામત આંદોલનને પગલે ભાજપી મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ઘરભેગા થવું પડ્યું અને મુખ્ય પ્રધાન તરીકે નીતિન પટેલના ફટાકડા ફૂટ્યા પછી વિજય રૂપાણીનું નામ જાહેર થયું, ત્યારથી મુખ્ય પ્રધાન રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ સરકારી કાર્યક્રમો, ગૌરવ યાત્રાઓ અને ઉદઘાટનોમાં રીતસર દોડતા રહ્યા છે.બહેન સાથે એમના ઘરે જઈને નાછૂટકે અમિત શાહે મંત્રણાઓ કરવી પડે એવા સંજોગો મોદીના આગ્રહને લીધે ઊભા થયા છે.પાટીદારોને મનાવવા રીતસર નાકલીટી તાણીને બિન અનામત માટે નિગમ સહિતની જાહેરાતો કર્યા પછીય હાર્દિક પટેલ આણિ મંડળીને રાજી કરવામાં સફળતા મળી નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના વિધાનસભ્યમાંથી રાજ્યસભે જવાનું થયું અને દેશભરમાં ભાજપનો ભગવો લહેરાવવાનો હોવા છતાં ગૃહરાજ્યને જાળવી રાખવા છાસવારે અમદાવાદ આવવું પડે છે. વડા પ્રધાન મોદીએ પણ સૌનીયોજનાના લોકાર્પણથી લઈને નર્મદા ડેમના રાષ્ટ્રાર્પણ સુધીના સમારંભોમાં આવીને નાક બચાવવાની કવાયત આદરવી પડે છે. ક્યારેક મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જે સોશિયલ મીડિયાના શઢ પર ચઢીને ભાજપ દિલ્હીમાં સત્તા સુધી પહોંચ્યો, એ જ સોશિયલ મીડિયામાં વિકાસ ગાંડો થયો છેથી લઈને મારા હાળા છેતરી ગયાના ઝટકાએ સત્તાપક્ષની નીંદર વેરણ કરી છે.

કૉંગ્રેસની બોલબાલાના યુગમાં વડાં પ્રધાન ઈંદિરા ગાંધી અંબાજીનાં દર્શન કરીને ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ કરતાં હતાં. આ વખતે એમના પૌત્ર રાહુલ ગાંધીએ દ્વારકાધીશ અને સોમનાથ તથા કાગવડ સહિતનાં ધાર્મિક સ્થાનકોએ દર્શન કરીને ગુજરાતમાં ધીરગંભીરપણે પહેલા તબક્કાની જનસંપર્કયાત્રા પૂરી કરી છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર રાહુલ જનસંપર્ક આદરવાના આયોજનમાં છે. માત્ર ચૂંટણી સભાઓ ગજવીને કે ભાષણો કરીને ચાલ્યા જવાને બદલે ચારેક દિવસ પ્રદેશના જે તે વિસ્તારમાં રહીને સંપર્ક બનાવીને, પ્રજાના પ્રશ્નો ઊઠાવીને સત્તારૂઢ પક્ષની સરકારે વણઉકેલ્યા રાખેલા પ્રશ્નોને વાચા આપીને લોકોની ભાવના અને અપેક્ષાને ઉજાગર કરી ગાંધીનગરમાં સત્તા કબજે કરવાના કોંગ્રેસી વ્યૂહ છે. શંકરસિંહના અંદર રહીને કૉંગ્રેસની કમર તોડવાના વ્યૂહ છતાં બાકીની કૉંગ્રેસની સેના હજુ અકબંધ રહી છે. જોકે, ઉમેદવારીપત્રકો ભરાયા  પછી પણ ભાજપવાળા અમુક કળા કરવાના એ વાતે કૉંગ્રેસની નેતાગીરી આગોતરી તૈયારી કરી ચૂકી છે. ૨૨ વર્ષના ભાજપી શાસન છતાં ફરી એક વાર ભાજપ સરકાર બનાવશે, એવી પ્રજામાં ઊઠતી છાપ છતાં કૉંગ્રેસ માટે આ વેળા છેલ્લો અવસર હોવાની ગણતરી સાથે એમણે કેસરિયાં કર્યાં છે. રાહુલને હવે પપ્પુ ગણાવવાના ભાજપી  ખેલ સત્તાપક્ષ ભણી બૂમરેંગ થતા વધુ લાગે છે. પક્ષ અને સરકારી તંત્ર એકાકાર હોવા છતાં સત્તાપક્ષ સામે પ્રજામાં ઘૂમરાતો અસંતોષ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના કાર્યક્રમોમાં ખાલી ખુરશીઓના સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વીડિયોથી અનુભવાય છે. સ્વયં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના કરમસદ કાર્યક્રમમાં પણ પાટીદાર યુવાનો ધાંધલ મચાવે કે પ્રધાનોના કાર્યક્રમોનો પ્રજા થકી બહિષ્કાર થાય અને સાથે જ સંઘ પરિવારનાં ભારતીય કિસાન સંઘ કે ભારતીય મઝદૂર સંઘ જેવાં સંગઠનો સત્તાપક્ષની નીતિઓ સામે વિરોધ કરે એ બધાનો લાભ લેવા કૉંગ્રેસ મેદાને પડી છે. કેટલો ફાયદો થશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ કીપ યોર ફિંગર ક્રોસ્ડ.

ગુજરાતની આંદોલનકારી યુવાત્રિપુટીને ટાઢી પાડવા, તોડવા કે ખરીદી લેવાના પ્રયાસોને હજુ સુધી ઝાઝી સફળતા મળી નથી એટલે આવતીકાલોમાં પાટીદાર આંદોલન જગાડનાર હાર્દિક પટેલ, ઠાકોર-ઓબીસી-એસટીના અગ્રણી અલ્પેશ ઠાકોર અને દલિત આંદોલનની જ્યોત જગાડનાર જિજ્ઞેશ મેવાણી ચૂંટણીકારણમાં કેવી અસર કરશે, એ વિશે સત્તાધીશોની ભારે અકળામણ વર્તાઈ રહી છે. હાર્દિકના સાથીઓને તોડીને, સત્તાપક્ષ સાથે જોડીને અને એની વિશ્વસનીયતાને કૉંગ્રેસી બિલ્લો લગાડવાની કોશિશો ઉપરાંત વારંવાર જેલમાં અને અદાલતી ખટલાઓમાં અટવાયેલા રાખવા છતાં મૂળ ભાજપી ગોત્રના અને હવે ખુલ્લેઆમ ભાજપને પડકારનારા આ ૨૪ વર્ષના યુવાન હાર્દિકને સાવ અસરહીન બનાવી શકાયો નથી. પોતે ચૂંટણી લડવાની ૨૫ વર્ષની વયે પહોંચ્યો નથી છતાં ચૂંટણીમાં ભલભલાના દાંત ખાટા કરવાની સ્થિતિમાં છે. આજે પણ એની સભાઓમાં જનમેદની ઊમટે છે. માત્ર પટેલો જ નહીં, અઢારે વર્ણના લોકો એના ભણી આશાભરી નજરે નિહાળે છે. એવું જ કાંઈક અલ્પેશ ઠાકોરનું છે.અલ્પેશ કૉંગ્રેસી ગોત્રનો હોવા છતાં નવમી ઓક્ટોબરે  સમર્થકોનો મત જાણી ભાજપને પ્રતિકૂળ નિર્ણય કરશે એવા સંકેતો આ લખાય છે ત્યારે મળે છે. એવો અણસાર જરૂર મળે છે કે હાર્દિકની જેમ જ એ પણ ભાજપને ભોંયભેગો કરવા ઠાકોર સેનાને મેદાનમાં ઉતારશે. એ સેનાને સંયમિત રાખે છે. ગાંધીજીના માર્ગનું રટણ કરે છે, પણ એની રાજકીય મહત્ત્વાકાંક્ષા અને આયોજન દૂરગામી પરિણામ લાવી  શકે છે. દલિત યુવા અગ્રણી જિજ્ઞેશ મેવાણી ડાબેરી ઝોક ધરાવનારો અને દલિતોના અનેક ફિરકા છતાં પોતાનું આગવું સ્થાન ધરાવનારો યુવા અગ્રણી છે. એ મૂળે ભાજપ વિરુદ્ધ છે. વચ્ચેના સમયગાળામાં આ આંદોલનકારી યુવા ત્રિપુટીને હસી નાંખવાની ફૅશન હતી, પણ અઢી વર્ષ પછી પણ એ ત્રણેયનો મિજાજ લડાયક રહેવા ઉપરાંત સાથસહકારથી પરિવર્તન આણવાનો ઝોક જોવા મળે છે એટલે આવતી કાલોમાં ગુજરાતમાં આસમાની સુલતાની કરવા સક્ષમ લાગે છે. મીટ મંડાયેલી છે નરેન્દ્ર મોદી ભણી.એ હારની બાજીને જીતમાં ફેરવી નાખવાની કેવી ચાલ રમે છે અને એમની ચાલોમાં ગુજરાત કેટલું અટવાય છે એના પર હાર-જીતની બાજીનો અંતિમ મદાર છે.મોદીની વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને કૉંગ્રેસના અસ્તિત્વનો ખરો તકાજો છે આ વખતની વિધાનસભા ચૂંટણી. ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment