સોમનાથને લૂંટનાર-ધ્વંશ કરનાર મહમૂદ ગઝની તો હિંદુવંશજ
લંડનથી પ્રકાશિત થતા “ગુજરાત સમાચાર”માં ડૉ.હરિ દેસાઈની સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર“ ૧૪ ઓક્ટોબર ૨૦૧૭
વેબ લિંક : http://bit.ly/2kJS75l
• ગઝનીએ ચડાઈ કરી ત્યારે પણ વરવી સ્થિતિ એવી હતી કે એનો મુકાબલો કરવાની સ્થિતિમાં ગણાતો ગુજરાતનો રાજા ભીમદેવ પહેલો રાજધાની અણહિલવાડ પાટણ છોડીને પ્રજાને ગઝનીની હિંદુ સેનાપતિ ટિળક હેઠળની ક્રૂર સેનાના આતંકનો ભોગ બનવા રેઢી મૂકી ગયો હતો. આવા કાયર રાજપૂત રાજવીની પ્રજામાંના ૨૦ હજાર રાજપૂતોએ મોઢેરા ખાતે પોતાનાં બલિદાન આપીને પણ સુલતાન મહમૂદની સેનાને સોમનાથ ભણી આગળ વધતી રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
• ૧૮ દિવસ પ્રભાસમાં રોકાણ દરમિયાન લૂંટફાટ અને આતંક મચાવીને મહમૂદે લખલૂટ સામગ્રી સાથે ૨૪ જાન્યુઆરી ૧૦૨૬ના રોજ ગીઝની તરફ કૂચ કરી. એ ગીઝની પહોંચ્યો (૨ એપ્રિલ ૧૦૨૬) ત્યારે ‘૧ લાખ ૫૦ હજાર માણસોમાંથી માત્ર ૨૦૦૦ માણસ જ તેની સાથે પાછા આવ્યા. ગાઝીનું બિરુદ પ્રાપ્ત કરવા અને ધન કમાવવા ગયેલા સ્વયંસેવકો શહીદ થઈ ગયા. ગીઝની નિર્જન દેખાવા માંડ્યું... ગીઝનીમાં ભારતમાંથી પકડી લાવેલા ગુલામો સિવાય પ્રજાજનો દેખાતાં નહીં. એમનું બળજબરીથી ધર્માંતર કરવામાં આવ્યું.’
• દુનિયાભરના હિંદુઓ માટે ઘૃણા ધરાવતો મહમૂદ ગઝની પોતે હિંદુ ગુલામ સબકતગીનનો પાટવી કુંવર હતો. સબકતગીને સંયોગવશાત્ ઈસ્લામ કબૂલ્યો હતો. પોતાની વીરતા અને કુશળતાથી એ ગઝનીના અમીરના હોદ્દા સુધી પહોંચ્યો હતો. તે સમયે અમીરો ઠાકોરો જેવા નાના નાના રાજાઓ હતા. તેઓ ખલિફ કે ખલિફાનું સાર્વભૌમત્વ સ્વીકારતા. ગઝની, કાબુલ, ખુરાસાન, તુર્કસ્તાન વગેરે દેશોમાં બૌદ્ધ કે હિંદુઓની પ્રજા મોટા પ્રમાણમાં વસતી હતી. સમયાંતરે આ પ્રદેશો ઈસ્લામના પ્રભાવ તળે આવતા ગયા, પણ હજુ ૧૩મી સદી સુધી કાબુલ પર હિંદુ રાજાઓ રાજ કરતા હતા અને ગઝનીના શાસક સબકતગીન(શક્તિ સિંહ) જ નહીં, એના પુત્ર મહમૂદ ગઝનીએ પણ કાબુલના હિંદુ રાજાઓ સાથે જંગ ખેલ્યા હતા. એણે પોતાનું સામ્રાજ્ય છેક પંજાબ-સિંધ લગી વિસ્તાર્યું હતું.
• શ્રીકૃષ્ણના વંશજ એવા મિસર(ઈજિપ્ત)ના રાજા દેવેન્દ્રના ચાર પુત્રો અસપત (અશ્વપતિ), નરપત(નરપતિ), ગજપત (ગજપતિ) અને ભૂપત(ભૂપતિ)માંથી અસપત ઈસ્લામ કબૂલીને ખલિફાની શાહજાદી સાથે નિકાહ કરીને મિસરની ગાદીએ આરૂઢ થયાની ઈતિહાસમાં નોંધ છે. અસપતના બીજા ત્રણ ભાઈ સિરિયા, ઈરાક, ઈરાન વગેરે પ્રદેશોમાં રાજ્યો સ્થાપતાં અને ગુમાવતાં અંતે કાબુલ અને ખુરાસાનમાં આવ્યા.સમયાંતરે એમના વંશજો સિંધ-ગુજરાત ભણી સ્થળાંતરિત થતા ગયા. જાડેજા, ચુડાસમા અને ભાટી રાજવીઓ એમના વંશજો ગણાય છે.
No comments:
Post a Comment