Wednesday 6 September 2017

Political Armies are deployed for the Assembly Election in Gujarat

ગુજરાતના સત્તા સમરાંગણમાં સેનાઓ ગોઠવાઈ ગઈ
અતીતથી આજ :  ડૉ. હરિ દેસાઈ
  • ·         કૉંગ્રેસ જો  પરાજિત થાય  તો પક્ષના વિસર્જન સિવાય કોઈ બીજો આરો નથી રહેવાનો
  • ·         કૉંગ્રેસ પાસે નેતાગણ ઘણું છે, ભાજપ પાસે સંઘ પરિવારના આશીર્વાદથી કાર્યકર્તાગણ અફાટ
  • ·         બે દાયકાથી કૉંગ્રેસી વરરાજા તો પગ પછાડતા માયરામાંથી ધૂંઆંપૂઆં થતા અલોપ થાય  છે
  • ·         વર્ષ ૨૦૧૯માં મોદી-નૈયાને પાર ઉતારવાની પૂર્વશરત ગુજરાતની ચૂંટણીમાં વિજય અનિવાર્ય


આપણે ત્યાં કહેવત છેઃ આડી રાત એની શી વાત. ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણી આડે હવે ઝાઝા દિવસ રહ્યા નથી.ઇલેકશન પોલ થકી ભાજપ જ વિજયી થવાનો છે એની ગાજવીજ થવા માંડી છે. કૉંગ્રેસના મુખ્ય નેતાઓ બપોર સુધી નીંદર ખેંચીને સાંજના ભાગે અખબારનવીશો સામે ઘોષણાઓ કરે છે કે બસ,સત્તામાં તો અમે જ આવવાના છીએ. છેલ્લા બે દાયકામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા  વિજયશ્રીની વરમાળા ભારતીય જનતા પક્ષના ગળામાં પહેરાવાતી રહી છે. કૉંગ્રેસી વરરાજા તો પગ પછાડતા માયરામાંથી ધૂંઆંપૂઆં થતા અલોપ થતા રહ્યા છે. વર્ષો પછી વિધાનસભાની ચૂંટણી પ્રત્યક્ષ રીતે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નહીં લડાય. હા, પરોક્ષ રીતે તો મોદીની પ્રતિષ્ઠાનો જંગ છે એટલે કૉંગ્રેસી નેતા સરદાર પટેલવાળો પેલો સંવાદ ગોખીને મોદી પ્રચાર કરશે કે અમે થાંભલા ઊભા કર્યા હોય તો તેમને ય  ચૂંટીને મોકલશો. સામે પક્ષે કૉંગ્રેસ હવે ભીતરઘાત કરનારા શંકરસિંહ વાઘેલાના શિરે પરાજયના દોષનો ટોપલો સેરવી નહીં શકે, કારણ એ હવે રણછોડરાય થઈ ચૂક્યા છે. હા, રાજકારણમાં સક્રિય રહીને ઘાયલ વાઘેલા વેરની વસૂલાત કરવાનું ચૂકવાના નથી. એમનું ખડગ કોનો ભોગ લેશે, એનો ફોડ પાડતા નહીં હોવા છતાં અપત્યપ્રેમમાં રમમાણ બળવાખોર બાપુએ અનિચ્છાએ પણ મોદીતરફી ચોપાટ ખેલવી પડશે. સામે કૉંગ્રેસની સેના માટે ગુજરાતની ગાદી પુનઃપ્રાપ્ત કરવાની આ છેલ્લી તક છે. પરાજિત થઈને તો પક્ષના વિસર્જન સિવાય કોઈ બીજો આરો નથી રહેવાનો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે પણ નાકનો પ્રશ્ન છે. કેન્દ્રમાં પ્રધાનપદથી મોકળા રહેવાની જાહેરાત કરનાર શાહની નજર તો ગાંધીનગર ગાદી પર જ મંડાયેલી છે, પણ ધાર્યું દિલ્હીશ્વરનું થાય. આમ પણ પ્રચારક મોદીના આદેશોનું પાલન કરવા માટે સ્વયંસેવકો ટેવાયેલા છે. હાલપૂરતું તો અમિતભાઈને પૂછીને જ પાણી પીનારા વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી લડાવાનાં દુદુંભિ પીટવામાં આવે છે, પણ આનંદીબહેન પટેલ ગ્રહણ ટાણે જ સાપ કાઢે નહીં, એટલા માટે એમના માનમરતબાને સાચવવાની વેતરણ પણ ચાલે છે. દીકરી અનાર પટેલને પક્ષની ટિકિટ અપાવવા ઉપરાંત પાટીદારોને રાજી કરીને પડખે લેવાની કવાયતમાં એમને જોડીને નીતિન પટેલ પરના મદારને હળવો કરવાની દિલ્હીશ્વરની ઈચ્છા હોવાનું વધુ લાગે છે.
ક્યાંય કશું કોઈપણ વાતે કાચું કપાય નહીં એટલા માટે ડિસેમ્બર ૨૦૧૭ની વૈતરણી તરીને જ મે ૨૦૧૯માં વિજયપતાકા લહેરાવી શકાય, એ વાત ભગવી બ્રિગેડ સુપેરે જાણે છે. રાજ્યસભાની ચૂંટણી ટાણે ૧૦, જનપથ(સોનિયા ગાંધી)ના ગઢમાં બાકોરાં પાડીને ગઢ જીતવાના પેંતરા કરવા જતાં ભગવી બ્રિગેડ માટે ગઢ પણ ગેલા આણિ સિંહ પણજેવો ઘાટ રચાયો. શંકરસિંહ પુત્ર મહેન્દ્રસિંહના અહેમદ-મિત્ર વેવાઈ બળવંતસિંહ રાજપૂત જેવા અબજોપતિને ફોડીને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છતાં એ ચાલનું સૂરસૂરિયું થયાનો ગમ છે. કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય મંત્રી (ગુજરાતમાં અને અન્યત્ર એમને સલાહકાર ગણાવાય છે) અહેમદ પટેલ રાજ્યસભાની બેઠક માંડ માંડ જીત્યા એટલે કૉંગ્રેસની સેના હરખપદૂડી થઈ ગઈ. બસ, હવે તો ઈડરિયો ગઢ એટલે કે ગાંધીનગરની ગાદી હાથવેંતમાં માનવા માંડી. જોકે, આ વધુ પડતો વિશ્વાસ છે, છતાં મરણતોલ કે મૂર્છાવસ્થામાં રહેલી કૉંગ્રેસને ચેતનવંતી કરવાની જીવન સંજીવની એને જરૂર મળી છે. ગુજરાતના મીડિયામાં પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી ખૂબ ઝળકવા માંડ્યા. ચેનલો અને અખબારોમાં જીતના દાવા થવા માંડ્યા. સોલંકીનું મીડિયા મેનેજમેન્ટ કામે વળ્યું લાગ્યું, પણ સસલા અને કાચબાની સ્પર્ધાવાળી કહાણી એમણે વીસારે પાડી લાગે છે.
ચૂંટણી માટે અગાઉથી દોડવા જતાં ચૂંટણી ટાણે જ એમને થાકોડો અનુભવાશે અને ૩૬૫ દિવસ ઈલેક્શન મોડમાં રહેતી ભાજપી સેના એમને ક્યારે ક્યાં પછાડશે એ કહેવું મુશ્કેલ છે. કૉંગ્રેસ પાસે નેતાગણ ઘણું છે, ભાજપ પાસે સંઘ પરિવારના આશીર્વાદથી કાર્યકર્તાગણ અફાટ છે. બેઉની તુલના અશક્ય છે. પ્રજાએ ભાજપમાં અવિશ્વાસ કરવાનો નિર્ણય કરી જ લીધો હોય તો જ કૉંગ્રેસની વિજયપતાકા લહેરાઈ શકે. ખરેખર આવા સંજોગો લાગતા નથી. ભાજપની સેના આફતને અવસરમાં ફેરવવામાં પાવરધી છે. ઓછામાં પૂરું દિલ્હીની ગાદીએ પણ ભાજપનો ધ્વજ લહેરાય છે ત્યારે હારનાર પક્ષનો જુગાર ખેલવા જેટલી અપરિપક્વ ગુજરાતની પ્રજા તો નથી જ. ભાજપના વહીવટ સામે લાખ વાંધા હશે, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યાની ફરિયાદ પણ હશે, છતાં કૉંગ્રેસ કને એવી કોઈ જડીબુટ્ટી દેખાતી નથી કે ગાંધીનગરની ગાદીએ ભરતસિંહ કે અહેમદસિંહને બેસાડવાનો રાજમાર્ગ ખોલી આપે. બહુબોલા ભરતસિંહ સત્તાકાંક્ષી દાવાઓની સાથે જ ભાજપનાં મુખ્ય પ્રધાનપદનાં ઉમેદવાર સ્મૃતિ મલ્હોત્રા-ઈરાની હોવાની સોગઠી મારે તો છે,પણ  મોદી થકી અહેમદમિયાંવાળી ગુગલી ક્યારે ફરી સ્ટમ્પ-આઉટ કરે એનું કંઇ કહેવાય નહીં.
શંકરસિંહ અને મળતિયાઓની કૉંગ્રેસમાંથી વિદાય પૂર્વે જ કૉંગ્રેસ મોવડીમંડળે પોતાના અલગ અલગ કોટના સંરક્ષકો-કોટવાળો નિયુક્ત કરીને સત્તા માટેનો છેલ્લો ખેલો કરી લેવાનું આયોજન કરી લીધું હતું. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહની સેનામાં ચાર કાર્યકારી પ્રમુખ સહિત વધુ ૩૨ હોદ્દેદારોની ફોજ ૧૦, જનપથે ઉમેરી તો ખરી, પણ રાવણહથ્થાને સરખો કરાવવા જતાં રાવણું ઊઠી તો નહીં જાય ને એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પરેશ ધાનાણી અને કુંવરજી બાવળિયાની નિયુક્તિ થકી અનુક્રમે પટેલ અને કોળી વોટબૅંકને સાચવવાની કોશિશ કરાઈ. દક્ષિણ ગુજરાતમાં અમરસિંહ-પુત્ર ડૉ. તુષાર ચૌધરીને કારણે લોકસભા અને વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં કૉંગ્રેસી વાડામાંથી ઘણા નેતા વાડ ઠેકીને ભાજપમાં ભળ્યા હતા, છતાં આ વખતે દક્ષિણ ગુજરાતના ગોવાળ તરીકે તુષારને જ જવાબદારી સોંપાઈ છે. ઉત્તર ગુજરાતમાં કરસનદાસ સોનેરી જેવા અર્ધ-નિવૃત્ત નેતા અને એય પાછા દલિત નેતાને ટેકે કૉંગ્રેસ ગઢ જાળવી રાખવા ઝંખે છે. મુશ્કેલી તો એ છે કે કૉંગ્રેસના નવા હોદ્દેદારો પોતાનાં લેટરહેડ છપાવે, સન્માનો કરાવે, કામે વળે એટલામાં તો ચૂંટણી આવીને જતી પણ રહેશે. જોકે, હવેની ચૂંટણીમાં અહેમદ પટેલ મોદી-મૈત્રીનો આલાપ છોડીને મચી પડે તો કૉંગ્રેસની ૫૭થી ૬૦ બેઠકોની મક્તેદારી જળવાઈ રહે, એથી ઝાઝું કાંઈ ઉકાળી શકે એવું વર્તમાન સંજોગોમાં તો લાગતું નથી.
ભાજપની પ્રદેશ સેના સતત હાકલાદેકારા કરતી રહે છે અને એમાં પાછું વડા પ્રધાન મોદીએ પોતાની કૅબિનેટના પ્રભાવી સાથીઓને ગુજરાતના પ્રભારી અને સહ-પ્રભારી બનાવીને પાઠવવાની જાહેરાત કરતાંની સાથે જ સામી છાવણીમાં સોપો પડવો સ્વાભાવિક છે. ભાજપના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ અમિત શાહ થકી  કૉંગ્રેસના ૪૩ ધારાસભ્યોમાંથી કોની કોની વિકેટ પાડવી એ વ્યૂહના અમલનાં આવતીકાલોમાં દર્શન થશે. નાણા અને સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીને એમને રાજ્યસભે પાઠવનાર ગુજરાતના ચૂંટણી પ્રભારી બનાવાયા છે. સાથે જ વડા પ્રધાન કાર્યાલયના રાજ્યપ્રધાન ડૉ. જિતેન્દ્રસિંહ, ઉપરાંત બીજાં કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામન્ અને નરેન્દ્રસિંહ તોમર તેમજ પી. પી. ચૌધરીને સહ-પ્રભારી બનાવાયા છે.

મોદીના અત્યંત નિષ્ઠાવંતોને કામે વાળવાની જવાબદારી જ નહીં, ‘મિશન ૧૫૦ પ્લસને સફળ બનાવવાના લક્ષ્યની પૂર્તિ માટેનો એજન્ડા અપાયો છે. ગુજરાત સર કર્યા પછી કર્ણાટકને સર કરવાનું છે. કૉંગ્રેસનો રાવણહથ્થો હજુ સરખો કરાય ત્યાં લગી તો ભાજપ-સંઘ પરિવારની સેના સ્ટીમરોલર બનીને સમગ્ર ગુજરાતમાં કૉંગ્રેસનો ભુક્કો બોલાવી દેશે. મોદી-દશકને આડા હાથ દેવામાં કૉંગ્રેસ ગુજરાતમાં સફળ થાય એવી અનોખી કોઈ વ્યૂહરચના અમલી બનાવી શકે તો ભગવી બ્રિગેડનાં સમગ્ર દેશમાં વળતાં પાણી થાય. જોકે, અત્યારના સંજોગોમાં ભાજપી શાસન સામે પ્રજાનો રોષ હોય તો પણ મોદીનો ચહેરો એટલો પ્રભાવી છે કે ભાજપને ડિસેમ્બર ૨૦૧૭ની વૈતરણી તરવામાં સફળ બનાવશે. અને એ પછી મે ૨૦૧૯માં મોદી-નૈયાને પાર ઉતારવાની પૂર્વશરત તરીકે ગુજરાતની ચૂંટણીનો  વિજયશ્રી લગભગ નક્કી જ છે. કૉંગ્રેસ વધુ મજબૂત વિપક્ષ બનીને બહાર આવે એ પણ આવકાર્ય છે, કારણ મોદીના નેતૃત્વમાં લડાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષનું સંખ્યાબળ સતત ઘટ્યું હોવાની હકીકત કૉંગ્રેસમાં આશાવાદ જરૂર પ્રેરે છે.    ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment