Wednesday 6 September 2017

Genocide of Rohingyas in Myanmar

મ્યાનમારમાં રોહિંગ્યા નરસંહાર
ડૉ.હરિ દેસાઈ
બૌદ્ધરાષ્ટ્રની નાગરિકતાથી વંચિત મુસ્લિમ-હિંદુ 
નિર્વાસિતની સ્થિતિ ના ઘરના ના ઘાટના જેવી

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારના ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે જ પશ્ચિમ મ્યાનમારમાંથી જીવ બચાવવા લાખોની સંખ્યામાં શરણાર્થી તરીકે બાંગલાદેશ અને ભારત સહિતના દેશોમાં આશ્રય લેનારા રોહિંગ્યાની સમસ્યા અંગે ત્યાંના સત્તાવાળાઓ સાથે ચર્ચા કરે એ અપેક્ષિત મનાય છે. ભારત અને બર્મા ( હવેનું મ્યાનમાર ) બેઉ પર અંગ્રેજોનું શાસન ચાલતું હતું ત્યારે બંગાળના મુસ્લિમો અને હિંદુ બર્મા જઈને વસ્યા હતા. આજેય  બર્મીઝ ભાષાને બદલે ચિત્તગાંગી બંગાળી બોલનારી આ રોહિંગ્યા વસ્તીને માથે આભ ફાટ્યું છે.વર્ષ ૧૯૮૨માં એ વેળાના શાસક જનરલ ને વિને અમલમાં લાવેલા બર્માના રાષ્ટ્રીયતા કાનૂન હેઠળ દેશમાં ૧૦ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા રોહિંગ્યાની કરમકઠણાઈ શરૂ થઇ.એમને નાગરિકતાથી વંચિત કરી દેવાયા.તેઓ મૂળ બર્મીઝ નહીં હોવા ઉપરાંત બંગાળી હોવાથી બાંગલાદેશ પાછા જાય એવી અપેક્ષા રાખવામાં આવી.ઓછામાં પૂરું ૨૦૧૨માં રોહિંગ્યા મુસલમાનો અને બૌદ્ધો વચ્ચે રમખાણ થયાં ત્યારથી રોહિંગ્યાને ત્રાસવાદી જૂથોને પોષનાર ગણવામાં આવવાનું શરૂ થયું અને લશ્કરી આતંકનો ભોગ બનવાનો વારો આવ્યો.અગાઉ બ્રહ્મદેશ કે બર્માને નામે ઓળખાતા આ દેશમાં દાયકાઓ સુધી લશ્કરી તાનાશાહ જૂથોનું શાસન રહ્યું એટલું જ નહીં દુનિયાની નજરથી આ દેશ ખાસ્સો ઓઝલ રહ્યો.ભારત સાથે ભાવનાત્મક સંબંધ ધરાવતો મ્યાનમાર દેશ અત્યારે ચીનના ખૂબ જ પ્રભાવમાં છે. લોકશાહી ચળવળ ચલાવવા બદલ વર્ષો સુધી નજરકેદમાં રહેલાં ઓંગ સાન સૂ કીની મુક્તિ માટે વૈશ્વિક દબાણને વશ થઈને લશ્કરી શાસને તેમને  મુક્ત કરવાં પડ્યાં.ચૂંટણી યોજાઈ તેમાં એમના વડપણવાળા પક્ષ નેશનલ લીગ ફોર ડેમોક્રસી(એનએલડી)ને બહુમતી મળી.જોકે મ્યાનમારના બંધારણ મુજબ, કોઈ વિદેશીને પરણેલી વ્યક્તિને શાસનની ધૂરા સોંપી શકાતી નથી એટલે અંગ્રેજને પરણેલાં સૂ કી ખૂબ માનમરતબો ધરાવતાં હોવા છતાં રાષ્ટ્રપતિ કે પ્રધાન નથી. તેઓ રાષ્ટ્રપતિ યૂ હાટીન ક્યાવ જેટલું જ મહત્વ ધરાવતાં હોવાથી વિદેશના વડાઓ પણ તેમને મળે છે.વડા પ્રધાન મોદી પણ રાષ્ટ્રપતિ ક્યાવ અને સૂ કી સાથે મંત્રણા કરવાના છે.

દુનિયાભરમાંથી માનવ અધિકારોને નામે સહાનુભૂતિ મેળવનારાં અને આજના સત્તારૂઢ પક્ષ નેશનલ લીગ ફોર ડેમોક્રસીનાં નેતા સૂ કી પશ્ચિમ મ્યાનમારના રાખીન પ્રાંતના લાખો રોહિંગ્યાને હિજરત કરવાની ફરજ પડે એવા અત્યાચાર લશ્કર કરી રહ્યા છતાં મૂકપ્રેક્ષક છે. શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર સૌથી નાની વયની મલાલાએ પણ નોબેલ મેળવનાર સૂ કીના મૌન અંગે સવાલ ઊઠાવ્યા છે, પણ સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પંચે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ રહેલા કોફી અન્નાનના વડપણ હેઠળ રાખીન પ્રાંતમાં લશ્કરી દળો થકી રોહિંગ્યા જાતિ પર આચરવામાં આવતા અત્યાચારોની તપાસ માટે તપાસપંચ નિયુક્ત કર્યું હતું. એનો અહેવાલ હજુ ગઈ ૨૩ ઓગસ્ટે જ રાષ્ટ્રપતિ નિવાસ પર રાષ્ટ્રપતિને અન્નાને સુપરત કર્યો, એના  બે જ દિવસમાં જ લશ્કરી દળોએ સેંકડો રોહિંગ્યની લાશો ઢાળી દીધી.એ બધાને આતંકવાદી જાહેર કરી દેવાયા. આઘાત લાગે એવી પરિસ્થિતિ તો એ  જોવા મળી કે ઠેરઠેર લાશોના ઢગલા કરી દેવામાં મ્યાનમારનાં લશ્કરીદળોએ મુસ્લિમો અને હિંદુના ભેદ જાળવ્યા  નહોતા. ૨૫ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ પશ્ચિમ મ્યાનમારમાં ભડકેલી હિંસાને પગલે ૯૦,૦૦૦ જેટલા રોહિંગ્યા બાંગલાદેશમાં શરણાર્થી તરીકે આવ્યા હોવાનો અંદાજ સંયુક્ત રાષ્ટ્ર મૂકે છે. છેલ્લા કેટલાક વખતથી પોતાના પ્રદેશમાં અસલામતી અનુભવતા રોહિંગ્યાની હિજરતનો પ્રવાહ અખંડ ચાલી રહ્યો છે.ભારતમાં પણ ૪૦,૦૦૦ જેટલા રોહિંગ્યા મુસલમાનો છેક જમ્મૂ-કાશ્મીર,ઉત્તર પ્રદેશ,કેરળ,આંધ્ર-હૈદરાબાદ,આસામ,પશ્ચિમ બંગાળ અને દિલ્હી સહિતના પ્રદેશમાં આવીને વસ્યા છે.રાખીન પ્રાંતમાં ૪૦૦ કરતાં વધુ મુસ્લિમ રોહિંગ્યા અને ૮૬ કરતાં વધુ હિંદુ રોહિંગ્યાને મોતને ઘાટ ઉતારાયા પછી બંને કોમોના રોહિંગ્યા હિજરત કરવા માટે વિવશ બન્યા છે.પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે તો હમણાં ૩૦ લાખ અફઘાની શરણાર્થીઓને પાકિસ્તાન પોષી રહ્યાની વાત કરવા ઉપરાંત હજારો રોહિંગ્યા પાકિસ્તાની પાસપોર્ટ પર વિવિધ દેશોમાં વસતા હોવાનું જણાવ્યું હતું.પાકિસ્તાનમાં ૨ લાખ રોહિંગ્યા હોવાનું મનાય છે .ઉપરાંત સાઉદી અરેબિયામાં ૪ લાખ, બાંગલાદેશમાં ૫ લાખ, થાઈલેન્ડમાં ૧ લાખ,મલયેશિયામાં ૪૦ હજાર, ઇન્ડોનેશિયામાં ૧૨ હજાર,અમેરિકામાં ૧૨ હજાર અને નેપાળમાં ૨૦૦ જેટલા રોહિંગ્યા શરણ લઇ રહ્યા હોવાનો અંદાજ છે.

ભારત સરકારના ગૃહ વિભાગે રોહિંગ્યા ઘૂસણખોરોને પાછા ધકેલવા અંગેની કાર્યવાહી કરવા સંદર્ભે વિવિધ રાજ્યોને નિર્દેશિકા પાઠવી છે.કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રીજીજુએ સંસદમાં આપેલી માહિતી મુજબ, ભારતમાં ગેરકાયદેસર ઘૂસી આવેલા ૪૦,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમોને તેમની ઓળખ કરીને મ્યાનમાર પાછા પાઠવાશે.જોકે મુશ્કેલી એ છે કે મ્યાનમાર પણ જેમને પોતાની નાગરિકતા આપવાનું ટાળે છે એવા આ રોહિંગ્યાને જયારે તેઓ જાન  બચાવવા ભારતમાં શરણાર્થી તરીકે આવ્યા છે ત્યારે તેમને આંતરરાષ્ટ્રીય કાયદાકીય જોગવાઈ મુજબ પાછા ધકેલી શકાય નહીં.આવી દલીલ સાથે સર્વોચ્ચ અદાલતમાં બે શરણાર્થી મોહમ્મદ સલીમુલ્લાહ અને મોહમ્મદ શાકિર વતી ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે અરજી કરી છે.મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રના વડપણવાળી ખંડપીઠના બીજા બે ન્યાયાધીશો એ.એમ.ખાનવિલકર અને ડી. વાય.ચંદ્રચૂડે અરજી વિશે આગામી ૧૧ સપ્ટેમ્બરે સુનાવણી રાખીને ભારત સરકારની ભૂમિકા જાણવા માટે નોટિસ ઈશ્યુ કરી છે.નવાઈ એ વાતની છે કે જમ્મૂ-કાશ્મીરમાં જઈ વસેલા મુસ્લિમ રોહિંગ્યા પરિવારોએ તો રાજ્યમાં કાયમી વસવાટ માટે સ્થાનિકો સાથે નિકાહ પઢવાનું પણ શરૂ કરી દીધાના અહેવાલો છે.જોકે રાજ્યમાંથી રોહિંગ્યા શરણાર્થીઓને પાછા કાઢવા માટે રાજ્ય અને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના નેતાઓએ રીતસર આંદોલન જગાવ્યું છે.

ભારતમાં બે કરોડ ગેરકાયદે ઘૂસણખોર બાંગલાદેશી રહેતા હોવાનું કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી કિરણ રીજીજુએ નવેમ્બર ૨૦૧૬માં સંસદમાં રજૂ કરેલા આંકડાઓમાં દર્શાવ્યું હતું.તેમણે વાજબી દસ્તાવેજો વિના ઘૂસી આવેલાઓને પાછા કાઢવાની પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોવાનું જણાવ્યું તો ખરું, પણ કાયદાકીય ગૂંચવાડાને કારણે બે કરોડ જેટલા ગેરકાયદે ઘૂસી આવેલા બાંગલાદેશીઓમાંથી માંડ થોડા હજારને જ પાછા મોકલવાનું શક્ય બને છે. સત્તારૂઢ ભારતીય જનતા પક્ષની દ્રષ્ટિએ દેશમાં ગેરકાયદે ઘૂસણખોર અને શરણાર્થીની વ્યાખ્યામાં ધર્મવિશેષનું મહત્વ રહેલું છે.અન્ય દેશમાંથી હિંદુ,શીખ અને બૌદ્ધ નાગરિકો ગેરકાયદે ઘૂસી આવે તો તેમને શરણાર્થી ગણવામાં આવે છે, પરંતુ મુસ્લિમ ઘૂસણખોરોને ગેરકાયદે ઘૂસણખોર ગણીને પાછા કાઢવાની કાર્યવાહીનો આગ્રહ રાખવામાં આવે છે.લોકસભાની છેલ્લી ચૂંટણી વખતે મે ૨૦૧૪માં સભાઓને ગજવતાં વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી કહેતા હતા કે અમે સત્તામાં આવતાંની સાથે જ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા કાઢવાના છીએ એટલે ૧૬ મે પછી ભારતમાં વસતા બાંગલાદેશીઓ ખળિયાપોટલા બાંધીને તૈયાર રાખે.જોકે એકવાર સત્તામાં આવ્યા પછી આ દિશામાં કોઈ સક્રિય કાર્યવાહી થઇ હોય એવું ત્રણ વર્ષ વિત્યા પછી પણ જાણવા મળ્યું નથી.રાત ગઈ સો બાત ગઈ.
ઈ-મેઈલ : haridesai@gmail.com  
HD-DB-Rohingyas 04092017


No comments:

Post a Comment