Wednesday 25 January 2017

Haj Subsidy, Hindu Subsidy, Christian Subsidy etc.યાત્રાળુસબસિડીમાં અબજોનાં આંધણ
ડૉ. હરિ દેસાઈ
ઇસ્લામવિરોધી  હજસબસિડી બંધ કરવાને બદલે હિંદુ-ખ્રિસ્તી માટે ખેરાત શરૂ 

ઇસ્લામનાં આસ્થાસ્થાનો જ્યાં છે એવા સાઉદી અરેબિયા સહિતના ઇસ્લામી દેશો હજ માટેની સબસિડીને ઇસ્લામવિરોધી ગણાવે છે. એટલું જ નહીં વર્ષ ૨૦૧૨માં દેશની સુપ્રીમ કોર્ટ પણ હજની સબસિડી પાછળ ખર્ચતા અબજો રૂપિયાની ખેરાત દસ વર્ષમાં ક્રમશ: બંધ કરી દેવાનો ચુકાદો આપી ચુકી છે. આમ છતાં હજ સબસિડીને બંધ કરવાની વાત તો બાજુએ રહી ચડસાચડસીમાં હિંદુ, ખ્રિસ્તી સહિતના વિવિધધર્મી યાત્રાળુઓ માટે વિવિધ રાજ્ય સરકારોએ કરોડો રૂપિયાની સબસિડીની જોગવાઈઓ કરીને સેક્યુલર દેશની સરકારોને ધાર્મિક વાઘા ચડાવવાની રીતસર સ્પર્ધા જ આદરી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમના ચુકાદાના પાંચ વર્ષે અમલનો અહેવાલ અદાલતને આપવાનો વખત આવ્યો એટલે લઘુમતી બાબતોના મંત્રાલયના રાજ્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ સંસદીય વિભાગના સચિવ અફઝલ અમાનુલ્લાહના વડપણ હેઠળ ૧૧ સભ્યોની એક સમિતિને હજ સબસિડી સહિતના મુદ્દે ભલામણો કરવાનું કામ સોંપ્યું છે. 

અંગ્રેજ શાસન દરમિયાન ૧૯૩૨માં પોર્ટ હજ કમિટી ધારો બનાવીને રાહતના દરે હજ પઢવા જવાની સુવિધા  કરી આપવા પાછળની ભૂમિકા મુસ્લિમોને રાજી કરવાની જ હતી. હિંદુ અને મુસ્લિમ એક થાય નહીં એ દિશાના પ્રયાસો કરવામાં  બ્રિટિશ શાસકોએ ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી સવિશેષ કાળજી રાખી છે. અંગ્રેજો ગયાને સાત દાયકા થયા પછી પણ દેશી શાસકોની નીતિરીતિ એ જ જળવાઈ છે. ૧૯૭૩માં દરિયાઈ માર્ગે જવામાં અકસ્માત અને તેલના ભાવોના વધારાને ધ્યાને લઈને વિમાન માર્ગે જ હજ પઢવા જવાની સુવિધા કરવામાં આવી. ૧૯૫૪થી હજ પઢવા જનારા શ્રદ્ધાળુઓને સબસિડીનો લાભ તેમનાં વિમાનભાડાં તેમજ અન્ય સુવિધાઓમાં આપવામાં આવે છે.પાકિસ્તાન સહિતના ઇસ્લામી દેશોએ હજ સબસિડીને શરિયત વિરુદ્ધની જાહેર કરીને બંધ કરી દીધી છે. ઉપરાંત ભારતીય સંસદમાં પણ અસાદુદ્દીન ઓવૈસી સહિતના મુસ્લિમ સાંસદોએ હજ સબસિડી બંધ કરીને એનાં નાણાં મુસ્લિમોના શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો આગ્રહ કર્યો  છે. પ્રત્યેક યાત્રાળુના ૨.૧૫ લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ મૂકાય છે અને તેને ૭૩ હજાર રૂપિયા જેટલી સબસિડી મળતી હોવાની ગણતરી છે.  જોકે સરકાર કોંગ્રેસની હોય કે ભાજપના નેતૃત્વવાળી હોય, હજ સબસિડીમાં સતત વધારો કરાતો રહ્યો છે.હજ સબસિડીનો મુદ્દો ઉછળે ત્યારે હિંદુ કુંભ મેળાઓના આયોજનમાં હજારો કરોડ રૂપિયા સરકારો ખર્ચતી હોવાની વાત આગળ કરાય છે.

સંસદનાં બંને ગૃહોમાં સરકાર તરફથી આ સંદર્ભમાં આપવામાં આવેલી માહિતીને આધારે કહી શકાય કે  ભાજપના સાંસદો વિપક્ષે હતા ત્યારે ખાસ કરીને હજ સબસિડી અંગે પ્રશ્ન પૂછીને હિંદુઓ કે શીખો કે અન્ય કોમો માટે ધર્મયાત્રાઓ માટે સબસિડી આપવામાં આવે એવો સંકેત આપતા રહ્યા છે. સંઘનિષ્ઠ સામાયિક “ઓર્ગેનાઇઝર” તો તંત્રીલેખ લખીને મુસ્લિમોની હજ સબસિડી સુપ્રીમના આદેશ મુજબ ૧૦ વર્ષમાં તબક્કાવાર ઘટાડીને બંધ કરવાને બદલે એકદમ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાનો આગ્રહ કરે છે. જોકે આ સામાયિકના ૫ ડિસેમ્બર ૨૦૧૨ના અંકમાં જણાવાયું છે કે  ૨૦૦૪ પહેલાંના હજ સબસિડી અંગેના આંકડા ઉપલબ્ધ નથી. જોકે અમારી પાસે સંસદના પટલ પર મૂકાયેલા આ આંકડા ઉપલબ્ધ છે. ભાજપનેતા અટલ બિહારી વાજપેયીના શાસન દરમિયાન પણ હજ સબસિડીની રકમમાં વધારો કરાયો હતો. દર વર્ષે  હજ સબસિડી પાછળ કેન્દ્ર સરકાર લગભગ ૮૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ નાણાં ખર્ચે છે. વર્ષ ૨૦૧૨માં આ રકમ ૮૩૬.૫૬ કરોડ રૂપિયા હતી. ૨૦૧૩માં તે ૬૮૦.૦૩ કરોડ અને ૨૦૧૪માં તે ૫૩૩ કરોડ રૂપિયા જેટલી હતી. આ રકમ નાગરી ઉડ્ડયન મંત્રાલય વિમાનભાડાની સબસિડી તરીકે ખર્ચે છે. એ ઉપરાંત વિદેશ મંત્રાલય દર  વર્ષે ૫૦ થી ૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ હજ માટે કરે છે. મોદી શાસનમાં વર્ષ ૨૦૧૫ની હજ નિમિત્તે ૫૦૦ કરોડ રૂપિયા હજ સબસિડી પેટે અને વિદેશ મંત્રાલયે ૫૩.૪૧ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું વિદેશ રાજ્ય મંત્રી જનરલ ડૉ.વી.કે.સિંહે સંસદમાં ૨ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ પરેશ રાવલના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે.મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમ પ્રવેશ મેળવી શકે નહીં છતાં જનરલ સિંહ હજની વ્યવસ્થા નિમિત્તે જેદ્દાહની મુલાકાત પણ લઈ આવ્યા છે.વર્ષે દોઢ-પોણા બે લાખ મુસ્લિમ યાત્રાળુ હજ પઢવા જઈ શકે છે.એનો ક્વોટા સાઉદી અરેબિયા સરકાર ફાળવે છે.

હજ પઢવા જનારા યાત્રાળુઓને સરકાર સબસિડી આપતી હોય તો કૈલાસ માનસરોવરની યાત્રાએ જનારા યાત્રાળુઓને સબસિડી કેમ નહીં, એવો પ્રશ્ન થવો સ્વાભાવિક હતો. ગુજરાતમાં જયારે કેશુભાઈ પટેલની ભાજપી સરકાર હતી ત્યારે તેમના રાજ્ય પ્રધાન હરેન પંડ્યાની પહેલથી કૈલાસ માનસરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રીઓને ૨૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત થઇ હતી.દોઢ-બે વર્ષે આ સબસિડીના ચેક આપવા માટે કાર્યક્રમ યોજાતા રહે છે.કેન્દ્ર સરકાર આ યાત્રા માટે હજુ કોઈ સબસિડી આપતી નહીં હોવાનું મોદી સરકારે સંસદમાં જણાવ્યું છે.જોકે બીજી બધી સગવડો પ્રદાન કરવામાં આવે છે.ઉત્તરાખંડ સરકારનું કુમાઉ વિકાસ મંડળ યાત્રી દીઠ ૩૨૫૦ રૂપિયાની સબસિડી આપે છે. જૂન ૨૦૧૫થી ચીને કૈલાસ માનસરોવરની યાત્રાએ જવા માટેનો સિક્કિમના નાથૂલા પાસનો વધારાનો માર્ગ ખોલી આપ્યો.વડા પ્રધાન મોદીને એનો યશ મળવો સ્વાભાવિક હોવા છતાં વર્ષ ૨૦૦૬માં ચીની રાષ્ટ્રપતિ હુ જિન્તાઓ ભારતની મુલાકાતે આવ્યા ત્યારથી એની ચર્ચા ચાલી રહી હતી.હિમાચલ કે જમ્મૂ-કાશ્મીરના લડાખમાંથી કૈલાસ માનસરોવરની યાત્રાનો નવો માર્ગ શરૂ કરવાનું વિચારાયાનું પ્રણવ મુખરજી વિદેશ મંત્રી હતા ત્યારે તેમણે સંસદમાં આપેલા ઉત્તરોમાં જણાવ્યું હતું. 

જોકે હજ પઢવા જનારાઓની તુલનામાં કૈલાસ માનસરોવરની યાત્રાએ જનારાઓની સંખ્યા નહિવત હોય છે.વર્ષે માંડ હજાર યાત્રાળુને આ તક મળતી હોય છે. યાત્રાનો ખર્ચ ૧.૭૦ લાખ રૂપિયા જેટલો આવે છે.ઉત્તર પ્રદેશ સરકાર કૈલાસ માનસરોવરની પહેલીવાર યાત્રા કરનાર રાજ્યના નાગરિકને  ૫૦ હજાર રૂપિયાની સબસિડી આપે છે.ગુજરાત સરકારનું પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ રાજ્યના પહેલીવાર યાત્રાએ જનારને ૩૦ હજાર રૂપિયાની સબસિડી આપે છે અને હવે તે વધારીને ૧ લાખ રૂપિયા કરવાનું વિચારે છે.કર્ણાટક સરકાર ૩૦ હજાર રૂપિયાની સબસિડી આપે છે.દેશનાં બીજાં બે રાજ્યો પણ ૧ લાખ રૂપિયાની સબસિડી આપતાં હોવાનું જાણવા મળે છે.ઓગસ્ટ ૨૦૦૮માં આંધ્રના ખ્રિસ્તી મુખ્ય મંત્રી રાજશેખર રેડ્ડીએ જેરુસલેમની યાત્રાએ જનારા ખ્રિસ્તી એવા આંધ્રપ્રદેશના નિવાસીઓને માટે સબસિડી આપવાની જોગવાઈ કરી હતી.એમને પગલે તમિળનાડુનાં મુખ્ય મંત્રી તરીકે જયલલિતા જયરામે પણ ડિસેમ્બર ૨૦૧૧માં જેરુસલેમની યાત્રાએ જનારા તમિળ ખ્રિસ્તીઓને સબસિડી આપવાનો નિર્ણય કર્યો હતો.બંને રાજ્યોમાં આ માટે બજેટમાં નાણાંકીય જોગવાઈ પણ કરાઈ  હતી.જોકે આ બધાને ટપ્પી જાય એવો નિર્ણય તો મધ્ય પ્રદેશના ભાજપી મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કર્યો છે.એમણે દેશનાં ૧૫ ધર્મસ્થળોની યાત્રાએ જનાર શ્રદ્ધાળુને તેના કુલ ખર્ચના ૫૦ ટકા અથવા તો ૩૦ હજાર રૂપિયા સુધી સબસિડી આપવાનો નિર્ણય અમલી બનાવ્યો છે. નવાઈ તો એ વાતની છે કે દેશનું બંધારણ ધર્મનિરપેક્ષ હોવા છતાં તમામ રાજકીય પક્ષો તમામ ધર્મોના લોકોને રીઝવવા માટે સબસિડીની ખેરાત કરવાનું પસંદ કરે છે.

ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment