Wednesday 25 January 2017

Preaching of Nobel Prize-winner Venky to PM Modi and Indians

વાઈબ્રન્ટ ગુજરાત અને નોબેલવિજેતા વૅંકીની કડવી દવા
 
અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ

વડોદરામાં ભણેલા વૈજ્ઞાનિક પ્રાચીન વિજ્ઞાનને ટાઢા પોરનાં ગપ્પાં માને છે
મૂળ ભારતીય વૈજ્ઞાનિકના મતે, રામાયણકાળની પુષ્પકવિમાનની કલ્પના હંબગ 
ભારતીયો નિષ્ફળતાને પચાવવા અને ટીકાને સહન કરવાની બાબતમાં ખૂબ જ આળા 
વડા પ્રધાન મોદીના નોટબંધીના પગલાને નોબેલ-વિજેતા વેંકટરામનનું સમર્થન 

ગુજરાતીમાંકડવાં કારેલાંના ગુણ ના હોય કડવા, કડવાં વચન ના હોય કડવાં રે લોલ ઉક્તિ છે. રાજનેતાઓને મીઠા બોલ અને વખાણ ખૂબ ગમતાં હોય છે, પણ તાજેતરમાં જ ગાંધીનગર તથા અમદાવાદમાં યોજાઈ ગયેલા વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવમાં કમસે કમ નવ નોબેલ-વિજેતા મહાનુભાવોમાંથી એક એટલે કે વેંકટરામન રામકૃષ્ણને જરા નોખી ભાત પાડી. એટલે અમને પેલાં કડવાં કારેલાંના ગુણનું સ્મરણ થઈ આવ્યું. પિતા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હોવાથી બાળપણ અને શિક્ષણનાં પ્રારંભિક વર્ષો વડોદરામાં વીતાવનાર વૅંકીના ટૂંકા નામે વધુ જાણીતા અને આખાબોલા નોબેલ-વિજેતા આ વખતે આગવી છાપ મૂકીને ગયા.ભારતીય વિજ્ઞાન પરિષદ એટલે કે દર વર્ષે વડા પ્રધાનના અધ્યક્ષપદવાળી ભારતીય વૈજ્ઞાનિકોની ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસને સરકસગણાવીને એમાં સહભાગી થવાનું ટાળનાર વૅંકીની ગાંધીનગર, અમદાવાદ અને વડોદરાની મુલાકાત ખાસ્સી ધ્યાનાકર્ષક રહી.

બદલાતા જતા વિશ્વમાં વિજ્ઞાન અને તંત્રજ્ઞાનવિશેના વિક્રમ સારાભાઈ સ્મૃતિ વ્યાખ્યાનમાં નોબેલ-વિજેતા વેંકટરામન ખૂબ ખીલ્યા. એમણે રાજકીય શાસકોનો ઉધડો લીધો. રાજકીય શાસકો વૈજ્ઞાનિકોને સંશોધન માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા પૂરતું જ પોતાનું દાયિત્વ નિભાવે અને એ પછીની પ્રાથમિકતાઓ વૈજ્ઞાનિકો જ નક્કી કરે એવો વૅંકીનો આગ્રહ છે. રાજનેતાઓએ વૈજ્ઞાનિકોની પ્રાથમિકતાઓના નિર્ધારણમાં દખલગીરી કરવી નહીંએવા સ્પષ્ટ મતના આ વૈજ્ઞાનિક જન્મ્યા છે તામિળનાડુના ચિદંબરમમાં અને વાયા વડોદરા ૧૯૭૧થી કેમ્બ્રિજમાં કાર્યરત છે. બ્રિટનની રોયલ સોસાયટીના અધ્યક્ષ તરીકેનું ગૌરવવંતુ સ્થાન મેળવી ચૂક્યા છે.૨૦૦૯માં નોબેલ પારિતોષિક મેળવ્યા પછી વડા પ્રધાનપદે ડૉ.મનમોહન સિંહ હતા ત્યારે ભારતીય વિજ્ઞાન પરિષદમાં એમનું સન્માન કરવામાં આવ્યું હતું પણ એ રાજનેતાઓ અને સત્તાધીશોથી અંતર રાખવાનું પસંદ કરે છે.

મુંબઈમાં બે વર્ષ પહેલાં ભારતીય વિજ્ઞાન પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા અને પ્રાચીન વિજ્ઞાન વિષયક એક સત્ર પણ યોજાયું ત્યારે એની ખૂબ ટીકા થઈ હતી. વિશ્વ વિખ્યાત કોમ્પ્યુટર વિજ્ઞાની અને પરમ કોમ્પ્યુટરના સર્જક એવા પદ્મવિભૂષણ ડૉ.વિજય ભાટકરની અધ્યક્ષતામાં ભારતની પ્રાચીન વિમાનવિદ્યા સહિતના વિજ્ઞાનના સત્રની ભારતમાં અને વિદેશમાં ખૂબ ટીકા થયેલી. જોકે, વૅંકી આવી ટીકા કરવામાં અગ્રેસર રહ્યા છતાં મોદી સરકારે એમને પદ્મવિભૂષણથી નવાજ્યા છે.કમનસીબી એ વાતની છે કે ભારત જેમના માટે ગૌરવ લઈ શકે એવા વેંકટરામન ભારતીય પ્રાચીન વિજ્ઞાન અને આયુર્વેદ જ નહીં, હોમિયોપેથીને પણ હંબગગણાવતા રહ્યા છે.

તેમને કદાચ વિવાદાસ્પદ નિવેદનો કરીને ચર્ચામાં રહેવાની ફાવટ છે. અન્યથા નવલકથાકાર એચ. જી. વેલ્સની ૧૫૦ વર્ષ પહેલાં લખાયેલી નવલકથામાંથી પ્રેરણા લઈને રાઈટ બંધુઓએ વિમાનની શોધ કરી એવું સ્વીકારનાર પશ્ચિમના વિશ્વમાં મૂળ ભારતીય વૈજ્ઞાનિક રામાયણકાળનીપુષ્પકવિમાનની કલ્પનાને હંબગગણાવે ત્યારે એમનું અજ્ઞાન છતું થતું લાગે છે. આયુર્વેદનો પ્રભાવ પણ દુનિયાભરમાં વધી રહ્યો છે ત્યારે વૅંકી હજુ આયુર્વેદે વૈજ્ઞાનિક શાસ્ત્રની એરણે અગ્નિપરીક્ષા આપવાની છે એવું કહે ત્યારે એમનાં અજ્ઞાનનાં જ દર્શન થાય છે. હોમિયોપેથી વિશેનાં એમનાં નીરિક્ષણોને તો વિશ્વના હોમિયોપેથ-જ્ઞાનના સમર્થકોએ પડકાર્યાં હતાં. પરંતુ પ્રાચીન વિજ્ઞાન અને આયુર્વેદ વિશેનાં વેંકીનાં નિવેદનો સામે વિરોધસૂર ઝાઝો ઊઠતો નથી.

નોબેલ-પારિતોષિક વિજેતા બન્યા પછી પ્રત્યેક બાબતમાં ટીકા-ટિપ્પણ કરવા જતાં ક્યાંક કાચું કપાતું હોય એવું પણ લાગે છે. જોકે, આવાં કટુવેણ ઉચ્ચારનાર વૈજ્ઞાનિકને નિમંત્રીને, એનાં કડવાં વેણ સાંભળીને, કડવી દવાને ભારતીય વૈજ્ઞાનિક દૃષ્ટિ બદલવામાં અને વિજ્ઞાનની શોધખોળોમાં કામે લગાડવામાં વડા પ્રધાન મોદી સાનુકૂળ રહે તો નિશ્ચિત લાભ થાય. કહ્યાગરા અધિકારીઓ અને કાર્યકરોની જેમ જ કહ્યાગરા વૈજ્ઞાનિકો ઝાઝી ધાડ મારી શકે નહીં. વૅંકી સ્વાભિમાની છે. એની સલાહ લેવામાં આવશે તો એ જરૂર મદદરૂપ થવા તૈયાર છે, પણ એનું ફલક વિશ્વકેન્દ્રિત છે અને એને ભારતકેન્દ્રી બનાવવા તૈયાર નથી.

ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા ઈસરોના મંગળ યાનને છોડવા માટે મંગળવારનો શુભ દિવસ નક્કી કરાય અને ઈસરોના અધ્યક્ષ એ શુભપર્વ પૂર્વે મંદિરે દેવદર્શને જાય એ વિશે વૅંકી આશ્ચર્ય વ્યક્ત કરે છે. રાજકારણ અને ધાર્મિક વિચારધારાઓની વિજ્ઞાનક્ષેત્રે ભેળસેળનના એ વિરોધી છે. જોકે વૅંકી જે દેશમાં રહે છે એ દેશના વૈજ્ઞાનિકો પણ ધાર્મિક શ્રદ્ધા અને અંધશ્રદ્ધા ધરાવનારા હોવાના સર્વે થયેલા જ છે છતાં વૈજ્ઞાનિકોએ અંધશ્રદ્ધાના વિશ્વમાંથી બહાર નીકળી જવું એવા આદર્શના આગ્રહી વૅંકી જરા વધુ પડતી નાસ્તિકતાને પોષતા લાગે છે.

નોબેલ-વિજેતા વેંકટરામન વૈજ્ઞાનિક વિકાસ અને આર્થિક વિકાસની વાતો પણ કરે છે. પોતાને મહાત્મા ગાંધી કે સ્વામી વિવેકાનંદની જેમ ભારતની સમગ્રલક્ષી દૃષ્ટિ નહીં હોવાનું એ કબૂલે છે. હજુ હમણાં ઓગસ્ટ મહિનામાં જ એમનો એક રિસર્ચ પેપર રિજેક્ટ થયાની વાત કહીને વિદ્યાર્થીઓને કે યુવા પેઢીને સતત કાર્યશીલ રહેવા, નિરાશાને ખંખેરવા અને દિવસના થોડાક કલાક સ્માર્ટ ફોનને બાજુમાં મૂકીને પોતાના અભ્યાસ કે સંશોધન પર ધ્યાન દેવાની સલાહ પણ આપે છે. ભારત બીજું ચીન બની શકવા સમર્થ હોવાનું જણાવવાની સાથે જ વૅંકી ભારપૂર્વક કહે છેઃ જે દૃષ્ટિએ ભારતના વિકાસ માટેનાં આયોજન થવાં જોઈએ એવું કાંઈ થતું જણાતું નથી. માળખાકીય બાબતો તૂટી પડવાને આરે છે.ભારતીયો નિષ્ફળતાને પચાવવા અને ટીકાને સહન કરવાની બાબતમાં ખૂબ જ આળા હોવાની તેમની વાતને કાને ધરવાની જરૂર ખરી. ઉપરી અને સહકર્મીઓ પ્રત્યે અસલામતીની ભાવના પ્રવર્તતાં એકંદરે નુકસાન થાય છે.

વડા પ્રધાન મોદીના નોટબંધી (ડિમોનેટાઈઝેશન)ના પગલાંનું નોબેલ-વિજેતા વેંકટરામન સમર્થન કરતા જોવા મળ્યાં. એમનું કહેવું હતું કે લાંબે ગાળે એનો ફાયદો થઈ શકશે. કેશલેસ વ્યવહારો સ્થાપિત કરવામાં ઉતાવળે આંબા પાકે નહીં એવો તેમનો મત હતો. સ્કેન્ડિનેવિયાનું ઉદાહરણ આપતાં વૅંકી કહે છે કે ત્યાં ઓછામાં ઓછા વ્યવહારો રોકડથી થતા હોવાથી ભ્રષ્ટાચાર પણ ઓછો જોવા મળે છે.

ત્રણ વર્ષની વયે ૧૯૫૫માં મા-બાપ સાથે વડોદરા આવીને વસેલા વેંકરામને ૧૯૭૧માં એમ.એસ.માંથી બીએસ.સી. કર્યું. ત્યાર પછી એ વિદેશવાસી બન્યા છે.વર્ષ ૨૦૧૦માં વડોદરા આવ્યા પછી હજુ હમણાં એ વડોદરાની મુલાકાત લઈને બાળપણની યાદો અને મિત્રો સાથેનાં સંસ્મરણો વાગોળી શક્યા હતા. નોબેલ-વિજેતા વૅંકીના મતે, વિજ્ઞાનના ક્ષેત્રમાં રાજકારણ, વ્યક્તિગત કે ધાર્મિક વિચારધારાઓને સ્થાન નથી. વૈજ્ઞાનિક શોધખોળોમાં તથ્યો અને પ્રયોગોનું જ મહાત્મ્ય હોવાનું એ ભારપૂર્વક કહે છે. એટલે જ બે હજાર વર્ષ પહેલાંના વેદકાલીન વિમાનની વાતને એ સ્વીકારી શકતા નથી. ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસને તેઓ શંભુમેળો ગણાવે છે અને એમાં વૈજ્ઞાનિક વિચારોના આદાન-પ્રદાનને ઝાઝું સ્થાન નહીં મળતું હોવાનું જણાવીને નિરર્થક લેખાવે છે. અમેરિકા ઈ.સ. ૧૯૦૮માં સુપરપાવર બન્યું, પણ વિજ્ઞાનક્ષેત્રે તેણે આગવું સ્થાન મેળવવા માટે ચાર દાયકા પ્રતીક્ષા કરવી પડી હતી. પોતાને નોબેલ પારિતોષિક અણધાર્યું મળ્યું હતું. એવોર્ડ કે પારિતોષિકનું મહાત્મ્ય નથી, નિરંતર શોધખોળ ચાલુ રહે એનું મહત્ત્વ છે. નોબેલ મેળવવાની કોઈ ફોર્મ્યુલા ના હોઈ શકે.





Dr.Hari Desai's weekly column in Gujarat Samachar(London), Gujarat Guardian(Surat),Sardar Gurjari(Anand) and Gandhinagar Samachar(Gandhinagar).
Please read the full-text and react :
ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment