ભારતના રાષ્ટ્રનાયકઃ મહારાણા પ્રતાપ
અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ
·         મુઘલોને દીકરીઓ પરણાવવાની રાજપૂત રાજાઓની  હોડમાં  મેવાડ જ અપવાદ
·         હલ્દીઘાટીના યુદ્ધમાં પ્રતાપનો પ્રિય ઘોડો ચેતક મરાયો, હકીકતમાં એ ઘોડી હતી
·          હલ્દીઘાટીનું યુદ્ધ હલ્દીઘાટીમાં નહીં, ખમનૌર અને ઘાટી વચ્ચેના મેદાનમાં લડાયું હતું
·         પ્રતાપ ૧૬ રાણીઓ અને ૧૭ કુંવરો તેમજ પાંચ કુંવરીઓ સહિત જંગલમાં સુખે રહેતા હતા
·                 ·   મેવાડ અને મુઘલ વચ્ચેના સંઘર્ષને હિંદુ –મુસ્લિમ સંઘર્ષ ગણાવી શકાય નહીં

મહારાણા પ્રતાપ (૯ મે ૧૫૪૦ - ૨૯ જાન્યુઆરી ૧૫૯૭)નું ભારતીય ઈતિહાસમાં આગવું સ્થાન છે.બાહોશ અને પ્રજાવત્સલ રાજવી ક્યારેય મુઘલ બાદશાહ અકબરને તાબે ના થયો. સિસોદિયા રાજપૂત વંશનું નામ ઉજ્જવળ બનાવનાર મહારાણા પ્રતાપ આખું આયખું મુઘલ સામે જંગ લડતો રહ્યો, પણ નમ્યો નહીં. મેવાડ અને ચિત્તોડની ઉજ્જવળ પરંપરા સ્થાપનાર ઉદયપુર (અત્યારના રાજસ્થાનમાં)રાજ્યના મહારાણા જ નહીં, એમના વંશજોએ પણ પોતાની રાજકુમારીઓ મુઘલો સાથે પરણાવી નહીં એટલે રાજપૂત રાજવીઓમાં એમનું નામ કાયમ આદરથી લેવાય છે. રાજપૂતાનાના અન્ય રાજપૂત રાજવીઓએ મુઘલ બાદશાહોને દીકરીઓ દીધી અને રાજકીય જોડાણ કર્યાં હતાં. રાણા આ બધામાં નોખો હતો. બાદશાહ અકબર પણ જીવતેજીવ પોતાને વશ ના થયેલા પ્રતાપના મૃત્યુના સમાચાર સાંભળીને રડી પડ્યો હતો. એટલો મહારાણાના જાની દુશ્મનને એમના માટે આદર હતો.

પ્રતાપના પિતા મહારાણા ઉદયસિંહનું ૧૫૭૨માં ૨૮મી ફેબ્રુઆરીએ નિધન થયું ત્યારે એમના ઉત્તરાધિકારી તરીકે સૌથી મોટા પુત્ર પ્રતાપને બદલે ઉદયસિંહની વીસ પત્નીઓમાંથી એમના પર કામણનો જાદુ કરનાર ધીરકંવર ભટયાણીના કુંવર જગમાલને નક્કી કરી રખાયો હતો. પ્રતાપનાં માતા જૈવન્તાબાઈ (જીવતકંવર)નું તો મૃત્યુ થઈ ચુક્યું હતું. રાજવી પરંપરા હતી કે જે મહારાણાનો ઉત્તરાધિકારી થાય તે એમના અંતિમ સંસ્કાર માટે સ્મશાને જાય નહીં. મેવાડના સરદારોએ પ્રતાપને મહારાણાના અંતિમ સંસ્કારમાં આવેલો જોયો અને જગમાલ દેખાયો નહીં. એ તો ગાદી પર બેઠો હતો. મેવાડની પરંપરામાં રાજાના સરદારોનું મહાત્મ્ય સવિશેષ. તેમણે જગમાલને ગાદીએથી ઊઠાડી મૂક્યો અને પ્રતાપનું વિધિવત્ રાજતિલક કરીને એને મહારાણા જાહેર કર્યો.

ઉદયસિંહની ૨૦ પત્નીઓ (રાણીઓ) અને ૨૪ રાજકુમારો તેમજ ૨૦ રાજકુમારીઓમાંથી મહારાણાની જવાબદારી પ્રતાપને શિરે આવી. પ્રતાપ રાજવી થતાં જગમાલ અને તેનો ભાઈ સાગર મેવાડ છોડીને મુઘલોની સેવામાં જતા રહ્યા. બાદશાહ અકબરે શિરોહીના જમાઈ એવા જગમાલને સિરોહીનો રાજા નિયુક્ત કર્યો કારણ સિરોહીના રાજા માનસિંહનું ૧૫૭૧માં જ મૃત્યુ થયું હતું. સાગર પણ અકબરના પુત્ર બાદશાહ જહાંગીરનો કૃપાપાત્ર રહ્યો. પૅલેસ વોર એટલે કે ઘર ફૂટ્યે ઘર જાય, એ પરંપરા મુજબ પ્રતાપના ભાઈઓ જ મુઘલ બાદશાહો સાથે ભળી જઈને મેવાડને કનડવામાં સહયોગ કરતા રહ્યા, પણ નામ જેનું પ્રતાપ, એણે વનવાસ ભોગવીને પણ અકબરને શરણ જવાનું આજીવન નકાર્યું. ક્યારેક પ્રતાપની ૧૬ રાણીઓ અને ૧૭ રાજકુમારો તેમજ પાંચ રાજકુમારીઓમાંથી સૌથી મોટા પુત્ર અમરસિંહને અમુક સમય જામીનતરીકે મુઘલ દરબારમાં રાખવો પડ્યો, પણ વ્યૂહાત્મક સમજૂતીઓના ઘટનાક્રમનો એ હિસ્સો હતો. જોકે ડૉ.ગૌરીશંકર હીરાચંદ ઓઝા નામના ઇતિહાસકાર આ ઘટનાને સાચી ગણતા નથી .તેમણે ૧૯૨૮માં પ્રકાશિત પોતાના પુસ્તક “વીર શિરોમણિ મહારાણા પ્રતાપ”માં નોંધ્યું છે : “બાદશાહ જહાંગીર સાથે મહારાણા અમરસિંહ નું સમાધાન થતાં તેણે પોતાના જેષ્ઠ પુત્ર કુંવર કરણસિંહને બાદશાહના દરબારમાં મોકલ્યો હતો.  મોતને બિછાનેથી પ્રતાપને પોતાના પાટવીકુંવર અમરસિંહને ગાદી સોંપતાં એની નબળાઈઓનો અંદાજ હતો એટલે નિષ્ઠાવંત સરદારોની હાજરીમાં એને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે એ તુર્કોથી દેશનું રક્ષણ કરશે. આ એ જ અમરસિંહ જેણે ક્યારેક અત્યારના ઉત્તર ગુજરાતના વડનગર (વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વતન)ને લૂંટ્યું હતું. એ સમયે વડનગર ખૂબ સમૃદ્ધ આનંદપુર નગર ગણાતું હતું. દેશ-વિદેશના હિંદુ-મુસ્લિમ કે બ્રિટિશ શાસકોને સારા વહીવટકર્તા પૂરા પાડનાર આ વડનગર પરથી જ એ વહીવટકર્તા વડનગરા નાગર ગણાયા છે. જોકે અત્યારે વડનગરમાં એકપણ વડનગરા નાગર બ્રાહ્મણ પરિવાર વસતો નથી, પરંતુ અહીંનું હાટકેશનું મંદિર દુનિયાભરના વડનગરા નાગરોનું આસ્થાસ્થાન છે. ગુજરાત સાથે મેવાડના મહારાણાઓનો સંબધ જૂનો રહ્યો હતો. પ્રતાપના પૂર્વજ મહારાણા કુંભાના સમયથી ગુજરાત-મેવાડના સંઘર્ષની શરૂઆત થઇ હતી.ગુજરાત અને માળવાના સુલતાનો સાથે મહારાણા સાંગાનો સંઘર્ષ પણ રહ્યો.એનું વિસ્તૃત વર્ણન પ્રા.આર.પી.વ્યાસલિખિત અને રાજસ્થાન હિન્દી ગ્રંથ અકાદમી દ્વારા પ્રકાશિત “મહારાણા પ્રતાપ”માં કરવામાં આવ્યું છે.

મેવાડના રાજવીઓ કુળદેવતા એકલિંગજી મહાદેવને નામે, એમના દીવાન તરીકે, રાજ કરતા રહ્યા છે.મેવાડના શાસક શિવપંથી હોવા છતાં એમના શાસનમાં શૈવ, વૈષ્ણવ જ નહીં, મુસ્લિમ, જૈન સહિતના અન્ય ધર્મો ભણી પણ ઉદારનીતિ અપનાવાતી હતી. મહારાણાના વિશ્વાસુ સરદારોમાં મુસ્લિમ અને પઠાણ પણ હતા. સામે પક્ષે અકબરની સેના રાજા માનસિંહના નેતૃત્વમાં લડતી હતી. આ બાજુ, પ્રતાપના વિશ્વાસુ સરદાર તરીકે અડધી સેનાનું નેતૃત્વ મુસ્લિમ સરદાર હકીમખાં સૂર કરી રહ્યા હતા.રાજસ્થાન સરકારે પ્રકાશિત કરાવેલા ઈતિહાસ મુજબ, આ યુદ્ધ ભલે હલ્દીઘાટીનું ગણાતું હોય પણ એ હલ્દીઘાટીમાં નહીં, પણ આ ઘાટીના પ્રવેશ બહાર ખમનૌર અને ઘાટીના દ્વાર વચ્ચેના મેદાનમાં લડાયું હતું. હલ્દીઘાટીના યુદ્ધમાં પ્રતાપનો પ્રિય ઘોડો ચેતક મરાયો. હકીકતમાં એ ઘોડી હતી,એવું મહારાણા મેવાડના હકીમ પરિવારના વંશજ અને પત્રકારશિરોમણિ મુઝફ્ફર હુસૈનનું અધિકૃતપણે કહેવું છે.

મહારાણા પ્રતાપ હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરની સેના સામે હાર્યા. પણ શરણાગતિ સ્વીકારવાને બદલે મુઘલ સેનાને માટે આતંકના પર્યાય સમી પ્રતાપની સેના જોજનો સુધી પથરાયેલા જંગલમાં રહીને એ નવા યુદ્ધની તૈયાર કરતી હતી. ભીલ સમાજ પ્રતાપ પ્રત્યે નિષ્ઠા ધરાવતો અને રાણા કીકા તરીકે એમને ગણતો. પ્રતાપની સંપત્તિ વિશે કિવદંતીઓ ખૂબ પ્રચલિત છે. તેમના માટે ભામાશાએ પોતાની સંપત્તિ અર્પણ કરી કે મહારાણાની દીકરી ઘાસનો રોટલો ખાતી હતી અને જંગલી બિલાડો ઝૂંટવી જતાં એ રડતી હતી. આ બધી ગપગોળા સમાન કથાઓ હતી.કર્નલ ટોડે પણ રાજસ્થાનના ઇતિહાસમાં ઘણાં ગપ્પાં માર્યાં છે.
ઐતિહાસિક તથ્ય એ છે કે વિશાળ  જંગલમાં પણ રાજવી પરિવારના ૧૦૦૦ સભ્યો સાથે મહારાણા સુખચેનથી રહેતા હતા એટલું જ નહીં, બ્રાહ્મણો અને ચારણોને એ ગામો અને અન્ય દાન આપતા હતા. ભામાશાએ તેમને અર્પણ કરેલી સંપત્તિ હકીકતમાં મહારાણાની જ હતી એટલું જ નહીં, તેઓ રોજ ૧ રૂપિયા, ૧ તોલા સોના તથા ૧૦૮ બ્રાહ્મણોને ભોજનદાન આપતા હોવાની નોંધ રાજસ્થાન સરકારની હિંદી ગ્રંથ અકાદમીએ પ્રકાશિત કરેલા મહારાણા પ્રતાપમાં કરવામાં આવી છે. ચાવંડને રાજધાની બનાવનાર મહારાણા પ્રતાપ ગેરિલા યુદ્ધકળામાં નિષ્ણાત હતા. જંગલમાં એ પોતાની રાણીઓ અને રાજકુમારો સાથે રહેતા હતા.આજે પણ આવા પ્રતાપને ભારતીય પ્રજા રાષ્ટ્રનાયક તરીકે જુએ છે.પ્રતાપ અને અકબર વચ્ચેના સંઘર્ષને કેટલાક હિંદુ-મુસ્લિમ સંઘર્ષ તરીકે નિહાળે છે પણ ઈતિહાસકારો એને સામ્રાજ્યવિસ્તારક મુઘલ અને આક્રમણકારી વિદેશી આક્રાન્તા સામે ક્ષત્રિય ધર્મ નિભાવનાર પ્રતાપ વચ્ચેનો જ સંઘર્ષ લેખે છે.બંને પક્ષે હિંદુ અને મુસ્લિમ સેનાપતિ કે સરદારો હતા.પ્રતાપની અડધી સેનાનું નેતૃત્વ હકીમખાં સૂર કરી રહ્યા હતા તો સામે પક્ષે અકબરની સેનાના સૂત્રધાર કુંવર માનસિંહ કછવાહા હતા. એટલે મેવાડ અને મુઘલ વચ્ચેના સંઘર્ષને હિંદુ –મુસ્લિમ સંઘર્ષ ગણાવી શકાય નહીં.
-મેઈલ :   haridesai@gmail.com

1 Comments