સત્તાધીશોને કઠતું ન્યાયતંત્ર
ડૉ. હરિ દેસાઈ
ઇંદિરાજીથી મોદીજી લગી લક્ષ્મણરેખા લાંઘવાનું વલણ

        રાજકીય સત્તાધીશોને સર્વસત્તાધીશ થવાના કાયમ ધખારા હોય છે. ભારતીય બંધારણે નિર્દેશેલી લક્ષ્મણરેખાના ચોકઠામાં રાજકીય સત્તાધીશોને રમવાનું ફાવતું નથી.  એવું જ કાંઇક ન્યાયંત્રના અધિપતિઓનું પણ છે. અદાલતોમાં ન્યાય તોળવા માટે બેઠેલા ન્યાયાધીશો પણ ક્યારેક મર્યાદાનું સીમોલ્લંઘન કરીને સરકાર ચલાવવાની જવાબદારી જાણે કે પોતાને શિરે લઇ ચુકાદા આપવા માંડે છે. ન્યાયપાલિકા (જ્યુડિશિયરી) અને કાર્યપાલિકા(એક્ઝિક્યુટિવ એટલે કે સરકાર) વચ્ચે મર્યાદામાં રહીને રમવાનું ઉવેખાય ત્યારે બેઉ વચ્ચે ટકરાવ સર્જાય છે. ઇંદિરા ગાંધીની કૉંગ્રેસ પાર્ટી “ગરીબી હટાવો”ના નારા સાથે માર્ચ 1971ની લોકસભાની 518 બેઠકોની ચૂંટણીમાં 352 બેઠકો અને 43.68 ટકા મત સાથે વડાપ્રધાન બન્યાં, ત્યાર પછી ન્યાયતંત્ર પર પોતાની જોહુકમી પ્રસ્થાપિત કરવા પ્રયત્નશીલ હતાં. સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ટકરાવાનો માહોલ સર્જાયો હતો. મે 2014માં લોકસભાની 543 બેઠકો માટેની ચૂંટણી “સબકા સાથ, સબકા વિકાસ”ના સૂત્ર સાથે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી લડી, ત્યારે 282 બેઠકો અને 31.34 ટકા મત સાથે એ વડાપ્રધાનપદે આરૂઢ થયા. ન્યાયપાલિકા અને કાર્યપાલિકા વચ્ચેનો સંઘર્ષ મોદી યુગમાં પણ ખુલીને બહાર આવ્યો.

          શ્રીમતી ગાંધીના શાસનકાળમાં કહ્યાગારા ન્યાયધીશોની નિયુક્તિઓ કરવામાં કૉંગ્રેસનાં સુપ્રિમો મહદ્અંશે  સફળ થયા છતાં કેશવાનંદ ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરળના ચુકાદાએ બંધારણમાં મનસ્વી ફેરફારને અંકુશમાં આણવાનું કામ કર્યું. મોદી શાસનમાં ન્યાયાધીશોની નિયુક્તિઓની સત્તા સરકાર હસ્તક લેવાના પ્રયાસોમાં સર્વોચ્ચ અદાલતે ઓક્ટોબર 2015માં  આપેલા ચુકાદા મુજબ બ્રેક વાગી.અગાઉના અને વર્તમાન સત્તાધીશોને પણ અનુકૂળ એવા નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન (એનજેએસી)ના ધારાને ગેરબંધારણીય ઠરાવાતાં ટકરાવે નવી દિશા પકડી. સર્વોચ્ચ અદાલતે તેના કોલેજીયમ મારફત વડી અદાલતોના ન્યાયાધીશો સહિતની નિમણૂકો માટે નામો પ્રસ્તાવિત કર્યાં, તેમાંથી અડધા જેટલા સામે ઇન્ટેલિજન્સ રિપોર્ટ (ગુપ્તચર અહેવાલ) પ્રતિકૂળ હોવાની આડશે સરકારે નિયુક્તિઓ આપવાનો નન્નો ભણ્યો.

          સર્વોચ્ચ અદાલતના આગામી 3 જાન્યુઆરી 2017ના રોજ નિવૃત્ત થઇ રહેલા મુખ્ય ન્યાયાધીશ તીરથ સિંહ ઠાકૂર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની શુભેચ્છા મુલાકાતો પ્રગટપણે સૌહાર્દપૂર્ણ લાગી, પણ મોદી સરકારના કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ સાથે જસ્ટિસ ઠાકૂરનો વાદવિવાદ વરવાં દૃશ્ય સર્જતો રહ્યો. સદનસીબે  ઠાકૂરે પોતાના અનુગામી તરીકે નામિત કરેલા એમના પછીના સૌથી વરિષ્ઠ (સીનિયરમોસ્ટ)  એવા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જગદીશ સિંહ ખેહરને દેશના  મુખ્ય ન્યાયાધીશ તરીકે 4 જાન્યુઆરી 2017થી, એમની 65 વર્ષની વય થતાં 27 ઓગસ્ટ 2017 સુધી,  એ હોદ્દે  રહે એવા  પ્રસ્તાવને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધો છે. જસ્ટિસ ખેહર 13 સપ્ટેમ્બર 2011થી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે સેવારત છે. એટલું જ નહીં, એનજેએસીને ગેરબંધારણીય ઠરાવી રદ કરવા ઉપરાંત બહુચર્ચિત સહારા ઇન્ડિયા અને “સમાન કામ માટે સમાન વેતન” અંગેના અત્યંત સંવેદનશીલ ખટલાઓની સુનાવણી કરીને કડક ચુકાદા આપતા રહ્યા છે. જોકે દેશના સર્વપ્રથમ શીખ મુખ્ય ન્યાયાધીશ પોતે ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર-કાર્યપાલિકા-સરકાર વચ્ચેના ટકરાવને બદલે પરસ્પરની “લક્ષ્મણરેખા” જાળવીને કાર્યરત રહેવામાં માને છે.

          વર્ષ 1967 સત્તારૂઢ કૉંગ્રેસ પક્ષ માટે ખાસ્સું તકલીફકર વર્ષ હતું. વડાં પ્રધાન ઇંદિરા ગાંધીનાં જ અંતરંગ સખી અને કૉંગ્રેસી સાંસદ રાજમાતા વિજયરાજે સિંધિયા સહિતનાં અનેક કૉંગ્રેસી સાથીઓ સામે પક્ષે જોડાઇ સંયુક્ત વિધાયક દળ (સંવિદ) સરકારો રચવામાં સક્રિય થયાં હતાં. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસનાં વળતાં પાણી જોવા મળ્યાં હતાં. આવા જ ગાળામાં દેશની સર્વોચ્ચ અદાલતે બંધારણીય અધિકારોમાં કોઇપણ જાતનો ફેરફાર કરવાનો સંસદને અધિકાર નહીં હોવાનો અંતિમવાદી  કહી શકાય એવો ચુકાદો ગોલકનાથ વિરુદ્ધ સ્ટેટ ઓફ પંજાબના કેસમાં આપ્યો. બંધારણમાં સુધારા કરવાના સંસદના અધિકારને આ ચુકાદાએ છીનવ્યો એટલે સ્વાભાવિક હતું કે સરકાર અને સંસદની અકળામણ વધે. 27 ફેબ્રુઆરી 1967ના રોજ ગોલકનાથ ચુકાદામાં છ વિરુદ્ધ પાંચ ન્યાયાધીશોના બહુમતી ચુકાદાએ પાકિસ્તાનની સર્વોચચ્ચ અદાલતના ખ્રિસ્તી મુખ્ય ન્યાયાધીશ એ.આર. કોર્નેલિયસના 1963ના ચુકાદાનો આધાર લીધો હતો. આઠ વર્ષ પહેલાં ન્યાયાધીશ મુઘોલકરે પાક-ચુકાદાની  “બેઝિક સ્ટ્રક્ચર થિયરી”નો   ઉલ્લેખ પોતાનો ચુકાદો આપતાં કર્યો હતો. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરતો બંધારણીય સુધારો અમાન્ય ઠારવતો ચુકાદો આપ્યો હતો. ભારતીય બંધારણના અનુચ્છેદ 368માં સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર અપાયા છતાં ગોલકનાથ ચુકાદાને પગલે એને નકરાયાને કારણે કાયદા અને રાજકીય ક્ષેત્રમાં એની જોરદાર ટીકા થવી સ્વાભાવિક હતી. ભારતના એટર્ની - જનરલ રહેલા એમ.સી. સેતલવડ અને સુપ્રસિદ્ધ બંધારણવિદ એચ.એમ. શીરવાઇએ પણ  ગોલકનાથ ચુકાદાને ખોટ્ટાડો ગણાવ્યો. ઓછામાં પૂરું તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ કોકા સુબ્બારાવ વિપક્ષી નેતાઓને મળ્યા, 11 એપ્રિલ 1967ના રોજ રાજીનામું આપીને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર થયા એટલે રાજકીય ચુકાદાની ટીકાને બળ મળ્યું. સમાજવાદી સાંસદ નાથ પૈએ ગોલકનાથ ચુકાદાને બેઅસર કરતો બંધારણ સુધારો કરવા માટે વિધેયક રજૂ કર્યું અને સરકારે એને ટેકો આપ્યો. 

          દરમિયાન કેરળના મઠના મહંત કેશવાનંદ ભારતીએ કેરળ જમીન સુધારણા ધારા, 1969 કેરળ જમીન સુધારણા ફેરફાર ધારા, 1971ને બંધારણના નવમા પરિશિષ્ટમાં સામેલ કરતા 29મા બંધારણ સુધારા ધારા, 1971 ને પડકારવાનું પસંદ કર્યું. ગોલકનાથ ચુકાદાની યોગ્યાયોગ્યતાનો પ્રશ્ન ઊઠ્યો. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સર્વ મિત્ર  સિકરીએ  13 ન્યાયાધીશોની ખંડપીઠ (બેંચ) રચી અને કેશવાનંદ ભારતી કેસમાં મહદ્અંશે ગોલકનાથ ચુકાદો સાચો છે કે કેમ એને ઠરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. 1969માં વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ એમના નાયબ વડાપ્રધાન અને નાણાં પ્રધાન મોરારજી દેસાઇ કનેથી નાણાં ખાતું છીનવીને 13 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનું પગલું ભર્યું. આઝાદી વખતે રિયાસતી ખાતાનો અખત્યાર સંભાળનાર નાયબ વડાપ્રધાન સરદાર પટેલે  રજવાડાંને ભારત સંઘમાં વિલય થતાં આપેલા વચન મુજબનાં સાલિયાણાંની એ પછીના વર્ષે નાબૂદીની વડાંપ્રધાન શ્રીમતી ગાંધીએ જાહેરાત કરી. સંસદમાં બહુમતીને જોરે  વડાં પ્રધાને બેંકોના રાષ્ટ્રીયકરણ અને સાલિયાણાંનાબૂદીના લોકપ્રિય નિર્ણયો મંજૂર કરાવ્યા, છતાં દેશની સર્વોચ્ચ અદાલતે એમને ગેરબંધારણીય ઠરાવ્યા. ઓછામાં પૂરું રાજમાતા સિંધિયા કૉંગ્રેસ છોડીને સ્વતંત્ર પક્ષ અને પછીથી જનસંઘ સાથે જોડાણ કરી ચૂક્યાં હતાં. એમના જ પાટવીકુંવર માધવરાવ સિંધિયાએ ગ્વાલિયર નરેશ હોવાના નાતે સાલિયાણાંની નાબૂદીને પડકારી હતી. જોકે પાછળથી સિંધિયા કૉંગ્રેસ સાથે જોડાયા હતા. આવા સંજોગોમાં  24 એપ્રિલ 1973ના રોજ મુખ્ય ન્યાયાધીશ સિકરી અને બીજા 12 ન્યાયાધીશોએ કેશવાનંદ ભારતી કેસનો 703 પાનાનો ચુકાદો આપીને ખરા અર્થમાં દેશની લોકશાહીને બચાવી લીધી. બંધારણના “મૂળભૂત માળખા”માં ફેરફાર કરવાનો સંસદને અધિકાર નહીં હોવાનું તેમાં જણાવાયું .

          1970 લગી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની ભલામણ મુજબ ટોચની  અદાલતોના ન્યાયાધીશોની નિમણૂકની કરવાની પરંપરા હતી.સર્વોચ્ચ  અદાલતના પ્રતિકૂળ ચુકાદાઓથી  ધૂઆંપૂઆં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ પરંપરા તોડીને કહ્યાગરા ન્યાયાધીશો નિયુક્ત કરવાની પ્રથા  આરંભી. ન્યાયાધીશની નિયુક્તિ પૂર્વે એની વફાદારી અંકે કરી લેવા અને કૉંગ્રેસી પ્રધાનોની ભલામણથી એમને નિયુક્ત કરવાની કેવી પરંપરા ચાલી એ નામ, ઠામ અને નિષ્ઠા વ્યક્ત કરવાની હકીકતો સાથેનું વિશદ વર્ણન કેશવાનંદ ભારતી ખટલામાં કેન્દ્ર સરકાર  પક્ષે રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી એચ.એમ. શીરવાઇના સાથી ધારાશાસ્ત્રી અને પછીથી દેશના સોલિસીટર જનરલ બનેલા ટી.આર.અંધ્યારુજીનાએ “ધ કેશવાનંદન ભારતી કેસ” પુસ્તકમાં રજૂ  કરેલી વણકહી વાતોમાં કર્યું છે.

          દેશના મોટાગજાના બંધારણવિદ શીરવાઇ મોટા ઉપાડે વડાંપ્રધાન ઇંદિરા ગાંધીના બંધારણ સુધારાના અધિકારના સમર્થક રહીને કેશવાનંદ ભારતી ખટલામાં સરકાર પક્ષે સર્વોચ્ચ અદાલતમાં લડ્યા અને હાર્યા. એમની વિરુદ્ધ કેશવાનંદ ભારતીને ક્યારેય ના મળેલા કે એમની સાથે કયારેય વાત નહીં કરનારા મશહૂર ધારાશાસ્ત્રી નાની પાલખીવાળા લોકોના મૂળભૂત બંધારણીય અધિકારના જતન માટે લડ્યા અને જીત્યા. કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો “વેફર-થિન મેજોરિટીથી” (ધારાશાસ્ત્રી અરવિંદ દાતારના શબ્દોમાં) એટલે કે 7 વિરુદ્ધ 6 ન્યાયાધીશોનો બહુમતી ચુકાદો આવ્યો. 31 ઑક્ટોબર 1972થી 23 માર્ચ 1973 સુધી એટલે કે 68 દિવસ લગી કેશવાનંદ ભારતી ખટલાની દલીલો ચાલી સેંકડો ચુકાદાઓ ટાંકવામાં આવ્યા. રાજકીય હસ્તક્ષેપના ઘણા પ્રયાસ થયા. 71 જેટલા દેશોનાં અલગ અલગ બંધારણની જોગવાઇઓના તુલનાત્મક અભ્યાસને દલીલોમાં આવરી લેવામાં આવ્યો અને છેલ્લે ચુકાદો આવ્યો. આ ઐતિહાસિક ચુકાદાએ બંધારણના આત્માને જીવતો રાખ્યો. બંધારણના “ મૂળભૂત માળખા”માં ફેરફાર કરવાનો સંસદને અધિકાર નથી, એવું જણાવીને એણે કોઇ એક વ્યક્તિ કે શાસકને સરમુખત્યાર થતાં અટકાવવાનું ઐતિહાસિક કામ કર્યું. શીરવાઇ ગોલકનાથ ચુકાદાની વિરુદ્ધમાં હતા અને કેશવાનંદ ભારતી કેસમાં ઇંદિરાજીના પક્ષે હતા, એમને 1975-77ની ઇમર્જન્સીના કાળા દિવસોના અનુભવે  પોતાની ભૂતકાળની  ભૂલ સ્વીકારવા માટે વિવશ કર્યા હતા.

          બંધારણના મૂળભૂત માળખાને અથવા તો બંધારણનાં મહત્ત્વપૂર્ણ તત્વોમાં સંસદ પણ કોઇ ફેરફાર કરી શકે નહીં. આ ચુકાદાને પણ અસરમુકત  કરવા વડાંપ્રધાન ઇંદિરા ગાંધી બંધારણીય સુધારો કરાવવા કે નવી વિશાળ ખંડપીઠમાં સર્વોચ્ચ અદાલતમાંના કહ્યાગરા ન્યાયાધીશોને મૂકવા કૃતસંકલ્પ હતાં. એમના કહ્યાગારા મુખ્ય ન્યાયાધીશ અજિત નાથ રાયે તો નવી 13 ન્યાયાધીશોની ખંડપીઠ રચી પણ દીધી. પરંતુ  પાલખીવાળા જેવા લોકશાહી પ્રેમીઓએ વડાં પ્રધાનને વાર્યાં અને બે દિવસની સુનાવણી પછી એ ખંડપીઠનો વીંટો વાળી દેવાયો હતો. 9 નવેમ્બર 1975નો પાલખીવાળાનો વડાંપ્રધાનને લખેલો એ પત્ર મઢાવીને રાખવા જેવો છે.

          અંધ્યારુજીનાએ પોતાના પુસ્તકમાં વડાંપ્રધાન શ્રીમતી ગાંધી ઉપરાંત એમના પ્રધાનો એચ.આર.ગોખલે (કાયદા પ્રધાન), મોહન કુમાર મંગલમ્ (સ્ટીલ પ્રધાન), સિદ્ધાર્થ શંકર રે (શિક્ષણ પ્રધાન), એચ.એન. બહુગુણા ઉપરાંત કાયદા પંચના અધ્યક્ષ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહેલા પી.બી.ગજેન્દ્રગડકર તેમજ અન્ય કેટલાક કહ્યાગરા ન્યાયાધીશોએ મળીને, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સિકરીને અવગણીને, જસ્ટિસ એમ.એચ. બેગ, જસ્ટિસ મેથ્યૂ, જસ્ટિસ એસ.એન. દ્વિવેદી, જસ્ટિસ વાય.વી.ચંદ્રચૂડ, જસ્ટિસ પી.એન. ભગવતી  વગેરેની નિમણૂકો કરાઈ  હતી, એનું રૂવાડાં ખડાં કરી દે છે એવું વર્ણન કર્યું છે. જસ્ટિસ રોયને એપ્રિલ ૧૯૭૩માં તેમના કરતાં ત્રણ સીનિયર ન્યાયાધીશો જયશંકર મણિલાલ શેલત,એ.એન.ગ્રોવર અને કે.એસ.હેગડેની સીનિયોરિટી ડૂબાડીને, સુપરસીડ કરીને, મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરાયા. એ ઘટનાને “ભારતીય લોકતંત્રનો કાળો દિવસ” લેખવામાં આવ્યો હતો. જસ્ટિસ રોય તો વડાં પ્રધાન ઈન્દિરાજી કે તેમના અંગત સચિવને ફોન કરીને સલાહ લેવા અને ચુકાદા આપવા માટે બદનામ હતા.એમના પછી જસ્ટિસ હમીદુલ્લાહ બેગને મુખ્ય ન્યાયાધીશ બનાવાયા ત્યારે પણ જસ્ટિસ હંસરાજ ખન્નાની સીનિયોરિટીને ડૂબાડીને તેમની નિમણૂક કરાઈ હતી.તેમના અનુગામી બનેલા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ સૌથી લાંબી મુદત માટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહ્યા. 22 ફેબ્રુઆરી 1978થી 11 જુલાઈ 1985 સુધી એ હોદ્દે રહ્યા.તેમના અનુગામી તરીકે જસ્ટિસ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી આવ્યા હતા. જોકે ન્યાયાધીશો અને મુખ્ય ન્યાયાધીશની નિમણૂકમાં રાજકીય સત્તાધીશોની  દખલગીરીનો અંત  તો મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા અને તેમના કાયદા પ્રધાન તરીકે પ્રશાંત ભૂષણ આવ્યા ત્યારેજ આવ્યો. તેમના શાસનકાળમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા પુનર્સ્થાપિત થઇ  હતી. આશા કરીએ કે હવે ઇન્ટેલિજન્સના અહેવાલોની આડશે કહ્યાગરા ન્યાયાધીશોની નિમણૂકના ઇંદિરા યુગનું પુનરાગમન નહીં થાય. સરકાર અને ન્યાયતંત્ર બંને લક્ષ્મણરેખા જાળવશે.    

                                         ઈ-મેઈલ : haridesai@gmail.com
Column in Divya Bhaskar Daily

0 Comments