Wednesday 28 December 2016

Gujarat Election and Political Partiesવહેલી ચૂંટણીના પડઘમમાં ગુજરાતમાં ધમધમાટ
અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ
·         ઈંદિરાજીને વિજયના કાઓ-વચનની જેમ નરેન્દ્ર મોદી  ભોળવાય એવા નથી
·         સાહેબની કૃપાથી  રૂપાણી પ્રોબેશનરમાંથી કન્ફર્મેશન મેળવીને કાયમી થઈ શકે
·         ૧૭ જાન્યુઆરીએ હાર્દિકનો ગુજરાતવટો પૂરો થવાની યુવાત્રિપુટીને પ્રતીક્ષા
·         કૉંગ્રેસમાં અકળામણ અનુભવતા બાપુ આસમાની સુલતાની કરે તો નવાઈ નહીં

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકારણ મહદ્અંશે એમના પોતાનાઓને જ સમજાતું નથી,  તો વિરોધીઓને તો સમજાય જ ક્યાંથી? અત્યારે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજવાની ચર્ચા શરૂ કરાવી છે. જરૂરી નથી કે ડિસેમ્બર ૨૦૧૭ને બદલે માર્ચ કે મે ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગોવા સહિતનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ જાય. મોદીબ્રાન્ડ રાજકારણમાં એક્શનના રિએક્શનનું સવિશેષ મહત્ત્વ હોય છે. છ મહિના વહેલી ચૂંટણી યોજવામાં આવે તો ગુજરાત જીતવાનું શક્ય છે કે હવેલી લેવા જતાં ગુજરાત ખોવાનો વારો આવશે, એની ગણતરીની શતરંજચાલો માંડીને ચાણક્યમાંથી ચંદ્રગુપ્તબનેલા નરેન્દ્ર દામોદારદાસ મોદી કામે વળ્યા છે.નોટબંધીના પ્રતિભાવ સરકારી વાજિંત્રો અને પક્ષના વાજિંત્રમાં તો સારા મેળવાય છે. જોકે એના પ્રજામાં ખરેખરા કેવા પ્રત્યાઘાત પડ્યા છે એના પર ચૂંટણી વહેલી કે મોડી યોજવાનો નિર્ણય ચૂંટણીપંચ પાસે કરાવવાનો વ્યૂહ અપનાવાશે. હમણાં રાહુલ ગાંધી મોદીના ગઢમાં આવીને ખુલ્લેઆમ નરેન્દ્રભાઈ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી ગયા એ વાત, આક્ષેપોને નકારવા છતાં, ભાજપને તમ્મર લાવે તેવી ઘટના હતી.જનમેદની પણ ભારે ઉમટી હતી. 

ઈંદિરા ગાંધી વડાં પ્રધાન હતાં ત્યારે ઈમર્જન્સી (૧૯૭૫-૭૭) દરમિયાન ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (રો)ના વડા રામેશ્વરનાથ કાઓના બ્રિફીંગને આધારે ઈંદિરાજીએ ચૂંટણી જાહેર કરી હતી. એ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ઉત્તર ભારતમાંથી સાવ જ સાફ થઈ ગઈ હતી, એટલું જ નહીં સ્વયં શ્રીમતી ગાંધી પણ રાયબરેલીની બેઠક પર એક જોકરગણાતા રાજનારાયણ સામે હારી ગયાં હતાં.ચૌધરી ચરણસિંહના હનુમાનગણાતા રાજનારાયણના નાટકવેડા સુપરિચિત છે. જોકે અધિકારીઓ કે નાણાંથી સર્વે કરનારાઓનાં ગળચટ્યાં તારણોથી ભોળવાઈ જાય એ નરેન્દ્રભાઈ નહીં. એટલે એ પોતાની રીતે ખરા જનપ્રતિસાદને જાણીને,નાણીને જ, વિજયની  ખાતરી મળે તો જ ગુજરાતમાં વહેલી ચૂંટણી જાહેર કરવાનું જોખમ વહોરે. અન્યથા વાજપેયી સરકારની મુદ્દત એક વર્ષ જેટલી બાકી હતી ત્યાં ઈંડિયા શાઈનિંગકરવા નીકળી પડેલા લાલકૃષ્ણ અડવાણી અને પ્રમોદ મહાજનને ચૂંટણીમાં ભાજપનો રકાસ અનુભવાયો હતો, એનું પુનરાવર્તન થઈ શકે. ગુજરાતની ગાદીએ આવવા માટે કાયમના ઉતાવળા અમિત શાહની ઉતાવળને મોદીની લીલીઝંડી મળે જ એવું નથી. આડી રાત એની શી વાત? ઉત્તર પ્રદેશ જીતાય તો શાહની ગાદી પાકી.

ગુજરાતના મુખ્યપ્રધાન પદે વિજય રૂપાણી આવ્યા છે ત્યારે એમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પાદુકા રાખીને શ્રીરામના ભરતની જેમ ગાંધીનગરની ગાદી સંભાળી રહ્યા હોવાની છાપ પ્રચલિત કરાઈ છે. સર્વમિત્ર રૂપાણી બધાને સાથે રાખીને ચાલવામાં માને છે. વડા પ્રધાન મોદી પણ રૂપાણી અને શાહ પ્રત્યે વિશેષ અનુરાગ ધરાવે છે. જોકે નોટબંધી પછી સંબંધોનાં સમીકરણોમાં થોડીક ખટાશ આવ્યાની ચર્ચા છે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ એસર્ટકરવા માંડ્યાં છે. સરકારી નિમણૂકો અમિતભાઈના નિર્દેશાનુસાર થઈ રહ્યાની ચર્ચા વચ્ચે આનંદીબહેનના નિષ્ઠાવંતોને અવગણવામાં આવે નહીં એ વાત પણ વજનદાર બનવા માંડી છે. મોદીએ નાછૂટકે અને અમિત શાહના દુરાગ્રહને પરિણામે જ શ્રીમતી પટેલને ગાદી છોડાવીને,નીતિન પટેલને ખો આપીને, લાઈટવેઈટ ગણાતા રૂપાણીને મૂકાવ્યા. શાહ પણ ઉત્તર ગુજરાતના છે. મોદી, આનંદીબહેન અને નીતિન પટેલ પણ ઉત્તર ગુજરાતનાં છે. શાહ કદાચ વીસરી જાય છે કે રૂપાણી કાઠિયાવાડી છે. એ જૈન પણ છે. ગમે ત્યારે મોદી સાથે ગોઠવણ કરીને ગાંધીનગરની ગાદીએ પ્રોબેશનરમાંથી કન્ફર્મેશન મેળવીને કાયમી થઈ શકે છે. અમિતભાઈની વિરુદ્ધ જવાની હિંમત ભાજપમાં કોઈ કરતું નથી, જે રીતે કૉંગ્રેસમાં પક્ષની ગુજરાતમાં મુસ્લિમ પાર્ટીની છબિ ઉપસાવવાનું નિમિત્ત મનાતા કૉંગ્રેસપ્રમુખના રાજકીય સલાહકાર એવા અહમદ પટેલની વિરુદ્ધમાં જવાની હિંમત શંકરસિંહ વાઘેલા પણ કરી શકતા નથી.જોકે મોદીના વ્યૂહ ક્યારે કોને યોગ્ય લેખવાનું પસંદ કરે એ જોઈને રાજકીય વૃક્ષોનાં પાંદડાં હલે છે. જરૂરી નથી કે રૂપાણી કાયમ અમિતભાઈના કહ્યાગરા થઈને નર્તન કરે. આ ગુજરાતમાં જ ક્યારેક માધવસિંહ સોલંકીના કહ્યાગરા અમરસિંહ ચૌધરી કેવી આંખો બતાવતા થયા હતા, એ સુવિદિત છે. આવતા દિવસોમાં પણ ભાજપનું મોવડીમંડળ એટલે કે દિલ્હીશ્વર મોદી અને નાગપુરસ્થિત (હવે તો દિલ્હીના ઝંડેલવાલામાં સ્થિત) સંઘસુપ્રીમો ડૉ.મોહનરાવજી ભાગવત બેઉ મળીને કે ફોન પર નક્કી કરે એ સહી. કૉંગ્રેસની મોવડીમંડળ પરંપરાને ભાજપે પણ આત્મસાત્ કરી લીધી છે. કારણ એની માતૃસંસ્થા સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર છેક ૧૯૩૭ સુધી કૉંગ્રેસી નેતા જ હતા.

ગુજરાતના સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં ભૂકંપ સર્જનાર પાટીદાર અનામત લડતના અગ્રણી હાર્દિક પટેલ, ઓબીસીના અધિકારોના જતન માટે અને સામાજિક સુધારા લાવવાની ઝુંબેશ ચલાવનાર ઠાકોર સેનાના અગ્રણી અલ્પેશ ઠાકોર અને દલિત જાગૃતિનો અવાજ બનીને ઉનાકાંડને પગલે ઉપસેલા જિજ્ઞેશ મેવાણીની યુવાત્રિપુટી ભણી સત્તારૂઢ ભાજપ સંતાપથી જુએ છે અને કૉંગ્રેસ એમને પોતીકા કરવાની વેતરણમાં છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પાટીદારોના અસંતોષની આગને ઠારવા એમનાં સંગઠનો પાસઅને એસપીજીસાથે મંત્રણાના દોર આરંભીને એમને ભાજપના જ સમર્થનમાં જાળવવાની વેતરણમાં છે. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના જડ વલણે પટેલોને નારાજ કરીને બહુમતી જિલ્લા પંચાયતો અને તાલુકા-નગરપંચાયતો ગુમાવનાર ભાજપ હવે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં વર્ચસ્વ સ્થાપીને વિધાનસભામાં બહુમતી અંકે કરવા કામે વળ્યો છે. પટેલોની એકતાને તોડવા માટે સામ, દામ, દંડ અને ભેદની અજમાઈશ છતાં અમુકને પડખામાં લેવા જતાં પટેલો અને ઓબીસી તેમજ દલિતોની એકતા મજબૂત બનીને ભાજપને કનડે એવા સંજોગો ઊભા થયા છે. આવા તબક્કે પક્ષના મોવડીમંડળે એ જ નીતિનભાઈને મિશન સોંપ્યું છે. સાથે જ અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન કરી દારૂબંધી સહિતના મુદ્દે સરકારને ઘેરવામાં સફળ રહ્યા છે. આનંદીબહેનથી લઈને વિજયભાઈ લગી અલ્પેશ ઠાકોરની સેનાને પોતાના ભણી વાળવામાં અનુકૂળતા જુએ છે. જોકે અલ્પેશ બેય બાજુથી સમાજના વિશાળ હિતમાં માંગણીઓ મંજૂર કરાવવાની વેતરણમાં છે. આ ત્રિપુટીના ત્રીજા યુવાનેતાનો આક્રોશ ઠારવામાં ભાજપની નેતાગીરી સફળ થતી લાગતી નથી. કૉંગ્રેસની નેતાગીરી પણ પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ઉત્તર ગુજરાતની મુલાકાત પૂર્વે પટેલ નેતાઓ સાથે ગોઠવણને અંતિમ સ્વરૂપ આપવા પ્રયત્નશીલ હતી. જોકે યુવાત્રિપુટી આવતા દિવસોમાં ૧૭ જાન્યુઆરીએ હાર્દિક પટેલનો ગુજરાતવટો પૂરો થયા પછી ભેગી રહે છે કે એમાં ફાટફૂટ પડાવવામાં સત્તારૂઢો સફળ થાય છે એ ભણી સૌની મીટ ખરી.

હવે ભારતના રાજકીય પક્ષો ગાંધીજીનું નામ ભલે રટતા હોય, પણ સાદગીને તિલાંજલિ આપીને ફાઈવ કે સેવનસ્ટાર કલ્ચરને ગળે લગાવી રહ્યા છે. ગાંધી-સરદાર જેવા વેદિયાઓનો આ જમાનો નથી એવું માનીને જે પાણીએ મગ ચડે એ દિશામાં ગતિ કરવામાં બધા રાજકીયપક્ષો આગળ વધી રહ્યા છે. ભાગ્યે જ કોઈ અપવાદ છે. હમણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના ફેરા વધી ગયા છે.સાથે જ ભાવિ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર એવા અમિત શાહ તમામ ગોઠવણો કરી લેવાના પ્રયાસમાં રાષ્ટ્રીય સ્તરની જવાબદારી સાથે જ ગુજરાત ભણી સવિશેષ ધ્યાન આપી રહ્યા છે. બે દિવસની છેલ્લી ચિંતન બેઠક બાવળાની કેન્સવિલા ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં યોજીને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ચટ્ટાઈ અને સાવરણીની સાદીને એમના જ ઊજવણી વર્ષમાં ગોલ્ફ ક્લબના કલ્ચરમાં લાવી મૂકી છે. સરકારી નિર્ણયો અંગે કેવા કેવા પુનર્વિચાર કરવા અને નોટબંધી પ્રકરણને પગલે પક્ષના ટેકેદારોનાં કૌભાંડો બહાર આવ્યાં એટલું જ નહીં,પક્ષના જ સાંસદ ડૉ. સુબ્રમણિયન સ્વામીએ નોટબંધીનો નિર્ણય અગાઉ લિક થઈ ગયાના કરેલા જાહેર ટ્વિટની ચૂંટણીલક્ષી અસરોનું ચિંતન પણ કરવામાં આવ્યું. હજુ વધુ ચિંતનબેઠકો યોજાતી રહેશે. સંઘ પરિવારના નારાજ નેતાઓને પણ વિજયપ્રાપ્તિ માટે સાથે લેવાના વ્યૂહ ઘડાયા છે. મોદીવિરોધી ગણાતા સંજય જોશી ફરીને મોદીચાલીસા ભજવા માંડ્યા છે. વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમ ડૉ.પ્રવીણ તોગડિયાને પણ ચૂંટણીલક્ષી કવાયતોમાં સમાવીને મનાવી લેવાના વ્યૂહ ઘડાયા છે. કોઈપણ ભોગે ગુજરાતની ચૂંટણી જીતથી એ જ સંકલ્પ સાથે આગળ વધવાની તૈયારીઓ આદરવામાં આવી છે.

ગુજરાતના મુખ્યપ્રધાન પદના વરરાજા ઘણા છે. સત્તારૂઢ ભાજપમાં તો હોય એ સ્વાભાવિક છે, પણ કૉંગ્રેસીનેતા શંકરસિંહ વાઘેલા રોજેરોજ ભાજપની કેન્દ્ર અને રાજ્યની સરકારને ભીંસમા લેતાં નિવેદનો કરીને હમ ભી પડે હૈ રાહો મેંએ ન્યાયે કૉંગ્રેસના વરરાજા હોવાની પ્રતીતિ કરાવે છે. જોકે હમણાં રાજકીય વર્તુળોમાં જે ચર્ચા હતી એને પગલે અમે શંકરસિંહ બાપુને સીધું જ પૂછી લીધું :  બાપુ, ચૂંટણી પછી અમિત શાહ મુખ્યપ્રધાન અને મહેન્દ્રસિંહ (બાપુના ધારાસભ્ય પુત્ર) નાયબ મુખ્યપ્રધાન થાય એવી ચર્ચામાં વજૂદ કેટલું?’ શંકરસિંહ વાતને માત્ર હસી કાઢે છે, પણ એ ગમે તે આસમાની સુલતાની કરવા સક્ષમ છે મુખ્ય મંત્રી પદના ઉમેદવાર જાહેર ના કરાય તો !         
                               -મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment