Wednesday 4 January 2017

And Now 100 % Reservations in Private Sector, Karnataka shows the way

ખાનગી ક્ષેત્રમાં અનામતમાં સૌને ખો આપતું કર્ણાટક
અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ
·         સરકારી  નોકરીઓના દુકાળમાં સર્વપક્ષી ઝુંબેશનો એક જ  સૂર
·         મોદી સરકાર ઉજળિયાતો માટે ખાસ ૨૫ ટકા અનામતની વેતરણમાં
·         બઢતીમાં અનામતના માયાવતીના આગ્રહને ભાજપ-કૉંગ્રેસનોય ટેકો
·         અણ્ણા હજારેના મતે અનામતપ્રથા સમાજ અને દેશને માથે ખતરો

      ભારત સરકાર અને રાજ્ય સરકારોની નોકરીઓ વસૂકી જવામાં છે ત્યારે ખાનગીક્ષેત્રને દોહી લેવાના ખેલમાં કર્ણાટકની કૉંગ્રેસ સરકાર મેદાન મારી ગઈ છે.અન્ય રાજ્યો અને કેન્દ્ર પણ એણે અનુસરશે. ક્યાંક અણ્ણા હજારે અને  “લોકસત્તા” સંસ્થાના જયપ્રકાશ નારાયણના અરણ્યરૂદનને બાદ કરતાં તમામ રાજકીય પક્ષોની નેતાગીરી અનામત પ્રથાને કાયમી ધોરણે અપનાવવા ઉપરાંત એને ખાનગીક્ષેત્રમાં પણ દાખલ કરાવવાની સમર્થક છે. અનામતનો લાભ આપવાની ઘોષણાઓ કરીને મતનો મોલ લણી લેવા સર્વપક્ષી નેતૃત્વ ઉત્સુક છે. કેન્દ્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના રાજકીય સંતાન ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યા પછી અનામતપ્રથા વિશે પુનર્વિચારના અણસારે બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં તેને હાર અપાવી. સંઘની પ્રતિનિધિસભાના ૧૯૮૧ના  ઠરાવ મુજબ, અનામતની કાખઘોડી કાયમ માટે ચાલી શકે નહીં. બિહારમાં પરાજયનાં એંધાણ મળતાંની સાથે જ એ વાતને વિસારે પાડીને યાવતચંદ્ર દિવાકરૌ અનામત પ્રથા ચાલુ રાખવાના આલાપ શરૂ થયા હતા. સ્વયં અનામતના જનક  ડૉ.બાબાસાહેબ આંબેડકર દલિતોને “ દસ વર્ષ પછી અનામત પ્રથા રદ થશે એટલે લાયકાત કેળવો” એવો ઉપદેશ કરી રહ્યા હતા, પણ સમયાંતરે દેશના તમામ રાજકીય પક્ષો તરફથી અનામત પ્રથાના કાયમીકરણનાં વચનો અપાયાં.એટલું  જ નહીં, વસ્તીના પ્રમાણ સાથે જોડીને એની ટકાવારીમાં વધારો કરવા ઉપરાંત સરકારી નોકરીઓમાં બઢતીમાં પણ અનામત દાખલ કરવાની ઘોષણાઓ થવા માંડી. સાથે જ ખાનગી ક્ષેત્રમાં પણ અનામત પ્રથાની ફરજ પાડતા કાયદા ઘડીને અનુસૂચિત જાતિ(એસસી), અનુસૂચિત જનજાતિ(એસટી) અને અન્ય પછાત વર્ગ(ઓબીસી)ને રાજી કરવા પણ રાજકીય પક્ષો  પ્રયત્નશીલ છે. ઉજળિયાત ગણાતી કોમોને પણ અનામતનો લાભ અપાવવા માટેની ઝુંબેશો ભણી સત્તાધીશોની સહાનુભૂતિ વર્તાય છે. સમગ્ર દેશમાં અનામતનો અજંપો પ્રવર્તે છે.

       સરાકરી નોકરીઓ હવે એટલી દૂઝણી રહી નથી. સરકારના પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મેળવતા ખાનગી ઉદ્યોગ-ધંધામાં નોકરીઓ બેસુમાર છે, એવું લાગતાં રાજકીય પક્ષોની નેતાગીરીની નજર એ તરફ વળી છે. ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં પણ અનામત પ્રથા દાખલ કરીને ય મતદારોને રીઝવવાની રીતસરની હોડ લાગી છે. વાતો તો છેલ્લા એકાદ દાયકા કરતાં વધુ સમયથી થતી હતી, પરંતુ દંડાત્મક કાર્યવાહીનો ચીપિયો પછાડીને પહેલ કર્ણાટક રાજ્યે કરી છે.

       ગુજરાત જેવા ઔદ્યોગિકક્ષેત્રે  અગ્રેસર ગણાતા રાજ્યમાં ખાનગી ક્ષેત્રમાં ૮૫  ટકા નોકરીઓ ગુજરાતીઓ માટે અથવા તો રાજ્યમાં છેલ્લાં ૧૫  વર્ષથી વસતા હોવાનું પ્રમાણપત્ર લાવનાર “ડોમિસાઇલ” માટે આપવાનું ફરજિયાત છે. કાનૂની જોગવાઇ તો છેક અમરસિંહ ચૌધરીની કોંગ્રેસી સરકારના વખતથી છે, પણ અમલ ભાજપના ૨૨ વર્ષના શાસનમાં પણ નથી થયો. ઉદ્યોગો અને સત્તાધીશોના મેળાપીપણાએ અહીં આંખ આડા કાન કરવાની નીતિ જાળવી છે. સ્થાનિકોની બેરોજગારી વધી રહી છે અને  પરપ્રાંતીયોને રોજગાર મળે એવી દરિયાદિલી ગુજરાતના સત્તાધીશોએ દાખવીને વિકાસની ગાથાને આગળ વધારવાનું ટકાવ્યું છે. તાજેતરનાં જનઆંદોલનો અને બેરોજગારોની વધતી જતી સત્તાવાર ફોજના આક્રોશે શ્રમ મંત્રી રહેલા અને અત્યારના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પેલા ૮૫  ટકા સ્થાનિકોને રોજગારની કાનૂની પૂર્વશરતનો અમલ કરાવવા માટે ઢંઢોળ્યા છે, પણ એમને ક્યારે ઝોકું આવી જાય એ કહેવું મુશ્કેલ છે. રૂપાણી અમને કહે છે કે નોકરીઓ માટે ઉધોગોને યોગ્ય સ્થાનિકો મળતા નથી !

       કર્ણાટકની સિદ્ધરામૈયા સરકારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને બાયોટેકનોલોજી સિવાયના તમામ ઉદ્યોગોમાં ભલે તે ખાનગી ક્ષેત્રના હોય, પણ તેમની બ્લ્યૂ કૉલર જોબનો ૧૦૦ ટકા ક્વોટા સ્થાનિકો એટલે કે કન્નડપ્રજા માટે આરક્ષિત રાખવાની કાનૂની જોગવાઇનો અમલ કરાવવાનું જાહેર કર્યું છે. કર્ણાટકના શ્રમમંત્રી સંતોષ લાડનું કહેવું છે કે જે ખાનગી ઉદ્યોગોમાં વ્હાઇટ કૉલર અને બ્લ્યૂ કૉલર નોકરીઓના ૭૦  ટકા સ્થાનિકોને એટલે કે કન્નડ લોકોને આપવામાં આવી હોય તેમની સામે વાંધો નહીં લેવાય, અન્યથા બ્લ્યૂ કોલર નોકરીઓના ૧૦૦ ટકા સ્થાનિકો માટે અનામત રાખવાની રહેશે. હા, જ્યાં કન્નડ લોકો નોકરીઇચ્છુક ના હોય ત્યાં અન્યોને નોકરીએ લેવાની છૂટ રહેશે. કન્નડ દિવ્યાંગ માટે પાંચ ટકા નોકરીઓ અનામત રાખવી ફરજિયાત રહેશે. શ્રમ વિભાગ આ નિર્દેશોના અમલ અંગે તકેદારી રાખશે.

       જોકે કર્ણાટકમાં જોરશોરથી જે ગાજવીજ કરાઇ રહી છે એવી કાનૂની જોગવાઇ ગુજરાતમાં દાયકાઓથી  હોવા છતાં એનો અમલ થતો નથી. ખાનગીક્ષેત્રના ઉદ્યોગોને માટે ગુજરાતમાં લાલ જાજમ પાથરવાની પરંપરા તો હતી અને મોદી યુગમાં તો નેનો જેવા અત્યારે બંધ થઇ ગયેલા પ્રકલ્પ માટે જમીન ફાળવણી ઉપરાંત સરકારની સસ્તા વ્યાજની હજારો કરોડ રૂપિયાની લોન પણ અપાઇ હતી. ટાટા જૂથ જેવા માતબર ઉદ્યોગગૃહને આટઆટલી સુવિધા અપાયા પછી પણ નેનોનાં ઉત્પાદનોનો પ્રકલ્પ બંધ થયો. એની જમીન અને લોનનો પ્રશ્ન વણઉકલ્યો છે.

       ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પક્ષનાં સુપ્રીમો માયાવતી મુખ્યમંત્રી હતાં ત્યારથી એમણે પણ ત્રણ બાબતોનો આગ્રહ સેવ્યો છે.(૧)ખાનગી ઉદ્યોગોમાં પણ અનામત ક્વોટા દાખલ કરવામાં આવે. (૨)સરકારી નોકરીઓમાં બઢતીમાં પણ અનામત પ્રથા  જળવાય. (૩)ઉજળિયાત વર્ગના આર્થિક રીતે પછાતો માટે પણ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક પ્રવેશમાં અનામતની જોગવાઇ રાખવામાં આવે. આજે એકપણ અપવાદ વિના તમામ મુખ્ય પક્ષો ધારાસભાથી લઇને સંસદ સુધી માયાવતીની માંગ-ત્રિવેણીનું રટણ કરે છે. એકમાત્ર અણ્ણા હજારે  જેવા સમાજસેવક  અને ચળવળકાર અનામત પ્રથાને રાષ્ટ્ર તથા સમાજ માટે ઘાતક ગણાવવાની હિંમત કરીને એની વિરુદ્ધમાં ઝુંબેશ આદરે, ત્યારે આંધ્રના “લોકસત્તા”  એનજીઓના સૂત્રધાર જયપ્રકાશ નારાયણ જેવા રડ્યાખડ્યાનો જ એને ટેકો મળે છે. પ્રત્યેક રાજકીય પક્ષે લોકપ્રિય નીતિ અનુસરીને સત્તાની ખુરશી સુધી પહોંચવું છે. એટલે અનામત પ્રથાનો અમલ થંભાવવવા કે એને સમાપ્ત કરવાની ભૂમિકા લેવામાં એ પોતે જ સમાપ્ત થઇ જવાનાં જોખમ અનુભવે છે. આ સસ્તી લોકપ્રિયતામાંથી હવે તો ઉજળિયાત ગણાતા વર્ગો જાટ, પટેલ, મરાઠા, બ્રાહ્મણ, રાજપૂત સહિતના પણ અનામતની માંગણી કરવા માંડ્યા છે.

       ભારતીય બંધારણ ઘડાયું અને ૨૬  જાન્યુઆરી ૧૯૫૦થી અમલમાં આવ્યું ત્યારે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સુવિધાઓમાં અનામત પ્રથાનો અમલ કરવાની જોગવાઇ અમલી હતી. બંધારણમાં પહેલા સુધારાની સાથે જ અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની અનામતની જોગવાઇ થતાં કાકાસાહેબ કાલેલકર પંચ પછીના મંડળ પંચે તો ૧૯૮૯-૯૦ દરમિયાન રાષ્ટ્રીયસ્તરે ગજબનાક અજંપો પ્રગટાવ્યો હતો. દેશની પર(બાવન) ટકા ઓબીસી વસ્તી માટે ૨૭ ટકા અનામતને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી ત્યારે કુલ અનામતની ટકાવારી ૫૦  ટકાથી વધે નહીં એનું નિર્ધારણ કર્યું. જોકે તમિળનાડુનાં એ વેળાનાં જાગૃત મુખ્યમંત્રી જયલલિતા જયરામ અને સર્વપક્ષી નેતાગીરીના આગ્રહથી બંધારણીય સુધારા થકી વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવના યુગમં તમિળનાડુમાં ૬૮  ટકા અનામતનો અમલ થયો. અન્યો માટે પણ એ પ્રેરણારૂપ બન્યો.

       વિવિધ રાજ્યોમાં વિવિધ જ્ઞાતિઓ અને વર્ગોની અનામતની માગણીના ટેકામાં આરંભાતાં રહેલાં આંદોલનનોને પગલે વિવિધ પ્રાંતોમાંથી અનામત શ્રેણીમાં આમેજ થવા માટે તથા અનામતની ટકાવારી ૫૦  ટકાથી વધુ થાય તો પણ બંધારણીય સુધારા થકી એને લાભ અપાવવાનાં દબાણો કેન્દ્ર સરકાર તથા વિવિધ કમિશનો પર આવતાં રહ્યાં. સર્વોચ્ચ અદાલત થકી વિવિધ રાજ્ય સરકારોએ અનામતની વધારેલી ટકાવારીને ગેરબંધારણીય ગણાવતા ચુકાદા આવતા રહ્યા. મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો અનામત આપવાની તરફેણ અને વિરોધણમાં  વિવિધ રાજકીય પક્ષોએ એકમેક સામે તલવારો તાણી; તો દલિતોમાંથી મુસ્લિમ કે ખ્રિસ્તી થયેલાઓને એ લાભ ચાલુ રાખવા માટે સંસદ ગૂંજવા માંડી. આદિવાસીઓમાંથી મુસ્લિમ કે ખ્રિસ્તી થયેલાઓને અનામત સહિતના મૂળ લાભ ચાલુ રહેવાની બંધારણીય જોગવાઇએ પણ કેટલાક નવા બળાપા  સર્જ્યા.


       આવા સંજોગોમાં લોકપ્રિયતા ટકાવવા માટે અનામતની ટકાવારી વધારવા બંધારણીય સુધારાની અનિવાર્યતા પેદા થવી સ્વાભાવિક છે. રાષ્ટ્રીય કક્ષાએ એસ.સી., એસ.ટી. અને ઓબીસીની કુલ ટકાવારી ૫૦ ટકાને આંબવા જતી હોવાથી મોદી સરકારના સમાજ કલ્યાણ રાજ્ય  મંત્રી રામદાસ આઠવલેએ ઉજળિયાતોના આર્થિક રીતે નબળા વર્ગો માટે  અનામતની  જોગવાઇ કરવાની ફોર્મ્યૂલા પ્રચલિત કરી. મહિને જેની આવક એક લાખ રૂપિયા હોય તેને ઓબીસી શ્રેણીમાં આર્થિક રીતે પછાત ગણવામાં આવે છે ! હવે  બંધારણીય સુધારો કરીને કુલ અનામતની ટકાવારી ૭૫ ટકા કરવાની ઘોષણાઓ આઠવલેએ કરવા માંડી છે. જોકે આ બંધારણીય સુધારો થશે  ત્યારે થશે, પણ આદિવાસી  અને દલિત સમાજના નેતાઓએ તો તેમની વસ્તીના પ્રમાણમાં અનામતની ટકાવારીનો અવાજ સંસદમાંય બુલંદ કરવા માંડ્યો છે. બેઉની વસ્તી વધી છે. એમની અનામત ટકાવારી વધારાય, તો ૫૨(બાવન) ટકા  ઓબીસી પણ એની વસ્તીના  પ્રમાણમાં અનામતની માંગણી કરવા માંડશે. આવા સંજોગોમાં આ અનામતનું, વિષચક્ર ક્યાં જઇને અટકશે, એ કહેવું  એ જ મહાપ્રશ્ન છે.           
                               ઈ-મેઈલ : haridesai@gmail.com

No comments:

Post a Comment