Wednesday 3 May 2023

Karnataka Election

 કર્ણાટકમાં પ્રવાહ પલટાશે કે ભાજપ ગોઠવી લેશે એની કશ્મકશ • અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ • તમામ ચૂંટણી સર્વે બેંગલુરુમાં કોંગ્રેસને જ બહુમતી સાથે જીતાડે છે • ચિંતિત ગૃહમંત્રી શાહ અને વડાપ્રધાન મોદીના ડેરાતંબૂ તાણી ધામા • રાહુલ - પ્રિયંકાના ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસને મળતો ભવ્ય પ્રતિસાદ

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily (Surat) and Sardar Gurjari Daily (Anand). You may read full text on haridesai.com
કર્ણાટકથી ભારતીય જનતા પક્ષનાં વળતાં પાણી થઇ રહ્યાના સંકેત ચોફેરથી મળી રહ્યા છે છતાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યેન કેન પ્રકારેણ બેંગલુરુમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકાર સ્થાપિત કરવા માટે ડેરાતંબૂ તાણીને દખ્ખણના આ રાજ્યમાં આક્રમક અને કોમી વિભાજનો પ્રેરે એવો પ્રચાર કરી રહ્યા છે. ભાજપ અને સંઘ પરિવારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. સવિશેષ તો મોદીની છબી હવે જીતાડી શકે તેવી રહી છે કે નહીં, એની અગ્નિપરીક્ષા છે. ગુજરાતમાં ભલે આમ આદમી પાર્ટી અને એમઆઈએમ સાથેની નૂરા કુસ્તી કે સોની કજિયો કરીને ભવ્ય વિજય મળ્યો હોય પણ હિમાચલ પ્રદેશ ગુમાવ્યા પછી સમગ્ર ભાજપમાં રઘવાટ છે. ઓછામાં પૂરું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કશ્મીર સુધીની પદયાત્રા યોજીને સમગ્ર દેશમાં મોદીના શાસનને કુશાસન ગણાવતાં લોકજાગૃતિનો મહાઅધ્યાય આરંભ્યો. મોદીના અંતરંગ સ્વજન ગણાતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથેના સંબંધોને હિંદનબર્ગ અહેવાલને પગલે આક્રમક રીતે રાહુલ સહિતના વિપક્ષી નેતાઓએ ગજવ્યા એટલે મોદી છાવણીમાં સન્નિપાત વધ્યો છે. ઓછામાં પૂરું મોદીનિયુક્ત ભાજપી રાજ્યપાલ સત્યપાલ માલિકે પુલવામા પ્રકરણ અંગે કરેલાં રહસ્યોદ્ઘાટનો ભાજપને માટે ઘણી મૂંઝવણ સર્જે છે. કુસ્તીબાજોનાં જંતર-મંતર પર ભાજપી સાંસદ સામે જાતીય સતામણીના આક્ષેપ સાથેનાં ધરણાં અને સુપ્રીમ કોર્ટે એમાં દખલ દેવી પડી એ મામલો પણ ગંભીર છે.
ભાજપી નેતાઓ કોંગ્રેસ ભણી
ભાજપનાં વળતાં પાણીના સંકેત આપતા સંજોગોમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આવી છે. ભાજપના નેતાઓ અને સાંસદો માટે મુશ્કેલીઓ વધતી ચાલી છે. સાગમટે કોંગ્રેસ ભણી હિજરત એવા ભાજપી નેતાઓ કરી રહ્યા છે જે જનસંઘ-ભાજપના સમયથી જોડાયેલા રહ્યા હોય. કર્ણાટક જ નહીં, હવે તો છત્તીસગઢમાં પણ પ્રદેશ ભાજપના અધ્યક્ષ રહ્યા હોય, સાંસદ રહ્યા હોય કે ધારાસભ્ય ચૂંટાતા રહ્યા હોય એવા નેતા પણ કોંગ્રેસ ભણી જવાના સંકેત આપે છે. મધ્યપ્રદેશ અને પછીથી છત્તીસગઢ ભાજપના પ્રદેશ પ્રમુખ, વિધાનસભામાં વિપક્ષના નેતા તેમ જ સાંસદ રહેલા મોટા ગજાના આદિવાસી નેતા નંદકુમાર સાંઈએ ભાજપ સાથેના ચાલીસ વર્ષના સંબંધનો અંત આણી પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. એક બાજુ, મોદી કોંગ્રેસી ગોત્રના મુખ્યમંત્રી નિયુક્ત કરવા ભણી આગળ વધતા રહ્યા છે અને કોંગ્રેસને ભાંડતા રહ્યા છે તો બીજી બાજુ , સંઘ સાથે નાતો ધરાવતા ભાજપી નેતાઓ કોંગ્રેસમાં જઈ રહ્યા છે. મોદી-શાહની નેતાગીરી સામે આ રીતસરનો બળવો છે. એવા સંજોગોમાં ભ્રષ્ટ નેતાના ટેગ ધરાવતા યેદિયુરપ્પા કે ઈશ્વરપ્પા કે પછી બસવરાજ બોમ્માઈ જેવા નેતાઓ સાથે મોદી કર્ણાટકમાં સભાઓ અને રોડ શો યોજવાની મજબૂરી અનુભવે છે. દાવા તો બહુમતીના થાય છે, પરંતુ ભાજપ માટે ફરીને સત્તામાં આવવાનું વાતાવરણ નથી એટલે મતદાનના દિવસ ૧૦ મે સુધીમાં હવામાન બદલવા મોદી મિશન કર્ણાટકમાં રમમાણ છે. જોકે એમના અવાજમાં પણ અમિત શાહ જેટલો પણ વિશ્વાસ અનુભવાતો નથી; છતાં ભાજપની સેના મોદી ભણી આશાભરી નજરે જુએ છે.
ત્રિશંકુ વિધાનસભાની અપેક્ષા
કર્ણાટક જીતવાના ભાજપના મનસૂબા પૂરા કરીને એણે દક્ષિણ ભારતમાં પ્રભાવ પાથરવો છે. હવે કર્ણાટક જ આડા હાથ દે તો એની મહેચ્છા પર પાણી ફરી જાય. ઇશાન ભારતનાં જે ત્રણ રાજ્યોમાં ભાજપે સરકારમાં ભાગીદારી કરી છે એમાં પણ ઝાઝું કશું ઉકાળ્યું નથી. ત્રિપુરામાં એની બેઠકો અનેક સમાધાનો વચ્ચે એટલી ઘટી છે કે માંડ બહુમતી જેટલી જ બેઠકો મળી છે. બીજાં બે રાજ્યોમાં તો એણે જુનિયર પાર્ટનર તરીકે થૂંકેલું ગળીને સત્તા સાથે રહેવું પડ્યું છે. વર્ષ ૨૦૨૩ દરમિયાન હજુ ઘણી વિધાનસભા ચૂંટણીઓ આવશે. કર્ણાટક હારે તો એની અસર અન્ય રાજ્યો પર જ નહીં, આવતા વર્ષની લોકસભા ચૂંટણી પર પડવી અનિવાર્ય છે. આવા સંજોગોમાં કર્ણાટક જીતવું કે તોડફોડ કરીને ગઈ વખતની જેમ સરકાર બનાવવી એ ભાજપની ગરજ છે. એ શક્ય એટલું જોર મારે અને છતાં બહુમતી ના જ મળે અને વિધાનસભા ત્રિશંકુ થાય તો જનતાદળ (સેક્યુલર) સાથે ફરી ઘર માંડવાની પણ એની ગણતરી ખરી. અપક્ષો વધુ ચૂંટાય તો એ પણ મદદ કરે. નાણાંની થેલીઓ અને કેન્દ્રીય એજન્સીઓ કામ લાગે. જોકે અત્યાર લગીના કોઈ ચૂંટણી સર્વેમાં ભાજપને બહુમતી મળતી નથી. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળે છે. આવા સંજોગોમાં ઓપરેશન લોટસ સફળ થવાની શક્યતા ઓછી થઇ શકે. ૨૨૪ સભ્યોની કર્ણાટક વિધાનસભાની વર્ષ ૨૦૧૮ની ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતાં મત વધુ મળ્યા હતા છતાં બેઠકો ભાજપને વધુ મળી હતી. ભાજપને બહુમતી મળી નહોતી અને ત્રિશંકુ વિધાનસભા થઈ હતી એટલે ભાજપની સરકાર સ્થાપિત કરવાની કોશિશ નિષ્ફળ જતાં કોંગ્રેસ અને જેડી (એસ)ની સરકાર રચાઈ તો ખરી, પરંતુ ૧૭ જેટલા કોંગ્રેસી અને જેડી(એસ)ના ધારાસભ્યોને પટાવીને ભાજપની નેતાગીરીએ કળા કરી યેદિયુરપ્પા સરકાર રચી હતી. ૨૦૧૮ની ચૂંટણીમાં ભાજપને ૧૦૪, કોંગ્રેસને ૮૦ અને જેડી (એસ)ને ૩૭ બેઠકો મળી હતી. ગત વિધાનસભા ચૂંટણી ટાણે એકાદ સર્વે સિવાયના તમામ સર્વે ત્રિશંકુ વિધાનસભા બનવાનાં તારણો દર્શાવતા હતા. આ વખતે તમામ સર્વે કોંગ્રેસને બહુમતી દર્શાવે છે. જોકે આ વખતે અનેક સમસ્યાઓથી ઘેરાયેલા વડાપ્રધાન મોદી કોઈ ચમત્કાર કરીને જ કર્ણાટકમાં પક્ષને જીતાડી શકે.
હલકી કક્ષાનો ચૂંટણી પ્રચાર
ભાજપમાં મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી રહેલા કે મંત્રી કે ધારાસભ્ય રહેલા અનેક સંઘનિષ્ઠ નેતાઓ ભાજપમાં અપમાનિત થતા હોવાને કારણે કોંગ્રેસમાં જોડાયા છે. આમ પણ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ નહીં, કોંગ્રેસના ચૂંટાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરામૈયા ભાજપને પરાસ્ત કરવા કટિબદ્ધ થઈ સંયુક્ત લડત આપી રહ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ મોદી કે તેમના પક્ષની વિચારધારાની તુલના ઝેરી સાપ સાથે કરી તો ભાજપના એક નેતાએ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને વિષકન્યા અને પાકિસ્તાન-ચીનનાં એજન્ટ કહ્યાં. પ્રચારનું સ્તર એટલી હલકી કક્ષાએ ગયું છે કે બકારી છૂટે. કોંગ્રેસે તો કેન્દ્રના ગૃહમંત્રી શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે પોલીસમાં એફ.આઈ.આર. નોંધાવી. બંને પક્ષોએ ચૂંટણી પંચમાં પણ ફરિયાદો કરી. જોકે વડાપ્રધાન મોદીએ પોતાને ૯૧ વખત કોંગ્રેસે ગાળ દીધાની વાતથી વિકટીમ કાર્ડ ખેલવાનું શરૂ કરીને સહાનુભૂતિ અંકે કરવાની કોશિશ કરી છે, છતાં કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ વળતો સણસણતો ઉત્તર વળ્યો કે પહેલી વાર કોઈ વડાપ્રધાન જોયા જે પ્રજાના દુઃખ દર્દની વાત કરવાને બદલે પોતાનાં દુઃખડાં રડે છે.મારા પરિવારને મોદીજીએ અને એમના પક્ષે એટલી ગાળો દીધી છે કે પુસ્તકોનાં પુસ્તકો ભરાય! ૧૦ મે સુધી ચૂંટણીનું વાતાવરણ કેવું રહે છે એના પર સૌની નજર છે. ૧૦મીએ ભારે મતદાન થવાની ગણતરી છે. ૧૩ મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. કોંગ્રેસ તેમ જ ભાજપ બંને માટે એ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧ મે,૨૦૨૩)

No comments:

Post a Comment