Sunday 7 May 2023

BJP Changes Election Agenda to win

 સરદાર પટેલના સ્વપ્નનું શીર્ષાસન • કારણ-રાજકારણ :ડૉ.હરિ દેસાઈ• ઉત્તર કર્ણાટકની માંગને બદલે ધાર્મિક મુદ્દા • નેતાઓને ઠેકાણે પાડવા રાજ્યોનાં વિભાજનો • અખંડ ભારત માત્ર સ્વપ્ન જ રહેવાની ચિંતા

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajakaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”. 06 May,2023. You may read the full text on haridesai.com
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ખૂબ જ આક્રમક રીતે લડાઈ રહી છે પણ ગત ચૂંટણી પછીના મુદ્દાઓ બદલાયા કર્યા છે. અત્યારે ભાજપની ટોચની નેતાગીરી ઓપરેશન લોટસ થકી ત્રણ વર્ષ પૂર્વે મેળવેલી સત્તા ટકાવવા માંગે છે. સામે પક્ષે કોંગ્રેસ હિમાચલ પ્રદેશના અનુભવને આગળ વધારીને બેંગલુરુના વિધાનસૌધા (વિધાસભા)માં બહુમતી મેળવીને સત્તારોહણ કરવા આતુર છે. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે જેવો ઘાટ છે. ૧૦ મેના રોજ મતદાન પછી ૧૩ મેના રોજ સત્તા કોનાં હાથમાં જાય છે એનું નીરક્ષીર થઇ જશે. આજના તબક્કે ગત વિધાનસભા ચૂંટણી ભણી પણ એક નજર નાંખી લેવાની જરૂર ખરી. મે ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કુલ ૨૨૪માંથી ૧૦૪ બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉપસ્યો તો ખરો, પણ છ દિવસની સુલતાની જેવી યેદિયુરપ્પાના વડપણ હેઠળની સત્તા પછી બહુમતી સાબિત કરવાનું અશક્ય બન્યું એટલે વિપક્ષે બેસવું પડ્યું હતું. કોંગ્રેસના ૮૦ અને જનતાદળ (સેક્યુલર)ના ૩૭ સાથે મળીને જેડી (એસ)ના એચ.ડી. કુમારસ્વામીની સરકાર રચી શક્યા હતા. પરંતુ ત્યાં ૧૭ ધારાસભ્યો ખડી પડ્યા અને ઓપરેશન લોટસ કળા કરી ગયું.
પરાજય પછીની ઝુંબેશ
જોકે સીધી ચૂંટણીમાં કર્ણાટક રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા પછી “સારા વહીવટ માટે બટુક રાજ્યો”ના સમર્થક ભારતીય જનતા પક્ષ(ભાજપ) દ્વારા ઉત્તર કર્ણાટકને અલગ રાજ્યનો દરજ્જો આપવાની ઝુંબેશ આદરવામાં આવી હતી. ૨ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ભાજપના ધારાસભ્યોની હૂંફ સાથે ૧૩ જિલ્લાના ઉત્તર કર્ણાટક રાજ્યની માંગણીના ટેકામાં ખેડૂત,વિદ્યાર્થી અને અન્ય નાગરિક સંગઠનોએ બંધનું એલાન અપાયું. લિંગાયત પ્રભાવ હેઠળના આ ક્ષેત્રના મઠાધીશોએ પણ આ બંધને ટેકો જાહેર કર્યો હતો. બ્રિટિશ શાસકોએ ૧૯૪૭માં સ્વદેશ જતાં ભારતના વિભાજન ઉપરાંત ૫૬૫ જેટલાં દેશી રજવાડાંને મોકળાં કરી દઈ દેશને ચાળણી જેવો કરી દીધો હતો. નાયબ વડાપ્રધાન અને રિયાસત ખાતાના પ્રધાન સરદાર પટેલ અને એમના ખાતાના સચિવ વી.પી.મેનનના અથાગ પરિશ્રમના પરિણામે દેશી રજવાડાંને ભારતમાં ભેળવીને દેશની એકતાને મજબૂત કરાઈ હતી.
રાજ્યોનાં વિભાજનનો જ્વર
સરદાર પટેલે દેશી રાજ્યોના કરેલા એકીકરણને હવે તમામ રાજકીય પક્ષના શાસકો અને વિપક્ષે બેસનારાઓ પોતાના રાજકીય સ્વાર્થ કાજે ફરી ખંડિત કરીને નવાં નવાં રાજ્યોના નિર્માણ માટે આંદોલનો કરાવે છે. વાત સુશાસનની ભલે કરવામાં આવતી હોય, નજર તો રાજનેતાઓને વિવિધ હોદ્દે થાળે પાડવા ભણી રહે છે. કેન્દ્રમાં કોંગ્રેસના વડપણવાળી ડૉ.મનમોહન સિંહની સરકાર હતી ત્યારે વર્ષ ૨૦૧૪માં છેલ્લે આંધ્ર પ્રદેશના વિભાજનથી આંધ્ર પ્રદેશ અને તેલંગણ એ બંને રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં.એ પહેલાં કેન્દ્રમાં ભાજપના વડપણવાળી અટલબિહારી વાજપેયી સરકાર હતી ત્યારે વર્ષ ૨૦૦0માં ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને બિહારમાંથી ઝારખંડ અલગ રાજ્ય બન્યાં.જમ્મૂ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી નાંખવા ઉપરાંત બે કેન્દ્રશાસિત પ્રદેશને એક કરી દેવાના ભાજપના નરેન્દ્ર મોદીની સરકારના નિર્ણયથી આજે કુલ ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વ ધરાવે છે.આવતીકાલોમાં હજુ તો વધુ રાજ્યો માટેની માંગણીઓ ઊભી જ છે એટલે સૌથી વધુ વસ્તી ધરાવતા વિશાળ દેશ ચીન કરતાં પણ ભારતનાં રાજ્યોની સંખ્યા વધી જવી સ્વાભાવિક છે.
ઉત્તર કર્ણાટક રાજ્યનું બ્યૂગલ
કર્ણાટકના મોટાભાગના મુખ્યમંત્રી દક્ષિણ કર્ણાટકમાંથી જ આવ્યા છે. આવા સંજોગોમાં બેળગાંવ, બાગલકોટ, વિજાપુર, બિદર, કલબુર્ગી, યાદગીરી, બળળારી, રાયચૂર, ગડગ,ધારવાડ, હાવેરી, કોપ્પળ અને ઉત્તર કન્નડ એ ઉત્તર કર્ણાટકના ૧૩ જિલ્લા અન્યાયની લાગણી અનુભવે એ સ્વાભાવિક છે. દક્ષિણ કર્ણાટકમાં વોક્કલિંગા સમાજની વસ્તીનો પ્રભાવ છે. ઉત્તર કર્ણાટકમાં લિંગાયત વસ્તીનો પ્રભાવ છે.ઉપરાંત ૨૫ લાખ કરતાં વધુ મરાઠી વસ્તીવાળા બેળગાંવ, કારવાર, બિદર સહિતના પ્રદેશો તો પોતાને મહારાષ્ટ્રમાં સામેલ કરવા દાયકાઓથી આંદોલન કરીને હવે થાક્યા છે.યુવા પેઢી ભાજપ કે કોંગ્રેસ ભણી વળી છે.અહીં અલગ રાજ્યનો મુદ્દો પ્રભાવી બન્યો છે.ભાજપના બોલકા નેતાઓ અલગ રાજ્યની માંગણી કરીને પ્રજાને પોતાની સાથે જોડે છે.બેંગલુરુના વિકાસ માટે જ રાજ્ય સરકારનું બજેટ તૈયાર થતું હોવાની છાપ ઉપસે છે.હુકેરીના ભાજપી ધારાસભ્ય રહેલા અને ગત વર્ષે એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૨માં જેમનું મૃત્યુ થયું તે ઉમેશ વિશ્વનાથ કત્તી ઘણી મુદતથી ધારાસભામાં બેસતા હતા.એ પ્રધાન હતા ત્યારે પણ તેમણે અલગ ઉત્તર કર્ણાટક રાજ્યની માંગણી વિધાનસભામાં જ કરી હતી. મુખ્યમંત્રી થવાના આકાંક્ષી એવા આ વિવાદાસ્પદ નેતાએ એક તબક્કે કહ્યું હતું: “રાજ્યમાં કોંગ્રેસના ટેકે રચાયેલી સરકારના દક્ષિણ કર્ણાટકમાંથી ચૂંટાયેલા અને વોક્કલિંગા સમાજમાંથી આવતા મુખ્યમંત્રી કુમારસ્વામીએ આ વખતે ૫ જુલાઈએ આગામી વર્ષ માટે રજૂ કરેલા બજેટમાં ૮૫ ટકા નાણાફાળવણી દક્ષિણ કર્ણાટક માટે કરી છે. ઉત્તર કર્ણાટકને તો માત્ર ૧૫ ટકા રકમ જ ફાળવી છે.” ભાજપના ધારાસભ્યો થકી અલગ કર્ણાટક રાજ્યની રજૂ કરાતી માંગણીનો રાજ્યના પ્રધાન રહેલા અને અત્યારે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર વિરોધ કરીને તેમની એ વેળાની સરકાર અને કોંગ્રેસ પક્ષ અખંડ કર્ણાટક સમર્થક હોવાનું સ્પષ્ટ કરે છે.
બેળગાંવમાં વિધાનસભાનું ભવન
કર્ણાટક સરકારે દોઢેક દાયકા પહેલાં બેળગાંવમાં વિધાનસભાનું ભવન બાંધ્યું છે.એની પાછળનો હેતુ આ પ્રદેશને મહારાષ્ટ્રમાં જતાં અટકાવવાનો હોવા ઉપરાંત ભવિષ્યમાં અલગ રાજ્ય આપવાનો હોવાનું અહીંના મરાઠી સમાજના અગ્રણી અને અખબાર સમૂહના સંચાલક કિરણ ઠાકુરે આ લેખકને જણાવ્યું હતું. આ વિસ્તારમાંથી મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના સાત-સાત ધારાસભ્યો ચૂંટાતા હતા.છેવટે એ સંખ્યા ઘટતી ગઈ.આજે એકેય ધારાસભ્ય ચૂંટાતો નથી.ક્યારેક મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના અધ્યક્ષ રહેલા ઠાકુર કહે છે કે અમે તો મહારાષ્ટ્રમાં જોડાવા આતુર છીએ, પણ મહારાષ્ટ્રની નેતાગીરીને હવે અમને લેવામાં જાણે કે રસ રહ્યો નથી.
રાજ્યોની ભાષાવાર પુન:રચના
ભારત સરકારે વર્ષ ૧૯૫૩માં વિવિધ રાજ્યોની રચના અંગેના જનાક્રોશને ઠારવા માટે ત્રણ સભ્યોના રાજ્ય પુનર્રચના આયોગની નિમણૂક કરી હતી.એમાં જસ્ટિસ ફાઝલ અલી, કે.એમ.પણ્ણિકર અને એચ.એન.કુંજરુની નિયુક્તિ કરી હતી.વર્ષ ૧૯૫૫માં એનો અહેવાલ આવ્યો તો ખરો પણ ભાષાવાર પ્રાંત રચના સહિતની એમની ભલામણો અમલમાં મૂકવામાં ફરીને નવા ભડકા થયા.એ પંચે કરેલી ભલામણો રાજકીય શાસકોની અનુકૂળતા મુજબ અમલી બની. કેટલીક હજુ આજ દિવસ સુધી અમલમાં મૂકાઈ નથી. દા.ત. વિદર્ભ નામક અલગ મરાઠીભાષી રાજ્ય કરવાની ભલામણ એમણે કરી હતી,પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં વિદર્ભ અને તેલંગણ અલગ રાજ્યોની રચનાની ખાતરી આપનાર ભાજપના વાજપેયીના સમયગાળામાં વિદર્ભ અને તેલંગણની રચના થઇ શકી નહોતી.કારણ એ વેળા તેમના મિત્રપક્ષો અનુક્રમે શિવસેના અને તેલુગુ દેશમ પાર્ટીનો એ રાજ્યો આપવા સામે વિરોધ હતો. ટીડીપીના વિરોધ છતાં કોંગ્રેસની કેન્દ્ર સરકારે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી જીતવા માટે તેલંગણ રાજ્યની રચના કરી હતી.જોકે આંધ્ર અને તેલંગણ બંને રાજ્યોમાં કોંગ્રેસ પરાજિત થઇ હતી.ભાજપ ફરીને કેન્દ્રમાં સત્તામાં આવ્યા છતાં વિદર્ભનો પ્રશ્ન હજુય લટકે છે.
ઉ.પ્ર.– મહારાષ્ટ્રનાં વિભાજન
વર્ષ ૨૦૧૧માં એટલે કે ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીએ વિધાનસભામાં ઉ.પ્ર.ના ચતુર્ભાજનનો ઠરાવ મંજૂર કરાવ્યો હતો પૂર્વાંચલ,બુંદેલખંડ,અવધ પ્રદેશ અને પશ્ચિમ પ્રદેશ એમ ચાર રાજ્યોની રચનાનો તેમનો ઈરાદો હતો.તેમણે આ દાવ પણ રાજકીય લાભ ખાટવા માટે જ ખેલ્યો હતો,પણ એમના રાજકીય શત્રુ મુલાયમ-અખિલેશની યાદવ પાર્ટી એટલેકે સમાજવાદી પાર્ટીને સત્તાલાભ મળ્યો.મુલાયમ-પુત્ર અખિલેશ મુખ્યમંત્રી બન્યા. અત્યારે ભાજપી નેતા મહંત યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે.લોકસભાની ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશનાં સૂચિત ચાર રાજ્યો રચવા અંગે કેન્દ્ર કોઈ નિર્ણય કરીને ભાજપ લાભ ખાટી શકે છે.વાત આટલે અટકતી નથી.ભાજપની માતૃસંસ્થા આરએસએસની વર્ષ ૨૦૦૨માં કુરુક્ષેત્રમાં મળેલી પ્રતિનિધિ સભા (સંસદ)માં જમ્મૂ-કાશ્મીરના ત્રિભાજનનો ઠરાવ થયો હતો.વચ્ચે મુફ્તી સાથે “ઉત્તર-દક્ષિણ ધ્રુવ” જોડાણ સાબિત થયેલી પીડીપી અને ભાજપની સંયુકત સરકાર રહી ત્યાં લગી આ વાતને તડકે મૂકાઈ.પ્રતિનિધિ સભાના એ ઠરાવ મુજબ, જમ્મૂ અને કાશ્મીર ખીણ પ્રદેશ એ બંને અલગ રાજ્યો બને અને લડાખ એ કેન્દ્રશાસિત રહે. કેન્દ્રના ગૃહમંત્રી લાલકૃષ્ણ આડવાણી હતા ત્યારે એમણે સંઘની પ્રતિનિધિ સભાના ઠરાવને ફગાવ્યો હતો, પરંતુ મોદી સરકારે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત જરૂર કર્યું.
ડૉ.આંબેડકરની તર્કબદ્ધ છણાવટ
જોકે મહારાષ્ટ્રમાંથી અલગ ચાર રાજ્યો બનાવવાની ડૉ.બાબાસાહેબ આંબેડકરની તર્કબદ્ધ ભલામણ પાછળ નવરચિત રાજ્યોની આર્થિક સદ્ધરતા સહિતના મુદ્દાઓની છણાવટ થયેલી છે. હવે તો અલગ રાજ્યોની માંગણીઓ આવા અભ્યાસ અને તર્કને બદલે ભાવનાત્મક મુદ્દા ઊઠાવીને આંદોલન થકી કેન્દ્ર સરકારને માનવા ફરજ પાડવામાં આવે છે. બીજું રાજ્ય પુનર્રચના આયોગ નિયુક્ત કરવાનો વખત પાકી ગયા છતાં રાજકારણપ્રેરિત અને પ્રદેશ-સમાજને લગતા મુદ્દા ઉછાળીને નવાં રાજ્યોમાં સત્તા મેળવાય છે. અંતે તો ભાર કન્યાની કેડે જ એટલે કે પ્રજાને માથે જ આવાં રાજ્યો ચલાવવા માટેનું આર્થિક અને સામાજિક ભારણ આવે છે. શાસન આર્થિક શિસ્તને કડકાઈપૂર્વક અનુસરે એવી ગુજરાત સહિતનાં રાજ્યોને “કેગ”ના અહેવાલોમાં સલાહ અપાયા પછી પણ શાસકોની આંખ ઊઘડતી નથી.
મુનશીની સલાહ ગૂંજે બાંધીએ
ભાષાવાર પ્રાંતો કે રાજ્યોની રચનાનો સિદ્ધાંત ભારતમાં પ્રથમ રાજ્ય પુનર્ગઠન આયોગની ભલામણોથી સ્વીકારવામાં આવ્યો. એને પગલે અલગ અલગ રાજ્યોની રચના થતી રહી. મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય અલગ થયાં. છેક છેલ્લે તો અન્યાયને નામે એક જ તેલુગુ રાજ્ય આંધ્ર પ્રદેશમાંથી તેલંગણ અલગ પડ્યા સુધી આપણે ગતિ કરી છે. હિન્દીભાષી ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ ઉપરાંત ચાર રાજ્યોની રચનાની વાત તો ઊભી જ છે. હજુ પણ આંદોલનો થકી નોખાં રાજ્ય મેળવવાનાં રાજકારણ દેશને નવાં વિભાજનો ભણી લઇ જાય એ જોખમી સમય આવી પહોંચ્યો છે. આવા સમયે સરદાર-નેહરુના અનન્ય સાથી એવા ગરવા ગુજરાતી ક.મા.મુનશીએ “કુલપતિના પત્રો”માં નોંધેલા શબ્દોનું સ્મરણ થાય છે : “આપણી સંસ્કૃતિ અને ભાષાઓને જરૂર વિકસવા દો, પરંતુ તે રાષ્ટ્રને ભોગે નહીં.એકેએક ભાષાજૂથ, સંપ્રદાય ને સંસ્કૃતિ એકમ એ કદી ન ભૂલે કે ભારત એક ને અવિભાજ્ય છે.ભાષાવાર રાજ્યો ભલે રહે,પરંતુ ભાષાકીય અભિમાન ને ગાંડપણનો સર્વનાશ કરવો જ પડશે; નહીં તો આપણા સ્વપ્નનું મહાન,સમૃદ્ધ,ગૌરવભર્યું, એક ને અખંડ ભારત માત્ર સ્વપ્ન જ રહેશે.” ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૬ મે,૨૦૨૩)

No comments:

Post a Comment