Sunday 18 September 2022

Nitish Kumar for Opposition Unity


નીતીશની વિપક્ષી એકતામાં આગેકૂચ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         મિશન ૨૦૨૪ની ઝંઝાવાતી તૈયારી

·         ભારત જોડો પદયાત્રાને જનપ્રતિસાદ

·         બિહારમાં ભાજપનો જંગલરાજઆલાપ

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.18 September,2022.

બિહારમાં ભારતીય જનતા પક્ષનો સાથ છોડીને મુખ્યમંત્રી નીતીશ કુમારે જેવોને લાલુ-તેજસ્વીના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નો હાથ ઝાલ્યો કે ભાજપના નેતાઓ નહીં, કેન્દ્રમાં બેઠેલા નેતાઓને એકાએક જંગલરાજનું સ્મરણ થઇ આવ્યું. તમે અમારી સાથે હો તો સારા, પણ સામેવાળાની સાથે જાઓ કે તમને ભૂંડા ગણાવવાનું  કોરાસગાન શરૂ થયું સમજો.ગજગામી મુખ્યમંત્રી અને જનતાદળ (યુનાઇટેડ)ના સુપ્રીમો નીતીશ તો જંગલરાજની પ્રચારલીલાની તમા કર્યા વિના આગામી વર્ષ ૨૦૨૪ માટેની વિપક્ષી એકતા માટે ગમા-અણગમા છોડીને સામેથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કે જનતાદળ (સેક્યુલર)ના નેતા એચ.ડી.કુમારસ્વામી કે પછી મજબૂત મરાઠા નેતા શરદ પવાર કે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને મળવામાં સક્રિય છે. ભાજપના સર્વોચ્ચ નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર વર્તમાન હોદ્દે ચૂંટાવા માટેની શતરંજ પોતાના પક્ષમાં પ્રતિકૂળ નેતાઓને બાજુએ સારીને કરવાની વેતરણમાં છે. નીતીશ કુમારને તેમના પોતીકા પક્ષે અને તેલંગણના મુખ્યમંત્રી અને મોદીમિત્રમાંથી રાજકીય શત્રુ બનેલા કે.ચંદ્રશેખર રાવે વડાપ્રધાનપદના વિપક્ષી ઉમેદવાર જાહેર કરી દીધા હોવા છતાં નીતીશ હજુ સંકોચ દર્શાવી રહ્યા છે. જોકે મોદી વિરુદ્ધ નીતીશની ચોપાટ  વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ગોઠવાતી  લાગે છે. નીતીશ જે રીતે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને અન્ય વિપક્ષી મુખ્યમંત્રીઓ, આંધ્રપ્રદેશના જગનમોહન રેડ્ડી અને ઓડિશાના નવીન પટનાયક સહિતના, અને નેતાઓને સાથે લેવા તથા ચૂંટણી માટેનો એજન્ડા અત્યારથી ગોઠવી રહ્યા છે જોતાં  વડાપ્રધાન થવાના અભરખા ધરાવતા હોવાનું સ્પષ્ટ છે.કોંગ્રેસ અને મિત્ર પક્ષો તથા ડાબેરીઓને પણ નીતીશ સાથે લાવીને કેન્દ્રમાંથી ભાજપને દૂર કરવાના વ્યૂહ ઘડે છે.  દરમિયાન, રાહુલ ગાંધીની ભારત જોડો પદયાત્રાને મળતા જનપ્રતિસાદ અને પ્રારંભિક તબક્કે એની ટીકા કરવામાં ભાજપ માટે બૂમરેંગ થવાના સંજોગો સર્જાયા પછી નવા વ્યૂહ ઘડવામાં કેન્દ્ર અને કેટલાંક રાજ્યોમાં સત્તારૂઢ ભાજપ રમમાણ જણાય છે. મુખ્યધારાના મીડિયામાં રાહુલની પદયાત્રા ઓઝલ રાખવામાં આવ્યા છતાં સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોવા ઉપરાંત રાહુલની વિકૃત કરાયેલી પપ્પુની છબી ભૂંસાતી હોય એવા સંજોગો છે.  

નીતીશનો ચૂંટણી એજન્ડા

મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી થવાની નીતીશ સમર્થકોની મહેચ્છા પરિપૂર્ણ કરવા માટે નીતીશ કામે વળેલા લાગે છે. એમણે રાજ્ય તેજસ્વીને ભળાવીને કેન્દ્ર તરફ પ્રયાણ કરવાનો મનોમન સંકલ્પ કરી લીધો લાગે છે. ભાજપ કને આમ પણ દેશના ૨૮ વત્તા બે એટલેકે ૩૦ મુખ્યમંત્રીમાંથી માત્ર ૧૨ છે.  એમાંય કેટલાક તો ઉધારીના છે. કેટલાંક રાજ્યોમાં કોંગ્રેસની સરકારોને તોડીને કે ચૂંટણીમાં બહુમતી કોંગ્રેસને કે અન્ય પક્ષની મળી હોય છતાં સરકાર ભાજપે રચી હોય એવી સ્થિતિ છે. એકવાર, ટીના(ધેર ઈઝ નો ઓલ્ટરનેટીવ) પરિબળ એટલે કે ભાજપનો કોઈ વિકલ્પ નથી ભ્રમ ભાંગે તો વિપક્ષી એકતા અશક્ય નથી. ૧૯૭૭માં સર્વશક્તિમાન ઇન્દિરા ગાંધીનો પક્ષ નહીં, સ્વયં વડાંપ્રધાન ઇન્દિરા પણ પોતાની બેઠક હારી ગયાં હતાં બોલતો પુરાવો આપણી સામે છે. ૧૯૪૫માં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જીત અપાવનારા બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનો પક્ષ   વર્ષે યોજાયેલી સંસદની ચૂંટણી હારી ગયો હતો. સંભવતઃ એટલે નીતીશ અત્યારે પોતાને વડાપ્રધાનપદની રેસમાં નહીં હોવાનું જાહેર કરવાની સાથે આગામી લોકસભાની ચૂંટણી માટે નેરેટિવ ગોઠવી રહ્યા છે. પછાત રાજ્યોને પછાતપણાનો દરજ્જો આપવા સહિતની વાતો ગજવવા માંડ્યા છે. નીતીશના ક્યારેક ડેપ્યુટી રહેલા ભાજપ નેતા અને સાંસદ સુશીલ મોદી કહેવા માંડ્યા છે કે નીતીશ કેન્દ્રમાં મંત્રી હતા ત્યારે એમને બિહાર સહિતનાં રાજ્યોને પછાતના લાભ આપવા માટે સ્પેશિયલ સ્ટેટસની યાદ આવી નહીં અને હવે આવી. નીતીશ ગજગામી છે. કહે છે કે દિલ્હીમાં સરકાર બદલાતાં બિહાર સહિતનાં પછાત રાજ્યોને સ્પેશિયલ સ્ટેટસ અપાશે. નીતીશનો માસ્ટરસ્ટ્રોક ગણાય છે. દેશમાં અત્યારે અરુણાચલ પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, મણિપુર, મેઘાલય, નાગાલેંડ, સિક્કિમ, ત્રિપુરા અને ઉત્તરાખંડને વિશેષ દરજ્જો મળેલો છે. આવાં રાજ્યોને કેન્દ્ર તરફથી મળતી રકમના ૯૦% અનુદાન (ગ્રાન્ટ) તરીકે અને ૧૦% રકમ વિના વ્યાજે લોન તરીકે મળે છે.  મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્ર સરકાર પાસે એકથી વધુ વખત સરદાર પટેલના વતન કરમસદને સ્પેશિયલ સ્ટેટસ કે રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગણી કરતા રહ્યા છે પરંતુ કેન્દ્રમાં શાસનનાં આઠ વર્ષે પણ એમણે કરેલી માંગણીનો અમલ કર્યો નથી.

ભાજપ-જેડીયુ વચ્ચે દ્વંદ્વ

મિત્રો જયારે મિત્ર મટી જાય ત્યારે કેવું વર્તન કરે છે એનું ચિત્ર ભાજપ સાથે છેડો ફાડીને આરજેડી સાથે ફરીને ઘર માંડનારા નીતીશ કુમાર તથા તેમના ભાજપી મિત્રો વચ્ચે જોવા મળે છે. બિહારના બટકબોલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે એક ટ્વીટ કરીને તત્કાળ ડીલીટ કરવું પડ્યું. અમિતાભ બચ્ચન અને સંજય દત્તની ફિલ્મ કોંટેનો એક સીન શેયર કરીને બિહારના બેગૂસરાય ગોલીકાંડ અંગે અગાઉ સુશાસનબાબુ તરીકે મશહૂર  નીતીશ કુમારનું કેવું જંગલરાજ ચાલી રહ્યું છે એવો સંકેત આપવાની કોશિશ કરાઈ.જોકે રાહુલ ગાંધીની ભારત જોડો પદયાત્રા વિશેના ભાજપી વાર જેમ બૂમરેંગ થતા રહ્યા એવું કંઈક આમાં પણ થવાની શક્યતાએ ગિરિરાજસિંહે ડીલીટ કરવાની ફરજ પડી હતી. ભાજપ સાથેની અગાઉની  નીતીશ સરકારમાં તેમના નાયબ મુખ્યમંત્રી રહેલા સુશીલ મોદીએ નીતીશ પર વાર કરવાની કોશિશ કરી કે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે મોદીની રેવડી દાણાદાળ કરી નાંખી. નીતીશની સામે કરેલા આક્ષેપમાં રજૂ થયેલી બાબતો ખોટ્ટાડી હોવાનું દર્શાવતાં લલન સિંહે સુશીલ મોદી વિશે બડકા ઝુટ્ઠા પાર્ટી કે તિરસ્કૃત નેતા વિશેષણ વાપર્યું હતું.  આગામી દિવસોમાં આવાં વધુ મનોરંજક અને કમરપટ્ટા નીચે વાર કરવા જેવાં ઉદાહરણ આપણને રાજકીય મંચ પણ જોવા મળશે.

તિખારો

ઘરની ભીંતો ને ઝાંપો
એને એવો ધક્કો આપો
આઘે દૂર ક્ષિતિજે સ્થાપો
                  
ત્યાર પછી જુઓ !

ઘરની સંકડાશ રહેશે
ઓછો કૈં અજવાશ રહેશે
ગૂંગળામણના શ્વાસ રહેશે
                   
ત્યાર પછી જીવો !

મનોજ ખંડેરિયા

-મેઈલ: haridesai@gmail.com      (લખ્યા તારીખ: ૧૭ સપ્ટેમ્બર,૨૦૨૨)

No comments:

Post a Comment