Wednesday 20 April 2022

The dream of Nehru for Sardar Patel Memorial at Delhi not yet fulfilled

 

દિલ્હીમાં સરદાર સ્મારક કરવાનું પંડિત નેહરુનું સ્વપ્ન હજુ અધૂરું

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         પ્રથમ વડાપ્રધાન જવાહરલાલે ૧,ઔરંગઝેબ રોડ સરકારહસ્તક લીધો હતો

·         વલ્લભભાઈને રહેવા બંગલો દેનાર બનવારીલાલે કોર્ટે જઈ કબજો મેળવ્યો

·         કેન્દ્ર સરકારને ૧૦૦ કરોડમાં ખંડેલવાલ વલ્લભ-નિવાસ વેચવા તૈયાર હતા

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).

દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના વર્ષ દરમિયાન ભારતીય આઝાદીના જંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર અને  આઝાદી પછી પણ રાષ્ટ્રનિર્માણમાં અનન્ય યોગદાન કરનાર સરદાર વલ્લભભાઈ પટેલનું કોઈ જ સ્મારક રાજધાની દિલ્હીમાં નહીં હોવાની વાત સૌને કઠવી સ્વાભાવિક છે. વર્ષ ૧૯૪૬થી ૧૯૫૦ના ડિસેમ્બર સુધી રાષ્ટ્રનાયક સરદાર પટેલ દિલ્હીમાં જે “કોઠી” (બંગલા)માં રહ્યા એ ૧, ઔરંગઝેબ રોડ (હવેના ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ રોડ) ખાતે એ વેળાના વડાપ્રધાન  પંડિત જવાહરલાલ નેહરુ સરદાર પટેલનું સ્મારક કરવા માટે ઉત્સુક હતા. એના માટે એમણે એ વલ્લભ-નિવાસને સરકારહસ્તક લેવાનું પસંદ કર્યું હતું, પણ આ બંગલાના અસલી માલિક લાલા બનવારીલાલ સરકારના આ નિર્ણય સામે અદાલતે ગયા હતા. છેક ૧૯૬૩માં અદાલતી આદેશને પગલે તેમણે એનો કબજો મેળવ્યો હતો. પંડિત નેહરુ કે એમના વંશજોએ સરદાર પટેલ જેવા કોંગ્રેસના સૌથી શક્તિશાળી નેતાને અન્યાય કર્યો એની આજકાલ ગાજવીજ કરીને પોતાના રાજકીય રોટલા શેકવાના માહોલ વચ્ચે નેહરુએ આ જ બંગલાને સરદારના સ્મારક બનાવવાનો વિચાર કર્યાની વાત સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય પમાડે.જોકે આ હકીકત છે. સ્વયં નેહરુ અહીં સરદાર સ્મારક બનાવવા ઈચ્છુક હતા અને લાંબા  કાનૂની વિવાદને કારણે એ જીવતેજીવ એ ના કરી શક્યા. એ પછી તો સરદાર પટેલના અનન્ય પ્રેમી હોવાનો દાવો કરીને રાજકારણ ખેલનારા શાસકોએ પણ દિલ્હીમાં સરદાર સ્મારક માટે આજ દિન સુધી કશું કર્યું નથી.

વિઠ્ઠલભાઈના મિત્રનો બંગલો

લાલા બનવારીલાલ સરદારના મોટાભાઈ અને કેન્દ્રીય ધારાસભાના પ્રથમ હિંદી અધ્યક્ષ રહેલા બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલના મિત્ર હતા. સરદાર દિલ્હીમાં બિરલા સાથે રહેતા હતા ત્યારે બનાવારીલાલે સામે ચાલીને પોતાની કોઠી સરદારને રહેવા માટે આપી હતી. સરદારના નિધન પછી એ પરત મેળવવાના એમના પ્રયાસો પાછળનો તર્ક આ જ છે. જોકે અત્યારે ૧,ઔરંગઝેબ રોડ બંગલો બનાવારીલાલના પૌત્ર વિપુલ ખંડેલવાલના કબજામાં છે. અત્યારે એની કિંમત ૩૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ આંકવામાં આવે છે. સરકાર પોતે આ બંગલો ખરીદી લઈને ત્યાં સરદાર સ્મારક બનાવવામાં આવે એવી માંગણી સાથે સરદારપ્રેમી રામ અવતાર શાસ્ત્રી કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને મળીને પણ રજૂઆત કરી ચૂકયા હોવાનો અહેવાલ સંઘનિષ્ઠ સામાયિક “પાંચજન્ય”માં પણ ૨૦૨૧માં પ્રકાશિત થયો છે.એમાં વિવેક શુક્લાના અહેવાલમાં જણાવાયું છે કે સરદાર પટેલના ૧૯૫૦માં મૃત્યુ પછી સરકાર (નેહરુ) એમના બંગલાનું અધિગ્રહણ કરીને ત્યાં સરદાર પટેલનું સ્મારક બનાવવા ઈચ્છતી હતી. પરંતુ, બનવારીલાલ ખંડેલવાલના પરિવારને આ મંજૂર નહોતું. અદાલતમાં લાંબી લડાઈ પછી અંતે આ બંગલો બનવારીલાલ ખંડેલવાલના પરિવાર પાસે ગયો હતો. સરદાર પટેલ પોતે સ્મારકો અને પ્રતિમાઓના વિરોધી હતા એ એમણે મહાત્મા ગાંધીના નિધન પછી “હરિજન” (૨૨ ફેબ્રુઆરી ૧૯૪૮) તથા “હરિજનબંધુ”માં લખેલા લેખમાં સ્પષ્ટ કર્યું હતું. આમ છતાં, દિલ્હી સહિત  દેશમાં મહાત્મા ગાંધીથી લઈને અન્ય મહારથીઓનાં સ્મારકો અને પ્રતિમાઓનું નિર્માણ થતું હોય તો સરદાર પટેલનું સ્મારક દિલ્હીમાં ના થાય તો એ લોકનજરે તો ચડે છે.

વાજપેયીથી મોદી લગી

વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ દિલ્હીમાં સરદાર પટેલનું કોઈ સ્મારક નહીં હોવાથી એ વિશે નિવૃત્ત “કેગ” અને ભાજપી સાંસદ ટી.એન. ચતુર્વેદીના વડપણ હેઠળ ઉચ્ચસ્તરીય સમિતિ નિયુક્ત કરી હતી. વર્ષ ૨૦૦૨માં ૧,ઔરંગઝેબ રોડ રૂપિયા ૧૦૦ કરોડમાં વેચવા માટે બનવારીલાલના પૌત્ર વિપુલ ખંડેલવાલ તૈયાર હતા, પણ વાત કંઈ આગળ ના વધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દિલ્હીમાં સરદાર પટેલના સ્મારકની વાત ખૂબ કરતા હતા. સાથે જ કેન્દ્રની ડૉ.મનમોહન સિંહ સરકાર સમક્ષ સરદાર પટેલના વતન કરમસદને વિશેષ રાષ્ટ્રીય દરજ્જો આપવાની  એકથી વધુ વખત રજૂઆત કરી ચૂક્યા હતા.  કરમસદના સરદારપ્રેમી સંશોધક રશેષ પટેલ તો ગુજરાત સરકાર અને ભારત સરકારને મોદીનાં સંબંધિત ભાષણોની છાપેલી નકલો સાથે એમની માંગણીની યાદ દેવડાવતા રહ્યા હોવા છતાં આજ દિવસ સુધી દિલ્હીમાં સરદાર સ્મારક માટે કશું થયું નથી કે ના કરમસદને રાષ્ટ્રીય દરજ્જો અપાવવાની બાબતમાં કોઈ નક્કર પગલાં લેવાયાં છે. ઉલટાનું, વર્ષ ૨૦૧૪માં મોદી સરકારે દિલ્હીના લ્યૂટેન ક્ષેત્રના બંગલાઓને સ્મારકોમાં પરિવર્તિત કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું એના મંત્રી અરુણ જેટલીએ જ જાહેર કર્યું હતું. નવાઈ એ વાતની છે કે ૧૯૪૬માં વચગાળાની સરકારમાં સભ્ય-ગૃહ (ગૃહમંત્રી) થયા પછી નેહરુ સરકારમાં નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી, રિયાસત ખાતાના પ્રધાન અને માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી રહેલા સરદાર પટેલ ડિસેમ્બર ૧૯૫૦ લગી જ્યાં રહ્યા એ બંગલો સ્મારકમાં ફેરવી ના શકાય, પણ આ જ બંગલાની સામે પંચતારક હોટેલ કે અન્ય નિર્માણ થઇ શકે!

જોશી-પટેલની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષ ૨૦૧૭માં મુંબઈના જાણીતા લેખક દિનકર જોશી અને રાજકોટના પ્રવીણ પ્રકાશનના અધિપતિ ગોપાલ પટેલ  મળ્યા અને દિલ્હીમાં સરદાર સાહેબનું સ્મારક બનાવવા સંદર્ભે અગાઉ મોદી માંગણી કરતા રહ્યા હતા એનું સ્મરણ કરાવ્યું. જોકે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેવડીયા ખાતે સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બાંધવાનો તેમનો સંકલ્પ એ દિવસોમાં સાકાર થઇ રહ્યો હતો. એનું લોકાર્પણ તો ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ થયું. વડાપ્રધાન મોદીના એ મુલાકાતના શબ્દો ટાંકતાં ગોપાલભાઈ કહે છે કે ગુજરાતમાં પ્રતિમાના નિર્માણનું કાર્ય શ્રેષ્ઠ થઇ રહ્યું છે. અહીં દિલ્હીમાં તો ડૉ.આંબેડકર, કાંશીરામ ચૌધરી ચરણસિંહ વગેરેનાં સ્મારકો માટે ઘણા પ્રતીક્ષામાં જ છે. ટૂંકમાં, દિલ્હીમાં સરદારનું સ્મારકનું નિર્માણ નહીં કરાય એવો સંકેત જોશી-પટેલ સાથેની વડાપ્રધાનની વાતમાંથી મળતો હતો. થોડા સમય પહેલાં ટી.એન.ચતુર્વેદીનું મૃત્યુ થયું. એ પહેલાં એમણે આ લેખક સમક્ષ વારંવાર દિલ્હીમાં સરદાર પટેલનું સ્મારક નહીં હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. વાજપેયી સરકાર સમક્ષ રજૂ કરેલા સમિતિના અહેવાલની છેલ્લી નકલ ૨૦૧૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને એમની સમિતિના સભ્ય નરેન્દ્ર મોદીએ એમની પાસેથી મંગાવી હતી. આ સઘળી બાબત આ લેખક અગાઉ ચતુર્વેદી જીવતા હતા ત્યારે પણ વિગતે લખી ગયો છે. એ હકીકત છે કે સરદાર પટેલની ભવ્યાતિભવ્ય પ્રતિમા કેવડીયા ખાતે નિર્માણ પામી છે. આમ છતાં, સરદાર અમદાવાદ, મુંબઈ, દિલ્હી, લંડન સહિતનાં શહેરોમાં રહ્યા હોવાથી એમનાં જીવંત સ્મારક આવાં શહેરોમાં પણ થાય અને જ્યાં હોય તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર આર્થિક સહયોગ કરે એવી સરદારપ્રેમીઓની અપેક્ષા જરૂર રહે છે.

ઈ-મેઈલ:  haridesai@gmail.com             (લખ્યા તારીખ: ૧૮ એપ્રિલ, ૨૦૨૨)

No comments:

Post a Comment