Wednesday 9 February 2022

Worrisome Arunachal Pradesh

           ત્રણ દેશોની સીમા પરના અરુણાચલ પ્રદેશના ચિંતાજનક સંજોગો

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         ભારતના અવિભાજ્ય રાજ્યના પ્રદેશને દક્ષિણ તિબેટ લેખાવી ચીનનો દાવો

·         ખ્રિસ્તી મિશનરીઓ અને હિંદુવાદી સંગઠનો વચ્ચેના સંઘર્ષનાં નવાં ઉંબાડિયાં

·         આદિવાસીઓના ખ્રિસ્તીકરણને રોકવા ઇન્દિરા ગાંધીનો રામકૃષ્ણ મિશનને ટેકો

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Surat).

રાજકીય દ્રષ્ટિએ તો સાગમટે પક્ષપલટા કરાવીને રાજધાની ઇટાનગરને કબજે કરવાનું શક્ય છે; પરંતુ માત્ર વિપક્ષી કોંગ્રેસ જ નહીં, કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષના નેતાઓ કનેથી આવતા વાવડ ચિંતા ઉપજાવે તેવા છે. અરુણાચલ પ્રદેશમાં પરંપરાગત રીતે કોંગ્રેસનું શાસન રહ્યું છે. અત્યારે પણ જે સત્તામાં છે કે સાંસદ છે એ પણ ક્યારેક કોંગ્રેસસંલગ્ન વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા(એનએસયુઆઇ)માં કે યુવા કોંગ્રેસમાં જ રહ્યા હતા. ક્યારેક કોંગ્રેસી અને ભાજપી મુખ્યમંત્રી રહેલા ગેગાંગ અપાંગ તો સંઘ પરિવારની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સાથે સંકળાયેલા રહ્યા હતા. કોંગ્રેસી મુખ્યમંત્રી તરીકે પણ મુંબઈમાં અભાવિપના કાર્યક્રમોમાં એમને  સામેલ થતા આ લખનારે નિહાળ્યા છે. હાલના સંજોગો જુદા છે. છેલ્લાં ૩૪ વર્ષમાં પહેલીવાર અરુણાચલ પ્રદેશમાં આટલો બરફ પડી રહ્યો છે, પણ ચીન, મ્યામા (મ્યાનમાર) અને ભૂટાનથી ઘેરાયેલા આ રાજ્યનો બાહ્ય અને આંતરિક ઘટનાક્રમનો ગરમાટો ભારે  ચિંતા ઉપજાવે એવો છે. ઘરઆંગણે ખ્રિસ્તી મિશનરીઓ અને હિંદુવાદી સંગઠનો વચ્ચેનો સંઘર્ષ નવાં ઉંબાડિયાં સર્જે છે. પાડોશી દેશ ચીન અરુણાચલને દક્ષિણ તિબેટ ગણાવીનેકાં તો ભારતીય પ્રદેશમાં મકાન અને ગામ બાંધે છે કે પછી ચીની સેના અરુણાચલના નાગરિકોનાં અપહરણ કરી જાય છે. ભાજપના જ સ્થાનિક સાંસદો અને પક્ષની પ્રદેશ પાંખ  જ નહીં, દેશની રાજધાની નવી દિલ્હીથી પણ ભાજપના વરિષ્ઠ સાંસદ ડૉ.સુબ્રમણિયન સ્વામી પણ આ સંદર્ભે  ટ્વીટ કર્યા કરે છે. સરકારી સૂત્રો સબ સલામતની બાંગ પોકારે છે.

રાજ્ય ભાજપ અને ડૉ.સ્વામી

જોકે નિવૃત્ત બ્રિગેડીયર બી.ડી. મિશ્રાને રાજભવનમાં રાજ્યપાલ તરીકે  આરુઢ કરાયા હોય અને લશ્કરી દળોને સાવધ રખાયાં હોવા છતાં બધું સમુસૂતરું નથી. સીમા પર ચીન સાથે જ નહીં, પાડોશી રાજ્ય આસામ સાથે પણ વિવાદ ચાલે છે.  કોંગ્રેસી ગોત્રના ભાજપી શાસકો પોપટવાણી વદે છે કે છેક ૧૯૬૨માં કોંગ્રેસના શાસનમાં જે જમીનો ચીને ગપચાવી હતી એના પર ચીન અત્યારે બાંધકામ કરે છે, નવી ધૂસણખોરી કરી નથી. નવાં અપહરણો, ગામ વસવાયાની સેટેલાઈટ તસવીરો તથા અરુણાચલ ભાજપ થકી કરાતા વિરોધીદેખાવોની ડૉ.સ્વામી દ્વારા ટ્વીટ કરાતી તસવીરોને કેમ નકારવી એ એમને પણ સમજાતું નથી. અરુણાચલ પ્રદેશની જનતા માટે જ નહીં, સમગ્રપણે દેશ માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. નવાઈ તો એ વાતની છે કે જમ્મૂ-કાશ્મીરમાં જે પરમીટ પ્રથા સામે ભાજપના આસ્થાપુરુષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી જંગે ચડીને શહીદ થયા એ જ પરમીટ પ્રથા આજે પણ અરુણાચલના તવાંગ જેવા પ્રદેશની મુલાકાત લેવા માટે ભારતીય નાગરિકો માટે પણ અમલી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી ભાજપની સહોદર સંસ્થાની જે ટૂકડીઓ દર વર્ષે તિબેટ સંઘના ઉપક્રમે તિબેટને  સ્વતંત્ર કરાવવાના હેતુસર તવાંગ જાય છે એ પણ પ્રવેશ પરમીટ લઈને જ જાય છે! આ તવાંગનું ઐતિહાસિક મહાત્મ્ય પણ ઘણું છે. ૧૯૫૯માં તિબેટના ધાર્મિક અને રાજકીય નેતા દલાઈ લામા પોતાના હજારો અનુયાયીઓ સાથે તવાંગ માર્ગે ભાગીને ભારત આવ્યા હતા. તત્કાલીન વડાપ્રધાન પંડિત નેહરુએ એમને હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રાજ્યાશ્રય આપ્યો હતો. જમ્મૂ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ ૩૭૦ને રદ કરવાની ગાજવીજ કરનાર કેન્દ્ર સરકારે હજુ અરુણાચલ પ્રદેશ સહિતનાં ઇશાન ભારતનાં રાજ્યોમાં ૩૭૦ જેવા જ અનુચ્છેદ ૩૭૧ને યથાવત રાખ્યો છે એટલું જ નહીં, એને રદ નહીં કરવામાં આવે એવી વારંવાર ખાતરી પણ આપી છે.

ગલવાન ઘાટીથી ઓલિમ્પિક્સ

ચીન ભારતની સરહદે ખૂબ સક્રિય છે. લદ્દાખ સરહદે ગલવાન ઘાટીમાં ઘૂસણખોરી અને અથડામણો તાજી છે. ડૉ.સ્વામી ચીની બાબતોના નિષ્ણાત છે. એ પ્રશ્નસ્વરૂપે  ટ્વીટ કરતા રહે છે અને વડાપ્રધાનને મૂંઝવવાનો પ્રયાસ કરે છે. કેટલાક નિવૃત્ત લશ્કરી અધિકારીઓ પણ ચીની સેના ભારતના પ્રદેશમાં ઘૂસી આવ્યાના સંકેત પોતાના બ્લોગ અને અખબારી લેખોમાં આપતા રહે છે.   ચીને નેપાળને ઉશ્કેરીને ભારતના ત્રણ પ્રદેશો પર દાવો કરવા પ્રેરવા ઉપરાંત હમણાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના ગાળામાં અરુણાચલ પ્રદેશનાં ૧૫ સ્થળોનાં ચીની નામકરણ  કરાયાં છે. અગાઉ ૨૦૧૭માં પણ ચીને છ ભારતીય સ્થળોનું ચીની નામકરણ કર્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે દલાઈ લામા અરુણાચલ પ્રદેશની જયારે પણ મુલાકાતે જાય ત્યારે ચીન વિરોધ નોંધાવે છે. જોકે દાયકાઓથી ચીનના આવા વિરોધને અવગણીને પણ ભારતીય મહાનુભાવો ભારતના અવિભાજ્ય અંગ સમા અરુણાચલ પ્રદેશની  મુલાકાતે જતા રહ્યા છે. મ્યામામાં લશ્કરી બળવો કરાવીને ચૂંટાયેલી સરકારને ઉથલાવવા પાછળ પણ ચીન હોવાનું સ્પષ્ટ છે. ગલવાન ઘાટી પરના હુમલામાં સંડોવાયેલા  ચીની લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના અધિકારીને હજુ હમણાં જ ચીને ત્યાં યોજાવાની ઓલિમ્પિક્સમાં મશાલ સાથે નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો એટલે ભારતે ઓલિમ્પિક્સનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ સંદર્ભે પણ ભાજપના સાંસદ ડૉ.સ્વામી ટ્વીટ કરે છે કે પાંચ વર્ષમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની  ૧૮ વખતની વન-ટુ-વન બેઠકો અને પાંચ વખતની ચીનની મુલાકાતો –આપણા મીડિયાના મતે તમામ ઐતિહાસિક - છતાં બિન-રાજકીય ઓલિમ્પિક્સ ટાણે આવું? આવા તંગદિલીભર્યા સંબંધો અને કોરોના સમયે પણ ભારત અને ચીન વચ્ચેનો વેપાર તો કૂદકેને ભૂસકે વધતાં ૧૦૦ અબજ ડોલરને પણ પાર કરી ગયો છે!

હિંદીભાષી અરુણાચલનું હિંદુકરણ

અરુણાચલ પ્રદેશ સીમાવર્તી રાજ્ય હોવાથી શરૂઆતથી જ એના સામરિક મહત્વને પીછાણવામાં આવ્યું છે. અગાઉની નોર્થ ઇસ્ટ ફ્રન્ટીયર એજન્સી(નેફા)માંથી ૨૦ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવેલા અરુણાચલ પ્રદેશને ૨૦ ફેબ્રુઆરી, ૧૯૮૭ના રોજ રાજ્યનો  દરજ્જો પ્રાપ્ત થયો હતો. વિધાનસભાની પહેલી ચૂંટણી ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ થઇ હતી. આ વિસ્તારના આદિવાસીઓની ૫૦ જેટલી અલગ અલગ જાતિ અને બોલી છે. અહીં ખ્રિસ્તી મિશનરીઓની સક્રિયતાને જોતાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ વટાળ પ્રવૃત્તિ પર અંકુશ રહે એટલા માટે રામકૃષ્ણ મિશનને અહીં જોઈએ તેટલી જમીન ફાળવવાની નીતિ અપનાવીને શાળા-કોલેજો અને છાત્રવાસો સ્થાપવાની મોકળાશ કરી આપી હતી. ઇન્દિરાજીનાં માતુશ્રી શ્રીમતી કમલા નેહરુ રામકૃષ્ણ મઠ-બેલુરની મુલાકાતે જતાં હતાં. સ્વામી અભયાનંદ તેમના ગુરુ હતા. ઇન્દિરા પણ તેમની સાથે બેલુર મઠ જતાં હતાં અને રામકૃષ્ણ મિશન સાથે નિકટનો સંબંધ ધરાવતાં હતાં. ૧૪ લાખ જેટલી વસ્તી ધરાવતા આ રાજ્યમાં હિંદુ લઘુમતીમાં છે. જોકે અહીં હિંદી ભાષાનું ચલણ સવિશેષ છે. વર્ષ ૨૦૧૧ની છેલ્લી વસ્તી ગણતરી મુજબ, ૩૦.૨૬% ખ્રિસ્તી વસ્તી સામે ૨૯.૦૪ % હિંદુ વસ્તી અને ૧.૯૫ % મુસ્લિમ વસ્તી છે. મુખ્યમંત્રી પેમા ખંડૂ સહિતના કોંગ્રેસી ધારાસભ્યો સાગમટે ભાજપમાં જોડાયા પછી અહીં ભાજપનું શાસન છે. કેન્દ્રમાં પણ કિરણ રીજીજુ મંત્રી છે. જોકે ગોમાંસ ખાવાની અહીંની પરંપરાને કેન્દ્રના આ મંત્રી પણ સમર્થન આપતા રહ્યા છે.આમ છતાં, હવે અહીં હિંદુવાદી સંગઠનો વધુ સક્રિય બન્યાં છે. ખ્રિસ્તી મિશનરીઓ અને હિંદુ સંગઠનો વચ્ચે ટકરાવના બનાવો બનવા માંડ્યા છે. જોકે અહીંની શાંતિપ્રિય અને સેક્યુલર પ્રજા આવા ટંટાફસાદથી દૂર રહેવામાં માને છે. ભારત સરકાર અને રાજ્ય સરકારે અહીં કોમી એખલાસ જળવાય એ માટે સવિશેષ ધ્યાન આપવાની જરૂર ખરી.

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૭ ફેબ્રુઆરી, ૨૦૨૨)

                                                                                                                                   

No comments:

Post a Comment