Wednesday 23 February 2022

Remembering Gujarati Language

 

ત્રણ દાયકા પછી ભાજપ સરકારને એકાએક ગુજરાતી ભાષાનું સ્મરણ

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         ગુજરાતી, હિંદી અને અંગ્રેજીના ચલણનો  અભિનંદનીય નિર્ણય,પણ અમલનું શું?

·         દસમું પાસ યુવા મંત્રી હર્ષ સંઘવીને સૂજયું તે અત્યાર લગી અન્યોને ના સૂજયું 

·         ભાષા નિયામક અને જિલ્લા સર્વસંગ્રહની કચેરીઓને ધમધમતી કરવાની જરૂર 

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat)

ગુજરાતમાં છેલ્લાં ૨૭ વર્ષથી શાસન કરતા ભારતીય જનતા પક્ષની સરકારને શનિવાર, ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ એકાએક યાદ આવ્યું કે રાજ્યની ભાષા તો ગુજરાતી છે! માથે ચૂંટણી હોય ત્યારે પ્રજાને પ્રભાવિત કરવાના અનેક મુદ્દાઓ ફેંકવાના અને સામી છાવણીએ રહેલા અસંતુષ્ઠ જીવોને ગળે લગાવવાના ઓરતા જાગવા સ્વાભાવિક છે. રાજ્ય સરકારના જે વિભાગે ભાષા નિયામક અને જિલ્લા સર્વસંગ્રહ જેવા મહત્વના વિભાગોનું ધનોતપનોત કાઢ્યું છે એ જ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગે શનિવારે ફતવો બહાર પાડ્યો કે જાહેર સ્થળોએ જે બોર્ડ કે નિર્દેશ કરતાં સરકારી કે ખાનગી સ્થળોએ ફલક ગુજરાતીમાં લખવાં ફરજિયાત કરાયાં છે. આ ગુજરાતી કેવું લખાશે એ વિશે અત્યારે સરકાર માર્ગદર્શિકા બહાર પાડતી નથી, પણ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારથી એમની અધૂરી રહેલી એક મહેચ્છા પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર પૂરી કરે એવી શક્યતા પણ ખરી : મોદીએ શાળાના પહેલા ધોરણથી જ અંગ્રેજી વિષય દાખલ કરવો હતો, પણ એ વેળા ગુજરાત પ્રદેશ વિદ્યાભારતીના પ્રાંત પ્રમુખ હર્ષદ શાહે ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક સુદર્શનને વચ્ચે નાંખીને એનો અમલ થવા દીધો નહોતો. હા, એ વેળા બારડોલીમાં  હોન્ડાનો શોરૂમ ધરાવતા હર્ષદભાઈ પર મોદીકૃપા એવી વરસી કે માત્ર બીએસ.સી.(ગણિતશાસ્ત્ર) હોવા છતાં યુજીસીના નિયમોની ઐસી કી તૈસી કરીને શાહ બબ્બેવાર યુનિવર્સિટીના કુલપતિ જરૂર થયા.મૂળ બનાસકાંઠાના મજૂરા-સુરતનિવાસી હીરા વેપારી રમેશભાઈ સંઘવીના દસમું પાસ પુત્ર અને અત્યારની સરકારમાં એકદમ સક્રિય ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી પાસે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોનો વિભાગ પણ છે. એ વિભાગ હેઠળ રાજ્ય સરકારે ગુજરાતી ભાષાને સૌથી વધુ મહત્વ આપવા સંદર્ભે આદેશ બહાર પાડ્યો છે. અપેક્ષા એ કરીએ કે અત્યાર લગી ગુજરાતી ભાષાને બગાડવાનું કામ કરનાર સરકારી પત્રવ્યવહાર અને પરિપત્રોની ભાષા સુધારવાથી નવી ઝુંબેશ શરૂ કરવી પડશે.

મહારાષ્ટ્ર-તમિળનાડુનું અનુસરણ

નવી શિક્ષણ નીતિમાં ભારતીય ભાષાઓ અને સંસ્કૃતને વધુ મહત્વ આપવાની જોગવાઈ જરૂર કરાઈ છે. એનો પહેલાં પણ ક્યાં પ્રતિબંધ હતો? દુકાનો કે સંસ્થાઓનાં બોર્ડ ગુજરાતીમાં કરી નાંખવાથી ગુજરાતી ભાષાનું કલ્યાણ થઇ જશે એવું સરકાર માનતી હોય તો એ જરા વધુ પડતું છે. મહારાષ્ટ્ર અને તમિળનાડુમાં  આવા મુદ્દે તોફાનો થયાના અનુભવો આપણી સામે છે. એટલે જેમ ઉત્તરપ્રદેશ સરકારે  જાહેરસ્થળોએ પ્રેમીયુગલોને આંતરવા માટે ખાસ ટુકડીઓ રચી છે એવું ગુજરાત સરકાર અંગ્રેજીમાં કે હિંદીમાં બોર્ડ લગાવનારાઓને આંતરવા કે દંડિત કરવાની નીતિ અપનાવવા માંગે છે? ગુજરાતી માટેનો પ્રેમ માત્ર જાહેર કે ખાનગી મિલકતોનાં બોર્ડ પૂરતો રહેશે કે તમિળનાડુમાં જેમ તમિળ ભાષામાં મેડિકલ, ઇજનેરી કે એમબીએ જેવી પદવીઓનું શિક્ષણ અપાય છે એ રીતે ગુજરાતમાં પણ ગુજરાતી માધ્યમમાં વ્યાવસાયિક અભ્યાસક્રમોનું શિક્ષણ આપવાનું શરૂ કરાશે? એ યાદ રહે કે ગુજરાતમાં હિંદી તો વૈકલ્પિક વિષય છે.  ટોચના સરકારી અધિકારીઓની બદલી કે બઢતીના આદેશો સિવાય  ગુજરાત સરકાર કે રાજ્યની યુનિવર્સિટીઓ ગુજરાતીમાં જ પરિપત્રો બહાર પાડે છે એ બધું દ્વિભાષી કે ત્રિભાષી બનશે? પ્રશ્નો થવા સ્વાભાવિક છે. રાવણહથ્થો કે તંબૂરો સરખો કરવામાં રાવણું  જ ઊઠી જાય એવા સંજોગોમાં સરકારી આદેશોનો અમલ ક્યારે થશે એ સમજવું પડે. ઉત્તરપ્રદેશ ભણી મીટ માંડીને બેઠેલા ગુજરાતમાં મે મહિનાના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવે છે કે ડિસેમ્બરમાં નિર્ધારિત સમયે એ હજુ નક્કી નથી. એટલે આટલા ઓછા ગાળામાં જતાં જતાં આ સરકાર નિર્ણયોનો અમલ કરાવી શકે એ જરા વધુ પડતું લાગે છે.

ભાષાનિયામક કચેરીનું મહાત્મ્ય

ક્યારેક અનંતરાય રાવળ, હસિત બૂચ, કાલિદાસ ત્રિવેદી કે છેલ્લે છેલ્લે ભૌમિક વ્યાસ જેવાં વ્યક્તિત્વો ભાષા નિયામક તરીકે ગુજરાતભરમાં ગુજરાતી ભાષાની મહત્તા વધારવાની સાથે જ અંગ્રેજી – ગુજરાતીના સંબંધસેતુને મજબૂત કરતાં હતાં. કે.કા.શાસ્ત્રી  અને યોગેન્દ્ર વ્યાસ જેવા વિદ્વાન ભાષાશાસ્ત્રીઓ સનદી અધિકારીઓને જ નહીં  અખબારીઆલમમાં  પણ અન્ય રાજ્યોમાંથી આવનારા મહાનુભાવોને પણ ગુજરાતી શીખવવા માટે પરિશ્રમ કરતા હતા. દક્ષિણ ભારતીય આઇએએસ અધિકારીઓ પણ નર્મદ, દલપતરામ, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોળી “દર્શક’, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, રઘુવીર ચૌધરી, ભગવતીકુમાર શર્મા જેવા  ગુજરાતી સર્જકોની કૃતિઓ અંગે અંગ્રેજી અને ગુજરાતીમાં વિવેચન કરવાની ક્ષમતા ધરાવતા થતા હતા. એ દિવસોનું હવે માત્ર સ્મરણ જ રહે છે. હવે સાહિત્ય અને રાજકારણ સેળભેળ થઇ રહ્યું છે. સરકારી સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદમાં ક્રાંતિકારીઓની આહલ્લેક જગાવનારા કે સેક્યુલરવાદની બાંગ પોકારાનારોની તેમ જ વ્યક્તિપૂજકો તથા ચરણ પૂજકોની બોલબાલા છે. સરકારીતંત્રમાં અગાઉ જેવી મોકળાશ હવે રહી નથી. ક્યારેક ૧૦૦ જણાનો સ્ટાફ ધરાવતી અને બેનમૂન પ્રકાશનો કરનારી ભાષા નિયામકની કચેરી ઇન્ચાર્જના ય ઇન્ચાર્જ હેઠળ ચાલે છે. સ્ટાફ છે નહીં. જિલ્લા કલેક્ટરો જે ગુજરાતી ભાષામાં વહીવટ અંગે અહેવાલો પાઠવતા એ હવે રહ્યું નથી. જિલ્લા સર્વસંગ્રહની એટલે કે ગેઝેટિયરની કચેરીને હવે યુવા-સાંસ્કૃતિક કમિશનર કચેરીમાં ભેળવી દેવામાં આવી છે. નવી ભરતી થતી નથી. માત્ર ઘોષણાઓ થાય છે. અમલ અંગે કોઈ તંત્ર કાર્યરત નથી. જમાનો આઉટસોર્સિંગનો છે. જાહેર એકમો પણ જ્યાં આઉટસોર્સિંગમાં ચાલે છે એમ સરકારીતંત્રના હાર્દ સમા આવા વિભાગો પણ રગશિયા ગાડાની જેમ નામકે વાસ્તે ચાલે છે. બિનગુજરાતી આઇએએસ કે આઈપીએસ અધિકારીઓ સહિતનાએ પણ બે તબક્કે બે સ્તરની ગુજરાતી ભાષાની પરીક્ષા આપવી પડતી હતી. ચોપડે તો એ બધું છે પણ હવે માત્ર ખાનાપૂર્તિ જ થાય છે.

રાજ્યવ્યાપી અંગ્રેજીનો ફોબિયા

એવું નથી કે ગુજરાતના યુવાધનમાં બૌદ્ધિક ક્ષમતા નથી. અંગ્રેજી તો વિશ્વ વ્યવહાર માટેની અને દેશમાં પણ અન્ય રાજ્યો સાથેના વ્યવહારની ભાષા છે. વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે ગુજરાતમાં આવે છે. મુશ્કેલી એ છે કે  ગુજરાતની શાળાઓમાં આઠમા ધોરણનું છોકરું પણ ગુજરાતી લખી કે વાંચી ના શકવાનાં ઉદાહરણ મળે છે ત્યારે અંગ્રેજી આવડવાનો પ્રશ્ન જ ક્યાંથી પેદા થાય. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી  ઓફ બરોડાનું માધ્યમ અંગ્રેજી હોવા છતાં એના કેટલાક  સમારંભ અને બેઠકો  ગુજરાતીમાં ચાલતી હોય તો પછી બીજી યુનિવર્સિટીઓની તો વાત જ શી કરવી? સંસ્કૃતમાં પીએચ.ડી.ના મહાનિબંધ ગુજરાતીમાં લખનારા યુનિવર્સિટીઓમાં સંસ્કૃત વિભાગના વડા બનતા હોય તો ગુજરાતીમાં જ સંસ્કૃત ભણાવાય એ સ્વાભાવિક છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ અને કોલેજોનો ક્રેઝ વધ્યો છે જરૂર પણ એમાં ગુજરાતી કે અંગ્રેજી ભાષા કેવી ભણાવાય છે કે લખાવાય છે એની પરવા તંત્ર કરતું જ નથી. બદ્ધેબદ્ધું  રામભરોસે અને લોલેલોલ ચાલતું હોય તથા શિક્ષકો-પ્રાધ્યાપકોને પગાર અને ભથ્થાં તથા સરકારી ખાનાપૂર્તિમાં જ રસ હોય ત્યારે શિક્ષણનું સ્ટાર ઊંચું આવે જ ક્યાંથી? દહાડિયા શિક્ષકોથી શિક્ષણની ગુણવત્તા સુધારવાનું શક્ય નથી. સરકાર પાસે શિક્ષકો આજીજી કર્યા કરે અને સરકારી તંત્ર ઉપકાર કરતું હોય તે રીતે રાજકીય અનુકૂળતા મુજબના નિર્ણયો કરે ત્યારે ચાણક્યના ચિત્ર સાથે “શિક્ષક કભી સાધારણ  નહીં હોતા”નું  સૂત્ર વર્ગખંડની  દીવાલેથી ઉતારીને આચરણમાં  ના જ આવે. વાત સરકારી કે શિક્ષણના તંત્રની ટીકાની નથી, આત્મનિરીક્ષણની છે. સંવેદના અને તર્ક મરી પરવારે ત્યારે ઘેટાંબકરાં જેવો ઊંધું ઘાલીને અનુસરણ કરનાર સમાજ જ પેદા થાય, થિન્કિંગ બ્રેઈન્સ એમાં પ્રગટે એવી અપેક્ષા જ નિરર્થક છે. શબ્દોના સાથિયા જેવાં કે ચિંતન-ચિરંતન જેવાં લખાણો નવી પેઢીની વિચાર અને તર્કની પ્રક્રિયાને ખતમ કરી રહ્યાનું સૌથી મહાસંકટ અત્યારે આપણા માથે ઝળૂંબે છે એ રખે વિસરાય.

 

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૨) 

No comments:

Post a Comment