Sunday 27 February 2022

Dangers of Scrapping Indus Treaty with Pakistan

સિંધુ જળ સંધિ તોડવામાં બકરું કાઢતાં ઊંટ ઘૂસે

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         વાજપેયી-મોદી પાકને પાઠ ભણાવવા ઇચ્છુક

·         પુનર્વિચારમાં ચીન અને અફઘાનિસ્તાન ખાબકે

·         ચૂંટણી ટાણે તો લોકરંજક વાતો જ થતી હોય છે

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”. 27 February, 2022.  

સિંધુ નદીનાં જળમાં ગમે ત્યારે આગ લાગવાની આશંકા પ્રબળ રહે છે. પાકિસ્તાનમાં પહેલી માર્ચથી ત્રીજી માર્ચ દરમિયાન સિંધુ જળ સંધિ અંગેના કાયમી આયોગની ૧૧૭મી બેઠક મળવાની છે.  ભારતનું ૧૦ સભ્યોનું પ્રતિનિધિમંડળ સિંધુ જળ કમિશનર પ્રદીપકુમાર સકસેનાના વડપણ હેઠળ ૨૮ ફેબ્રુઆરીએ પાકિસ્તાન જઈને પાકિસ્તાન પક્ષના સિંધુ જળ કમિશનર સઈદ મુહમ્મદ મેહર અલી શાહ સાથે બેઠક યોજાશે. દસેક વર્ષની લાંબી ચર્ચાવિચારણાને અંતે વર્ષ ૧૯૬૦માં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ સંધિ પર હસ્તાક્ષર કરનાર ત્રીજો પક્ષ વિશ્વ બેંક હતો. વિશ્વબેંકના એ વેળાના ઉપાધ્યક્ષ ડબલ્યૂ.એ.બી. ઈલીફે પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલાંક યુદ્ધ ખેલાયાં પણ સિંધુ જળ સંધિ ટકી છે. પાણીના મુદ્દાને આગળ ધરીને બંને દેશો વચ્ચે ભારે વિવાદ સર્જાય એવી  મડાગાંઠ ઊભી થઇ નથી. ફરિયાદ નિવારણ માટેના તંત્રની પણ એમાં જોગવાઈ છે. કેટલીકવાર તો હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ વિવાદ લઇ જવાયો હોય અને જે ચુકાદો આવ્યો હોય એને બંને દેશોએ સ્વીકાર્ય લેખ્યો છે. વડાપ્રધાનો અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદીના સમયગાળામાં આ સંધિ વિશે પુનર્વિચાર કરવા કે એને રદ કરવાના હાકલાદેકારા થયા છે જરૂર પણ એ માત્ર ચૂંટણી સભાઓ ગજાવવા પૂરતા જ સીમિત રહ્યા છે. મોદીએ તો સત્તારૂઢ થયા પછી વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૯ સહિતનાં વર્ષોમાં સિંધુ જળ સંધિનો વિવાદ ખૂબ ગજવ્યો હતો. સદનસીબે આ વખતે પંજાબમાં વિધાનસભા ચૂંટણી ટાણે સિંધુ જળ સંધિ અંગે પુનર્વિચાર કરવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો નથી.

સંધિ તોડવાનાં દુષ્પરિણામ

વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાનપદે આરુઢ થયેલા નરેન્દ્ર મોદી વારંવાર ચૂંટણી સભાઓમાં સિંધુ જળ તો ભારતીય ખેડૂતો માટે છે કે પછી રક્ત અને પાણી એકસાથે વહી ના શકે એટલે કે પાકિસ્તાનના આતંકી અટકચાળા સામે સિંધુ જળ સંધિ તોડીને પાકિસ્તાન તરફ જતાં પાણીને રોકીશું વગેરે ધમકીઓ ઉચ્ચારતા હતા. અગાઉ ડિસેમ્બર ૨૦૦૧ અને જાન્યુઆરી ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયી વડાપ્રધાનપદે હતા ત્યારે  સંસદ પર તથા અન્ય આતંકી હુમલા થયા હતા ત્યારે સિંધુ જળ સંધિ તોડી નાંખવાની સલાહ એમને સલાહકારોએ આપી હતી. જોકે એ વેળા તેમની સરકારમાં જળ સંસાધન સચિવ તરીકે બાબુભાઈ નવલાવાલા જેવા વિશ્વસ્તરના નિષ્ણાત હતા. એમણે આ સંધિ તોડવા જતાં બકરું કાઢતાં ઊંટ ઘૂસી જવાની ધાસ્તી હોવા બાબત વડાપ્રધાન વાજપેયીને ચેતવ્યા હતા. મોદીયુગીન ચૂંટણીઓમાં પણ જાહેર મંચ પરથી વડાપ્રધાન મોદીએ સિંધુ જળ સંધિ તોડવાની કે પાણી રોકવાની ગળચટી વાતો કરીને વાહવાહી લૂંટી તો હતી, પણ આ તબક્કે પણ નવલાવાલાએ સંધિ તોડવા કે એની સમીક્ષા કરવા જતાં ચીન અને અફઘાનિસ્તાન એમાં પોતાના દાવા સાથે ઘૂસશે એ વાતે વડાપ્રધાનને ચેતવ્યા હતા. સંભવતઃ એટલે જ આ  વખતની વિધાનસભા ચૂંટણીઓમાંથી સિંધુ જળ સંધિ તોડવા કે તેની સમીક્ષા કરવાનો કે પાણી રોકવાનો મુદ્દો ગાયબ રહ્યો છે. નવલાવાલા ભરૂચના ગુજરાતી છે.મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને પોતાના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. એ પછી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી પણ મુખ્યમંત્રીઓ આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીના ય એ સલાહકાર રહ્યા.

જળ સંધિની જોગવાઈઓ

 મે ૧૯૪૮માં નક્કી થયું હતું કે ભારતે પાકિસ્તાનને પાણી આપવા સાટે અમુક રકમ વસુલ કરવી. ૧૯૫૧માં એ મુદ્દે મડાગાંઠ ઊભી થઇ ત્યારે વિશ્વ બેંક બંને દેશોના સિંચાઈ પ્રકલ્પોને આર્થિક સહાય કરવા માટે તૈયાર થઇ હતી.  એ પછી સતત ચાલતી રહેલી મંત્રણાઓને અંતે છેક ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૦ના રોજ કરાંચીમાં વડાપ્રધાન નેહરુ અને રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે આ સંધિને આખરી ઓપ આપી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અ સંધિમાં સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ એમ છ નદીઓનાં જળની વહેંચણી અંગેની જોગવાઈ છે.આ નદીઓ નીકળે તો છે અત્યારના ચીનના તિબેટ પ્રદેશમાંથી અને અફઘાનિસ્તાનના અમુક વિસ્તારમાં પણ અમુક નદી વહે છે પરંતુ આ સંધિ માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે જ થયેલી છે. ચીનના  તિબેટમાંથી જ નીકળતી બ્રહ્મપુત્ર નદીનાં પાણી વાળી લેવાના અને એના પર ડેમ બંધાવાના ચીની અટકચાળા ભારત અને બાંગલાદેશની પાણીની જરૂરિયાતને પ્રતિકૂળ અસર કરે છે. ૧૯૪૭માં બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા થયા પછી જળની વહેંચણીનો મુદ્દો સામે આવ્યો હતો.  જળ વહેંચણી અંગે થયેલી સમજૂતી મુજબ, પશ્ચિમની નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબનાં ૮૦% જળ (૧૩૫ મિલિયન એકર ફીટ) પાકિસ્તાનને ફાળે જાય અને એમાંનાં ૨૦ % (૩૩ મિલિયન એકર ફીટ)  જળ પર ભારતનો હક રહે. એ સિંચાઈ, ઊર્જા ઉત્પાદન અને પરિવહન માટે વપરાશમાં લઇ શકાય. પૂર્વની સતલજ, રાવી અને બિયાસનાં જળ ભારત જ વાપરી શકે. પશ્ચિમની નદીઓનાં ૩.૬ મિલિયન એકર ફીટ પાણીનો ભારત સંગ્રહ કરી શકે પરંતુ ભારતે આ માટે જળસંગ્રહ સુવિધા ઊભી નથી કરી એટલે ૨થી૩ મિલિયન એકર ફીટ પાણી પાકિસ્તાનમાં વહ્યું જાય છે. મોદી ચૂંટણી સભાઓમાં આ પાણીને રોકવાની ગાજવીજ કરતા રહ્યા છે પરંતુ રોકવા માટે સુવિધા જ ના હોય ત્યાં એને ભારતમાં રોકી રાખવાનું શક્ય જ નથી. ભારત પોતાની બાજુ ડેમ બાંધે કે વીજળી ઉત્પાદન એકમ સ્થાપે ત્યારે પાકિસ્તાન એ સામે વાંધા લે છે જરૂર, પણ એ ઉકેલવા બાબત સિંધુ જળ આયોગ તથા અન્ય મંચની સુવિધા છે.

ઉરી-પુલવામા હુમલો

પાકિસ્તાનના આતંકી હુમલા કરવાના અટકચાળા સામે વડાપ્રધાન મોદીએ નદીઓનાં જળ રોકવાની ધમકી ઉચ્ચારી હતી. ૨૦૧૬ના ઉરી હુમલામાં ૧૯ જવાનો શહીદ થયા હતા જયારે  ૧૪ ફેબ્રુઆરી  ૨૦૧૯ના પુલવામા આતંકી હુમલામાં ૪૦ જેટલાસીઆરપીએફના  જવાનો શહીદ થતાં ભારતે ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ બાલાકોટ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભારત-પાકના તંગ સંબંધો વચ્ચે પણ પાણી બંધ કરવાના શસ્ત્રનો ઉપયોગ કરવાનું ના શક્ય છે અથવા તો ના ભારત પાસે એ માટે પૂરતી જળસંગ્રહણ ક્ષમતા ઉપલબ્ધ છે. પાકિસ્તાનની ૯૦ % ખેતી સિંધુ જળ સંધિ હેઠળ તેણે મળતા પાણી પર આધારિત છે.તિબેટના માનસરોવર પાસેના  રક્ષાસ્થલ સરોવરમાંથી નીકળતી સતલજ નદી હિમાલયમાં થઈને ૧,૫૫૦ કિલોમીટર સુધી વહે છે. એના પર ભાખરાનાંગલ ડેમ બાંધવામાં આવેલો છે.સતલજ નદીનાં જળ પ્રદૂષિત થઇ રહ્યાં છે પણ એને લંડનની થેમ્સ નદીની જેમ શુદ્ધ કરી શકાય.તિબેટથી નીકળીને છેક કરાંચી સુધી વહેતી વિવિધ નદીઓના પ્રવાહને રોકવા તથા એ મુદ્દે મડાગાંઠ સર્જવા બાબત કોશિશો થતી રહે છે, પણ સિંધુ જળ સંધિ છે ત્યાં લગી એના ઉકેલની પ્રક્રિયા અખંડ રહેશે.

તિખારો

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ખળખળતાં ઝરણાં, લીલાં તરણાં, ચરતાં હરણાં, ઠેક ભરે

કંઈ શ્વેત સુવર્ણા, નીલં વરણાં કંકુ ચરણાં ફૂલ કરે

મધુકર ગુંજારં, ભાત અઢારં, બની બહારં બૃદવાળી

હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

કવિ દાદ

 ઈ-મેઈલ: haridesai@gmail.com     (લખ્યા તારીખ:  ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૨)

No comments:

Post a Comment