Sunday 2 January 2022

Victory in Elections only Aim

યેન કેન પ્રકારેણ વિજયપતાકા લહેરાવવાના મનસૂબા

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         મોદી માટે ઉ.પ્ર.માં જીત અનિવાર્ય

·         બંગાળ સહિતના પરાજયથી ચિંતા

·         ગુજરાતમાં નરેશ પટેલનો પડકાર

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.2 January,2022. 

લાગલગાટ પશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર અને ભાજપ શાસિત રાજ્યોની વિધાનસભાઓની છેલ્લી પેટા ચૂંટણીઓમાં પણ વિપક્ષો આગળ નીકળી ગયા પછી હવે ચૂંટણી વર્ષ ૨૦૨૨ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વધુ આક્રમકતાથી વિધાનસભાની ચૂંટણીઓ લડી લેવાનું અનિવાર્ય બન્યું છે. વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી જીતવા માટે અને મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને ફરી મુખ્યમંત્રી બનાવવા પડે એવા હાકલાદેકારા થવા માંડ્યા છે. છેલ્લી વિધાનસભાઓની ચૂંટણીઓ ટાણે જ જે રીતે કેન્દ્રીય એજન્સીઓ કામે વળી હતી એવું જ ચિત્ર અત્યારે ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સત્તા મોરચામાં આવે એવા અણસારે સન્નિપાત અનુભવાતો હોય એવાં દ્રશ્ય ઉપસે છે ત્યારે કેન્દ્રના મુખિયાઓ વારંવાર પ્રદેશની મુલાકાતે જવા માંડ્યા છે. વચનોની લહાણી, ધાર્મિક સંદેશ પહોંચાડવાની કોશિશો અને ધર્મ સંસદોનું આયોજન અંતે તો મત અંકે કરવાની કવાયતોનો હિસ્સો જ છે. પશ્ચિમ બંગાળ સહિતનાં ત્રણેય રાજ્યોમાં કેન્દ્રીય એજન્સીઓનો કોરડો વીંઝાયો છતાં વિજયશ્રી તો વિરોધીઓને જ વરીએ અનુભવ સત્તા પક્ષના નેતાઓની નીંદર હરામ કરે એ સ્વાભાવિક છે. ખેડૂતોના વરસ જેટલા લાંબા આંદોલનને સમાપ્ત કરવા માટે ત્રણેય કાયદા પાછા ખેંચવા પડ્યા એ સ્વમાની રાજનેતાઓ અને શાસકોને કઠવું સ્વાભાવિક હોવા છતાં રાજકીય દ્રષ્ટિએ કરવું પડે એમ હતું.

બદલાતું રાજકીય ચિત્ર

હજુ ગઈકાલ સુધી જે કોંગ્રેસી નેતાઓ અને મુખ્યમંત્રીઓને ભાંડવામાં કોઈ મણા રાખી નહોતી એમની સાથે જુગજુગના પ્રેમ વ્યક્ત કરીને ચૂંટણી જોડાણ કરવાં પડે એ પણ રાજકીય વિવશતા જ કહેવાય. કોઈપણ ભોગે સત્તા મેળવવા કે ટકાવી રાખવા માટે મૂછ નીચી કરવાની ફોર્મ્યૂલા અપનાવવી પડે છે. પોતાના સત્તા વાડામાંથી ઘણા હિજરત કરવા માંડ્યા છે. ઉત્તરાખંડમાં ભાજપની સરકાર હોવા છતાં મંત્રીઓ રાજીનામાં આપીને કોંગ્રેસના ખેસ ધારણ કરવા માંડ્યા છે. સામે પક્ષેથી કોંગ્રેસી મુખ્યમંત્રીઓને ભાજપી ખેસ પહેરાવવાની કવાયતો પણ ઘણું બધું કહી જાય છે.  ગુજરાતમાં ખોડલધામના મુખિયા નરેશ પટેલ કોંગ્રેસ ભણી ઢળી રહ્યા હોય ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાઓની ઘરવાપસી જ નહીં, નિષ્ઠાવંત ભાજપીઓ પણ નરેશભાઈની વહેલમાં ૨૧ જાન્યુઆરી પછી જોડાવા આતુર જણાય છે. ક્યારેક આંદોલન ત્રિપુટી તરીકે કોંગ્રેસને સત્તાની નજીક પહોંચાડવાનો યશ લેનારાઓ સાથે પણ સેટિંગ કરવાની વેતરણો સત્તા પરિવર્તનનાં સંકેત આપતા હોવાની અકળામણ અનુભવાવે છે.

વિપક્ષી મોરચાનાં એંધાણ

પશ્ચિમ બંગાળનાં ત્રીજીવાર મુખ્યમંત્રી બનેલાંતૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીની મુંબઈ કે દિલ્હીની મુલાકાતો અને નિવેદનો ભલે ગૂંચવાડા સર્જતા હોય, પણ એટલું નક્કી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના મોરચા સામે વિપક્ષનો મોરચો સંયુક્ત લડત અપાશે જ. વરરાજા કે વરરાણી કોણ છે એની ચિતા કરનારાઓ ટીવી ચેનલો કે ચૂંટણી સભાઓ ગજાવતા રહેશે; પણ ૨૦૨૪ના મે મહિનામાં વડાપ્રધાનપદના સંયુક્ત ઉમેદવાર તરીકે શરદ પવાર કે મમતા બેનરજી કે પછી  નવીન પટનાયક કે અખિલેશ યાદવ આવે તો બહુ આશ્ચર્ય પામવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની બંને સરકારો રચવામાં વ્યૂહાત્મક ટેકો આપનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવારે વડાપ્રધાન મોદી સાથેની અંગત ચર્ચાઓ અને ભાજપ સાથે રાષ્ટ્રવાદીના જોડાણની ઓફરના વટાણા વેરી નાંખ્યા છે. રાજકારણમાં ગમે ત્યારે ગમે તેની સાથે સહશયન થતાં હોય છે એ આઝાદી પછી આપણે નિહાળ્યું છે. પાર્ટી વિથ અ ડિફરન્સ થકી પણ આજે જે રાષ્ટ્રવિરોધી ગણાવાય છે એવા પક્ષો સાથે જોડાણ થયાં છે.

શરદ-સોનિયાની ધરી

કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના સર્વોચ્ચ નેતા મોદીની ઓફરને ફગાવીને પવારે સુવર્ણ તક ફગાવી છે.શરદરાવ કંઈ કાચા રાજકારણી નથી કે ભોળાભાવે  એ તક ગુમાવે.એમને મોદીને નન્નો ભણવાનાં દુષ્પરિણામોનો અંદાજ હોય જ. એમના ભત્રીજા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિકટના લોકોને સાણસામાં લેવાના પ્રયાસો થયા. જોકે પવાર દૂરનું ભાળે છે. ૮૦ વટાવી ગયા છે, પણ હજુ એ ઘણું કરી શકવાની સ્થિતિમાં છે. એ ગાંજ્યા જાય તેમ નથી.   મમતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેના એમના સંપર્કો આવતા દિવસોમાં ઘણું બધું કરવાનો માહોલ સર્જશે. શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસની સરકાર બે વર્ષ ચાલી અને હજુ અખંડ છે. જે પવાર અને એમના બીજા બે સાથીઓને મેં ૧૯૯૯માંકોંગ્રેસમાંથી અધ્યક્ષ શ્રીમતી ગાંધીએ તગેડી મૂક્યા હતા એ જ પવાર આણિ મંડળીની રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે એ જ વર્ષના અંતમાં કોંગ્રેસે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે રાજ્યમાં ૧૫ વર્ષ સાથે મળીને રાજ કર્યું હતું. વાત એટલે જ અટકી નહોતી. કેન્દ્રમાં પણ આ બંને પક્ષોએ સાથે મળીને ૨૦૦૪થી ૨૦૧૪ લગી રાજ કર્યું. શિવસેનાની ૧૯૬૬માં સ્થાપના પાછળ કોંગ્રેસ જ હતી એ વાત રખે ભૂલાય. બાળ ઠાકરે અને પવાર અંગત મિત્રો રહ્યા છે. ઇન્દિરા ગાંધીની ઈમરજન્સીણે ઠાકરે ટેકો આપતા રહ્યા છે. એમણે છેક ૧૯૮૪માં ભાજપ સાથે ઘર માંડ્યું હતું. પવાર રાજ્યમાં વસંતદાદા પાટીલની સરકાર ઉથલાવીને મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપનાં પૂર્વ અવતારના નેતા એમની સરકારમાં હતા. આવતા દિવસોમાં ઘણીબધી આસમાની સુલતાની ગુજરાત સહિતનાં રાજ્યોમાં જોવા મળશે. ગુજરાત કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી સત્તાથી વિમુખ છે. નરેશ પટેલ આવતા દિવસોમાં શું કરે છે એના ભણી સૌની નજર મંડાયેલી છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત દેશ માટે વર્ષ ૨૦૨૨માં નિર્ણાયક સાબિત થવાનું છે એ નક્કી.

તિખારો

હું ગુલામ?
સૃષ્ટિબાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ?

સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;

સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા;
વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;

સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;

સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ?!

-          ઉમાશંકર જોશી

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: 1 જાન્યુઆરી, ૨૦૨૨)

No comments:

Post a Comment