Wednesday 29 December 2021

Sardar Patel on Glorifying Godse

                            સરદાર પટેલ તો રાષ્ટ્રપિતાના હત્યારા નથુરામ ગોડસેના મહિમામંડન વિરુદ્ધ હતા

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         આજે કાપુરુષ ગાંધીવાદીઓ મૂકપ્રેક્ષક બનીને મહાત્માનું ચરિત્રહનન નિહાળે છે

·         મૃત્યુ લગી ગાંધીજી ભાગલાનો સ્વીકાર કરી શક્યા નહોતા,સરહદના ગાંધી પણ

·         કાઇદ-એ-આઝમ ઝીણાને તો બંગાળ અને પંજાબ સાથેનું પાકિસ્તાન ખપતું હતું

·         ગાંધીજીની દ્રષ્ટિએ રા.સ્વ.સંઘ તો ‘સરમુખત્યારશાહી દૃષ્ટિકોણવાળી કોમી સંસ્થા’

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Gaurdian (Surat) and Sardar Gurjari (Anand).29 December, 2021. 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પુણ્ય સ્મરણની ઘડીએ એમના હત્યારા નથુરામ ગોડસેનું મહિમા મંડાણ ચોફેર થતું હોય અને ધર્મસંસદને નામે થતાં આયોજનોમાં હજુ પણ ગાંધીને શબ્દોની ગોળીએ કે સાચી  ગોળીએ દેવાતા હોય ત્યારે મન વ્યથિત થવું સ્વાભાવિક છે. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ આ અહિંસાના પૂજારીને માથાફરેલ નથુરામ ગોડસેએ ગોળીએ દીધા છતાં ગાંધીના વિચારથી સમગ્ર વિશ્વ આજે પ્રભાવિત છે. માત્ર ભારતમાં જ મહાત્માને ભાંડવાની લીલા વિનાઅવરોધે ચાલે છે. અગાઉ ગાંધીને મારવાના  અનેક પ્રયાસો થયા હતા. સરદાર પટેલ અને પંડિત નેહરુ પણ નથુરામ અને એના સમર્થકોના હીટલિસ્ટ પર હતા. પોતાના હત્યારાને પણ માફ કરવાના મતના અને ફાંસી આપવાના પણ વિરોધી રહેલા મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામને જીવતદાન દેવાના રાષ્ટ્રપિતાના પુત્રોના આગ્રહને એ વેળાના નાયબ વડાપ્રધાન અને  ગૃહમંત્રી સરદાર પટેલ અને વડાપ્રધાન પંડિત નેહરુએ (આ જ ક્રમમાં) નકારી કાઢ્યો હતો. સરદારે તો એ વેળા એટલે કે ૧૯૪૮માં જ નથુરામ ગોડસેનું મહિમામંડન થાય એવું કશું નહીં કરવાનો લેખિતમાં આગ્રહ સેવ્યો હતો. દીર્ઘદ્રષ્ટિ ધરાવનારા સરદાર પટેલને એ વેળા જે અંદેશો હતો એ જ અત્યારે થઇ રહ્યું છે. સત્તાપક્ષના સાંસદો પણ એમાં સામેલ છે. કમનસીબે ગાંધીજીના નામને આજીવન વટાવનારા કથિત ગાંધીવાદીઓ આજે મહાત્માના ચરિત્રહનનના મૂકપ્રેક્ષક છે અને ગોડસેના મહિમામંડન ભણી કાપુરુષની નજરે જોયા કરે છે.

ગાંધીજી ઉજવણીમાં સામેલ નહીં

બ્રિટિશ ઈંડિયાના વિભાજનની ઘોષણ થતાં ‘ઈન્ડિયા ધેટ ઈઝ ભારત’ તથા ‘પાકિસ્તાન’ નામના બે દેશોની સ્વતંત્રતાનો ઘટનાક્રમ પ્રતિ વર્ષ ૧૪-૧૫ ઓગસ્ટ આવતાંની સાથે જ હરખ અને ગમગીનીનો અહેસાસ કરાવે છે. મહાત્મા એ દિવસે આઝાદીની ઉજવણીમાં સામેલ નહોતા, પણ એમને ઉપવાસ રાખીને ભાગલાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.  ૩ જૂન, ૧૯૪૭ના દિવસે છેલ્લા બ્રિટિશ વાઈસરોય (અને પછીથી સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ) લોર્ડ માઉન્ટબેટને અંગ્રેજ શાસકો લંડન પાછા ફરી રહ્યાના સ્પષ્ટ સંકેત આપતાં બ્રિટિશ ઈંડિયાના વિભાજનની ઘોષણા કરી હતી. એ અનુસાર, ભારત સંઘ અને પાકિસ્તાન સંઘ અસ્તિત્વમાં આવે અને દેશી રાજ્યો (પ્રિન્સલી સ્ટેટ્સ) સમક્ષ ત્રણ વિકલ્પ ખુલ્લા રહેશે એવી જાહેરાતમાં તેઓ ભારત સંઘ સાથે જોડાઈ શકે અથવા તો પાકિસ્તાન સંઘ સાથે કે પછી પોતાને સ્વતંત્ર દેશ તરીકે જાળવી શકવા સ્વતંત્ર છે. ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ કરાંચીમાં રાજધાની ધરાવતા પાકિસ્તાનનું ઉદઘાટન થાય અને એના બીજા દિવસે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવે.

ડોસલાને પૂછ્યા વિના વિભાજન

વચગાળાની કોંગ્રેસ-મુસ્લિમ લીગની સરકારના કટુ અનુભવો અને ૧૬ ઓગસ્ટ ૧૯૪૬ના ‘ડાયરેક્ટ એક્શન ડે’ના અમલ હેઠળ કલકત્તામાં હિંદુઓની કત્લેઆમ જેવા મહંમદ અલી ઝીણા અને એમના મુસ્લિમ લીગ પ્રેરિત દુષ્ટ કૃત્ય પછી સહઅસ્તિત્વ અશક્ય બની ગયું હોવાથી સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નેહરુએ ‘ડોસલા’ મહાત્મા ગાંધીને પૂછ્યા વિના જ વિભાજનની ફોર્મ્યુલા સ્વીકારી લેવા માટે જીભ કચરી હતી. એટલે ગાંધીજીએ મનેકમને વિભાજનને સ્વીકારવા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. આમ છતાં ૪ જૂન, ૧૯૪૭ના રોજ દિલ્હીની વાલ્મિકી કોલોનીમાં ગાંધીજીના ઉતારે કોંગ્રેસ કારોબારી મળી ત્યારે ગાંધીજી અને ખાન અબ્દુલ ગફારખાન સિવાય કોઈ સભ્ય વિભાજન અંગેની વાઈસરોયની દરખાસ્તોના વિરોધમાં બોલ્યું નહોતું. ‘મારું કોઈ સાંભળતું નથી’ જેવા શબ્દોમાં વ્યથા ઠાલવનાર ગાંધીજીએ છેવટ સુધી મનથી ભાગલાનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ જવાહર અને સરદાર તો વાઈસરોયની દરખાસ્તો સ્વીકારવા બંધાયેલા હતા.

સરહદના ગાંધીની વ્યથા

સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનને ઝીણાના પાકિસ્તાન ભણી હડસેલીને પઠાણોને એકલા પાડી દેવામાં આવી રહ્યાની ચિંતા હતી એટલે તો ‘હમ તો તબાહ હો ગયે’ કે ‘યુ હેવ થ્રોન અસ ટુ ધ વુલ્ફ્સ’ જેવો આર્તનાદ વ્યક્ત કર્યો. કોંગ્રેસપ્રમુખ આચાર્ય કૃપલાની આખું આયખું ગાંધીજી ભણી રાજકીય દૃષ્ટિએ સમર્પિત રહ્યા, છતાં આવી દ્વિધાની ક્ષણે ગાંધીનિષ્ઠા ગુમાવી બેઠા હતા. કારોબારીની બેઠકમાં નિમંત્રિત કરાયેલા જયપ્રકાશ નારાયણે જોકે વિરોધ કર્યો હતો. સત્યો અને અસત્યોની જબરી ભેળસેળથી ભરેલા પોટલાસમાન ‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’માં ‘મેં એકલાએ વિભાજનનો વિરોધ કર્યો’ એવી શેખી મારી પણ હકીકતમાં ભારતના ભાગ્યના નિર્ણયના તબક્કે મૌલાના સિગરેટો ફૂંકવામાં જ વ્યસ્ત હતા અને બોલવાનું ટાળ્યું હતું. ગાંધીજીએ તો ‘મારામાં આજે એટલી શક્તિ નથી, નહિ તો મેં એકલે હાથે બળવો કર્યો હોત.’ એવી ભાવના વ્યક્ત કરવાની સાથે જ ૧૪ જૂને કોંગ્રેસની મહાસમિતિમાં કારોબારીના ઠરાવને મંજૂર કરવા આગ્રહ કર્યા સિવાય છૂટકો નહોતો. પુરુષોત્તમદાસ ટંડનના નેતૃત્વમાં વિરોધી સૂર ઊઠ્યા છતાં કોંગ્રેસ મહાસમિતિએ ૧૫૭ વિરુદ્ધ ૨૯ની ભારે બહુમતીથી ભાગલાનો સ્વીકાર કરી લીધો. મુસ્લિમ લીગની કાઉન્સિલ નવમી જૂને દિલ્હીમાં મળી અને એણે નિર્ણય કરવાની સત્તા ઝીણાને સુપરત કરી.

રાજાધિરાજ એમ..ઝીણા

હિંદનું વિભાજન અટળ બન્યું. બંને સંસ્થાનોના ગવર્નર જનરલ એક જ રહે એવી માઉન્ટબેટનથી લઈને વડા પ્રધાન એટલી સુધીનાની ઈચ્છા હોવા છતાં ઝીણાની આડોડાઈને કારણે એ શક્ય ના બન્યું. છેલ્લી ઘડીએ પાકિસ્તાનના ગવર્નર જનરલના હોદ્દે ઝીણાએ પોતાની પસંદગી કરાવી એમાં વડા પ્રધાન એટલીએ ‘ઘમંડનું લક્ષણ’ નિહાળ્યું, જ્યારે માઉન્ટબેટનની ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્તિને ગાંધીજીનો ટેકો હતો. ૧૪ ઓગસ્ટે માઉન્ટબેટન દંપતીએ કરાચી જઈને નવા સંસ્થાનના ગવર્નર જનરલ તરીકે ખાસ વિધિપૂર્વક ઝીણાને જવાબદારીની સોંપણી માત્ર એકાદ કલાક જ ચાલેલા સમારંભમાં કરી. વાઈસરોયના પ્રેસ અટેચી એલન કેમ્પબેલ-જ્હોન્સને નોંધ્યુંઃ ‘તેઓ (ઝીણા) ખરેખર તો પાકિસ્તાનના રાજાધિરાજ, ધાર્મિક વડા, પાર્લામેન્ટના સ્પીકર અને વડા પ્રધાન, બધું જેમનામાં ભેગું થયું હોય તેવા કાયદે આઝમ છે.’ કોઈ એક વ્યક્તિને ફાળે જો વિભાજનનો જશ કે અપજશ વધુ જતો હોય તો તે મહંમદ અલી ઝીણાને’ એવી નોંધ એલન કરે છે. જોકે ભારતની સ્વતંત્રતાના ઉદ્ઘાટન પર્વમાં દસ લાખની જનમેદની ઊમટી હોવાની નોંધ સાથે તેમણે વિસ્તારથી એનું વર્ણન કર્યું છે. ‘બરાબર ઝંડો ફરક્યો ત્યારે જ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો... અશુભ ભાખનારાઓને ખોટા ઠરાવે તેવું શુભ શુકન થયું.’

નથુરામનું નર્યું જૂઠાણું

મહંમદ અલી ઝીણાને બંગાળ અને પંજાબ સાથેનું પાકિસ્તાન ખપતું હતું. બંગાળ અને પંજાબના ભાગલા જોઈતા નહોતા. સરદાર અને નેહરુ કજિયાનું મોં કાળું કરવાનું મન બનાવીને હિંદના ભાગલા માટે તૈયાર થયા, પણ બંગાળ અને પંજાબના ભાગલા કરાવવા તેઓ મક્કમ હતા. ગાંધીને કોઈ પણ પ્રકારના ભાગલા ખપતા નહોતા, પરંતુ પોતાને અજાણ રાખીને બંને પ્રકારનાં વિભાજનના કરવામાં આવેલા નિર્ણયને રાજકારણની વાસ્તવિક્તા તરીકે સ્વીકાર્યા પછી પણ અંતરથી કોઈ વિભાજનને એમણે માન્યતા નહોતી આપી. જોકે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસે વારંવાર પોતાની જુબાનીમાં મહાત્માને ભાગલા માટે જવાબદાર લેખાવે છે એ નર્યું જુઠ્ઠાણું છે. રાષ્ટ્રપિતાએ ભાગલાને મનથી ક્યારેય કબૂલ રાખ્યા નહોતા અને એટલે જ સ્તો ગાંધીજી ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના એ ઐતિહાસિક પર્વની દિલ્હી ખાતેની ઊજવણીમાં સામેલ થવાને બદલે રમખાણગ્રસ્ત નોઆખલી જવા માટે તેઓ કલકત્તાના બેલિયાઘાટાના હૈદરી મેન્શન નામના મકાનમાં હતા. ઉત્સવનો એ દિવસ ભાગલાના વિષાદનો પણ હતો. એટલે જ કાશ્મીરથી દિલ્હી થઈને કલકત્તા જવાને સરહાનપુરને મારગ એ સીધા જ કલકત્તા ગયા હતા. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭નો દિવસ ગાંધીજીએ ઉપવાસ કરીને અને વધુ કાંતીને ઊજવ્યો. પાકિસ્તાનના વડા પ્રધાન થયેલા સુહરાવર્દીએ પણ તે દિવસે રોજા રાખ્યા હતા.

સરત-સુહરાવર્દીનો  બંગાળ દેશ

ગાંધીજીએ મુસ્લિમ લીગી સુહરાવર્દી અને હિંદુ મહાસભાના ડો. શ્યામાપ્રસાદ મુકરજીના સહયોગથી કલકત્તામાં હિંદુ-મુસ્લિમ અથડામણ અને અવિશ્વાસને દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો. નોઆખલીમાં હિંદુઓ પર મુસ્લિમોએ આચરેલા અત્યાચાર ગાંધીજીને મન વસમા હતા. એટલે જ સ્તો એમણે નોઆખલી જવાનું પસંદ કર્યું હતું. હજુ બંને દેશની સરહદોનું નિર્ધારણ થવાનું બાકી હતું અને ઝીણાને કોઈ પણ ભોગે કલકત્તા અને આસામ સહિતનું બંગાળ પૂર્વ પાકિસ્તાન તરીકે અને આખું પંજાબ સહિતનું પશ્ચિમ પાકિસ્તાન ખપતું હતું. સુભાષચંદ્ર બોઝના ભાઈ સરતચંદ્ર અને સુહરાવર્દીએ સાથે મળીને અલગ બંગાળનું સપનું થોડા વખત માટે જોયું હતું, પણ એમણે જોઈએ તેટલો ટેકો મળ્યો નહીં. કલકત્તામાં ૧૫ ઓગસ્ટે ગાંધીજીની પ્રાર્થના સભામાં ૩૦ હજાર હિંદુ-મુસ્લિમ અને બીજે દિવસે ૫૦ હજાર લોકો હાજર હતા. હિંદુ-મુસ્લિમ એકતાના નારા લગાવતાં લોકો પ્રાર્થના સભા ભણી આગળ વધતાં હતાં. ગાંધીજીએ કલકત્તામાં એ દિવસોમાં મળવા આવેલા સ્કોટિશ ચર્ચ કોલેજના આચાર્ય રેવરંડ જ્હોન કેલાસ સાથેની પ્રશ્નોત્તરીમાં ગાંધીજીએ કહ્યું હતુંઃ ‘રાજ્ય (દેશ) ધર્મનિરપેક્ષ છે તેથી કોઈ સાંપ્રદાયિક શિક્ષણ-સંસ્થાને રાજ્યની તિજોરીમાંથી આર્થિક મદદ ન કરી શકે.’ સોમનાથના જીર્ણોદ્વાર વખતે પણ મહાત્માની આ જ નીતિરીતિ પ્રગટ થઈ હતી.

ગાંધીજીની અમાન્યાનો લોપ

વિજ્ઞાનના એક પ્રાધ્યાપક મહાત્મા ગાંધીને કલકત્તામાં મળ્યા. એમનો પ્રશ્ન હતોઃ ‘સ્વતંત્ર ભારત અમને અણુ બોમ્બ બનાવવાનું ફરમાન કાઢીને કહે તો અમારે શું કરવું?’ બાપુનો ઉત્તર હતોઃ ‘મરણના જોખમે પણ એનો પ્રતિકાર કરો. જે સાચા અર્થમાં વિજ્ઞાની છે તે એ સિવાય, બીજું કશું કરી જ ન શકે.’ નિર્મળ કુમાર બોઝે ‘માય ડેઝ વિથ ગાંધી’માં આ વાત નોંધી છે. ક્યારેક ગાંધીજીની કહ્યાગરી મનાતી કોંગ્રેસ છેક ૧૯૩૪થી એમની આમન્યાનો લોપ કરતી હોવાનું મહાત્માને પણ અનુભવાતું હતું. એમની સાથે અનેક નીતિઓ બાબતે મતભેદ પણ ધરાવતી થઈ ગઈ હતી. નારાયણ દેસાઈ ‘મારું જીવન એ જ મારી વાણી’ના અંતિમ ખંડમાં નોંધે છેઃ ‘છેવટે દેશના ભાગલાનો નિર્ણય પણ કોંગ્રેસી આગેવાનોએ ગાંધીજીના વિરોધને અવગણીને જ કર્યો હતો.’ આમ છતાં દેશના હિંદુવાદી સંગઠનો હિંદના ભાગલાના ગુનેગાર તરીકે મહાત્મા ગાંધીને જ ગણાવતાં રહ્યાં અને એમના ભણી ધિક્કારની લાગણીને ઉશ્કેરતાં રહ્યાં છે.

મહાત્માની નજરે રા.સ્વ.સંઘ

ગોડસેએ ગાંધીજીને ગોળીએ દીધા ત્યારે પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા આપવાના ગાંધીજીના આગ્રહના ટેકામાં ઉપવાસને જવાબદાર ગણાવાતા હોવા છતાં ગોડસે અને તેમના સાથીઓ તો ઘણા સમયથી એમની હત્યા કરવા પ્રયત્નશીલ હોવાનું તથ્યોને આધારે તારવી શકાય છે. ભાગલાનો ગાંધીજીએ છેલ્લે સુધી વિરોધ કર્યો હતો અને એ માટે જો કોઈએ સૌપ્રથમ સંમતિ આપી હતી તો એ સરદાર પટેલ અને પંડિત નેહરુ જ હતા. જોકે ગાંધીજી પોતાને સનાતની હિંદુ ગણાવતા હોવા છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ મહાસભા જેવા સંગઠનોની નેતાગીરીને એમની સ્પષ્ટ વાત કહી દેવાની વૃત્તિ-પ્રવૃત્તિ કઠતી હતી. ગોડસે વર્ષો સુધી સંઘનો સ્વયંસેવક રહ્યો અને પછીથી હિંદુ મહાસભા સાથે સંકળાયો. નાથુરામ ગોડસેના ભાઈ ગોપાલ ગોડસેએ પણ સંઘ સાથેના એમના પરિવારના સંબંધ છેક સુધી જળવાયાની બાબતને અખબારી મુલાકાતોમાં પણ કબૂલી છે. ગાંધીજીના અંગત સચિવ રહેલા પ્યારેલાલ લિખિત ‘મહાત્મા ગાંધીઃ પૂર્ણાહુતિ’ના ચાર ગ્રંથનો અભ્યાસ કરનારને સહેજે ખ્યાલ આવી જશે કે ગાંધીજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ‘સરમુખત્યારશાહી દૃષ્ટિકોણવાળી કોમી સંસ્થા’ ગણાવતા હતા અને દિલ્હીમાં જ નહીં, દેશના જુદા જુદા ભાગોમાંની મોટા ભાગની ખુનામરકીની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોવાનું દૃઢપણે માનતા હતા.

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૭ ડીસેમ્બર, ૨૦૨૧)

 

No comments:

Post a Comment