Sunday 16 January 2022

Politics in the name of Netaji Subhas Chandra Bose

 નેતાજીના નામે રાજકારણ ખેલવામાં દાયકાઓથી એમનાં અસ્થિફૂલ હજી જાપાનમાં

ઈતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ.દિવ્યભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ. ૧૬ જાન્યુઆરી,૨૦૨૨. વેબ લિંક:

https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/his-bones-are-still-in-japan-for-decades-playing-politics-in-the-name-of-netaji-129297217.html?media=1

·         સુભાષચંદ્ર બોઝનાં દીકરી અનિતાના આગ્રહ છતાં રેંકોજી ટેમ્પલમાંના અવશેષોનો DNA ટેસ્ટ નહીં

·         આઝાદ ભારતમાં સુભાષ જીવિત હોત તો તેમની પણ મહાત્મા ગાંધીની જેમ જ હિંદુવાદીઓએ હત્યા કરી હોત

·         નેહરુથી નરસિંહરાવ સુધીના વડાપ્રધાનોએ માન્યું કે નેતાજીનું 1945માં તાઈપેયીમાં મૃત્યુ થયું હતું

·         રાજેન્દ્ર પ્રસાદ, નેહરુ, ઇન્દિરા, વાજપેયી અને જસવંતસિંહે રેંકોજીની મુલાકાત લીધી, મોદીએ ટાળી

ભારતીય આઝાદી માટે જાપાનની મદદથી અંગ્રેજો સામે જંગે ચડેલા આઝાદ હિંદ ફોજ (ઇન્ડિયન નેશનલ આર્મી-INA)ના સર્વોચ્ચ નેતા નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસની એટલે કે 23 જાન્યુઆરીની દેશભરમાં મોટા પાયે ઉજવણીની આજકાલ ઘોષણાઓ થાય છે. આઝાદી મહાત્મા ગાંધીને કારણે નહીં પણ નેતાજી બોઝને કારણે મળ્યાની ગાજવીજ કરાવાય છે. મહાત્મા ગાંધીનું છડેચોક ચરિત્રહનન અને એમના હત્યારા નથુરામ ગોડસેનું મહિમામંડન થઇ રહ્યું છે. ગાંધી-નેહરુ સામે નેતાજીને મૂકવાનાં રાજકારણ બે પાંદડે છે. આમ છતાં, 18 ઓગસ્ટ, 1945ના રોજ તાઈપેયી વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા નેતાજીનાં અસ્થિફૂલ સાત સાત દાયકા કરતાં પણ વધુ સમયથી જાપાનના રેંકોજી પેગોડામાં સ્વદેશ પાછા ફરવાની પ્રતીક્ષામાં છે. નેતાજીનાં 79 વર્ષીય દીકરી અનિતા બોઝ ફાફ તથા બોઝ પરિવારનાં અનેકોની માગણી છતાં નેતાજીનાં અસ્થિફૂલનું DNA પરીક્ષણ કરાવાતું નથી. એટલું જ નહીં, એ અસ્થિફૂલની જાળવણી પાછળ ભારત સરકાર મોટી રકમ ચૂકવતી હોવા છતાં એમને ભારત લાવવાની દિશામાં કેન્દ્ર સરકાર કોઈ સક્રિયતા દાખવતી નથી.

ઝીણાને વડાપ્રધાનપદની ઓફર
નેતાજી બોઝ અંગ્રેજોના ભારત પરના કબજા સામે જાપાનના ટેકે જંગે ચડ્યા હતા ત્યારે ભારતમાં કોંગ્રેસના મોટાભાગના નેતાઓ જેલમાં હતા. સ્વાતંત્ર્યવીર સાવરકર જેવા હિંદુ મહાસભાના નેતાઓ અંગ્રેજોના પક્ષે રહીને બ્રિટિશ સેનામાં હિંદીઓને સામેલ કરાવી નેતાજી સામે હતા. મહાત્મા ગાંધીની ભારત છોડો હાકલનો સાવરકર અને મુસ્લિમ લીગના સર્વોચ્ચ નેતા મહમદઅલી ઝીણાએ વિરોધ કર્યો હતો. 1938 પછી બીજીવાર મહાત્મા ગાંધી અને સરદાર પટેલની અનિચ્છાએ કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયેલા નેતાજી બોઝ માટે કોંગ્રેસથી અલગ થઈને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરવાના સંજોગો સર્જાયા હતા. ભારતના ભાગલા ટાળવા માટે ઝીણાને સૌપ્રથમ સ્વતંત્ર ભારતના વડાપ્રધાનપદની ઓફર કરાયા છતાં પાકિસ્તાનના પ્રણેતા અડગ રહ્યા હતા. મહાત્મા ગાંધીએ પણ પાછળથી ઝીણાને સમજાવી લેવા વડાપ્રધાનપદની ઓફર કરી હતી પણ એ વાત ઝીણા કે બાપુના બંને પટ્ટશિષ્યો પંડિત નેહરુ અને સરદાર પટેલ સહિતની કોંગ્રેસ સ્વીકારવા તૈયાર નહોતી. નેતાજી જર્મની અને ઇટાલીના સરમુખત્યારો અનુક્રમે એડોલ્ફ હિટલર અને બેનિટો મુસોલિનીની મદદની અપેક્ષામાં નિરાશા સાંપડતાં છેવટે જાપાનના ટેકે આઝાદ હિંદ ફોજના માધ્યમથી બ્રિટિશ સામે લડી લેવા અને દિલ્હી ભણી કૂચ કરવા મેદાને પડ્યા હતા. એ વેળા મહાત્મા ગાંધી સાથેના મતભેદો ભૂલીને નેતાજીએ જુલાઈ 1944માં રંગૂન રેડિયો પરથી જે ભાષણ કર્યું એમાં સૌપ્રથમવાર ગાંધીજીને રાષ્ટ્રપિતા ગણાવીને એમના આશીર્વાદ માગ્યા હતા.

નેતાજી જીવિત હોવાની કિંવદંતી
કમનસીબે, દ્વિતીય વિશ્વ યુદ્ધના અંગ્રેજો સામેના નેતાજીના નેતૃત્વના આ જંગ વેળા જાપાને શરણાગતિ સ્વીકારી અને નેતાજીનું તાઈપેયી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. નેતાજીનું વાસ્તવમાં મૃત્યુ થયું હતું કે કેમ એ વિશે અનેક થિયરીઓ ચલાવાતી રહી છે. એ વિશે તપાસ પંચો પણ નિયુક્ત થતાં રહ્યાં છે. વડાપ્રધાન પંડિત નેહરુથી લઈને વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ સુધીનાઓએ સંસદમાં પણ કહ્યું કે નેતાજીનું મૃત્યુ તાઈપેયી વિમાન દુર્ઘટનામાં થયું હતું, છતાં નેતાજી રશિયામાં કે ભારતમાં કોઈ બાબાના ગુપ્તવેશે જીવિત રહ્યાની વાતો ચલાવાતી રહી છે. છેલ્લે વાજપેયી સરકારે નિયુક્ત કરેલા જસ્ટિસ મનોજ કુમાર મુખરજી તપાસ પંચે 8 નવેમ્બર, 2005ના રોજ જે અહેવાલ ભારત સરકારને સુપરત કર્યો એમાં નેતાજીનું મૃત્યુ તાઈપેયી વિમાન દુર્ઘટનામાં નહીં થયાનું અને જાપાનમાં રેંકોજી મંદિરમાં જે અસ્થિફૂલ છે તે નેતાજીનાં નથી એવું દર્શાવ્યું હતું. 17 મે, 2006ના રોજ સંસદમાં આ અહેવાલ રજૂ કરાયો હતો પણ ડૉ.મનમોહનસિંહ સરકારે એનાં તારણોને સ્વીકાર્યાં નહોતાં. આ વિવાદ બોઝ પરિવારના વંશજોમાં પણ ચાલતો રહ્યો. રેંકોજી મંદિરે ટોચના ભારતીય નેતાઓમાં સૌથી પહેલાં વડાપ્રધાન પંડિત નેહરુ (ઓક્ટોબર 1957) ગયા હતા. એ પછીથી રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદ, વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી (1969) જ નહીં, વડાપ્રધાન અટલબિહારી વાજપેયી (અગાઉ મોરારજી સરકારના વિદેશમંત્રી તરીકે અને પીએમ તરીકે 9 ડિસેમ્બર, 2001) અને એમના વિદેશમંત્રી જસવંતસિંહ (2000) પણ જાપાનના રેંકોજી મંદિરમાં નેતાજીનાં અસ્થિફૂલનાં દર્શને ગયા હોવા છતાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાન પ્રવાસો દરમિયાન રેંકોજી મંદિરની મુલાકાતે જવાનું કે અસ્થિફૂલ નેતાજીનાં છે કે નહીં એ ચકાસવા DNA પરીક્ષણ કરાવવાનું પણ ટાળ્યું છે.

ગાંધીજીની જેમ નેતાજીની હત્યા
નેતાજી બોઝ અને એમનાં પત્ની એમિલીનું એકમાત્ર સંતાન એટલે નિવૃત્ત પ્રાધ્યાપક અને અર્થશાસ્ત્રી અનિતા. તેઓ મને છે કે એમના પિતાનું મૃત્યુ તાઈપેયી વિમાનદુર્ઘટનામાં જ થયું હતું. એ અત્યારે 79 વર્ષનાં જર્મન નાગરિક છે. પતિ અને સંતાનોનાં પણ સંતાનોની લીલીવાડી સાથે એ જર્મનીમાં સુખે જીવે છે. એમિલી અને અનિતાને પંડિત નેહરુ અને સરદાર પટેલે નિયમિત આર્થિક સહાય ઉપરાંત ભારતીય નાગરિકતા આપવાની ઓફર કર્યાના દસ્તાવેજો ભારતીય અભિલેખાગરમાં સચવાઈને પડ્યા છે. જો કે, અનિતા માટેનું ટ્રસ્ટ ભારત સરકારે રચ્યું હતું પણ મા-દીકરીએ ભારતની નાગરિકતા લેવાનું ટાળ્યું હતું. 'મારો ચાંદ ન હોય ત્યાં જઈને મારે શું કરવું?' એવી એમિલીની ભૂમિકા હતી. તેમનું 1996માં મૃત્યુ થયું હતું. અનિતા ઘણીવાર ભારત આવે છે. બોઝ પરિવાર સાથે એમના સંબંધો અકબંધ છે. અનિતાએ એક મુલાકાતમાં શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે આઝાદ ભારતમાં સુભાષ જીવિત હોત તો તેમની પણ મહાત્મા ગાંધીની જેમ જ હિંદુવાદીઓએ હત્યા કરી હોત. બ્રિટિશ શાસકોએ નેતાજીની તુર્કીમાં હત્યા કરાવવાનું કાવતરું રચ્યું હતું પણ એ વેળા નેતાજી બોઝ ('મુહમ્મદ ઝિયાઉદ્દીન') તુર્કીને બદલે વાયા કાબુલ અને મોસ્કો જર્મની ગયા હતા એટલે એ કાવતરું સફળ ન થયું. નેતાજી મહાત્મા ગાંધીની જેમ ધાર્મિક હતા. પરંતુ સેક્યુલર દૃષ્ટિકોણ ધરાવતા હતા. અનિતા કહે છે કે પંડિત નેહરુ અને નેતાજી બંને ભારતના ઝડપી ઔદ્યોગીકરણના આગ્રહી અને ડાબેરી વિચારના હતા. ગરીબી અને નિરક્ષરતા દૂર કરવાની દિશામાં બંને સમાન રીતે વિચારતા હતા. આઝાદ હિંદ ફોજના લડવૈયાઓને વડાપ્રધાન મોરારજી દેસાઈએ સ્વાતંત્ર્ય સૈનિક ગણાવ્યા એ બાબતમાં અનિતા વડાપ્રધાન મોરારજીભાઇને બિરદાવે છે. નેતાજીની રાખ કે અસ્થિફૂલ જાપાનના રેંકોજી મંદિરમાં હોવા વિશેનો અફસોસ હજી રહે જ છે.
haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

 

No comments:

Post a Comment