Sunday 16 January 2022

UP Politics of Aayaram Gayaram

વંડી ઠેકતા ઉ.પ્ર.ના રાજકીય હવામાનશાસ્ત્રીઓ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         અખિલેશ ભણી ઉમટેલાં જન-ઘોડાપૂર

·         મોદી-શાહના હુકમના એક્કાની પ્રતીક્ષા 

·         પ્રદેશ  લોકસભા ચૂંટણી માટે નિર્ણાયક

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.16 January, 2021.You may visit haridesai.com for more such columns.

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી કે  આયારામ ગયારામનો માહોલ જામ્યાનું  જોવા મળે છે. છેલ્લાં પાંચ વર્ષ સત્તાસુખ ભોગવનારા રાજનેતાઓને એકાએક પછાત વર્ગોને અન્યાય થઇ રહ્યાની અનુભૂતિ થવા માંડી. ૧૦ માર્ચ ૨૦૨૨ના રોજ ચૂંટણી પરિણામો આવતાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં થતી આસમાનીસુલતાનીનું ચિત્ર સ્પષ્ટ થઈ  જશે. એનાં પરિણામો  આગામી લોકસભા ચૂંટણી માટેના આગોતરા સંકેતો પણ આપશે. ઉત્તર પ્રદેશમાં તો ભાજપી યોગી આદિત્યનાથ સરકારમાંથી ટપોટપ મંત્રીઓ અને ધારાસભ્યોનાં રાજીનામાં પડી રહ્યાં છે. રાજીનામાં ધરનારાઓએ સીધી જ બબુઆના નામે પ્રચલિત સમાજવાદી પક્ષના મુખિયા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરવા માંડી છે. કોરોના બેપાંદડે હોવા છતાં ચૂંટણી આચારસંહિતાની ઐસીકી તૈસી કરીને મકરસંક્રાંતિના શુભ દિવસે જ મોટાભાગના વર્ચ્યુઅલ રેલી અને પ્રેસ વાર્તાના ફલકવાળા જલસામાં સામેલ થઇ ગયા.રડ્યા ખડ્યા એકાદ-બે સમાજવાદી કે બહુજન સમાજ પાર્ટીવાળા પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી જાહેર થાય એ પહેલાં અખિલેશ ભણી વળી રહેલાં લોકોનાં ઘોડાપૂરને ખાળવા માટે સરકારી હિસાબે અને જોખમે અનેક યોજનાઓ જાહેર કરવા મહારેલીઓ કરતા રહ્યા. કેન્દ્રીય એજન્સીઓના દરોડાનું સત્ર પણ ચાલ્યું. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ટાણે જ મુલાયમ સિંહ અને અખિલેશ યાદવ સામે સીબીઆઇએ આરોપનામાં ઘડ્યાં હતાં એનું શું થયું એ ખબર નથી.બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતી ક્યારેક ભાજપના ખભે ચઢીને તો ક્યારેક મુલાયમની સાથે મુખ્યમંત્રી બન્યાં હતાં. ૨૦૦૭માં આપબળે બન્યાં, પણ સીબીઆઇ જાળમાં એવાં ફસાયાં છે કે આ વખતે ચૂંટણી લડવાના મૂડમાં ઝાઝાં જણાતાં નથી.  આ વખતે ઉત્તર પ્રદેશનો મૂડ જરા નોખો બન્યો છે. વર્ષ ૨૦૧૭માં વારાણસીના લોકસભા સભ્ય, નામે નરેન્દ્ર મોદી, વડાપ્રધાન હોવાને કારણે ડબલ એન્જિનની સરકાર માટે અખિલેશ યાદવના શાસનનો અંત આણીને પ્રજાએ ભાજપને ૧૯૯૧ પછી પહેલીવાર સ્પષ્ટ બહુમતી આપી હતી. અત્યારે જમ્મૂ-કાશ્મીરના નાયબ રાજ્યપાલ એવા મનોજ સિહાને મુખ્યમંત્રીપદના શપથ લેવાના ફોન પણ થઇ ગયા હતા, પણ ગોરખપુરના મહંત યોગી આદિત્યનાથે ત્રાગું કર્યું. એમને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા. વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં પણ અનિચ્છાએ યોગીને આગળ કરવાની મજબૂરી ભાજપના ગળાનું હાડકું બની ગઈ છે. ગોરખપુરના મહંતની હિંદુ વાહિની ગઈ વખતની જેમ જ આ વખતે પણ  ભાજપની સામે પડે તો ખેલ બગાડી શકે તેમ છે.અખિલેશની જાનમાં માત્ર ભાજપની વંડી ઠેકીને આવેલા જ નહીં, પણ શરદ પવાર, જયંત ચૌધરી,મમતા બેનરજી સહિતના નેતાઓની સેના પણ સામેલ છે. ખેડૂતોના વરસ ચાલેલા આંદોલનનો ગુસ્સો પણ કેન્દ્ર સામે છે. અપનાદલના બંને ફિરકા અખિલેશ સાથે અથવા એક અખિલેશ સાથે અને બીજો કોંગ્રેસ સાથે રહે એવી ગણતરી છે. ભાજપની નૈયાને ડૂબતી બચાવી લેવાની કશ્મકશ દિલ્હી અને લખનઉમાં ચાલી રહી છે. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની ૧૯૭૫-૭૭ની ઈમરજન્સી દરમિયાન કેન્દ્રમાં કેબિનેટ મંત્રી રહેલા બાબુ જગજીવન રામ છેલ્લા દિવસોમાં વંડી ઠેકી ગયા હતા. એ વેળા ઇન્દિરાજીને પરાજયનો અણસાર આવી ગયો હતો. એવું જ કંઈક દ્રશ્ય અત્યારે ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે.   

વિકલ્પશોધમાં યોગીનું મહાત્મ્ય

નાગપુર (માતૃસંસ્થા આરએસએસ) માટે અનિવાર્ય બની ગયેલા મોદીના વિકલ્પની ચાલતી શોધમાં યોગી અગ્રેસર હોવાનાં એંધાણ મળે છે.આમ છતાં, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી જીતીને ફરીને મોદીને વડાપ્રધાન બનાવવાના નામે અત્યારે તો યોગીને વિજયી બનાવવા અનિવાર્ય હોવાનું પક્ષમાં ગણાવા માંડ્યું છે. અખિલેશ ભણીનાં ઘોડાપૂર ખાળવાના વ્યૂહ રચવાની સાથે યોગીને નારાજ કરવાનું પરવડે એવું નથી. ભાજપમાંથી હિજરત થવા માંડી છે ત્યારે મોદી-શાહ આગામી દિવસોમાં કયો હુકમનો એક્કો ઉતરશે એ ભણી સૌની મીટ છે. અયોધ્યામાં રામ મંદિર, હરિદ્વારમાં ખુલ્લેઆમ મુસ્લિમવિરોધમાં ધર્મસંસદનાં આયોજન, વડાપ્રધાન મોદીની સુરક્ષાની પંજાબમાં કથિત ચૂકની ગાજવીજ છતાં પક્ષના નેતાઓને સમાજવાદી પક્ષ ભણી જતાં રોકી શકાતા નથી. માત્ર ઉત્તરપ્રદેશમાં જ નહીં, ઉત્તરાખંડ અને ગોવામાં પણ ચૂંટણી પહેલાં પક્ષમાં નારાજગી અને પક્ષ છોડી જવાના ઘટનાક્રમને ખાળવામાં નાગપુરના પ્રતિનિધિઓ પણ નાકામયાબ રહ્યા છે. પંજાબમાં છેક જનસંઘના સમયથી સાથી પક્ષ રહેલા અકાલી દળ સાથે ભાજપની ફારગતી અને હજુ ગઈકાલ સુધી કોંગ્રેસમાં હતા એમની સાથે ઘર માંડવાનો વારો આવ્યો છે. પંજાબમાં તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ખરાખરીનો જંગ છે. ફરી વડાપ્રધાન બનવા માટે મોદી માટે લોકસભામાં ૮૦ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશને આ વખતે જીતવું અનિવાર્ય છે.મુખ્યમંત્રી યોગી ભલે વડાપ્રધાનની સાથે રહે પણ એ મોદીના મોકલાવેલા માણસોને ઝાઝું મહત્વ નથી આપતા એ તો એ.કે. શર્માને જે રીતે અવગણવામાં આવ્યા એના પરથી ફલિત થાય છે.

લોકસભાનાં કપરાં ચઢાણ

યોગી મૂળ રાજપૂત છે.પ્રદેશમાં ઠાકુર વિરુદ્ધ પછાતોનો માહોલ છે. સાથે જ બ્રાહ્મણોની મહત્વની વોટ બેંક કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધી વાડ્રા ભણી ખેંચાઈ રહ્યાનું લાગતાં બ્રાહ્મણ સમિતિ બનાવાઈ પણ એ બૂમરેંગ થાય એવા સંજોગો છે. પછાતોની નારાજગી દૂર કરવા મુખ્યમંત્રીએ દલિતને ઘેર ભોજન લેવાની ફરજ પડી રહી છે. આ બધા ઘટનાક્રમમાં અખિલેશ અને પ્રિયંકા ભલે આમનેસામને હોય, એમની વચ્ચે વ્યૂહાત્મક સમજૂતી જરૂર થવાની. ઉમેદવારો મૂકવામાં સબળા-નબળા મૂકીને કોંગ્રેસને પુનઃજીવિત કરાવાશે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસ સહિતના વિપક્ષી મોરચાને આકાર આપવા માટે વયોવૃદ્ધ નેતા શરદ પવાર કામે વળ્યા છે. મહારાષ્ટ્રમાં પવાર ત્રણ પક્ષોની સરકારના ચાલકબળની ભૂમિકામાં છે. સાથે જ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે સેતુરૂપ બનીને ૨૦૨૪ની ગોઠવણ કરી રહ્યા છે. કોંગ્રેસ સાથે અત્યારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, તેલંગણના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી આવે નહીં, પણ મમતા સાથે એ જોડાવાનું પસંદ કરે. મમતાની જેમ જ તમિળનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન અને કેરળના મુખ્યમંત્રી વિજયનને પરાસ્ત કરવા ભાજપની નેતાગીરીએ અને કેન્દ્રીય એજન્સીઓએ ભારે પરિશ્રમ કર્યો છતાં પ્રજા એમને પડખે રહી હતી. મધ્યપ્રદેશ અને કર્ણાટક ભાજપે પક્ષાંતર કરાવીને જ લીધેલાં છે. ગોવા અને મણિપુર પણ. ઇશાન ભારતનાં મોટાભાગનાં રાજ્યોમાં ભાજપની વિજયપતાકા સામૂહિક પક્ષપલટા થકી જ લહેરાઈ છે.  બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ (યુ) ફરી ઘર માંડે એ શક્યતાને સાવ જ  નકારી શકાય નહીં. ગુજરાતમાં ડિસેમ્બર ૨૦૨૨માં ચૂંટણી આવે છે ત્યારે ખોડલધામ પરિબળ નિર્ણાયક બનીને ડિસેમ્બર ૨૦૧૭માં રહી ગયેલી ખોટ પૂરી કોંગ્રેસને સત્તા અપાવે એ ગણતરીઓ મૂકાઈ રહી છે. રાજકારણમાં કશું જ અશક્ય હોતું નથી. બીજા વિશ્વયુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા પછી એ જ વર્ષે એટલે કે ૧૯૪૫માં યોજાયેલી સંસદની ચૂંટણીમાં વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનો રૂઢિચુસ્ત પક્ષ હારી ગયો હતો એ સ્મરણ રહે.  

તિખારો

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો

બનવું હતું નહીં ને  શિરસ્તો બની ગયો

ગાંધી, તને ખબર છે કે તારું થયું છે શું?

ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

-     શેખાદમ આબુવાલા  

ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૧૫ જાન્યુઆરી, ૨૦૨૨)

No comments:

Post a Comment