Wednesday 1 December 2021

On Toppling Maharashtra Government

 

મહારાષ્ટ્રની ત્રિપક્ષીય સરકારના પતનની વધુ એક મુદત પડી

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         ઉદ્ધવ ઠાકરેની સરકારને ઉથલાવવાની સતત ચાલતી કવાયતોમાં બે વર્ષ પૂરાં થયાં

·         શિવસેનામાંથી વાયા કોંગ્રેસ મોદી સરકારના મંત્રી બનેલા નારાયણ રાણેની આગાહી

·         ગૃહમંત્રી અમિત શાહ સાથે ફડણવીસ અને પવારની ફોટોશોપ તસવીરનો તરખરાટ

Dr.Hari Desai writes weekly column “Ateethee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand). 

ફરી એકવાર મહારાષ્ટ્રની શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના નેતૃત્વવાળી ત્રિપક્ષીય સરકાર પડવા અંગેની વધુ એક ભવિષ્યવાણી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ જયપુરથી કરી છે. હવે ભાજપમાં રહેલા રાણે ક્યારેક શિવસેનાના નેતા હતા. શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેની કૃપાથી નવ મહિના માટે  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ રહ્યા હતા. એ પછી કોંગ્રેસમાં જઈ મંત્રીપદે રહ્યા. મુખ્યમંત્રી નહીં બનાવાતાં અકળાયા ત્યારે પક્ષમાંથી છ વર્ષ માટે તગેડાયા હતા. જોકે  કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની માફી માંગીને શિસ્તભંગ બદલની એ  હકાલપટ્ટી પરત ખેંચાવનાર નારાયણરાવ નોખો પક્ષ કાઢી હવે ભાજપમાં પ્રવેશી ચુક્યા છે. રાજકીય ભાંગફોડ માટે જાણીતા રાણેએ રાજ્યની મહાવિકાસ  વિકાસ આઘાડીની સરકારને બે વર્ષ પૂરાં થતાં હતાં એના આગલા દિવસે જ આગામી માર્ચ ૨૦૨૨માં ઠાકરે સરકારના પતનની ભવિષ્યવાણી કરી. છે. આ અગાઉ સ્વયં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંતદાદા પાટીલ સહિતના નેતાઓ અનેકવાર સરકારના પતનની ઓપરેશન લોટસ ઘોષણાઓ કરી ચૂક્યા છે. વીતેલા વર્ષમાં કેન્દ્રમાં સહકાર ખાતાની રચના કરાયા પછી પવાર પરિવાર પર ધોંસ વધવાની શક્યતા દર્શાવાતી હતી. જોકે નાયબ મુખ્યમંત્રી અજિતદાદા પવારના પરિવારને સાણસામાં લેવા ઉપરાંત રાજ્યના રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને ગૃહમંત્રી રહેલા  અનિલ દેશમુખને માથે જેલવાસનું સંકટ આવ્યું. આ અનિલ દેશમુખ ક્યારેક ભાજપ સાથે સરકારમાં રહ્યા છે. આમ છતાં, શરદ પવાર ઢીલા પડ્યા નથી. ઉલટાનું, એમણે ભાજપ થકી આદરવામાં આવેલા આવા કાવાદાવાની ભારે કિંમત કેન્દ્રના સત્તાપક્ષે ભોગવવી પડશે એવું એલાન કર્યું એટલે ભાજપી નેતાગીરી વધારે ગિન્નાઈ છે. બોલિવુડ સંબંધિત મામલાઓ પણ કેન્દ્ર અને રાજ્યના પક્ષોના નેતાઓ વચ્ચે ખટરાગ અને વિવાદ સર્જતા રહ્યા છે.

ફોટોશોપ મુલાકાતનો હોબાળો 

હમણાં પવાર સંરક્ષણ અંગેની સંસદીય સમિતિની બેઠકમાં હાજરી આપવા દિલ્હી ગયા ત્યારે ફડણવીસ અને ચંદ્રકાંતદાદા પણ પક્ષીય બેઠકો માટે દિલ્હીમાં હતા. કોઈએ અળવીતરાઈ કરી કે ફડણવીસ અને પવાર કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને મળીને રાજ્યમાં ભાજપ સરકાર સ્થાપવા બેઠક કરી. એ ત્રણેયનો એક બનાવટી ફોટો પણ સોશિયલ મીડિયામાં વહેતો કરાયો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ તરફથી  સત્તાવાર રીતે આવી કોઈ બેઠકનો નન્નો ભણાયો એટલું જ નહીં, ભાજપના સોશિયલ મીડિયાએ આવું પરાક્રમ કર્યાનો આક્ષેપ કરીને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ. ભાજપના રઘવાટને સમજી શકાય છે, પણ  મહારાષ્ટ્રમાં ગુમાવેલી સત્તા પાછી મેળવવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવે છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. આગામી લોકસભા ચૂંટણી માટે ૪૮ લોકસભા બેઠકોવાળું મહારાષ્ટ્ર  અત્યંત મહત્વ ધરાવતું હોવાથી  આવતા માર્ચ સુધીમાં કે એ પહેલાં મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પોતાના પક્ષે બહુમતી કરવા માટે ઘાંઘો થાય એ પણ સ્વાભાવિક છે. 

પવારના રિમોટવાળી સરકાર

મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસની આઘાડીની બહુમતી છે. ૨૮૮ સભ્યોની વિધાનસભામાં આઘાડીના ૧૭૧ સભ્યો છે અને ભાજપના માત્ર ૯૪ છે. શિવસેનાના ૫૭,રાષ્ટ્રવાદી કોંગ્રેસના ૫૩ અને કોંગ્રેસના ૪૪ સભ્યોમાંથી હજુ કોઈ તૂટતા નથી.  ભાજપની સરકાર રચવા માટે તોડફોડ કર્યા વિના સત્તા મેળવવી એ શક્ય નથી. ત્રણેય મિત્ર પક્ષો વચ્ચે અમુક બાબતોમાં મતભેદો હોવા છતાં રાષ્ટ્રવાદીના સુપ્રીમો શરદ પવારના રિમોટ થકી ત્રણેય પક્ષો સાથે અકબંધ છે. ૨વિવા૨, ૨૮ નવેમ્બરના સામનામાં શિવસેનાના સાંસદ-પ્રવક્તા અને રોખઠોકકાર કાર્યકારી તંત્રી સંજય રાઉતે પવારે મુખ્યમંત્રી ઠાકરેને શાસન કરવા માટેની પૂરતી મોકળાશ આપ્યાનું સ્પષ્ટ લખ્યું છે. એ નોંધે છે: અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ઉદ્ધવ ઠાકરે અને એમની સરકાર વિશે ભાજપના નેતાઓ  બિલો ધ બેલ્ટપ્રહાર કરી રહ્યા હોવા છતાં સરકાર સુપેરે ચાલે છે. ત્રણેય પક્ષના નેતાઓએ આ સરકારનાં બે વર્ષ પૂર્ણ થવા વિશે સંતોષ વ્યક્ત કર્યો છે.  કેન્દ્રની એજન્સીઓ સરકાર તોડવા માટે શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના નેતાઓને પજવી રહ્યાના જાહેર આક્ષેપ પવાર અને તેમના નેતાઓ થકી થતા રહે છે. શિવસેના પોતાના જૂના સાથી પક્ષ ભાજપ સાથેની યુતિમાંથી નીકળી ગયા પછી રાજભવનમાં એક વહેલી સવારે ફડણવીસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિતદાદા પવારને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ અનુક્રમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીપદના શપથ લેવડાવાયા હતા, પણ માત્ર ૭૨ કલાકની આ સરકાર તૂટી પડી હતી. શરદ પવારના ભત્રીજા અજિતદાદા પોતાના કાકા પાસે પાછા ફરીને ઠાકરે સરકારમાં ફરી નાયબ મુખ્યમંત્રી થયા હતા.પવારની ઢળતી ઉંમર અને કેન્દ્રની એજન્સીઓ થકી કનડગત છતાં ઠાકરે સરકારે બે વર્ષ પૂર્ણ કર્યાં છે. હજુ પવાર તો કહે છે કે આગામી વિધાનસભા ચૂંટણી પણ આ ત્રણેય પક્ષો સાથે મળીને લડી ફરી સરકાર બનાવશે. અત્રે એ યાદ રહે કે સોનિયા ગાંધીએ ૧૯૯૯માં પવારને કોંગ્રેસમાંથી કાઢી મૂક્યા હતા, પણ એ જ વર્ષથી તેમના પક્ષે પંદર વર્ષ સુધી રાજ્યમાં કોંગ્રેસ સાથે અને કેન્દ્રમાં ૨૦૦૪થી ૨૦૧૪ સુધી સરકાર ચલાવી હતી. રાજ્યમાં ત્રિપક્ષી સરકાર અસ્તિત્વમાં આવ્યા પછી ત્રણેય પક્ષો સ્થાનિક સ્વરાજની કે બેન્કોની તમામ ચૂંટણીઓ સાથે મળીને લડ્યા નથી.એમ છતાં, ભાજપ માટે કપરાં ચઢાણ જરૂર જોવા મળ્યાં છે. આવતા વર્ષે મહાનગરપાલિકા ચૂંટણીઓ આવી રહી છે એટલે મુંબઈ જ નહીં, પણ ભાજપની માતૃસસ્થા આરએસએસના મુખ્યાલય  નાગપુરની મહાનગરપાલિકા કબજે કરવા માટે પણ ખરાખરીનો જંગ ખેલાશે.

સીબીઆઇ સત્તાનો દુરુપયોગ

કોરોનાકાળના દરમિયાન સમગ્ર દેશની જેમ જ મહારાષ્ટ્ર સરકાર આ વૈશ્વિક સંકટ સામે ઝઝૂમી રહી હતી અને પ્રજાને પડખે રહી એવો દાવો સરકાર કરે છે. જોકે આ સમયગાળામાં પણ કેન્દ્ર સરકાર અને ભાજપ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારને તોડવાના નુસખાઓ અજમાવવા માટે કેન્દ્રીય એજન્સીઓને કામે લગાડી રહી હોવાના આક્ષેપ ત્રણેય પક્ષના નેતા કરે છે. કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર જયારે સત્તામાં હતી ત્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને ભાજપવાળા સેન્ટ્રલ બ્યુરો ઓફ કોંગ્રેસ કહેતા હતા. હવે કોંગ્રેસ કેન્દ્રમાં વિપક્ષે છે ત્યારે તેના નેતાઓ સીબીઆઇને ભાજપનો પોપટ” (દેશના એક મુખ્ય ન્યાયાધીશે પોપટ-તોતા’  શબ્દ વાપર્યો હતો) કહેતા થયા છે. અત્યારે વિરોધ પક્ષોના નેતાઓ પાછળ સીબીઆઇ જ નહીં, ઇડી અને એનઆઈએને છોડી મૂકાતી હોવાનું કહેવાય છે. મુંબઈના પોલીસ કમિશનર રહેલા પરમવીર સિંહ રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ખંડણીના આક્ષેપ કરીને મહિનાઓ સુધી ભાગેડૂ રહ્યા પછી પ્રગટે છે. એમની સામે પણ ખંડણીના પાંચ કેસ દાખલ થયેલા છે. પરમવીર પર ભાજપના લાડકા  હોવાનો આક્ષેપ છે. એ છુટ્ટા ફરે છે,પણ તેમણે દેશમુખ સામે કરેલા આક્ષેપોના પુરાવા નહીં હોવાનું જણાવ્યા છતાં ઇડી તથા અન્ય તપાસમાં દેશમુખ જેલમાં છે.  પરમવીર પોલીસ વડા રહ્યા હોવા છતાં તેમને મુંબઈ પોલીસનો ડર લાગે છે. તેમની સામે પણ એક  ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિયુક્ત  તપાસ પંચ સમક્ષ તપાસ ચાલી રહી છે. શિવસેના પ્રવક્તા રાઉતે તો નોંધ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની છબી ચોખ્ખી રહી છતાં  તેમની સામે અને તેમના  મંત્રી-પુત્ર આદિત્ય ઠાકરે, તેમનાં પત્ની રશ્મિ ઠાકરે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, સાંસદ શરદ પવાર અને તેમનાં સાંસદ-પુત્રી સુપ્રિયા સુળે ઉપરાંત કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઈ, શિવસેનાના સાંસદો અને ધારાસભ્યોને કેન્દ્રીય એજન્સીઓ થકી ખોટી રીતે કનડવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં એસટી કર્મચારીઓને ઉશ્કેરીને હડતાળ કરવા તેમ જ અમરાવતીમાં કોમી રમખાણથી અશાંતિ સર્જાવાના પ્રયાસો રાજ્યમાં વિપક્ષ તરફથી થયા છે. જોકે હડતાળનું સમાધાન અને કોમી મામલો શમાવવા બાબત રાજ્ય સરકારે સકારાત્મક પગલાં લીધાં છે. રાઉતની વાત સાવ ખોટી માનવાને કોઈ કારણ નથી. રાજ્યની ત્રિપક્ષી સરકારને  પાડવાના આટઆટલા પ્રયાસો છતાં એ સફળ થયા નથી એ હકીકત છે. સરકારી પ્રવક્તા નવાબ મલિકે તો બે વર્ષ પૂરાં થવા નિમિત્તે યોજેલી પત્રકાર પરિષદમાં ૭૦% પ્રજા રાજ્ય સરકારની કામગીરીથી  સંતુષ્ટ હોવાનો દાવો કર્યો હતો.  જોકે સરકાર માર્ચમાં પડશે કે મુદત પૂરી કરીને ફરી ત્રિપક્ષીય સરકાર રચાશે, એ તો પ્રજાએ ચૂંટણી વખતે જ નક્કી કરવાનું છે. દરમિયાન રાજકારણીઓ તો પોતાનું સ્થાન ટકાવવા માટે નિરંતર પ્રયત્નશીલ રહેવાના.

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૮ નવેમ્બર, ૨૦૨૧)

 

 

 

No comments:

Post a Comment