Sunday 28 November 2021

Akhand Bharat and Dr.Mohan Bhagwat

                                          અખંડ ભારતના સંકલ્પનો પુનરુચ્ચાર

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         સંઘના સરસંઘચાલક ડૉ.ભાગવતનો ટંકાર

·         પંડિત દીનદયાળના મતે, યુદ્ધ માર્ગ નથી

·         ૮૦ કરોડ હિંદુ + ૬૦ કરોડ મુસ્લિમનું ચિત્ર

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.28 November, 2021.

એ આનંદની ક્ષણ હતી જયારે દેશના શાસક પક્ષ ભારતીય જનતા પક્ષની માતૃસંસ્થાના સર્વોચ્ચપદ પર બિરાજતા  એટલેકે સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતે ૨૬ નવેમ્બર,૨૦૨૧ના રોજ નોઈડામાં એક પુસ્તકલોકાર્પણ સમારંભમાં જયારે દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)ના એ કથનનો પુનરોચ્ચાર કર્યો: “ખંડિત ભારતને ફરીને અખંડ ભારત બનાવવું પડશે.” એવું નથી કે ડૉ.ભાગવત આ કંઈ પહેલીવાર બોલ્યા છે. વર્ષ ૨૦૨૧માં તો એ લગભગ દર મહિને આ કથનનો પુનરોચ્ચાર કરતા રહ્યા છે. મુશ્કેલી એ છે કે આ દિશામાં સંઘનું સત્તારૂઢ રાજકીય સંતાન ભાજપ એમનો એ સંદેશ ઝીલીને વર્તમાન ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશ વચ્ચેના સંબંધો સુધારવાની દિશા પકડવાને બદલે અવળી દિશા ભણી જ છે.વળી, દક્ષિણ એશિયાઈ દેશોના સહકાર સંગઠન (સાર્ક)ની ઈસ્લામાબાદમાં વર્ષ ૧૯૧૬માં યોજવાની પરિષદથી લઈને ભારતના પાડોશી દેશોની સાર્ક  શિખર પરિષદો ઠપ થઇ ચૂકી છે.  વાસ્તવમાં તો વર્તમાન ભાજપના આસ્થાપુરુષ અને સંઘના પ્રચારક તેમ જ જનસંઘના સંસ્થાપક મહામંત્રી અને પછીથી અધ્યક્ષ રહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાયે તો છેક ૧૯૫૩માં “પાંચજન્ય”માં નોંધ્યું હતું કે “ભારતીય જનસંઘ સામે અખંડ ભારતનું ધ્યેય રખાયું છે.” અખંડ ભારતને તેમણે માત્ર રાજકીય નારો લેખવાનું પસંદ કર્યું નહોતું, પણ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારતની એકતા ખંડિત થતાં જન-ધનની અપાર હાનિ થયાનું પણ સૌકોઈ અનુભવે છે. સડતા અંગને કાપીને ફેંકી દેવું પડે એ ન્યાયે વિભાજનનો સર્વપ્રથમ સ્વીકાર કરનાર સરદાર પટેલે પાકિસ્તાન પરત ફરશે એવી શ્રદ્ધા પણ વ્યક્ત કરી હતી. પાડોશીઓને આપણે બદલી શકતા નથી એવું કહીને સદગત વડાપ્રધાન અને ભાજપના ટોચના નેતા રહેલા અટલ બિહારી વાજપેયી તમામ દેશો સાથેના સંબંધ સૌહાર્દપૂર્ણ કરવાના પક્ષધર હતા.

અખંડ ભારતની પુનઃ સ્થાપના

વર્ષ ૧૯૫૧માં ગુરુજીની પ્રેરણાથી ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીના અધ્યક્ષપદે અને સંઘ-પ્રચારક પંડિત દીનદયાળના મહામંત્રીપદે જનસંઘની સ્થાપના થઇ હતી. અગાઉ, ૩ જૂન ૧૯૪૭ના રોજ વાઇસરોય માઉન્ટબેટનની બ્રિટિશ ઈન્ડિયાના ભાગલાની જાહેરાત કરી. એ  પૂર્વે એ વેળાના મહત્વના બંને પક્ષો કોંગ્રેસ અને મુસ્લિમ લીગની નેતાગીરી ઉપરાંત શીખ નેતા સરદાર બલદેવસિંહને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. ૫૬૫ કરતાં વધુ રજવાડાંને બ્રિટિશ સંધિમાંથી મુક્ત કરીને અંગ્રેજ સરકારે ભારત સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાવાનો વિકલ્પ આપ્યો હતો અથવા તેઓ સ્વતંત્ર રહી શકે. મોટાભાગનાં દેશી રજવાડાં ભારત સાથે જોડાયાં. પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન સાથે તો રોકડાં નવ રજવાડાં જોડાયાં હતાં. વિભાજન વેદનામયી  હોવાની વાતનું આજે ભાગવત પણ સ્મરણ કરાવે છે ત્યારે એમની વાત સાથે સંમત થયા વિના રહેવાતું નથી.જોકે સમયાંતરે બંને દેશો સાથેનાં યુદ્ધ અને કડવાશ છતાં બંને દેશોની  પ્રજા વચ્ચે કડવાશ નહીં હોવાથી એક દિવસ પૂર્વ અને પશ્ચિમ  જર્મનીની જેમ ભારત અને પાકિસ્તાન એક થવાના ઉજાળા સંજોગો અપેક્ષિત મનાતા હતા. ૧૯૭૧ના યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાન બન્યા પછી પણ આ ત્રણેય દેશ એક થવાની શક્યતા નકારી શકાતી નથી.મહર્ષિ અરવિંદે પણ વિભાજન પછી ફરીને એકીકરણ ભણીના સંજોગો સર્જાશે એવી ભવિષ્યવાણી કરી હતી.

ભૌગોલિક એકતા કે રાષ્ટ્રીય એકતા

પ્રશ્ન મોટો એ છે કે આ વિભાજન ફરીને એકીકરણમાં કઈ રીતે પરિણમશે. યુદ્ધ કરીને પાકિસ્તાન અને બાંગલાદેશને ભારતમાં ભેળવવાની કલ્પના તો મૂરખાઓ જ કરી શકે. કારણ? હવે પાકિસ્તાનને ચીન ચલાવે છે અને બાંગલાદેશ ભલે ભારત સાથે મૈત્રીનો આલાપ કરે પણ એ આર્થિક રોકાણોની દ્રષ્ટિએ ચીનનું ઓશિયાળું જરૂર છે. ચીન સાથેના ભારતના તંગદિલીભર્યા સંબંધો અને પાકિસ્તાન તથા બાંગલાદેશ સાથેનાં એના મધુર સંબંધો જોતાં યુદ્ધ તો છેડવાનો વિકલ્પ વિચારી શકાય તેમ નથી. સ્વયં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પણ “અખંડ ભારત ક્યોં?” નામક પુસ્તિકામાં નોંધ્યું છે: “વાસ્તવમાં ભારતને  અખંડ ભારત બનાવવા માટેનો માર્ગ યુદ્ધ તો નથી જ.કારણ યુદ્ધથી ભૌગોલિક એકતા શક્ય બની શકે છે, પણ રાષ્ટ્રીય એકતા નહીં.” સંઘ પરિવારનાં સંગઠનો ૧૪ ઓગસ્ટને અખંડ ભારત સંકલ્પ દિવસ તરીકે મનાવે છે જરૂર, પણ પાકિસ્તાન સાથે અબોલાં રાખીને અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવાનું શક્ય નથી.

ભારત-પાક-બાંગલાદેશ મહાસંઘ

અખંડ ભારતનો આલાપ જપનારાઓ પણ સ્વીકારશે કે અત્યારે ત્રણેય દેશો સાર્વભૌમત્વ ધરાવતા સ્વતંત્ર દેશો છે. મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રના આગ્રહના કારણે જ ભાગલા સર્જાયા. હિંદુ અને મુસ્લિમ વચ્ચેના એ આળા સંબંધો હજુ વિભાજન અને આઝાદીના સાત દાયકા વીત્યા પછી પણ ભૂતાવળ બનીને સામે આવીને ઊભે છે. અંગ્રેજ શાસકો તો ૧૯૪૭માં ટળ્યા પણ  કોમી રમખાણો અને હિંદુ-મુસ્લિમ વિભાજનો હજુ ટળ્યાં નથી. આવા સંજોગોમાં અખંડ ભારત કેવું રચાઈ શકે એ વિકટ મુદ્દો છે. ત્રણેય દેશનો મહાસંઘ રચાય અને ત્રણેય દેશ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો સ્થપાય એવી સમાજવાદી નેતા મુલાયમસિંહની ફોર્મ્યુલા આવકાર્ય ખરી. વડાપ્રધાન વાજપેયીના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી રહેલા સુધીન્દ્ર કુલકર્ણીએ તો આ જ ભૂમિકા પર એક ગ્રંથ પણ લખ્યો છે. વર્તમાન સમયમાં નેપાળ ચીનના ખોળામાં જઈને પડ્યું છે. શ્રીલંકામાં ચીનનો અડ્ડો સ્થપાઈ ચૂક્યો છે. મ્યામાં કે અગાઉનું બર્મા ચીનના ઈશારે ચાલે છે. માલદીવ અને ભૂટાન ચીનના પ્રભાવમાં છે. અફઘાનિસ્તાન તાલિબાની શાસન તળે છે. પાકિસ્તાન અને ચીન સાથેના એના સંબંધો મહત્વ ધરાવે છે. એટલે હિંદુ-મુસ્લિમ સંબંધો, ઘરવાપસી  અને હિંદુ રાષ્ટ્રની ગાજવીજ કરતા રહેલા ડૉ.ભાગવત અખંડ ભારતની વાત ભલે કરે, પણ એ દિશામાં સંઘનિષ્ઠ શાસકો આગળ વધે એવી કોઈ શક્યતા જણાતી નથી.

વાતોનાં વડાંના હવાઈકિલ્લા

અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવાની પ્રામાણિક ઈચ્છાશક્તિ સંઘનિષ્ઠ શાસકો અને નેતાગીરીમાં હોય તો એ દિશામાં આગળ વધવા માટે સૌપ્રથમ તો મુસ્લિમદ્વેષ છોડવો પડે. જે ડૉ. ભાગવત ત્રણેય દેશ એક થઈને અખંડ ભારત રચાય એની વાત કરે છે એ જયારે આસામમાં જાય છે ત્યારે ત્યાં મુસ્લિમોની વધતી જતી વસ્તી થકી ભારતના વધુ ભાગલાના સંજોગો નિર્માણ થતા હોવાનું જાહેર નિવેદન કરવાનું ચૂકતા નથી. ઘરઆંગણે જ મુસ્લિમોનો વિશ્વાસ જીતવાની પહેલી શરતનું પાલન થાય એ પછી જ પાડોશના મુસ્લિમ દેશોને ભારત સાથે ભેળવવાનું વિચારી શકાય. સંઘ પરિવારનાં સંગઠનો પણ હિંદુ અને મુસ્લિમ વચ્ચે વિશ્વાસ બેસે એવા કાર્યક્રમો આદરવામાં સંકોચ ધરાવતાં હોય ત્યારે ત્રણેય દેશ ફરીને એક થવાની વાત તો વસમી જ અનુભવાય છે. જેમ પાકિસ્તાનનું અસ્તિત્વ ભારતના સતત વિરોધ પર જ ટકેલું છે એમ સંઘ પરિવાર ભલે વાતો “સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ”ની કરે, પણ “જેમની આસ્થા દેશની બહાર છે’”  એવા  મુસ્લિમો કે ખ્રિસ્તીઓને  દિલીભાવથી સ્વીકારે એવું માનવું જરા વધુ પડતું છે.વળી, જે વિભાજન મુસ્લિમોના મુદ્દે થયું છે અને હજુ પણ મુસ્લિમોની બાબતમાં જે આળા છે એ અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવા જાય તો પાકિસ્તાનના ૨૦ કરોડ મુસ્લિમો, ભારતના ૨૦ કરોડા મુસ્લિમો અને બાંગલાદેશના ૨૦ કરોડ મુસ્લિમો અખંડ ભારતમાં સામેલ થાય તો ૮૦ કરોડ હિંદુઓ અને ૬૦ કરોડ મુસ્લિમોના સહઅસ્તિત્વ માટે સંઘ પરિવાર તૈયાર થશે કે કેમ એ પ્રશ્ન થયા વિના રહેતો નથી. સંઘના સુપ્રીમો અને સંઘ પરિવારના નેતાઓ-કાર્યકર્તાઓ ગળથૂથીમાં જ મુસ્લિમો માટેની ખાસ લાગણી ધરાવતા હોવાના કારણે જ કથની અને કરનીમાં જોવા મળતા અંતરને કારણે પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મની કે ઉત્તર યમન અને દક્ષિણ યમનની જેમ ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશનું એકીકરણ આજના તબક્કે તો  શક્ય જણાતું નથી.

તિખારો

હું તને ફરી મળીશ 
હું તને હજી ફરી મળીશ
ક્યાં અને કેવી રીતે
મને ખબર નથી
કદાચ હું
તારી કલ્પનાનો વિચાર બનીશ
અને કદાચ મારી જાતને
તારા કેનવાસ પર
એક રહસ્યમય રેખા બનીને ફેલાવીશ
હું સતત તારી સામે તાકી રહીશ.

-અમૃતા પ્રીતમ

 

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૬ નવેમ્બર, ૨૦૨૧)

No comments:

Post a Comment