Wednesday 22 December 2021

Islamophobia : Perversion of Arab-Pathan History

                  ઇસ્લામોફોબિયામાં આરબ-પઠાણ ઇતિહાસનું ય વિકૃતીકરણ

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         મોંગોલ-વિશ્વવિજેતા ચંગીઝખાનને હજુ ઘણા લોકો મુસ્લિમ ગણે છે

·         અંગ્રેજીના આગ્રહી ગણાતા ડૉ.આંબેડકર રાષ્ટ્રભાષા સંસ્કૃતના પ્રણેતા

·         આરબ કે પઠાણ હિંદુ હોઈ શકે, વૈદિક - કપૂરના પૂર્વજો ય પઠાણ !    

Dr.Hari Desai writes weekly column”Ateetthee Aaj” for Gujarat Guradian (Surat) and Sardar Gurjari (Anand). You may visit haridesai.com to read other columns too.

દુનિયાભરમાં આજકાલ ધાર્મિક વિવાદો અને ધર્મના નામે શાસન કરવાના ઉહાપોહનો માહોલ છે. એવું નથી કે પહેલાં નહોતો,પણ શિષ્ટ સમાજમાં પણ ધર્મના નામે જિહાદ, ક્રુઝેડ કે ધર્મયુદ્ધના હાકલાદેકારા ચાલતા હોય ત્યારે આપણે પુરાતનકાળમાં જતા વધુ લાગીએ છીએ.ઈતિહાસને જોવાની દ્રષ્ટિ પણ પ્રત્યેકની અનુકૂળતા મુજબની જ છે. સત્ય અને તથ્યનાં નીરક્ષીર કરવાનું મુશ્કેલ બનતું રહ્યું છે.  આરબ કે પઠાણ એવું નામ પડે કે તરત જ આપણે ત્યાં તેઓ મુસ્લિમ હોવાની છાપ પડે છે. આરબ દેશોમાં ઇસ્લામ પૂર્વેની સ્થિતિનો અભ્યાસ કરનારાઓને ખૂબ મુશ્કેલી પડે છે. સાઉદી અરેબિયા જેવા ઇરલામના આસ્થાથાન લેખાતા પ્રદેશમાં ઈસ્લામના ઉદય પૂર્વેની સ્થિતિનો અભ્યાસ કરવા ભણી રીતસર સૂગ દર્શાવાય છે, અથવા તો એ પૂર્વે મૂર્તિપૂજાનું અસ્તિત્વ હતું એટલું જ કહેવાય છે. મૂર્તિપૂજકો હિંદુ હતા કે કેમ એવો પ્રશ્ન કરવાની હિંમત ઇતિહાસ પુનર્લેખનના  આગ્રહી પી. એન. ઓકે કરી ત્યારે ઘણાનાં ભવાં ખેંચાયાં હતાં, ઉત્તર પ્રદેશના આફિદી પઠાણોના તાજા અભ્યાસમાંથી એવી શક્યતા પ્રગટી કે આ લોકો તો મૂળ યહૂદીઓનું જ લોહી છે. ઇઝરાયલની ૧૦ અદશ્ય જાતિઓ (લોસ્ટ ટ્રાઈબ્સ)માંની એક એટલે આફ્રિદી પઠાણોની જાતિ, એનું વિશદ સંશોધન જેરૂસલેમ ખાતે યુનિવર્સિટી સ્તરે થઇ રહ્યું છે.

ખાન અને મિયાંના અર્થ

આરબો અને પઠાણોના પૂર્વ ઇતિહાસનો અભ્યાસ આરંભતાં અમારી સામે ઉઠાવાયેલો પ્રશ્ન પણ એ જ હતો : મુસ્લિમોની જ વાત કરવી છે ને ? વાસ્તવમાં મોંગોલ-વિશ્વવિજેતા ચંગીઝખાનને હજુ ઘણા લોકો મુસ્લિમ ગણાવવાની ભૂલ કરે છે. વાસ્તવમાં તે બૌદ્ધ ધર્મના એક ફાંટાનો અનુયાયી હતો અને એના પુત્રોમાંથી કોઇએ ઇસ્લામ કબૂલ્યો નહોતો, પણ એમના  પૌત્રે જ છેક ઇસ્લામ કબૂલ કર્યો હતો. ખાં કે ખાન એટલે મુસ્લિમ એવી માન્યતા પણ ખોટી છે. ખાન એટલે સરદાર. આવી જ ભૂલ આપણે ત્યાં ‘મિયાં'  વિશે કરવામાં આવે છે. મિયાં એ પણ માનવાચક શબ્દ છે. જરૂરી નથી કે પોતાના નામ આગળ મિયાં લખનાર વ્યક્તિ મુસ્લિમ જ હોય. જમ્મુ-કાશ્મીરના રાજવી પરિવારના ડૉ. કર્ણસિંહ દેશના કેન્દ્રીય પ્રધાન  રહ્યા. તેમના પુત્ર અજાતશત્રુ સિંહ  જમ્મુ-કાશ્મીર રાજયમાં ડૉ. ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ સરકારમાં પ્રધાન રહી હમણાં ભાજપમાં છે.  ડૉ. કર્ણસિંહ હિંદુ ધર્મના વિશ્વવિખ્યાત નિષ્ણાત અને પાકા અનુયાયી છે. તેમના પુત્રો પણ હિંદુ છે. છતાં એમનાં નામ આગળ મિયાં' લગાવી શકાય છે.
મુસ્લિમ સભ્યો સંસ્કૃતસમર્થક

વાસ્તવમાં ભાષાને કોઈ ધર્મ નથી હોતો. સંસ્કૃત વિશેની કટ્ટરતા આપણે ત્યાં ઘણી ચાલે છે. કેટલાક દલિત લેખકો થકી બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે અંગ્રેજી ભણવાનો આગ્રહ સેવ્યો હોવાનાં ઢોલ ખૂબ પીટવામાં આવે છે. મુશ્કેલી એ વાતની છે કે આવા ઢોલ પીટનારાઓ એ વાતને વિસારે પાડે છે કે ડૉ. બાબા સાહેબ તો સમગ્ર દેશની રાષ્ટ્રભાષા તરીકે સંસ્કૃતને બંધારણમાં સ્થાન આપવાના આગ્રહી હતી. બંધારણસભાના જે દસ સભ્યોના નેતૃત્વમાં ડૉ.આંબેડકર થકી સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી એમાં મુસ્લિમ અને દક્ષિણ ભારતીય હિંદુ સભ્યોનો પણ સમાવેશ હતો.  સંસ્કૃતને બાબાસાહેબે જ્ઞાનના ભંડારોની ભાષા લેખી. ભારતીય ભાષાઓની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી થઇ છે એટલું જ નહીં વિશ્વની સૌથી વધુ ભાષાઓની ઉત્પત્તિ પણ સંસ્કૃતમાંથી થઇ છે.પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પણ સંસ્કૃતપ્રેમી હતા.  આજના મુસ્લિમ દેશોમાં પણ ક્યારેક સંસ્કૃતનો રાજભાષા તરીકે વપરાશ થતો હતો. સોમનાથ ભાંગવા અને લૂંટાવા માટે જે ખલનાયક ગણાય છે તે  મહંમદ ગઝનીએ પોતાની રાજભાષા તરીકે સંસ્કૃતનો ઉપયોગ કર્યો હોવાનું જાણીતાં ઇતિહાસકાર ડૉ. શાંતા પાંડેએ છેક ૧૯૭૫માં ઇન્દિરા ગાંધી અભિનંદન ગ્રંથમાંના પોતાના સંશોધન-પત્રમાં નોંધ્યું છે. ગઝનીના આ શાસકના પિતા સબક્તસીન વાસ્તવમાં હિંદુ કે બૌદ્ધ ગુલામ હતા અને એમણે ઇસ્લામ કબૂલ્યો હતો. એમનું મૂળ નામ શાક્ત સિંહ હોવાનું ઈતિહાસવિદ અને સદગત આઇએએસ શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈએ લખેલા અને સોમનાથ ટ્રસ્ટે ૧૯૬૫માં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની પ્રસ્તાવના સાથે પ્રકાશિત કરેલા ગ્રંથ પ્રભાસ અને સોમનાથમાં નોંધ્યું છે. 
સંસ્કૃત વ્યાકરણ પઠાણે રચ્યું

સંસ્કૃતનું વ્યાકરણ લખનાર પાણિનિ પોતે પઠાણ હતો એ વાત જાણીને રખે ચોંકતા. આજે પણ સંસ્કૃત વિશ્વની સૌથી વધુ ભાષાઓ પર પ્રભાવ પાડનાર મૂળ ભાષા છે.સંસ્કૃત અને વર્તમાન પુશ્તુ ભાષા કે ઇન્ડો-યુરોપિયન ભાષાઓનો નિકટનો સંબંધ રહ્યો છે. સંસ્કૃત એટલે દેવનાગરી લિપિમાં લખાય એ જ ભાષા સમજી લેવાની જરૂર નથી. અરબી-ફારસી અને અંગ્રેજી ભાષાનો પણ સંસ્કૃત સાથે ખૂબ જ નિકટનો નાતો રહ્યો છે. પાણિનિનો જન્મ અત્યારના પાકિસ્તાનમાં થયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર (ગુરુજી)એ તો પાકિસ્તાન થકી પાણિનિની ૨૫૦૦મી જયંતી ઉજવાઇ અને ભારતમાં કાંઇ ના થયાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કરાંચી યુનિવર્સિટીમાં પાણિનિની પ્રતિમા પણ મૂકાયાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના  બંચ ઓફ થોટ્સ (વિચાર-નવનીત)માં આ ઉલ્લેખ મળે છે, પણ અમે પાકિસ્તાનમાં એ અંગે તપાસ કરી તો એ વાતને સમર્થન મળતું નથી.  હજુ  હમણાં જ રામસેતુ આંદોલનના સૂત્રધાર એવા ડૉ. કલ્યાણરામને અમને એટલું જરૂર જણાવ્યું કે ભારત સરકારે પણ પોસ્ટલ ટિકિટ બહાર પાડીને પાણિનિને યાદ તો કર્યા છે.
મદીનામાં હિંદુ આરબ

મૂળ શ્રીલંકાથી ૧૯૭૧માં અમેરિકા ગયેલા સૂફી સંત એમ.આર. બાવા મુહૈયાદીને પોતાના ગ્રંથ : 'ગૉડ, હીઝ પ્રોફેટ્સ એન્ડ હીઝ ચિલ્ડ્રન'માં નોંધ્યું છે: અબ્રાહમનો પરિવાર ચાર ભાગમાં વહેંચાયો હતો. હિંદુ આરબ, અગ્નિપૂજક આરબ, ખ્રિસ્તી આરબ અને મુસ્લિમ આરબ.' આ બાબત સ્પષ્ટ કરે છે કે હિંદુ આરબો પણ ઇતિહાસમાં સ્થાન પામતા રહ્યા છે. એવું જ કાંઇક મદીનામાં ઇસ્લામ અગાઉ ત્રણ ધર્મોના અનુયાયી હતા તેવું તેમણે નોંધ્યું છે : મૂર્તિપૂજકો, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ. સદ્દગત ઓક તો આ મૂર્તિપૂજકો હિંદુ હોવાનું દશવિ છે. ખ્રિસ્તી ધર્મગુરુ ડૉ. ફાધર લેબિબ કોબતી લિખિત ધ ક્રિશ્ચિયન આરબ હેરિટેઝમાં નોંધાયું  છે કે ઇ.સ. ૭૫૦-૧૩૫૦ના સમયગાળામાં ખ્રિસ્તી આરબો અરબીમાં જ કામકાજ કરતા હતા. અરબી ભાષા સૌ પ્રથમ ઇજિપ્તમાં અંદાજે ઇસ. ૭૮૦ (ઇસ્લામના આગમનનાં ૧૪૦ વર્ષ બાદ) લાદવામાં આવી. એ પછી ધીરેધીરે એ બીજા આરબ દેશોની સત્તાવાર ભાષા બની. ઇજિપ્ત પછી. તે ઇરાક, સીરિયા, પેલેસ્ટાઇન, લેબનન વગેરે દેશોની મુખ્ય ભાષા બની.

ઇસ્લામનો અર્થ અને કટ્ટરવાદ

આરબ અને પઠાણ હિંદુ પણ હોઇ શકે. પઠાણો અમારા પૂર્વજ છે.' એવું જાણીતા લેખક વેદપ્રતાપ વૈદિકે ‘અફઘાનિસ્તાન કલ, આજ ઔર કલ' નામના પોતાના પુસ્તકની નકલ અફધાનિસ્તાનના પૂર્વ  રાષ્ટ્રપતિ હમીદ કરઝાઇને આપતી વેળા ગૌરવભેર કહ્યું હતું.  હજુ દસમી શતાબ્દી સુધી કાબુલ પર હિંદુ રાજાઓ રાજ કરતા હતા. ક્ષત્રિયમાંથી હવે વૈશ્ય બનેલા  લોહાણા એ વેળા કાબુલ પર રાજ કરતા હતા. એ પછી પણ અમુક તબક્કામાં હિંદુ શાસકો રહ્યા છે. પેશાવરના પૃથ્વીરાજ કપૂર અને તેમના કપૂર ખાનદાનને પઠાણ જ ગણવું પડે. રાજકારણમાં આજકાલ માત્ર હિંદુ-મુસ્લિમના ભેદ જોનારાઓએ ઇતિહાસને આ દૃષ્ટિએ પણ ફરી ચકાસવાની જરૂર ખરી. ઇસ્લામનો અર્થ વાસ્તવમાં શાંતિ થાય છે, પણ કટ્ટરવાદ અને આતંક ભણી વળેલા એના કેટલાક અનુયાયીઓએ દુનિયામાં ઇસ્લામોફોબિયા પ્રસરાવ્યો છે. ભારતમાં અંગ્રેજોના શાસનના અંતિમ દિવસોમાં અત્યારના પાકિસ્તાનના વાચવ્ય પ્રાંત સહિતના કાબુલમાં ગવર્નર તરીકે ફરજ બજાવનારા સર ઓલાફ કારો લિખિત ધ પઠાન્સ : ૨૫૦ બીસી -એડી ૧૯૫૭' પુસ્તકમાં પઠાણો વિશેની વિશદ છણાવટ કરી છે. કમનસીબે અત્યારે પશ્ચિમ એશિયાઇ દેશોમાં જોવા મળતી ઇસ્લામી કટ્ટરવાદિતા અને આતંકવાદી ચળવળોની છાયામાં ધાર્મિક ઉદારમતવાદ પાંગરી શકતો નથી. એટલું જ નહીં, આરબ અને પઠાણોના ઇતિહાસના હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને ઇસાઇ તબક્કાઓનો તટસ્થ અભ્યાસ ટાળવામાં આવે છે. ભવિષ્યની પેઢીઓએ શાંતિયુગમાં તો આ અભ્યાસ હાથ ધરવો પડશે.

ઈ-મેઈલ:haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૨૦ ડિસેમ્બર, ૨૦૨૧)

1 comment:

  1. સુંદર આલેખન. પઠાણ હિન્દૂ હોઈ શકે, એવું તો આજ ના વાતાવરણ માં માનવું અઘરું.
    વધુ જાણવાની ઉત્કંઠા થઈ આવે એવું આપ નુ લેખન છે.
    તમિલ સંસ્કૃત કરતા જૂની ભાષા છે? એ વિશે કંઈક લખવા વિનંતી.
    હિન્દૂ શબ્દ ની ઉતપતિ અને ઇતિહાસ વિશે પણ લેખ લખવા વિનંતી.

    ReplyDelete