Monday 20 December 2021

PM Indira Gandhi's Role being Edited from 1971 War!

                             બાંગલાદેશનાં સુયાણી ઇન્દિરા ગાંધીનો ઈતિહાસલોપ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         ઢાકામાં સોનાર બાંગલાની સુવર્ણજયંતી

·         જનરલ માણેકશા અને સ્વીટીનું ટ્યુનિંગ

·         એકપક્ષી શાસનના પ્રણેતા મુજીબની હત્યા

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.19 December, 2021.

હજુ હમણાં જ પાડોશી દેશ બાંગલાદેશમાં એના સુવર્ણજયંતી વર્ષની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઢાકા જઈ આવ્યા. ઘરઆંગણે પણ ૧૯૭૧ના પાકિસ્તાન સામેના એ ઐતિહાસિક યુદ્ધમાં વિજયની સુવર્ણજયંતી મનાવાઇ. બાંગલાદેશની સરકાર પણ  જેમને એમના દેશની સુયાણી (મીડવાઈફ) ગણાવીને આદરભાવ વ્યક્ત કરે છે એ ભારતીય વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના નામનો ઉલ્લેખ સુદ્ધાં આ વખતે રાષ્ટ્રપતિનાં ભાષણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટમાં જોવા ના મળ્યો. વિપક્ષી કોંગ્રેસ નેતાગીરીએ આ બાબતની ગંભીર નોંધ જરૂર લીધી. એ સામે વિરોધ પણ નોંધાવ્યો. ભારતીય ટીવી ચેનલો પર પણ ઇન્દિરા ગાંધીના નામનો ઉલ્લેખ કરાયો  તો પણ એમાં લશ્કરી વડા જનરલ માણેકશા સાથે એમના બાંગલા યુદ્ધ સંદર્ભે મતભેદોની ગાજવીજ વધુ થતી જોવા મળી. હકીકતમાં વર્ષ ૧૯૭૧ના એ યુદ્ધમાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને એ વેળાના લશ્કરી વડા જનરલ માણેકશા વચ્ચેના અદભુત ટ્યુનિંગ અને દીર્ઘદ્રષ્ટિ સાથેના આયોજનને પ્રતાપે જ પાકિસ્તાનના બે ટુકડા કરવાનું શક્ય બન્યું. અમેરિકા એ વેળા પૂર્વ પાકિસ્તાનની બંગાળી પ્રજા પર અમાનુષી અત્યાચાર કરનાર પાકના નાપાક તાનાશાહ જનરલ યાહ્યા ખાનને પક્ષે હતું, આમ છતાં, ઇન્દિરાજીએ વિશ્વમત કેળવીને પાકિસ્તાને  એના પૂર્વના પ્રદેશ પર આદરેલા  યુદ્ધને ભારત પરનું આક્રમણ લેખાવીને લડી લેવાનું નક્કી કર્યું. માત્ર ૧૩ દિવસમાં જ એટલે કે  ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ પાકિસ્તાની લેફ્ટનન્ટ જનરલ એ.એ.કે. નિયાઝીની એ ૯૩,૩૬૮ની અત્યાચારી સેના ઢાકામાં ભારતીય લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા સમક્ષ આત્મસમર્પણ કરવા વિવશ બની હતી. બાંગલાયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરાયો ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા અને વર્તમાન શાસક પક્ષના સર્વમાન્ય નેતા એવા અટલ બિહારી વાજપેયીએ વડાંપ્રધાન ઇન્દિરાજીનાં વખાણ કરવામાં કોઈ મણા રાખી નહોતી. આજે પણ બાંગલાદેશ પોતાના જન્મ માટે વડાંપ્રધાન શ્રીમતી ગાંધી પ્રત્યેનો ઋણસ્વીકાર કરે છે, પણ ઘરઆંગણે એ વિજયની ઉજવણીમાં ઇન્દિરા ગાંધીનો સવા જ ઈતિહાસલોપ કરાતો હોય એવું અનુભવાય છે.

બંગબંધુ વડાપ્રધાનપદથી વંચિત

પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની ૧૯૭૦ની ચૂંટણીમાં બંગબંધુ મુજીબુર રહમાનની અવામી લીગ પાર્ટી કને  બહુમતી હોવા છતાં તેમને વડાપ્રધાન બનાવવાને બદલે પશ્ચિમ પાકિસ્તાનની  જેલમાં ઠૂંસી દેવાયા  હતા. વર્ષ ૧૯૫૮ સુધી પોતાને ભારતીય નાગરિક ગણાવીને ભારતીય સુપ્રીમ કોર્ટ મારફત ભારતમાંની પોતાની સંપત્તિ મેળવવા ઈચ્છુક પાકિસ્તાની નેતા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની જનરલ યાહ્યાની ચઢવણી આ તબક્કે સવિશેષ જવાબદાર હતી. રાષ્ટ્રીય ધારાસભાની કુળ ૩૧૩ બેઠકોમાંથી ૩૦૦ બેઠકોની ચૂંટણી થઇ હતી. તેમાંથી મુજીબની પાર્ટી  અવામી લીગને ૧૬૭ બેઠક મળી હતી, જયારે ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને માત્ર ૮૬ બેઠકો મળી હતી. પાકિસ્તાનના તાનાશાહ જનરલ યાહ્યા ખાનના લશ્કરે પૂર્વ પાકિસ્તાનના બંગાળી પ્રજાજનો પર અત્યાચારો આદર્યા. ત્યાંથી હિંદુ અને મુસ્લિમ પ્રજાજનો  હિજરત કરીને લાખોની સંખ્યામાં ભારતનાં વિવિધ રાજ્યોમાં આવ્યાં હતાં. માનવાધિકારોનો પ્રશ્ન પણ હતો. વડાંપ્રધાન શ્રીમતી ગાંધીનું પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા જેવાં રાજ્યોના મુખ્યમંત્રીઓ તરફથી આ ગંભીર સમસ્યા ભણી ધ્યાન ખેંચવામાં આવ્યું હતું. શ્રીમતી ગાંધીએ વિશ્વના વિવિધ દેશોનો પ્રવાસ ખેડીને પોતાના પક્ષે જનમત તૈયાર કર્યો અને બાંગલાદેશના જન્મમાં મહત્વની ભૂમિકા ભજવી. લશ્કરી વડા જનરલ માણેકશાને કેબિનેટ બેઠકમાં તેડાવાયા ત્યારે તેમણે તત્કાળ યુદ્ધ આદરવાને બદલે એના માટે પૂરતી તૈયારી અને યોગ્ય વાતાવરણ વખતે જ યુદ્ધ કરવાનું સૂચવ્યું હતું. શ્રીમતી ગાંધી સાથે જનરલ માણેકશાને ખૂબ જ નિકટના સંબંધ હતા. બંનેને એકમેકમાં વિશ્વાસ હતો. અંગત ચર્ચામાં માણેકશા વડાંપ્રધાન શ્રીમતી ગાંધીને સ્વીટી સંબોધન કરતા હતા.રાજકીય ઈચ્છાશક્તિ અને લશ્કરી વ્યૂહરચનાને કારણે જ પાકિસ્તાનની મદદે અમેરિકી નૌકાદળનો સાતમો બેડો આવી પહોંચે એ પહેલાં તો પાકિસ્તાનની શરણાગતિને પગલે ભારતે યુદ્ધ જીત્યાની જાહેરાત કરી દીધી  હતી. શ્રીમતી ગાંધીએ જ જનરલ માણેકશાને નિવૃત્તિ પછી ભારતના પહેલા ફિલ્ડમાર્શલ બનાવ્યા હતા. માણેકશા પારસી હતા અને શ્રીમતી ગાંધીના સદગત પતિ ફિરોઝ ગાંધી પણ મૂળ ભરૂચના પારસી હતા. પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું અને વડાંપ્રધાને ૩ ડિસેમ્બર, ૧૯૭૧થી તેની સામે લડી લેવાની ઘોષણા કરી હતી, જયારે અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન અને એમના રાષ્ટ્રીય સુરક્ષા સહાયક હેન્રી કિસિંજરે તો પાકિસ્તાન પર ભારતે આક્રમણ કર્યાનું કહ્યું હતું. શીતયુદ્ધના એ દિવસોમાં સોવિયેત રશિયા સહિતના દેશો  ભારતના નૈતિક સમર્થનમાં હતા. જોકે માત્ર ૧૩ દિવસમાં જ ભારતે યુદ્ધ જીતીને શેખ મુજીબને ઢાકાનું શાસન સુપરત કરી પાછળથી એમના દેશમાંથી ભારતીય લશ્કરને પણ પાછું ખેંચી લીધું હતું. બાંગલાદેશને માન્યતા આપવામાં પણ ભારત દેશ  સર્વપ્રથમ હતો.

રાષ્ટ્રપિતા મુજીબ તાનાશાહ

ભારતીય સહાયથી અને ઇન્દિરા ગાંધીની દૂરંદેશી થકી પૂર્વ પાકિસ્તાન હવેનું  બાંગલાદેશ છે.  સ્વતંત્ર બાંગલાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ મુજીબ એના રાષ્ટ્રપિતા પણ મનાય છે. પરંતુ પાછળથી તેઓ સંસદીય લોકશાહી અપનાવીને એના વડાપ્રધાન પણ રહ્યા, આમ છતાં, જયારે એમની સરકાર સામે ભ્રષ્ટાચાર અને અન્ય ગેરરીતિઓ આચરવાના આક્ષેપ બુલંદ થવા માંડ્યા ત્યારે એમણે મુજીબિઝમને નામે સમાજવાદ લાવવા માટે એકપક્ષી શાસન સ્થપાવા બંધારણ બદલ્યું. ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના રોજ લશ્કરપ્રેરિત બળવામાં એમના સહિત  સમગ્ર પરિવારની હત્યા કરી દેવાઈ. જોકે તેમની બે દીકરીઓ વિદેશ હોવાને કારણે બચી જવા પામી. વર્તમાન વડાંપ્રધાન શેખ હસીના અને એમનાં નાનાંબહેન  શેખ રેહાનાની પાર્ટી બાંગલાદેશ અવામી લીગ અત્યારે શાસનમાં છે. જોકે વડાંપ્રધાન શેખ હસીના પણ દેશના રાજકારણમાં તાનાશાહ લેખાવા માંડ્યાં છે. તેમણે વિપક્ષી નેતા અને પૂર્વ વડાંપ્રધાન ખાલેદા ઝિયા સહિતના નેતાઓના   જેલવાસની વ્યવસ્થા કરી છે.  વર્ષ ૧૯૯૬થી ૨૦૦૧ દરમિયાન વડાંપ્રધાન રહેલાં હસીના વર્ષ ૨૦૦૯થી સતત વડાંપ્રધાન છે. એમના દેશમાં ચીની રોકાણ અને પ્રભાવ વધ્યા છતાં એ ભારતમિત્ર લેખાય છે. લશ્કરી અધિકારીમાંથી રાષ્ટ્રપતિ થયેલા ઝિયાઉર રહમાનની હત્યા થઇ હતી. તેમનાં વિધવા ખાલેદા ઝિયા પાકિસ્તાન તરફી ગણાય છે. જેલની અંદર બહાર થતાં રહેતાં અને  બબ્બેવાર વડાંપ્રધાન રહેલાં ખાલેદાના પુત્ર તારિક રહમાન બાંગલાદેશ નેશનલ પાર્ટીના કાર્યવાહક વડા હોવા છતાં ૨૦૦૮થી તેમણે લંડનમાં રહેવું પડે છે. આગામી માર્ચ ૨૦૨૨માં એટલે કે મુજીબના જન્મદિવસ ૧૭ માર્ચ આસપાસ શ્યામ બેનેગલ નિર્મિત ભારત-બાંગલા સંયુક્ત સાહસ સમી મુજીબના જીવન આધારિત ફિલ્મ (બાયોપિક) બંગબધુ વિશ્વસ્તરે રિલીઝ થવાની છે. ભારતના માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી અનુરાગ ઠાકુર અને બાંગલાદેશના માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી હસન મહમૂદ વચ્ચે સપ્ટેમ્બર ૨૦૨૧માં દિલ્હીમાં યોજાયેલી બેઠક પછી આ જાહેર કરાયું હતું. હવે આ બાયોપિકમાં બાંગલાદેશનો જન્મ કરાવનાર શ્રીમતી ઇન્દિરા ગાંધીનું કેવું ચિત્રણ રજૂ થાય છે એની સ્વાભાવિક પ્રતીક્ષા રહે.

તિખારો

આપણે ભરોસે

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો

ખુદાનો ભરોસો નકામ,

છો ને એ એકતારો ગાઈ ગાઈને  કહે,

‘તારે ભરોસે રામ !’

એ તો ખોટું રે ખોટું પિછાણીએ,.

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,

સાગર મોઝારે ઝુકાવીએ ;

આપણા વહાણનાં સઢ ને સુકાનને

આપણે જ હાથે સંભાળીએ.

-          પ્રહલાદ પારેખ

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૮ ડિસેમ્બર,૨૦૨૧)

 

No comments:

Post a Comment