Thursday 7 October 2021

Mamata gearing up for national role

 મમતા બેનરજીનો અશ્વમેધ હવે દિલ્હી સર કરવા ભણી

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ
• ભાજપના નરેન્દ્ર મોદી સામે બંગાળનાં વાઘણ મુખ્ય રાજકીય શત્રુ તરીકે ટકરાશે
• કેન્દ્રીય એજન્સીઓની કનડગત વચ્ચે કોસ્મોપોલિટન બેઠક પર વિક્રમી સરસાઈ
• પ. બંગાળમાં દાયકાઓ સુધી શાસન કરનાર માર્ક્સવાદીઓ અને કોંગ્રેસની દુર્દશા
Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat).
પશ્ચિમ બંગાળની વાઘણ ગણાતાં મુખ્યમંત્રી મમતા બેનરજીનો રવિવાર, ૩ ઓક્ટોબરે ભવાનીપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થયા પછી હવે આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મમતાદીદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાષ્ટ્રીય નેતૃત્વ કરવા માટે ટકરાય એવી શક્યતા ઉજ્જવળ બની છે. પશ્ચિમ બંગાળમાં દાયકાઓના ડાબેરીઓના શાસનને વર્ષ ૨૦૧૧માં ધ્વસ્ત કરનારાં દીદી મે ૨૦૨૧માં ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા પછી હવે રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા સાથે આગળ વધી રહ્યાં છે. ૨૯૪ બેઠકોની પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપને એપ્રિલ-મે ૨૦૨૧ની એ ચૂંટણીમાં ૨૦૦ બેઠકો મળવાના દાવા થતા હતા, પણ મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને ૨૧૩ બેઠકો મળી. મમતાદીદીને પોતીકામાંથી જ પારકા થયેલા શુભેંદુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પરથી માત્ર ૧૯૫૬ મતની સરસાઈથી હરાવ્યાં. એ વેળા દીદીને પહેલાં વિજયી જાહેર કરાયા પછી એમને પરાજિત જાહેર કરાયાને તેઓ કેન્દ્ર સરકારનું ષડયંત્ર લેખાવે છે. જોકે અત્યારે તેમણે નંદીગ્રામના પરિણામને અદાલતમાં પડકાર્યું હોવાથી એ વિશે ઝાઝું કહેવા ઉત્સુક નથી. મમતા ત્રીજી વાર મુખ્યમંત્રી તો બન્યાં પણ છ મહિનામાં એમણે વિધાનસભામાં ચૂંટાઈ આવવું પડે. એમના માટે તેમના જ એક મંત્રી શોભનદેવ ચટોપાધ્યાયે ભવાનીપુર વિધાનસભા બેઠક ખાલી કરી આપી. ચૂંટણી પંચ પેટા ચૂંટણી જાહેર કરવા બાબત નિર્ણય કરે એ ભણી સૌની મીટ મંડાયેલી હતી. આખરે આગામી 30 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજાઈ. મમતા આ બેઠક પર થયેલા મતદાનના ૭૧.૯ % મત એટલે કે ૮૫,૨૬૩ મત મેળવીને પોતાનો આ બેઠક પરનો વર્ષ ૨૦૧૧નો ૫૪,૨૧૩ મતની સરસાઈનો રેકોર્ડ પણ તોડી ચૂક્યાં છે.આ વખતની સરસાઈ ૫૮,૮૩૫ હતી. ભાજપનાં પ્રિયંકા ટિબડેવાલ (મળેલા મત: ૨૬,૪૨૮) અને માર્ક્સવાદી પક્ષના શ્રીજીબ બિશ્વાસ (મળેલા મત: ૪,૨૨૬)ને પછાડ આપી શક્યાં છે. કોંગ્રેસે ઉમેદવારી કરી નહોતી. ભવાનીપુર બેઠકના ૪૬ % મતદારો બિન-બંગાળી છે. આ બેઠકના મતદારોમાં બંગાળી, ગુજરાતી, બિહારી, ઉડિયા, ઉ.પ્ર.ના લોકો ઉપરાંત મરાઠી, મારવાડી અને પંજાબી રહ્યા છે. મુસ્લિમ મતદારોનું પ્રમાણ ઓછું છે. પેટા ચૂંટણીમાં બીજી બંને બેઠકો પણ તૃણમૂલ જ જીતી છે. હજુ 30 ઓક્ટોબરે યોજાનારી ચાર બેઠકોની પેટા ચૂંટણી પણ તૃણમૂલ જીતશે એવો વિશ્વાસ મમતાએ વ્યક્ત કર્યો છે. સાથે જ એ માટેના ચાર ઉમેદવાર પણ જાહેર કર્યા. ચટોપાધ્યાયને ઉમેદવારી અપાઈ છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ફાળે ૭૭ બેઠકો ગઈ, પણ એમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ભાજપના ઘણા ધારાસભ્યો સ્વગૃહે (તૃણમૂલમાં) પરત ફરવાની વેતરણમાં છે.પાંચ તો ખડી પડ્યા છે. હજુ ભાજપના ૨૫ ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવા તૈયાર હોવાના દાવા થયા છે. ઓછામાં પૂરું ત્રિપુરા અને આસામમાં પણ દીદી પોતાના પક્ષના નેતાઓને સક્રિય કરીને ભાજપની નીંદર હરામ કરવાની વેતરણમાં છે. હમણાં તો ગોવાના મુખ્યમંત્રી રહેલા લુઈઝિનો ફાલેરો તૃણમૂલમાં જોડાયા છે.
કેન્દ્રીય એજન્સીઓનો કોરડો
મુખ્યમંત્રી બેનરજી આગામી ચૂંટણીના કામે વળ્યાં છે. સાથે જ વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આઠ તબક્કા દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની ધરપકડોનો જે રીતે દોર ચાલુ રાખ્યો હતો એ અખંડ છે. દીદીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટરજી સામે કેન્દ્રની એજન્સીઓનો કોરડો શરૂ થઇ ગયો. લડાયક મિજાજનાં મમતા કેન્દ્રના આ પગલાને પડકારતાં સ્પષ્ટ કહે છે કે સંબંધિત કેસમાં ભાજપમાં ગયેલા શુભેંદુને બાકાત રાખીને તૃણમૂલના નેતાઓને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ભાજપ માટે મમતા મુખ્ય રાજકીય શત્રુ છે. વિપક્ષની એકતા મજબૂત કરવા માટે મમતા અને શરદ પવાર બંને કામે વળ્યાં છે. આગામી લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ મોરચાના સર્વમાન્ય નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મમતા બેનરજી વિપક્ષના મોરચાનાં સર્વસ્વીકૃત ઉમેદવાર તરીકે ઉપસે અથવા તો વિપક્ષના મોરચાને મજબૂત કરવા માટે એમની ભૂમિકા નિર્ણાયક બનવાની શક્યતા છે એટલે સત્તા મોરચો એમને સતત ઘેરવાની વેતરણમાં રહે છે.
ગડકરી-પવાર કળા કરી શકે
મમતા દીદીના પક્ષના નેતાઓ હમણાં દિલ્હીમાં કેન્દ્રના મંત્રી નીતિન ગડકરીને મળ્યા એ વાતે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જાગી છે. જોકે હમણાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવાર પણ ગડકરીના કામકાજ પર ઓળગોળ છે. ગડકરી સાથેની તૃણમૂલની મુલાકાતો પછી સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટનાં તેડાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને આવ્યાં જ છે. સ્વયં મમતાદીદીએ પણ કેન્દ્ર સરકાર અને ભાજપની નેતાગીરીને પડકારવા સમાન નિવેદનો કરવાનું ચાલુ રાખ્યું છે. ગડકરી પોતે વડાપ્રધાન મોદી સાથે બહુ મધુર સંબંધ ધરાવતા નથી. વળી, મુખ્યમંત્રી બેનરજી અગાઉ ભાજપના વડપણવાળી અટલજીની સરકારમાં પણ મંત્રી રહ્યાં છે. એ પછી કોંગ્રેસના વડપણવાળી ડૉ.મનમોહનસિંહ સરકારમાં પણ મંત્રી રહ્યાં છે. ૧૯૯૭માં કોંગ્રેસથી અલગ થઈને પોતાનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ રચ્યા બાદ પોતાની રીતે નિર્ણયો કરવા માટે તેઓ મોકળાં હતાં. છેક ૧૯૭૭થી પશ્ચિમ બંગાળમાં અજેય રહેલા ડાબેરી મોરચાની સરકારને મમતાએ ૨૦૧૧માં કોંગ્રેસનો સાથ લઈને ચૂંટણી લડી પરાસ્ત કરી હતી. ૨૦૧૬માં કોંગ્રેસ સાથે છેડો ફાડીને વધુ બહુમતી મેળવીને તેઓ ફરી મુખ્યમંત્રી બન્યાં હતાં. વર્ષ ૨૦૨૧માં દીદીને કોઈપણ ભોગે પરાસ્ત કરવા માટે ભાજપ અને કેન્દ્ર સરકારે તમામ પ્રયાસો કર્યા છતાં એમના પક્ષને ભવ્ય બહુમતી મળી. ભાજપને ૨૦૦ બેઠકો મળવાના દાવાઓ ફોક સાબિત થયા હતા. જોકે ભાજપની વર્તમાન નેતાગીરી મમતાદીદીને કનડવામાં કોઈ કસર બાકી રાખતી નહીં હોવા છતાં હવે એ રાષ્ટ્રીય કક્ષાએ ઉપસે એવી શક્યતા વધુ પ્રબળ બની છે. આવા સંજોગોમાં તૃણમૂલ કોંગ્રેસને વિપક્ષી મોરચો મજબૂત કરવાના એના અભિયાનમાંથી સંકલ્પભંગ કરવાના પ્રયાસો કે વ્યૂહો હજુ અખંડ ચાલી રહ્યા છે.
અનિચ્છાએ પણ કોંગ્રેસનો ટેકો
તૃણમૂલ સુપ્રીમોને જેટલાં વધુ છંછેડવામાં આવે એટલાં એ વધુ મજબૂત થતાં જાય છે. જોકે આવતા દિવસોમાં પશ્ચિમ બંગાળ અને રાષ્ટ્રીય રાજકારણમાં મુખ્યમંત્રી બેનરજી મહત્વની ભૂમિકા ભજવતાં હશે એટલું તો નક્કી છે. હવે જયારે દીદી પોતે ભવાનીપુર બેઠક પર ભવ્ય સરસાઈથી જીતવા ઉપરાંત અન્ય બંને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ તેમનો પક્ષ જીત્યો છે, ત્યારે એમનો દબદબો વધવો સ્વાભાવિક છે. મોદી સામે ઝીંક ઝીલવા માટે મમતા અનિવાર્ય બન્યાં છે. હજુ આગામી 30 ઓક્ટોબરે યોજાનારી વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી જીતવાનો ટંકાર પણ દીદીએ કર્યો છે. વિધાનસભામાં તૃણમૂલની બેઠકો વધી રહી છે ત્યારે સામે પક્ષે ભાજપના પાંચ ધારાસભ્યો તો તૃણમૂલ કોંગ્રેસમાં આવી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ બેકફૂટ પર છે. એણે એના પ્રદેશાધ્યક્ષ એકએક અધવચ્ચે જ બદલવા પડ્યા છે. હજુ પક્ષમાં કલહ તો છે જ. આવતા દિવસોમાં કોંગ્રેસે અનિચ્છાએ પણ મમતાના નેતૃત્વને સ્વીકારીને આગામી લોકસભા ચૂંટણી લડવી પડે એવા સંજોગો આકાર લઇ રહ્યા છે.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ : ૪ ઓક્ટોબર, ૨૦૨૧)

No comments:

Post a Comment