Sunday 12 September 2021

Mamata Banerjee's Election to Assembly

 

દુર્ગાઉત્સવ ટાણે મમતા દેવીસ્વરૂપા

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         ઘર કા ભેદી લંકા ઢાએનો કટુઅનુભવ

·         નંદીગ્રામમાં હાર,રાજ્યમાં વિજયપતાકા

·         ભાજપીધારાસભ્યોની તૃણમૂલ ભણી દોટ   

Dr.Hari Desai writes weekly Column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Suplement “UTSAV”.12 September 2021.

પશ્ચિમ બંગાળ કોઈપણ ભોગે કબજે કરવા માટે સંકલ્પરત ભાજપના સર્વોચ્ચ નેતા  અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોલકાતાના દુર્ગા પંડાલોનાં ઉદઘાટન કરતા હતા. આ વખતે દુર્ગા પર્વ ખાસ્સું પાંચેક સપ્તાહ દૂર હોવા છતાં ભવાનીપુર વિધાનસભા વિસ્તારમાંથી મુખ્યમંત્રી મમતા બેનરજી ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે એમના સમર્થકોએ એમની સામાજિક સુરક્ષા યોજનાઓ પ્રચારિત કરવા માટે એમને દસ હાથવાળાં દુર્ગામૈયા તરીકે પેશ કરી રહ્યા છે. ૨૯૪ બેઠકોની પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપને એપ્રિલ-મે ૨૦૨૧ની એ ચૂંટણીમાં ૨૦૦ બેઠકો મળવાના દાવા થતા હતા, પણ મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને ૨૧૩ બેઠકો મળી. મમતાદીદીને પોતીકામાંથી જ પારકા થયેલા શુભેંદુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પરથી માત્ર ૧૯૫૬ મતની સરસાઈથી હરાવ્યાં.મમતા ત્રીજી વાર મુખ્યમંત્રી તો બન્યાં પણ છ મહિનામાં એમણે વિધાનસભામાં ચૂંટાઈ આવવું પડે. એમના માટે તેમના જ એક મંત્રી એસ. ચટોપાધ્યાયે ભવાનીપુર વિધાનસભા બેઠક ખાલી કરી આપી. ચૂંટણી પંચ પેટા ચૂંટણી જાહેર કરવા બાબત નિર્ણય કરે એ ભણી સૌની મીટ મંડાયેલી હતી. આખરે આગામી 30 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફાળે ૭૭ બેઠકો ગઈ, પણ એમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે ભાજપની માત્ર ૭૧ બેઠકો જ રહી છે. ભાજપના ઘણા ધારાસભ્યો સ્વગૃહે (તૃણમૂલમાં) પરત ફરવાની વેતરણમાં છે. હજુ ૨૫ ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવા તૈયાર હોવાના દાવા થયા છે. ઓછામાં પૂરું ત્રિપુરા અને આસામમાં પણ દીદી પોતાના પક્ષના નેતાઓને સક્રિય કરીને ભાજપની નીંદર હરામ કરવાની વેતરણમાં છે. રાજકારણ હવે બીજાના ધારાસભ્યો અને નેતાઓને તોડીને પોતાનું ઘર ચણવાનો ઉદ્યોગ બની ગયો છે.

વિપક્ષી મોરચાનો પ્રાણ

મુખ્યમંત્રી બેનરજી ચૂંટણીના કામે વળ્યાં છે. સાથે જ કેન્દ્ર સરકારની એજન્સીઓ પણ વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આઠ તબક્કા દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની ધરપકડોનો જે રીતે દોર ચાલુ રાખ્યો હતો એ જ રીતે ફરીને દીદીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટરજી સામે કેન્દ્રની એજન્સીઓનો કોરડો  શરૂ થઇ ગયો. લડાયક મિજાજનાં મમતા કેન્દ્રના આ પગલાને પડકારતાં સ્પષ્ટ કહે છે કે સંબંધિત કેસમાં ભાજપમાં ગયેલા શુભેંદુને બાકાત રાખીને તૃણમૂલના નેતાઓને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ભાજપ માટે મમતા મુખ્ય રાજકીય શત્રુ છે. વિપક્ષની એકતા મજબૂત કરવા માટે મમતા અને શરદ પવાર બંને કામે વળ્યાં છે. આગામી લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ મોરચાના સર્વમાન્ય નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મમતા બેનરજી વિપક્ષના મોરચાનાં સર્વસ્વીકૃત ઉમેદવાર તરીકે ઉપસે અથવા તો વિપક્ષના મોરચાને મજબૂત કરવા માટે એમની ભૂમિકા નિર્ણાયક બનવાની શક્યતા છે એટલે સત્તા મોરચો એમને સતત ઘેરવાની વેતરણમાં રહે છે.  

તૃણમૂલ વિરુદ્ધ ભાજપ

ભવાનીપુર બેઠક પરથી મમતા લડી રહ્યાં હોય ત્યારે કોંગ્રેસે એમની સામે કોઈ ઉમેદવાર નહીં મૂકવાનો નિર્ણય જાહેર કરીને મમતા-સોનિયા ગાંધી વચ્ચે ફરી સ્થાપિત થયેલા મધુર સંબંધોનો પરિચય આપ્યો છે. જોકે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાણ ધરાવતા માર્ક્સવાદી પક્ષે તો પોતાનાં ઉમેદવાર તરીકે ૩૧ વર્ષના ધારાશાસ્ત્રી શ્રીજીબ બિસ્વાસને જાહેર કર્યા છે. આ સાંકેતિક ઉમેદવારી જ કહી શકાય. આ બેઠક પર ખરી સ્પર્ધા તો તૃણમૂલ અને ભાજપ વચ્ચે જ થવાની.  જોકે મમતાની  આ બેઠક તેમણે અગાઉ વારંવાર જીતેલી દક્ષિણ કોલકાતા  સંસદીય બેઠકનો હિસ્સો છે. મુખ્યમંત્રી કહે છે કે ભવાનીપુર બેઠકના મતદારો કાયમ મારા  સમર્થનમાં રહ્યા છે.  સામાન્ય છાપ એવી ઊભી કરવામાં આવી રહી છે કે મમતા મુસ્લિમ તુષ્ટીકરણ કરીને જીતે છે. જોકે તેમના પક્ષને  મળેલા  ભવ્ય વિજયમાં હિંદુ અને મુસ્લિમ તમામનો સહયોગ રહ્યો છે. ઉપરાંત ગુરખા મતદારો પણ એમનું સમર્થન કરતા રહ્યા છે. ભવાનીપુર બેઠક પરથી મુખ્યમંત્રી મમતા જીતવાનાં એ સ્પષ્ટ હોવા છતાં ભાજપના પ્રદેશાધ્યક્ષ દિલીપ ઘોષ હજી એવો દાવો જરૂર કરતા રહ્યા છે કે મુખ્યમંત્રી આ બેઠક ભાજપ સામે હારી શકે છે. ભૂતકાળમાં પ્રફુલ કુમાર સેન અને બુદ્ધદેવ ભટ્ટાચાર્ય મુખ્યમંત્રીના હોદ્દે હતા ત્યારે ચૂંટણી હારી ચુક્યા છે. મમતા એકવાર મુખ્યમંત્રી હોવા છતાં હાર્યાં પણ ફરીને હારે એવી શક્યતા નથી.

ભાજપ-કોંગ્રેસ સાથે સંબંધ

મમતા દીદીના પક્ષના નેતાઓ હમણાં દિલ્હીમાં કેન્દ્રના મંત્રી નીતિન ગડકરીને મળ્યા એ વાતે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જાગી છે. જોકે ગડકરી સાથેની આ મુલાકાતો પછી સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટનાં તેડાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને આવ્યાં જ છે. સ્વયં મમતાદીદીએ પણ કેન્દ્ર સરકાર અને ભાજપની નેતાગીરીને પડકારવા સમાન નિવેદનો કરવાનું ચાલુ રાખ્યું છે. ગડકરી પોતે વડાપ્રધાન મોદી સાથે બહુ મધુર સંબંધ ધરાવતા નથી. વળી, મુખ્યમંત્રી બેનરજી અગાઉ ભાજપના વડપણવાળી અટલજીની સરકારમાં પણ મંત્રી રહ્યાં છે અને એ પછી કોંગ્રેસના વડપણવાળી ડૉ.મનમોહનસિંહ સરકારમાં પણ મંત્રી રહ્યાં છે. ૧૯૯૭માં કોંગ્રેસથી અલગ થઈને પોતાનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ રચ્યા બાદ પોતાની રીતે નિર્ણયો કરવા માટે તેઓ મોકળાં હતાં. છેક ૧૯૭૭થી પશ્ચિમ બંગાળમાં  અજેય રહેલા ડાબેરી મોરચાની સરકારને મમતાએ ૨૦૧૧માં કોંગ્રેસનો સાથ લઈને ચૂંટણી લડી પરાસ્ત કરી હતી. ૨૦૧૬માં  કોંગ્રેસ સાથે છેડો ફાડીને વધુ બહુમતી મેળવીને તેઓ ફરી મુખ્યમંત્રી બન્યાં હતાં. વર્ષ ૨૦૨૧માં દીદીને કોઈપણ ભોગે પરાસ્ત કરવા માટે ભાજપ અને કેન્દ્ર સરકારે તમામ પ્રયાસો કર્યા છતાં એમના પક્ષને ભવ્ય બહુમતી મળી. ભાજપને ૨૦૦ બેઠકો મળવાના દાવાઓ ફોક સાબિત થયા હતા.  જોકે ભાજપની વર્તમાન નેતાગીરી મમતાદીદીને કનડવામાં કોઈ કસર બાકી રાખતી નહીં હોવા છતાં હવે એ રાષ્ટ્રીય કક્ષાએ ઉપસે એવી શક્યતા વધુ પ્રબળ બની છે. આવા સંજોગોમાં તૃણમૂલ કોંગ્રેસને વિપક્ષી મોરચો મજબૂત કરવાના એના અભિયાનમાંથી સંકલ્પભંગ કરવાના પ્રયાસો કે વ્યૂહો હજુ અખંડ ચાલી રહ્યા  છે. તૃણમૂલ સુપ્રીમોને જેટલાં વધુ છંછેડવામાં આવે એટલાં એ વધુ મજબૂત થતાં જાય છે. જોકે આવતા દિવસોમાં પશ્ચિમ બંગાળ અને રાષ્ટ્રીય રાજકારણમાં મુખ્યમંત્રી બેનરજી મહત્વની ભૂમિકા ભજવતાં હશે એટલું તો નક્કી છે.

તિખારો

મૈં નહીં માનતી

સામ્પ્રદાયિકતા કે રંગ મેં મુઝે

નહીં હૈ વિશ્વાસ,

સભી ધર્મોં મેં હૈ ઉગ્રતા-નમ્રતા.

મેં હૂં નમ્ર જાગરણ કી એક

સહિષ્ણુ સેવિકા,

ઉત્થાન હુઆ જિસકા બંગાળ મેં.

વિશ્વાસ નહીં મુઝે સામયિક ઉગ્ર ધર્મ બેચને મેં-

મેરા વિશ્વાસ હૈ માનવતા કે

આલોક સે આલોકિત ધર્મ મેં.

ધર્મ બેચના હૈ જિનકા તાશ

ધર્મ પહાડ પર હૈ  પૈસોં કા વાસ ??

મૈ રત હૂં નિજ કર્મોં મેં

કર્મહીન હો તુમ સબ !!!!

ઇસલિએ બિકતા હૈ ઉગ્રતા કા ધર્મ ??

વિશ્વાસ હૈ જિન્હેં સહિષ્ણુતા મેં –

આઇએ, જાગ્રત કીજિએ

સમવેત સભી આઇએ

જબ વસુધૈવ કુટુમ્બકમ્ –

તો ક્યોં હૈં યે હિસાબ-કિતાબ?

ઉગ્રતા હૈ જિસકી અભિલાષ.

-     મમતા બેનરજી

(મે ૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની ૪૨ બેઠકોમાંથી ભાજપ ૧૮ બેઠકો લઇ શકી અને તૃણમૂલ કોંગ્રેસને માત્ર ૨૨ બેઠકો મળી તથા કોંગ્રેસને માત્ર બે બેઠકો પ્રાપ્ત થઇ ત્યારે વ્યથિત મુખ્યમંત્રી મમતાની કલમે બંગાળીમાં કવિતા સ્ફુરી “માનિ  ના” -હું માનતી નથી. જોકે એ પછીની વિધાનસભા ચૂંટણીમાં એમણે બદલો લઇ લીધો.)

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૯ સપ્ટેમ્બર, ૨૦૨૧)

No comments:

Post a Comment