Wednesday 15 September 2021

Rupani Gone, Bhupendra Patel takes over

            રૂપાણીનું જવું અને ભૂપેન્દ્રભાઈનું આવવું બંનેનાં રહસ્ય વણઉકલ્યાં

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         અમિત શાહના નિષ્ઠાવંત વિજયભાઈના સ્થાને આનંદીબહેનના નિષ્ઠાવંતની જ પધરામણી

·         ભણેલાગણેલા મુખ્યમંત્રીને સ્થાને બારમું પાસને ચૂંટણી વર્ષમાં સૂકાન સોંપવાના સૂચિતાર્થ

·         કડવા-લેઉવા પટેલના રાજકારણમાં રાજ્યમાં પહેલીવાર કડવા પટેલને રાજ્યનું સૂકાન મળ્યું

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).

ગુજરાતમાં શનિવાર અને રવિવારની રજાના દિવસો સૌથી વધુ ચમત્કાર અને ચિંતનના દિવસો રહ્યા: શનિવાર,૧૧ સપ્ટેમ્બરના રોજ પાટીદાર સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોની હાજરીમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ભાષણમાં ગુજરાતની સરકારનાં ખોબલે ખોબલે વખાણ કરી રહ્યા હતા અને ત્યાં જ વાવડ આવ્યા કે રૂપાણી રાજભવન જઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી આવ્યા. કેન્દ્રના નિરીક્ષકો અસ્સલ કોંગ્રેસી સ્ટાઇલમાં ગાંધીનગર આવી ગયા. રવિવાર, ૧૨ સપ્ટેમ્બરની બપોર સુધીમાં તો ટીવી ચેનલોએ અનેકોને મુખ્યમંત્રી બનાવી દીધા અને છેવટે ખરા મુખ્યમંત્રી તો ભૂપેન્દ્ર પટેલ નીકળ્યા. ભાગ્યેજ કોઈને સમજાયું કે ભાજપના પ્રવક્તાઓ જેમનાં વખાણ કરતાં થાકતા નહોતા છતાં જેમને ઘર ભેગા કરાયા એ રૂપાણીને પાણીચું અપાયું કેમ? ભણેલાગણેલા અને એલએલબી થયેલા સર્વમિત્ર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવું તે કયું પાપ કર્યું કે એમને સંવત્સરી ટાણે જ તગેડાયા અને ભાજપના મુખ્યાલય “કમલમ”ની બેઠકમાં પાંચમી હરોળમાં બેઠેલા ઘાટલોડિયાના બારમું પાસ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને  મુખ્યમંત્રી પદનો તાજ પહેરવા માટે કાં તેડાવાયા? વિધાનસભાની ચૂંટણી આડે વર્ષ-સવા વર્ષનો સમય બાકી હતો અને હજુ હમણાં જ રૂપાણીના સફળ ગણાવાતા શાસનનાં પાંચ વર્ષ ઉજવાયાં અને એકાએક એમની રવાનગી કરવાનો આદેશ દિલ્હીશ્વરે પાઠવ્યો. એનું રહસ્ય સ્વયં પાર્ટી કે સરકારે છતું ના કરીને પક્ષના કાર્યકરો અને રાજ્યની પ્રજાને પણ મૂંઝવણમાં મૂકી દીધી. સોમવાર, ૧૩ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથવિધિમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને વિવિધ રાજ્યોના ભાજપી મુખ્યમંત્રી પધારે ત્યારે વાસ્તવમાં શું ખેલ ચાલી રહ્યો છે એ જ સમજવું મુશ્કેલ છે.

પાટીદાર મુખ્યમંત્રીનો આગ્રહ

ખોડલધામના ચેરમેન અને ઉદ્યોગપતિ નરેશ પટેલે રાજ્યમાં પટેલ મુખ્યમંત્રી ખપે એવો નારો બુલંદ કર્યો. પછી તો ઘણા સમાજોએ પોતાના મુખ્યમંત્રી માટે આગ્રહ સેવ્યો હતો. વાસ્તવમાં નરેશભાઈનું નિવેદન રૂપાણીને મુખ્યમંત્રી તરીકે બદલવાની હિલચાલમાં એક માસ્ટરસ્ટ્રોક તરીકે હતું, પણ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની યોજના ઊંધી વાળવાનો એ દાવ હતો એટલે નરેશભાઈ એ સંદર્ભે પાટીલ કને સ્પષ્ટતા પણ કરી લીધી હતી. ચિત્ર જુદું ઉપસવાનું હતું, પણ રૂપાણી થોડું વધુ ટકી ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કોણ એ વિશેની કશ્મકશ ચાલતી હતી ત્યાં વળી એક તબક્કે કેન્દ્રના મંત્રી અને લેઉવા પટેલ મનસુખ માંડવિયા કે કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક એવા મૂળ મહેસાણાના ઉમતાના અને સાબરકાંઠે જઈ વસેલા કડવા પટેલ એવા  પ્રફુલ પટેલ બેમાંથી કોઈની વરણી થવાની ચર્ચા પણ ચાલી. પ્રફુલ પટેલના નામ સામે અમિતભાઈ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ બેઉનો વિરોધ હોવાની વાત આવી. ક્યારેક આનંદીબહેને મુખ્યમંત્રી તરીકે જવું પડ્યું ત્યારે નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવો એમનો આગ્રહ હતો, પણ અમિતભાઈ જીદે ચડીને વિજય રૂપાણીને ગાદી અપાવી શક્યા હતા. હવેના તબક્કે પણ  નીતિનભાઈ માટે હોદ્દો હોઠ અને પ્યાલા જેટલા અંતરે રહી ગયો, પણ ઉત્તર ગુજરાત અને સમગ્રપણે ગુજરાતના કડવા પટેલ સમાજના ગણાવી શકાય એવા અમદાવાદની ધન્તુરાની પોળના પટેલ અને આનંદીબહેનના કૃપાપાત્ર એવા ભૂપેન્દ્ર પટેલ પર પસંદગીનો કળશ ઢોળાયો. ભૂપેન્દ્રભાઈએ તંગ દોરડા પર ચાલવાનું છે. ચૂંટણી સુધી સરકાર ચલાવવાની છે. રૂપાણી સરકારને અધિકારીઓ ચલાવતા હતા એવું જ કંઈક ભૂપેન્દ્રભાઈ સરકારનું પણ ગણાશે. જોકે પ્રદેશ અધ્યક્ષ પાટીલ  સાથે સરકારનું સારું સંકલન જાળવીને એ કામ કરશે એ વાત નક્કી. વ્યવસાયે બિલ્ડર છે એટલે ચૂંટણી ફંડ ભેગું કરવામાં સરળતા રહેશે. ચૂંટણી માટે લખલૂટ નાણાંની જરૂર પડે એ સૌકોઈ જાણે છે.

અત્યાર લગીના લેઉવા સીએમ

ગુજરાતને પહેલી વાર કડવા  મુખ્યમંત્રી મળ્યા છે. હકીકતમાં કહેવા પૂરતું તો કોંગ્રેસ હોય કે ભાજપ, જ્ઞાતિ અને કોમને આધારે ચૂંટણી લડાતી નહીં હોવાની વાત ભલે કરે, પક્ષની ટિકિટો   વહેંચવાની હોય ત્યારે જાતિગત સમીકરણ અને વોટ બેંક જરૂર ધ્યાને લેવાય છે. રાષ્ટ્રીય કક્ષાએ મોદી ઓબીસી વોટબેંક મજબૂત કરીને ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાં જીતની વ્યૂહરચના ભલે ઘડતા હોય ગુજરાતમાં તો પાટીદાર પરિબળને સાચવવું અનિવાર્ય છે. ૧૨થી ૧૫ % પાટીદાર વસ્તી હોવા છતાં પટેલોનો રાજ્યમાં જે પ્રભાવ છે એ જોતાં ૧૮૨માંથી ૪૪ (30 ભાજપના અને ૧૪ કોંગ્રેસના) છે. રાજ્યની ૫૮ બેઠકો પર પટેલ મતદારોનો પ્રભાવ રહે છે. અત્યાર લગી કડવા મતદારો કરતાં લેઉવા મતદારો ભણી જ વધુ ધ્યાન અપાયું છે. આ વખતે પહેલી વાર કડવા પટેલ મુખ્યમંત્રી થતાં, વિપક્ષ હવે લેઉવા પટેલોને વધુ મહત્વ આપે એવી શક્યતા ખરી. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ભાવ વધે એવી શક્યતા રહે. અત્યાર લગી રાજ્યને જે ચાર પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે તેમાં તમામ લેઉવા પટેલ રહ્યા છે. ચીમનભાઈ પટેલ (મધ્ય ગુજરાત), બાબુભાઈ જશભાઈ  પટેલ (મધ્ય ગુજરાત), કેશુભાઈ પટેલ (સૌરાષ્ટ્ર) અને આનંદીબહેન પટેલ (ઉત્તર ગુજરાત) એ ચારેય લેઉવા પટેલ મુખ્યમંત્રી રહ્યાં છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મૂળ અમદાવાદના હોવા છતાં એમની સાસરી ઉત્તર ગુજરાતમાં હોવાને કારણે મહેસાણાના પટેલ સમાજને પણ સાચવી શકે તેમ છે. હવે મંત્રીમંડળમાં લેઉવા પટેલોને કેવું સ્થાન મળે છે એ જોવાનું રહે છે. કોંગ્રેસમાં મહત્વના કડવા પટેલ નેતા તરીકે હાર્દિક પટેલ છે. કોંગ્રેસ અને આપ બંને હવે લેઉવા પટેલ વોટબેંક સાચવવાની કોશિશમાં રહેશે. પટેલો તો ભાજપ સાથે જ છે એવા નિવેદન સામે વિરોધ નોંધાવનારા મૂળ કોંગ્રેસી ગોત્રના નરેશ પટેલ ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદ અંગે બે દિવસ પછી મત વ્યક્ત કરવાનું કહે ત્યારે એમની રાજકીય રમત કળવી જરા મુશ્કેલ છે. કડવા અને લેઉવા વચ્ચેના ભેદ ભૂલવા માટેનાં આયોજનો આગળ વધશે કે તિરાડ વધશે એ ભણી પણ સૌની મીટ છે. વળી, કોઈપણ રાજકીય પક્ષ કોઈ એક સમાજ કે જ્ઞાતિ કે સંપ્રદાયને લઈને જ પ્રભાવ પાડી શકતો નથી. બધા સમાજોને સાથે લઈને જ રાજ કરવાનું શક્ય છે.

ખામ થિયરી-સામાજિક ઇજનેરી

ક્યારેક ઝીણાભાઈ દરજીની ખામ (ક્ષત્રિય,હરિજન,આદિવાસી અને મુસ્લિમ) થિયરી લઈને આગળ વધેલા માધવસિંહ સોલંકીને ૧૮૨માંથી ૧૪૯ બેઠકો મળી હતી. અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહ અને  નરેન્દ્ર મોદીએ ૧૫૧ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માંડ ૯૯ બેઠકો મળી હતી. એ પણ જયારે વડાપ્રધાનપદે મોદી હતા ત્યારે. હવે પાટીલે  ૧૮૨માંથી ૧૮૨ બેઠકો જીતવાનો લક્ષ્ય રાખ્યો છે. લક્ષ્ય તો ઊંચું જ રાખવું પડે. કોંગ્રેસની ખામ થિયરીને ભાંડનાર ભાજપના ગોવિન્દાચાર્ય “સોશિયલ એન્જિનિયરિંગ”ની થિયરી આગળ કરતા રહ્યા છે. જાતિવાદ કે જ્ઞાતિવાદ એક યા બીજા સ્વરૂપે રાજકીય ક્ષેત્રમાં ડોકાયા કરે છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની રચના અને કામગીરી માટેનો સમયગાળો હવે બહુ લાંબો નથી એટલે જે માધવસિંહ ૧૪૯ બેઠકોનો વિક્રમ નોંધાવી શક્યા હતા એ જ માધવસિંહને ૧૯૯૦ની ચૂંટણી પૂર્વે ફરી મુખ્યમંત્રી બનાવાયા ત્યારે કોંગ્રેસને માત્ર ૩૩ બેઠકો જ અપાવી શક્યા હતા. ચીમનભાઈ પટેલના જનતા દળ અને કેશુભાઈ પટેલના ભાજપના મેળાપીપણામાં કોંગ્રેસનું નામું નંખાઈ ગયું હતું. ભૂપેન્દ્રભાઈને પડખે મહારથીઓ ઊભા છે, પણ આજના તબક્કે ૧૮૨ બેઠકોના લક્ષ્ય સાથે આગળ વધનારા ભાજપના નવા મુખ્યમંત્રી સત્તા સંભાળે છે ત્યારે માધવસિંહ સોલંકીના બંને વિક્રમોનું સ્મરણ થવું સ્વાભાવિક છે.જોકે કોંગ્રેસ હજુ ઘર સરખું કરે છે અને આમ આદમી પાર્ટી ભાજપને પોતીકી લાગે છે ત્યારે  નવા મુખ્યમંત્રી અને એમની સરકારને શુભેચ્છા આપીએ. વર્ષ ૨૦૨૨માં નિર્ધારિત સમયે કે વહેલી વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે એ પડકાર ઝીલીને એ ફરીને મજબૂત મુખ્યમંત્રી બને એવી અપેક્ષા જરૂર કરીએ.

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧)

No comments:

Post a Comment