Friday 24 September 2021

Change of Guard in Punjab

 

પંજાબમાં નેતૃત્વ પરિવર્તન કોંગ્રેસ માટે ખરી અગ્નિપરીક્ષા

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         “મહારાજા” પતિયાળા કેપ્ટન અમરિંદર સિંહના યુગનો અંત

·         નવજોત સિંહ સિદ્ધુ ભાજપમાંથી આવ્યા ત્યારથી મડાગાંઠ

·         સિદ્ધુને રાષ્ટ્રદ્રોહી કહેતા કેપ્ટનની પાકિસ્તાની મિત્ર જોખમી

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and Gujarat Guardian(Surat).

એકાએક શનિવાર, ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ વાવડ આવ્યા કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વિધાનસભા પક્ષના નેતા તરીકેનું રાજીનામું રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને સુપરત કર્યું ત્યારથી નવા નેતાની શોધમાં રવિવારની સાંજ પડી ગઈ. મુખ્યમંત્રી બનવા માટે સૌકોઈ ઉત્સુક હોય છે પણ પંજાબમાં મુખ્યમંત્રી કોણ બને એના કરતાં રવિવાર, ૧૯ સપ્ટેમ્બરે રાજ્યસભા સભ્ય અને કોંગ્રેસના મોવડીમંડળનાં એકદમ વિશ્વાસુ એવાં અંબિકા સોનીએ કોંગ્રેસી મુખ્યમંત્રીપદ સ્વીકારવાની ઓફરને સવિનય પાછી ઠેલ્યાની ચર્ચા વધુ હતી. મુખ્યમંત્રી તો શીખ નેતા થવા જોઈએ એવું કહીને ૧૯૭૫માં યુવક કોંગ્રેસનાં પ્રથમ અધ્યક્ષ બનેલાં શ્રીમતી સોનીએ અન્ય કોઈ શીખ નેતા પર પસંદગીનો કળશ ઢોળવાનો આગ્રહ રાખ્યો. ત્રણ વાર ધારાસભ્ય ચૂંટાયેલા અને કેપ્ટન અમરિંદર સિંહની સરકારમાં જેલ અને સહકાર મંત્રી રહેલા સુખજિંદર રંધાવા સાથે બે નાયબ મુખ્ય મંત્રી રાખવાની ફોર્મ્યૂલા ચર્ચામાં આવી. જોકે રંધાવાના નામ સામે સિદ્ધુને પણ વાંધો હતો. છેવટે ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી બનશે એવું કોંગ્રેસના નિરીક્ષક હરીશ રાવતે ટ્વીટ કરીને રવિવારે જાહેર કર્યું. જોકે બધું સમુસૂતરું નહીં હોય એવા સંકેત અત્યારથી મળે છે.  ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નવજોતસિંહ સિદ્ધુ છેલ્લાં પાંચેક મહિનાથી મુખ્યમંત્રી “મહારાજા” અમરિંદર સિંહ સામે ખુલ્લેઆમ બળવો કરીને એમને હોદ્દેથી દૂર કરાવવા મેદાને પડ્યા હતા. કેપ્ટન સિંહ કોઈ સમાધાન માટે તૈયાર નહોતા. સિદ્ધુને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે પણ સંમત નહોતા. મોવડીમંડળ થકી છેવટે સિદ્ધુને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા. એ પછી પણ કોંગ્રેસની યાદવાસ્થળી ચાલુ રહી. અંતે ૧૧૭માંથી ૮૦ કોંગ્રેસી ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરને રાજીનામું આપવા જણાવ્યું. એમણે નાછૂટકે રાજીનામું આપતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતે છેલ્લા પાંચ મહિનાના ઘટનાક્રમથી દુઃખી હોવાની વેદના સાથે જ ૨૦૧૭ની ચૂંટણી ટાણે પક્ષે આપેલાં ૮૯.૨ % વચન પૂર્ણ કર્યાનો દાવો કર્યો હતો. ૧૦, જનપથના ઈશારે અને રાહુલ-પ્રિયંકાના ટેકે કેપ્ટનને ઘરે બેસાડવાનો કારસો રચાયો.

કેપ્ટન ૧૦, જનપથ વિરુદ્ધ

હવે આગામી ડિસેમ્બર, ૨૦૨૧ કે જાન્યુઆરી, ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી નવા મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સિદ્ધુના નેતૃત્વમાં લડશે. કેપ્ટન ઘાયલ છે. આવતા દિવસોમાં ઠેકડો મારીને ભાજપમાં કે આમ આદમી પાર્ટીમાં જવાનો વિકલ્પ પસંફ્દ કરે કે અકાલી દળમાં પાછા ફરીને સ્વગૃહે જઈ કોંગ્રેસને પરાજિત કરવાનો સંકલ્પ કરે છે એ જોવું રહ્યું. પતિયાળાના “મહારાજા” અમરિંદર સિંહ ગત ચૂંટણીમાં આપબળે કોંગ્રેસને વિજયી બનાવી શક્યા હતા. આવતા વખતે એ જ કોંગ્રેસને પરીજીત કરવા માટે મેદાને પડે છે કે પક્ષમાં જ કામે વળશે એના ભણી સૌની મીટ છે. અમરિંદર રાજીનામું આપતાં ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા સિદ્ધુને રાષ્ટ્રદ્રોહી લેખાવવાનું ચૂકતા નથી, પણ આ મુદ્દો હવે મહારાજ માટે ગળાનું હાડકું સાબિત થવાનું. સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાએ તો અમરિંદર ગાંધી પરિવાર વિરુદ્ધ નિશાન તાકી રહ્યાનું કહે છે. મુસ્તફાએ સિદ્ધુને રાષ્ટ્રદ્રોહી ગણાવનારા અમરિંદર સામે તેમની  આખી કિતાબને બેનકાબ કરવાની ધમકી પણ આપી છે. રાજકારણ કેવું બ્લેક મેઈલિંગના સ્તરે પહોંચ્યું છે એનો અણસાર અહીં મળે છે. કેપ્ટન કરતારપુર કરિડોર માટે પાકિસ્તાનની સંમતી લઇ આવનાર સિદ્ધુને રાષ્ટ્રદ્રોહી લેખાવે છે ત્યારે મુસ્તફા તો પાકિસ્તાનના તાનાશાહ જનરલ  યાહ્યાખાન માટે સુરા અને સુંદરીની વ્યવસ્થા કરવા માટે મશહૂર “જનરલ રાની” અક્લીન અખ્તરની પત્રકાર દીકરી અરુસા આલમ સાથેના કેપ્ટનના સુંવાળા સંબંધો જાહેરમાં લાવવાના સંકેત આપ્યા છે. કાચના ઘરમાં રહેનારાઓએ અન્યોના ઘર પર પથ્થર ના ફેંકવા જોઈએ.      

ચૂંટણી પૂર્વે નેતૃત્વપરિવર્તન

દસ-દસ વર્ષ સુધી પંજાબમાં અકાલી દળ અને ભાજપની સંયુક્ત સરકાર રહ્યા પછી વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં બંનેનો સાવ જ સફાયો થયો હતો. અકાલી ત્રીજા ક્રમે અને ભાજપ તો ચોથા ક્રમે આવ્યો હતો. કોંગ્રેસને ૮૦ બેઠકો મળી હતી અને વિધાનસભામાં મુખ્ય વિપક્ષ તરીકે ૨૦ બેઠકો સાથે (એમાંના ૪ તો પાછા કોંગ્રેસના સાથી બન્યા) આમ આદમી પાર્ટી આવી હતી. કેન્દ્રમાં ભાજપનાં વડપણવાળી નરેન્દ્ર મોદી સરકારમાં અકાલી દળ ભાગીદાર હોવા છતાં ખેત ઉત્પાદનોને લગતા ત્રણ કેન્દ્રીય કાયદાઓને પહેલાં સમર્થન આપ્યા પછી એના વિરોધને કારણે અકાલી અને ભાજપના છૂટાછેડા થયા હતા. હવે કેપ્ટન અમરિંદરનું રાજીનામું આગામી ચૂંટણીમાં કોંગ્રેસને નવા નેતાના નેતૃત્વમાં ચૂંટણી લડવા પ્રેરાશે.અંબિકા સોનીએ ના પાડ્યા પછી  પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ સિદ્ધુ અને પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડનાં નામ નવા નેતા તરીકે ઉપસ્યાં હતાં. પણ પછીથી રંધાવાનું નામ આવ્યું હતું. મુખ્યમંત્રી શીખ હોય અને બે નાયબ મુખ્યમંત્રીમાંથી એક દલિત હિંદુ અને બીજો સવર્ણ હિંદુ મૂકીને કોંગ્રેસ પંજાબનાં સામાજિક સમીકરણોને પોતાને અનુકૂળ કરી લેવાની વેતરણમાં જોવા મળી. અગાઉ ઉચ્ચવર્ણીય જાટ શીખ નેતાગીરી સાથે અહીની નિર્ણાયક દલિત મતબેંકને જોડવા માટે અકાલીએ માયાવતીના બહુજન સમાજ પક્ષ સાથે જોડાણ કર્યું છે. ભાજપ પણ આ વખતે સ્વતંત્ર રીતે લડે છે. “આપ” પણ. એટલે જંગ ચતુષ્કોણીય બનાવાનો.આવા જંગમાં કોણ આગળ નીકળશે એ કહેવું કઠિન છે. જોકે કોંગ્રેસની યાદવાસ્થળી એને નુકસાન કરી શકે છે. દાયકાઓ પછી કોંગ્રેસ યુગના રાષ્ટ્રપતિ  ઝૈલસિંહના પૌત્રને ભાજપમાં જોડતાં તેમના મુખે એકાએક ઝૈલસિંહની માર્ગ અકસ્માતમાં કોંગ્રેસ થકી હત્યા કરાયાનું રટણ કરાવીને ભાજપ પણ દલિત શીખ મત અંકે કરવાની વેતરણમાં છે. પંજાબમાં દાયકાઓથી અકાલી અને જનસંઘ એટલે કે ભાજપનાં પૂર્વ અવતાર વચ્ચે ગઠબંધન રહ્યું છે. આ વખતે એ તૂટે છે અને એનો કોને કેટલો લાભ મળશે એ કહેવું મુશ્કેલ છે.

પાકિસ્તાન મુદ્દો ઉછળાશે

પંજાબની ચૂંટણીમાં આ વખતે પાકિસ્તાન મુદ્દો છવાયેલો જરૂર રહેવાનો. આમ પણ, ભાજપને તો એ મુદ્દો ઉછાળી રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રદ્રોહીનાં પ્રમાણપત્રો આપવાની જાણે કે ફાવટ છે. કેપ્ટન અમરિંદર પોતાની સરકારમાં મંત્રી રહેલા અને ફારેગ કરાયેલા ભૂતપૂર્વ ભાજપી સાંસદ સિદ્ધુને રાષ્ટ્રદ્રોહી ગણાવીને આ મુદ્દાને ઉછાળવાનું ચાલુ કર્યું છે. જોકે કરતારપુર કરિડોર થકી બંને દેશના શીખ શ્રદ્ધાળુઓને લાભ જ થયો છે. અમરિંદર સિદ્ધુની પાકિસ્તાની વડાપ્રધાન સાથેની મૈત્રીને રાષ્ટ્રદ્રોહનો મુદ્દો લેખાવે છે, પણ અહીં એ પોતે પણ પાકિસ્તાનની ડિફેન્સ પત્રકાર અરૂસા આલમ સાથેના કેપ્ટનના અંગત સંબંધો એમના માટે પણ મુશ્કેલી સર્જે છે. કેપ્ટન ભાજપમાં જોડાય તો આ મુદ્દો ભાજપને નડી શકે. આપ પાર્ટી એમને લે કે કેમ એ પ્રશ્ન છે. અરૂસા માટે કેપ્ટનના દિલમાં મૈત્રી કરતાં વધુ ભાવ છે અને તેમણે એને પોતાના શપથવિધિ સમારંભમાં વીવીઆઈપી તરીકે મૂકાવી હતી. વરિષ્ઠ પત્રકાર સીમા મુસ્તફાએ તો અરૂસાને “ફર્સ્ટ લેડી ઓફ પંજાબ” કહી છે. લેખિકા શોભા ડે અરૂસાને અમરિંદરની લીવ-ઇન પાર્ટનર ગણાવે છે. આપના નેતાઓ તો મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને રહેતી આ પાકિસ્તાની મહિલા વિશે ઘણું બધું કહે છે. કેપ્ટન અમરિંદર સાથે જોવા મળતી આ પાકિસ્તાની પત્રકારને ઇસ્લામાબાદના અત્યંત ધનાઢ્ય વિસ્તારમાં કેપ્ટને બંગલો પણ અપાવ્યની ચર્ચા છે. કાદવઉછાળમાં બધી બાજુ સમોવડિયા છે. કેપ્ટન હવે શું કરે છે એના પર કોંગ્રેસનું પંજાબના શાસનનું ભાવિ નક્કી થવાનું છે એ વાત નક્કી છે.   

 ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૧)

No comments:

Post a Comment