Sunday 11 July 2021

History Rewriting : Favorable to the Rulers

 અનુકૂળ ઈતિહાસ પુનર્લેખન માટે તમામ શાસકોના ધખારા

ઇતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ .દિવ્ય ભાસ્કર.રંગત-સંગત ડિઝિટલ મેગેઝિન.૧૧ જુલાઈ ૨૦૨૧ વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/all-the-rulers-for-favorable-history-rewriting-128685443.html?ref=inbound_article

·         1.તમામ યુગના સત્તાધીશો પોતાને અનુકૂળ ઘટનાક્રમ દરબારીઓ - ઇતિહાસવિદો પાસે લખાવે છે

·         2.અંગ્રેજ શાસકો થકી નાણાં સાટે હિંદુ-મુસ્લિમદ્રોહી લખાણો કરાવ્યાની પોલ પં.સુંદરલાલે ખોલી

·         3.જસ્ટિસ ચાગલાએ ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ લખાવવા રોમિલા થાપરને નિયુક્તિ આપી હતી

હમણાં વાવડ આવ્યા કે ભારત સરકાર હવે ઇતિહાસનું પુનર્લેખન કરાવવાની છે. સાત-સાત વર્ષ સુધી સત્તારૂઢ રહ્યા છતાં ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે હજુ વર્ષ 2005 કે 2007માં NCERTએ તૈયાર કરેલાં પુસ્તકોને ફરી-ફરી છાપીને ભણાવવાનું ચાલુ રાખ્યું છે. સંઘ પરિવારના દીનાનાથ બત્રા આ પાઠ્યપુસ્તકોમાં વિકૃત ઈતિહાસ રજૂ થતો હોવાના કકળાટ સાથે અદાલતોમાં પણ જતા રહ્યા છે પણ નવાં પાઠ્યપુસ્તકો હજુ લખાવાનું કામ બાકી જ રહ્યું છે. ઈતિહાસ કાયમ શાસકોને અનુકૂળ લખાતો અને શાળા-કોલેજોમાં ભણાવાતો રહ્યાની પરંપરા છે. એના કારણે વર્તમાન શાસકો પોતાને અનુકૂળ ઈતિહાસલેખન કરાવે એમાં ઘણાને કંઈ અજુગતું ન પણ લાગે. જો કે, ઈતિહાસનાં નીરક્ષીર કરીને સચ્ચાઈ પ્રજા સમક્ષ જ નહીં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ થાય એ અનિવાર્ય છે. ઈતિહાસને નામે શાસકોનાં ગુણગાન કરવાનાં પ્રશસ્તિ લખાણો લખનારા દરબારી ઈતિહાસકારો દરેક જમાનાના શાસકોને મળતા રહ્યા છે. સત્ય લેખન કે તુલનાત્મક અધ્યયન અને પ્રસ્તુતિને બદલે નાણાં સાટે શાસકોને ગમતાં સત્યો પ્રસ્તુત કરવા અને બાળમાનસને પણ એ ભણી વાળવાના પ્રયત્નો થતા રહ્યા છે. પરાપૂર્વથી ચાલી આવતી આ પરંપરાને પડકારવાની હિંમત કરીને સત્ય અને તથ્ય રજૂ કરનારાઓની સામે ક્યારેક રાજદ્રોહના ખટલા દાખલ કરાય છે કે પછી એમણે એથેન્સમાં ઈ.સ. પૂર્વે 399ના ગાળામાં સોક્રેટિસે ઝેર ઘટઘટાવવાનો વારો આવ્યો કે રોમમાં 'પૃથ્વી ગોળ છે' કહેનારા ગેલીલિયોએ ઈ.સ. 1633થી મૃત્યુ-1642 લગી જેલવાસ-નજરકેદ સહેવાનો વારો આવ્યો એવાં કષ્ટ વહોરવા તૈયાર રહેવું પડે છે.

ડાબેરી-જમણેરી  ઇતિહાસવિદો
ઈતિહાસ લેખન કાયમ વિવાદનો વિષય રહ્યો છે. ભારતમાં અંગ્રેજ ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી લઈને અંગ્રેજ રાણીના શાસનનો અંત આવ્યો ત્યાં સુધી ભારતીય રાજાઓ કે નવાબોના ઈતિહાસને પોતાની અનુકૂળતા મુજબ વિકૃત કરવાનું અંગ્રેજ હાકેમોએ કામ કર્યું છે. પ્રજામાં પોતાના રાજા-મહારાજા કે નવાબો-સુલતાનો પ્રત્યે ઘૃણા જાગે એવા પ્રયાસો થયા છે. પ્રખર ઇતિહાસવિદ પંડિત સુંદરલાલ સહિતના મહાનુભાવોએ અંગ્રેજ હાકેમોને પ્રતિકૂળ એવા ઈતિહાસ લખ્યા ત્યારે એમનાં લખાણો પ્રતિબંધિત કર્યાં હતાં. આ જ પરંપરા આઝાદી પછી પણ ચાલતી રહી છે. પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ અને એમનાં દીકરી ઇન્દિરા ગાંધીની સરકારમાં શિક્ષણ મંત્રી રહેલા ગુજરાતી કાનૂનવિદ જસ્ટિસ એમ.સી. ચાગલાએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની 1969માં સ્થાપના કરી ત્યારે ઈતિહાસનાં વિકૃતિકરણને દૂર કરવા માટે અને ભારતીય દૃષ્ટિએ સાચા ઇતિહાસના લેખન માટે રોમિલા થાપરની નિયુક્તિ કરી હતી. એ જ જસ્ટિસ ચાગલાના આશીર્વચન સાથે સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટીના સૂત્રધારો આજકાલ આ રોમિલા થાપરને ડાબેરી ઇતિહાસકાર ગણાવીને વખોડે છે. આજે ઈતિહાસકારો તથ્યો અને સત્યોનાં નીરક્ષીર કરવાને બદલે ડાબેરી અને જમણેરીના વાડાઓમાં વહેંચાઇ ગયા છે. ઇતિહાસના વિકૃતીકરણને ખાળવાની જરૂર ખરી પણ સત્તાધીશો પોતાને અનુકૂળ ઈતિહાસને જ સાચો ઠરાવવાની કોશિશમાં રમમાણ રહે ત્યારે નિરર્થક વિવાદો અને ટંટાફસાદમાં સમય વેડફાય છે.

અંગ્રેજ શાસકોના  દુષ્ટ  પ્રયાસો
ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સૈનિક અને આઝાદી પછી સાંસદ રહેલા પંડિત સુંદરલાલે 1929માં અંગ્રેજ શાસકોની નીતિરીતિની પોલ ખોલતો ગ્રંથ 'ભારત મેં અંગરેજી રાજ' જેવો પ્રકાશિત કર્યો કે અંગ્રેજ સરકારે એને પ્રતિબંધિત જાહેર કર્યો. પંડિતજી વતી તેજ બહાદુર સપ્રુએ અલાહાબાદ હાઇકોર્ટમાં સરકારી પ્રતિબંધને પડકાર્યો ત્યારે સરકાર વતી ધારાશાસ્ત્રી બાજપાઈએ પ્રતિબંધને યોગ્ય ઠરાવતી રજૂઆતો કરી. મહાત્મા ગાંધીએ આ પ્રતિબંધિત પુસ્તક વાંચ્યું અને 'યંગ ઈન્ડિયા'માં એને બિરદાવતો તંત્રીલેખ લખ્યો. વર્ષ 1937માં મધ્ય પ્રાંતમાં કોંગ્રેસની સરકાર આવી ત્યારે બ્રિટિશ ગવર્નરોના વિરોધ છતાં ગ્રંથ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો. આઝાદી પછી તો ભારત સરકારે આ તથ્યાત્મક ઈતિહાસ રજૂ કરતા ગ્રંથને બે ભાગમાં પ્રકાશિત કર્યો. પંડિત સુંદરલાલ થકી આ ગ્રંથ વિશે લખવામાં આવ્યું છે: 'પુસ્તકની પ્રથમ આવૃત્તિની 18 માર્ચ 1929ના રોજ 2,000 નકલો છપાઈ અને ખળભળાટ મચી ગયો. 22 માર્ચ, 1929ના રોજ જપ્તીનો આદેશ લઈને પોલીસ પ્રકાશકના કાર્યાલયમાં પહોંચી ત્યાં લાગી તો 1700 નકલો ગ્રાહકો સુધી પહોંચી ચૂકી હતી. મહાત્મા ગાંધીએ યંગ ઇન્ડિયામાં લખેલા તંત્રીલેખમાં આ પુસ્તકનાં વખાણ કરતાં નોંધ્યું હતું: અહિંસાના પ્રચાર અને પ્રસારનો એક પ્રશંસનીય પ્રયાસ’. મહાત્મા ગાંધીએ એને અંગ્રેજીમાં 500 પાનાનાં પુસ્તક તરીકે તૈયાર કરવાનું પણ સૂચવ્યું હતું. મૂળ ગ્રંથ પરનો પ્રતિબંધ હટતાં તેની બીજી આવૃત્તિ 10 ઓગસ્ટ 1937ના રોજ 10,000 નકલ છપાઈ. હકીકતમાં તેના માટે 14,000 ગ્રાહકોના ઓર્ડર આવી ચૂક્યા હતા પણ ત્રીજી આવૃત્તિ જલદી પ્રકાશિત થવાનું શક્ય ન બન્યું.' એ પછી તો સતત આ ગ્રંથના બે ભાગ ભારત સરકારના પ્રકાશન વિભાગ દ્વારા છપાતા રહ્યા. ગુજરાતીમાં એ અગાઉ પણ ભાસ્કરરાવ વિદ્વાંસના અનુવાદથી પુસ્તક પ્રકાશિત થયું હતું. અંગ્રેજીમાં 1970 અને પછી 2018માં પોપ્યુલર પ્રકાશન-સેજ થકી એનું 'હાઉ ઈન્ડિયા લોસ્ટ હર ફ્રીડમ' શીર્ષક સાથે પ્રકાશન થયું. પંડિત સુંદરલાલના આ પુસ્તકમાં વિદેશી અને દેશી લેખકોનાં પુસ્તકો અને નક્કર દસ્તાવેજોના ગહન અભ્યાસ સાથે અધિકૃત તથ્યો તારવવામાં આવ્યાં છે.

નાણાંની  લાલચમાં  ખોટ્ટાડાં  લખાણ
અંગ્રેજ શાસકોએ એમને પ્રતિકૂળ ભારતીય હિંદુ કે મુસ્લિમ શાસકો કે રાજા-નવાબો વિશે દેશી ઈતિહાસકારો અને વિદેશી ઈતિહાસકારો પાસે ચરિત્રહનન કરવાના હેતુસર નાણાં આપીને લખાણો કરાવ્યાની સનસનાટીભરી હકીકતો પંડિત સુંદરલાલ પોતાના ગ્રંથમાં નોંધે છે. માત્ર ભારતીય શાસકોમાં આંતરકલહ કરાવીને જ નહીં, એમના વિશે ખોટ્ટાડા પ્રસંગો નોંધીને કે એમનામાં જે દૂષણો ન હોય એવાં દૂષણો એમના નામે ચડાવીને તેમની પ્રજા એમના પ્રત્યે ઘૃણા કરે અને અંગ્રેજ શાસકો તેમજ તેમના મળતિયા ભારતીય હિંદુ-મુસ્લિમ શાસકો માટે આદર કેળવે એવા પ્રયાસોનાં અધિકૃત ઉદાહરણો પણ આ ગ્રંથમાં ટાંકવામાં આવ્યાં છે. સિંધ પર કબજો જમાવનાર અંગ્રેજ હાકેમ મેજર જનરલ વિલિયમ નેપિયરના ભાઈ સર ચાર્લ્સ નેપિયર લિખિત 'ધ કોન્ક્વેસ્ટ ઓફ સિંધ'માં સિંધના મુસ્લિમ શાસકો અંગે નર્યાં જૂઠાણાં ઓકવામાં આવ્યાં હતાં. સિંધમાં જ રહેલા અને સિંધી ભાષા જાણતા હોવાને કારણે સ્થાનિકોમાં હળતામળતા રહેલા કેપ્ટન ઇસ્ટવિકે આ જૂઠાણાં ખુલ્લાં પાડ્યાં હતાં. એણે નોંધ્યું છે કે જે મુસ્લિમ શાસકોએ ક્યારેય દારૂને સ્પર્શ નથી કર્યો કે મહિલાઓની ઈજ્જત લૂંટી નથી એવા સારા શાસકોને પણ નેપિયરે હલકા ચીતર્યા તથા શરાબી અને વ્યભિચારી દર્શાવ્યા છે. મેવાડ દરબારમાં રહેલા કર્નલ જેમ્સ ટોડના રાજપુતાના કે રાજસ્થાનના ઈતિહાસને અધિકૃત માની લેનારાઓ પણ એ અંગ્રેજ દૃષ્ટિએ અને અંગ્રેજોના લાભમાં લખાયાનું રખે ભૂલે. બ્રિટિશ ગવર્નર જનરલ વિલિયમ બેંટિકે રાજા રામમોહન રાય અને બીજા સુધારાવાદીઓના આગ્રહથી સતી પ્રથા જેવી અમાનવીય પ્રથાને પ્રતિબંધિત કરવાની દિશામાં કરેલા યોગદાનનાં આપણે ઓવારણાં લેતાં થાકતા નથી. આ જ બેંટિકે એબ દુબોઈસને 8,000 રૂપિયા આપીને અને પછીથી આજીવન પેન્શન બાંધી આપીને ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પ્રાયોજિત બનાવટી અને કાલ્પનિક ઈતિહાસ લખાવડાવ્યો હતો.

એવી જ રીતે ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ મિર્ઝા ઈકબાલ પાસે મહિસૂરના શાસક હૈદર અલીનું ચરિત્રહનન કરતું ફારસી ભાષામાં જીવનચરિત્ર લખાવ્યું હતું. હૈદર અલીના શાહજાદા અને અનુગામી શાસક ટીપૂ સુલતાન જયારે અંગ્રેજો સામે લડતો હતો ત્યારે મરાઠાઓ અને નિઝામ અંગ્રેજોના પક્ષે હતા. અંગ્રેજોને પ્રતિકૂળ શાસકો અંગે હલકાં લખાણો લખાવવાનું કામ અંગ્રેજ હાકેમો કરી રહ્યા હતા. ભારતીય શાસકોનાં ચરિત્રહનન કરનારા આવા અપપ્રચારનાં અનેક ઉદાહરણ મળી શકે છે. યુરોપીય વિદ્વાનો જેવા કે પ્રોફેસર સિલી, પ્રોફેસર ગોલ્ડવિન સ્મિથ તેમજ ફ્રીમેન જેવા ઈતિહાસકારોએ પણ અંગ્રેજ શાસકો થકી ચલાવતા દુષ્ટ પ્રચાર કે ખોટ્ટાડા ઈતિહાસલેખન અંગે ખુલીને વાત કરી છે. અત્યારે જોવા મળતું વ્હોટ્સએપ યુનિવર્સિટીનું ચલણ પરાપૂર્વથી ચાલ્યું આવે છે. એટલે સત્ય અને તથ્ય જાણવા માટે પ્રજાએ અને અભ્યાસીઓએ હંમેશ જાગૃત રહેવું પડે.
haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)

 

 

No comments:

Post a Comment