Sunday 4 July 2021

Assam Akhil Gogoi

 

આસામમાં આંદોલનકારીની ચમત્કારિક મુક્તિ

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         ૧૯ મહિનાના  જેલવાસ  પછી નિર્દોષ

·         માર્ક્સવાદી અખિલ ગોગોઈ ધારાસભ્ય

·         રાજ્યને  ઉત્તર પ્રદેશ બનતું રોકવા જંગ

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar Daily’s Sunday Supplement “UTSAV”. 4 July 2021  વેબ લિંક: https://bombaysamachar.com/article/assam-andolan

હમણાં વિવિધ રાજ્યોમાં  વિધાનસભા ચૂંટણી પતી. પશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને કેરળમાં ભાજપ સત્તાવિમુખ રહ્યો, પણ આસામમાં  ફરી સત્તામાં આવ્યો. આસામમાં  આંદોલનકારીમાંથી ૭૦ સંગઠનોના  રાજકીય પક્ષ રૈજોર દળનો પ્રમુખ બનેલો  અખિલ ગોગોઈ  જેલમુક્ત  થયો. રાષ્ટ્રીયસ્તરે  વર્ષ  ૧૯૭૫-૭૭ની ઈમર્જન્સીના કાળા દિવસોનું સ્મરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ આ વાવડ આવ્યા. ૨૫ જૂન ૧૯૭૫થી ૧૯ મહિના લગી લોકતાંત્રિક અધિકારોને કચડવાની એ વેળાનાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને એમના સુપર પીએમ પુત્ર સંજય ગાંધીનાં કારનામાં વિશે  ખાસ્સી વાતો થઇ. આજકાલ ઈમરજન્સીની ચર્ચા ચાલતી હતી ત્યારે જ  આસામમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવતા અને નાગરિકતા સુધારા ધારા વિરુદ્ધ  જનઆંદોલન છેડનારા અખિલ ગોગોઈ નામના ૪૫ વર્ષના યુવાનને ત્રાસવાદી ગણાવીને  રાજદ્રોહ અને હિંસા ભડકાવવા સહિતના ખટલાઓમાં જેલમાં ગાંધી રાખવામાં આવ્યો હતો. જ ગાળામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ખાસ અદાલતે ૧૯ મહિના પછી એને  નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો. એ જયુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત થતાં એનું ગમોસા  (ગામછો-આસામી ખેસ ) પહેરાવીને સ્વાગત કરવા ઉમટેલી માનવમહેરામણ નિહાળીને સરકારીતંત્ર પણ ચોંકી ગયું હતું. અત્રે એ સ્મરણ રહે કે ક્યારેક ખ્રિસ્તી પાદરીમાંથી કામદાર નેતા અને રાજનેતા થયેલા જ્યોર્જ ફર્નાન્ડીસ બરોડા ડાયનેમાઈટ કેસમાં જેલમાં હતા ત્યાંથી લોકસભાની ચૂંટણી લડીને જીત્યા હતા. એવું જ વર્ષ ૨૦૦૫માં આસામમાં કૃષક મુક્તિ સંઘર્ષ સંગઠન સ્થાપનાર અખિલ ગોગોઈનું પણ થયું. જેલમાંથી જ એ વિધાનસભાની તાજેતરની ચૂંટણી લડ્યો, એનાં રાજકારણથી પર એવાં ૮૫ વર્ષનાં માતા પ્રિયદા ગોગોઈ જેલવાસી દીકરા માટે પ્રચાર કરતાં રહ્યાં અને દીકરો વિધાનસભ્ય ચૂંટાયો.  ગુરુવાર, ૩૦ જૂને મુક્ત કરાયેલા અખિલ ગોગોઈ સાથે જ તેના ત્રણ સાથી અને સમાન ગુનાઓના આરોપસર જેલવાસી રહેલા યુવાનોને પણ અદાલતના આદેશને પગલે મુક્ત કરવામાં આવ્યા.

કરોડોની ઓફરો ઠુકરાવી

રાજકીય સોદાબાજી કરવા તૈયાર હોય તો અખિલને વહેલો છોડી મૂકવા અને કરોડો રૂપિયા ખટાવવાના પ્રયાસો થઇ ચૂક્યા હતા, પણ એ મક્કમ રહ્યો હતો. વિધાનસભામાં શિવસાગર  બેઠક પરથી ચૂંટાયા પછી એને ધારાસભામાં શપથ લેવા જવા દેવા માટે એક દિવસની છૂટ મળી હતી. એ પછી ૨૫ જૂનના રોજ અદાલતે એને એક કેસમાં નિર્દોષ જાહેર કરીને બીમાર માતા અને કોરોનાગ્રસ્ત દીકરાને મળવા જવા માટે  બે દિવસના પેરોલ આપ્યા હતા.  એ પછી તો એક જ સપ્તાહમાં બીજા કેસમાં પણ અદાલતે એને નિર્દોષ જાહેર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો. પોલીસ જાપ્તા હેઠળ  હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો ત્યાંથી એને મુક્તિ મળી. એના બે દિવસ પહેલાં કોલેજમાં લેકચરર એવી અખિલની પત્ની ગીતાશ્રી તામુલીને પીએચ.ડી.ની પદવી મળ્યાના શુભ સમાચાર આવ્યા હતા.આવતા દિવસોમાંઅખિલના જનઆંદોલનની  કેટલી અસર આસામ પર રહે છે એ હવે જોવાનું છે. ચૂંટણી પહેલાં એ છૂટ્યો હોત તો સત્તારૂઢ ભાજપને ખાસ્સું નુકસાન કરી શક્યો હોત પણ હવે એ પોતાના પક્ષનો એકમાત્ર ધારાસભ્ય હોવાથી અને મુખ્યમંત્રી તરીકે હેમંત બિસ્વા સરમા જેવા ચાણક્ય હોવાને કારણે  અખિલના પ્રભાવને સુપેરે ખાળી શકે એવું લાગે છે.

માર્ક્સવાદી કે  માઓવાદી

અભિનેતા અને ડિસ્કો ડાન્સર તરીકે મશહૂર મિથુન ચક્રવર્તીની જેમ અખિલ પણ  મૂળે માઓવાદી કે નક્સલવાદી જૂથોમાં વિહાર કરીને માર્ક્સવાદી બન્યો. જનઆંદોલનમાં એનું મહત્વ વધ્યું. ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ૧૯૫૫ના નાગરિકતા ધારામાં સંસદમાં સુધારાને મંજૂર કરીને અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગલાદેશમાંથી પ્રતાડિત લઘુમતીઓને ભારત આવી જવા ફરજ પડાઈ હોય તેવા ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં ભારત આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ,જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવાનું ઠરાવાયું હતું. આસામમાં આની સામે  હિંસક વિરોધ ઊઠ્યો કે એમાં જે તે દેશોના  મુસ્લિમ નિર્વાસિતોનો સમાવેશ કેમ કરાયો નથી. આ વિરોધને ભડકાવવા અને  હિંસા પ્રસરાવવાના આરોપસર  અખિલની ૧૨ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ધરપકડ કરાઈ. નાગરિકતા સુધારણા ધારાના મુદ્દે ઇશાન ભારતનાં અન્ય રાજ્યોમાં પણ તોફાનો અને વિરોધ ભભૂકી ઊઠ્યો હતો. અગાઉ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા તગેડવાના મુદ્દે રાષ્ટ્રીય નાગરિક નોંધણીપત્રક તૈયાર કરવામાં આસામમાં હિંદુ અને મુસ્લિમ બંને કોમના લાખો લોકોનાં નામ નાગરિકતા રજિસ્ટરમાંથી મોટા પાયે ગાયબ હોવાનો મુદ્દો પણ ભડકા કરી રહ્યો હતો. આવા સંજોગોમાં મૂંઝવણમાં મૂકાયેલી સોનોવાલ સરકાર અને કેન્દ્ર સરકારે વિરોધ વંટોળ શાંત પાડવાની જરૂર હતી. સરમાએ એ દિશામાં મહત્વની ભૂમિકા ભજવી એટલું જ નહીં, અગાઉ પંદર વર્ષ સુધી કોંગ્રેસની તરુણ ગોગોઈ સરકારમાં મંત્રી રહેલા સરમા ભાજપમાં જોડાઈ  ઇશાન ભારતનાં અન્ય રાજ્યોમાં પણ ભાજપનો ભગવો લહેરાવવામાં યોગદાન કરતા રહ્યા એટલે એમને વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રીપદનો સરપાવ મળ્યો.

કોમવાદી બળો સામે જંગ

અખિલ છૂટ્યા પછી એણે આપેલા ઇન્ટર્વ્યૂમાં ભાજપ અને મૌલાના અજમલના પક્ષને કોમવાદી ગણાવવા ઉપરાંત મુખ્યમંત્રી સરમા થકી એને જેલમાં રાખવાનાં  ગુપ્ત કાવતરાં રચાયાના આક્ષેપો કર્યા છે.  આગામી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને હરાવવાના પોતાના પ્રયાસો ચાલુ રાખવા અને પોતાના મતવિસ્તારના લોકોનાં પ્રશ્નો ઉકેલવાની દિશામાં પોતે સક્રિય રહેશે એવો સંકલ્પ એણે જાહેર કર્યો છે.  કોંગ્રેસે મૌલાના અજમલના પક્ષ સાથે જોડાણ કરીને ભાજપની જેમ જ કોમવાદી રાજકારણ ખેલ્યાનો દાવો અખિલ કરે છે. અખિલના પક્ષના ૨૯ ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા પણ એમાંથી એકમાત્ર અખિલ જ વિજયી બન્યો છે. આવતાં પાંચ વર્ષ ભાજપની સરકાર અખિલ અને કોંગ્રેસ તેમ જ અજમલના પક્ષને નબળો પાડવાની દિશામાં કામ કરશે. ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા અખિલની માનસિક સારવાર થઇ રહ્યાનું મુખ્યમંત્રી સરમાએ વિધાનસભાની પહેલી બેઠકમાં કહ્યાથી અખિલ નારાજ છે. એ કહે છે કે મહિનાઓ સુધી મને જેલમાં ગોંધી રાખીને મને અને મારા પરિવારને બરબાદ કરવાનું કામ ભાજપની સરકારે કર્યું હોવા છતાં હું શાંત બેસી રહેવાનો નથી. સરકારના ભ્રષ્ટાચાર સામે અને માનવ અધિકાર વિરુદ્ધનાં પગલાં સામે લડત ચલાવતો રહીશ.  એ વારંવાર કહે છે આસામમાં કોમી ધોરણે વિભાજનો થવા દઈશું નહીં. અમે આસામને ઉત્તરપ્રદેશ બનવા નહીં દઈએ તથા સંઘર્ષ કરતા રહીશું. ૧૨૬ સભ્યોની વિધાનસભામાં સત્તારૂઢ  ભાજપના ૬૦ સભ્યો છે. એના મિત્રપક્ષ અહોમ ગણ પરિષદ(એજીપી)ના ૯ સભ્યો છે. બીજા મિત્રપક્ષ યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલના ૬ સભ્યો છે.વિપક્ષમાં કોંગ્રેસના માત્ર ૨૯ સભ્યો અને એના જોડાણમાં મૌલાના અજમલના ઓલ ઈન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની ૧૬ બેઠકો, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટની ૪ અને સીપીએમની ૪ બેઠકો છે. આગામી લોકસભા ચૂંટણી સુધી ઇશાન ભારતનાં આસામ સહિતનાં રાજ્યોમાં ઘણીબધી આસમાની સુલતાની અપેક્ષિત છે. અત્યારે તો આ રાજ્યો કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ) હેઠળ છે. ઇશાન ભારતનાં આ રાજ્યો દિલ્હીમાં કોની સરકાર છે એની સાથે રહેવામાં પોતાનું હિત જુએ છે.

તિખારો

ચોરી તો કરવી નહીં, નહિં લેવી કંઈ લાંચ;

હિસાબ ચોખ્ખો રાખતાં, કોદી નાવે આંચ,

જુઠાં કાટલાં  ત્રાંજવાં, રાખે ધૂના હોય;

તંટા ફિતૂરી વાતમાં, કદિ ના જઈ તૂં જોય.

-       કવિ નર્મદાશંકર લાલશંકર

-મેઈલ:  haridesai@gmail.com      (લખ્યા તારીખ: ૨ જુલાઈ ૨૦૨૧)

No comments:

Post a Comment