Sunday 4 July 2021

Gandhi's Last Will: Neither Nehru nor Sardar followed

 

મહાત્મા ગાંધીનું છેલ્લું વસિયતનામું ના નેહરુએ માન્યું અને ના તો સરદારે

ઈતિહાસ ગવાહ હૈ:ડૉ.હરિ દેસાઈ . દિવ્ય ભાસ્કર ડિજિટલ.રંગત –સંગત મેગેઝિન .૪ જુલાઈ ૨૦૨૧  વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/neither-nehru-nor-sardar-accepted-mahatma-gandhis-last-will-and-testament-128661096.html?ref=inbound_article

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાના આગલા દિવસે જ એમણે કોંગ્રેસના નવા બંધારણનો મુસદ્દો તૈયાર કરીને અંગત સચિવ પ્યારેલાલને આપ્યો. ઉતાવળે એ લખાયો હોવાથી એમાં સુધારાવધારા કરવાનું ઠીક લાગે તો પોતાની સાથે ચર્ચા કરવાનું પણ એમણે સૂચવ્યું હતું. કમનસીબે, 30 જાન્યુઆરી 1948ના રોજ બાપુની હત્યા થઇ. ભલે પ્યારેલાલે ગાંધીજીના મરણ પછી એ ખરડાને 'એમનું છેલ્લું વસિયતનામું' એવું મથાળું આપી 'હરિજન પત્રો'માં છાપ્યો હતો. છેલ્લાં પાંચ-સાત વર્ષથી મહાત્માના આ લખાણને આધારે દેશભરમાં ગાંધીજી તો કોંગ્રેસ વિખેરી નાંખવા માગતા હતા અને હવે તો કોંગ્રેસમુક્ત ભારતનો સમય આવી જ ગયો છે, એવી ગાજવીજ થઇ રહી છે. રાજનેતાઓની ચૂંટણીલક્ષી ઘોષણાઓ અને ભાષણોને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નહીં હોવા છતાં ઇતિહાસની ઘટનાઓના અધકચરા જ્ઞાનને કારણે પ્રજા આવી બાબતો ઘણી વાર સાચી માની લેવા પ્રેરાય છે.

હકીકતમાં બાપુએ જ્યારે એ વસિયતનામું લખ્યું ત્યારે બાપુના બે પટ્ટશિષ્યો, નામે પંડિત નેહરુ અને સરદાર પટેલ, વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાન હતા. એમની સમક્ષ આ મુદ્દો ચર્ચામાં આવ્યો નહીં અથવા તો ગાંધીજી કને એ વિશે વાત કરવાનો સમય જ નહોતો. ભાગલાની વાત હોય કે દેશની યોજનાઓ, પંડિત નેહરુ કે સરદાર પટેલે ગાંધીજીને વિશ્વાસમાં લીધા વિના જ વાઇસરોય સમક્ષ જીભ કચરી હતી. બાપુ માટે પોતાના પટ્ટશિષ્યોની વાતને કારોબારી કે મહાસમિતિમાં અનુમોદન આપવા સિવાય છૂટકો જ નહોતો. એ દિવસોમાં ગાંધીજીની વાતોને યુટોપિયા ગણાવતાં નેહરુ અને સરદાર બેઉ એ વાતોને અમલમાં લાવવાનું ટાળતા હતા.

જયપ્રકાશ નાહિંમત સાબિત
રાષ્ટ્રપિતા એ દિવસોમાં વ્યથાનો અનુભવ કરી રહ્યા હતા. એ 'મારું સાંભળે જ છે કોણ?' એવી અનુભૂતિ સાથેના શબ્દો ઉચ્ચારતા હતા. ક્યારેક એમનો પડ્યો બોલ ઝીલનારા કોંગ્રેસી આગેવાનો આઝાદી આવ્યા પછી જાણે કે એમની વાતને અવગણવા લાગ્યા હતા. બાપુ લશ્કર કે પોલીસ રાખવાના વિરોધી હતા ત્યારે સરદાર પટેલે કહેવું પડતું હતું કે બાપુ, આપ તો મહાત્મા છો, મારે દેશ ચલાવવાનો છે. ગાંધીજીએ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જયપ્રકાશ નારાયણ કે આચાર્ય નરેન્દ્ર દેવનાં નામ સૂચવ્યા ત્યારે એ નામો કોંગ્રેસના પીઢ નેતા રાજેન્દ્ર પ્રસાદ થકી કોંગ્રેસ કારોબારીમાં રજૂ જ ન થયાં. ગાંધીજીએ રાજેન્દ્ર પ્રસાદને આ નામ કોંગ્રેસ કારોબારીમાં મૂકવા કહ્યા છતાં એ કારોબારીમાં રજૂ જ ન થયાં. છેવટે આચાર્ય કૃપાલાનીની કોંગ્રેસપ્રમુખ તરીકે વરણી થઇ હતી. સ્વયં બાપુએ જ નેહરુને નેતા બનાવ્યા હતા છતાં એમની સાથે પણ એમને ઘણા મતભેદ હતા. ગાંધીજી ભાગલાના વિરોધ કરવાના મુદ્દે જયપ્રકાશ જેવા સમાજવાદી કનેથી ટેકો અપેક્ષિત માનતા હતા પણ જેપી તો કબૂલી ચૂક્યા કે અમે એ વખતે કોંગ્રેસ કારોબારી અને મહાસમિતિમાં ભાગલાનો વિરોધ ન કરી શક્યા. ઉલટાનું તેમણે ભાગલાને ટેકો આપવાનું પસંદ કર્યું હતું. મહાત્મા ગાંધીને આવા સંજોગોમાં 'પોતાના બળવાખોર પુત્રસુભાષચંદ્ર બોઝની યાદ સતાવતી હતી અને તેમની ખોટ વર્તાતી હતી!

કોંગ્રેસની કોડીનીયે કિંમત નહીં
મહાત્મા ગાંધીએ છેલ્લા વસિયતનામામાં જે નોંધ્યું એના પરથી જે ફલિત થતું હતું એ કોંગ્રેસને રાજકીય સ્પર્ધાના સંગઠનને બદલે રચનાત્મક કાર્યો કરનારી સંસ્થામાં ફેરવી દેવાનું અભિપ્રેત હતું. 'ભાગલા પડ્યા પછી હિંદી રાષ્ટ્રીય કોંગ્રેસે યોજેલાં સાધનો દ્વારા હિંદે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી હોવાથી આજના સ્વરૂપની કોંગ્રેસનો એટલે કે, પ્રચારના વાહન અને ધારાસભાની પ્રવૃત્તિ ચલાવવાના તંત્ર તરીકે તેનો ઉપયોગ હવે પૂરો થયો છે. શહેરો અને કસબાઓથી ભિન્ન એવા તેના સાત લાખ ગામડાંની દૃષ્ટિથી હિંદની સામાજિક, નૈતિક અને આર્થિક સ્વતંત્રતા સિદ્ધ કરવાની હજી બાકી છે. લોકશાહીના લક્ષ્ય તરફથી હિંદની પ્રગતિ દરમિયાન લશ્કરી સત્તા ઉપર સરસાઈ સ્થાપવા માટેની મુલકી સત્તાની ઝુંબેશ અનિવાર્ય છે. એને રાજકીય પક્ષો અને કોમી સંસ્થાઓ સાથેની અઘટિત સ્પર્ધાથી અળગી રાખવી જોઈએ. આ અને એવા બીજા કારણોને લઈને, દર્શાવેલા નિયમો અનુસાર મહાસમિતિ કોંગ્રેસની વર્તમાન સંસ્થાને વિખેરી નાખવાનું અને લોકસેવક સંઘને સ્વરૂપે પ્રગટ થવાનું ઠરાવે.

પ્રસંગ અનુસાર, એ નિયમોમાં ફેરફારો કરવાની એ સંઘને સત્તા હોય. મહત્મા ગાંધી લોકસેવક સંઘની નીચે અખિલ હિંદ ચરખા સંઘ, અખિલ હિંદ ગ્રામોદ્યોગ સંઘ, હિંદુસ્તાની તાલીમ સંઘ, હરિજન સેવક સંઘ અને ગોસેવા સંઘને ગણાવે છે. નારાયણ દેસાઈએ 'મારું જીવન એ જ મારી વાણી'ના ચતુર્થઃ સ્વાર્પણ'માં નોંધ્યું છે: 'આ ખરડા પર કોંગ્રેસે કદીય ગંભીર રીતે વિચાર કર્યાનું અમારી જાણમાં નથી. ગાંધીજીએ એ વખતે એવી પણ ભવિષ્યવાણી ભાખી હતી કે, 'જો કોંગ્રેસ સેવાના રસ્તાને બદલે સત્તાનો રસ્તો ગ્રહણ કરશે તો પચાસ વર્ષમાં દેશમાં તેની કોડીનીયે કિંમત નહીં રહે. 1948ના જાન્યુઆરીના છેલ્લાં અઠવાડિયાંમાં ગાંધીજી 'લીડ કાઈન્ડલી લાઈટ' નામક પુસ્તકના લેખક વિન્સેન્ટ શિનને ગાંધીજીએ લોકપ્રતિનિધિને પાછા બોલાવવાના (રાઈટ ટુ રિકોલ) અધિકારની તરફેણ કરતાં 'હરિજન'માં નોંધ્યું: 'હિંદી રાષ્ટ્રીય કોંગ્રેસ દેશની જૂનામાં જૂની રાજકીય સંસ્થા છે. અનેક લડતો લડીને તેણે અહિંસાના માર્ગે આઝાદી મેળવી. એવી સંસ્થાને આપણાથી મરવા ન દેવાય. એ તો રાષ્ટ્ર મરે તો જ મરી શકે.'

વસિયતનામા વિશે નેહરુ
'
કોંગ્રેસને લોકસેવક સંઘ બનાવવાનું ગાંધીજીનું છેવટનું વસિયતનામું, તેમના રાજકીય વારસ હોવા છતાં તમે કેમ ન માન્યું?' એવો અણિયાળો સવાલ રામનારાયણ ચૌધરી (અનુવાદ: કરીમભાઈ વોરા, નવજીવન)એ 26-8-1959ના રોજ વડાપ્રધાન પંડિત નેહરુને પૂછ્યો હતો. કોંગ્રેસને વિખેરી નાખવાની મહાત્માની યોજના છતાં પંડિત નેહરુએ એ કેમ ન કર્યું એવો સવાલ ત્યારે પણ પૂછાયો હતો અને નેહરુના અવસાનના દાયકાઓ પછી પણ આજેય પૂછાય છે. જો કે, પંડિત નેહરુનો ઉત્તર વાંચ્યા પછી અને ગાંધીજીએ પોતે મૃત્યુના આગલા દિવસોમાં જ જે લખ્યું હતું કે, ‘આપણાથી કોંગ્રેસને મરવા ન દેવાય. એ તો રાષ્ટ્ર મરે તો જ મરી શકે' એ વાંચીને એનું અર્થઘટન કરનારને સુપેરે સમજવું ઘટે કે મહાત્મા કોંગ્રેસ મરે એવું સહેજપણ ઇચ્છતા નહોતા.

ચૌધરીના પ્રશ્નના ઉત્તરમાં નેહરુએ કહ્યું છે, 'તે માનવા ન માનવાનો સવાલ તો મારી આગળ આવ્યો નથી. એટલે કે તેમણે અમને બોલાવીને આ વાત કરી નહોતી. તેમનો એક લેખ છે ખરો, જે કંઈ છે તે પાછળથી રજૂ થયું. ત્યારે તેમની સાથે કંઈ વાતચીત તો થઇ નથી. પણ ઘણા વખત પહેલાં સન ’30-31ના અરસામાં ગાંધી-અરવિન સમજૂતી થયા પછી તેમની સાથે મારે કેટલીક વાત થઇ હતી. મારા પુસ્તકમાં મેં તેનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આવો કંઈક ઈશારો કર્યો હતો. મેં તેમને કહ્યું હતું કે તમારી વાત મને સમજાતી નથી. પરંતુ નામ કોંગ્રેસ કે લોકસેવક સંઘ ગમે તે રાખો, દેશનું રાજકારણ ચલાવવા માટે, સંભાળવા માટે એક સંસ્થાની જરૂર રહે છે. તો પછી વાત તો એટલી જ રહે છે ને કે કોંગ્રેસ એ કામ કરે અથવા આપણે જ લોકો બીજી સંસ્થા કાઢીએ? એટલે ખાલી એક નામનો સવાલ રહ્યો. એવી સલાહ હોય કે નહીં, બીજી સંસ્થા જોઈએ તો જુદી વાત છે. લોકોને એકસાથે બાંધી રાખનાર સંસ્થાના રૂપની કોઈ ચીજ ન હોય, લોકોની મરજી પર બધું છોડી દેવામાં આવે એ વાત હું ત્યારે નહોતો સમજ્યો કે નથી આજે સમજતો. એ રીતે તો આપણી ડેમોક્રસી (લોકતંત્ર) નહીં ચાલી શકે. એ તો હુલ્લડબાજી હોય છે, એનાર્કી (અરાજકતા) જેવું હોય છે.'
haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)

 

No comments:

Post a Comment