Sunday 6 June 2021

Punjab Congress Rift

 

પંજાબમાં કોંગ્રેસની નૈયા ડૂબાડવાના ખેલ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         અમરિંદરે સિદ્ધુને ડેપ્યુટી ના બનાવાયનો રોષ

·         રાજ્યમાં અકાલી-ભાજપની નાલેશીભરી હાર

·         માથે ચૂંટણી છતાં બબ્બે ડેપ્યુટી સીએમ થશે!

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.6 June 2021.

સત્તાપિપાસા પોતાના પક્ષને પણ પરાજિત કરવાનું નિમિત્ત બને છે. હોદ્દો ના મળે તો વંડી ઠેકી જઈને પોતાના પક્ષના કટ્ટર શત્રુ તરીકે કામે વળવાનું રાજકારણ વર્તમાનમાં સામાન્ય છે.સ્વજનો થકી પોતાના ઘરને આગ લગાડવાનો ખેલ આજકાલ પંજાબમાં વિધાનસભા ચૂંટણી આડે માંડ -આઠ મહિના બચ્યા છે ત્યારે કોંગ્રેસમાં યાદવાસ્થળી બનીને દઝાડે છે. ભારતીય જનતા પક્ષમાંથી કોંગ્રેસમાં આવેલા ક્રિકેટર-રાજનેતા નવજોત સિંહ સિદ્ધુ ૨૦૧૭ની ચૂંટણી કોંગ્રેસ જીત્યા પછી કેપ્ટન અમરિંદર સિંહની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનવાના આકાંક્ષી હતા. “૧૦, જનપથસાથે એમણે કેળવેલા ઘરોબા પછી પણપતિયાળાના મહારાજા સિદ્ધુને  માત્ર મંત્રીપદ આપ્યું,ત્યારથી વંકાયેલા હતા. એમાંય પાછું એમને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયા હતા. ગ્રહણ ટાણે સાપ કાઢવાની ઉક્તિને સાર્થક કરતા હોય તેમ હવે માથે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના દરબારમાં એમણે અને બીજા અસંતુષ્ટોએ ધા નાંખી છે. પંજાબના મામલે ત્રણ સભ્યોની સમિતિ નિયુક્ત કરાવીને અસંતોષને ઠારવા પગલાં લેવાના સંજોગો સર્જ્યા છે. જોકે મોવડીમંડળ અત્યારે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને બદલવાની સ્થિતિમાં નથી એટલે છેવટે બબ્બે નાયબ મુખ્યમંત્રી નિયુક્ત કરીને અસંતોષને શાંત પાડવાની કોશિશ કરાય એવું શક્ય છે. નાચવું ના હોય એટલે આંગણું વાંકુંજેવી ઉક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. જેમને મહત્વના હોદ્દા અપાયા હોય એમણે પણ સામે પાટલે બેસવાનું પસંદ કર્યાના દાખલા બેસુમાર છે એટલે સિદ્ધુ કે અન્ય અસંતુષ્ટો ભાજપમાં નહીં તો આમ આદમી પાર્ટીમાં જોડાય અને ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન કરે એવું પણ બને. મોવડીમંડળ માટે તો સાપે છછુંદર ગળ્યા જેવા સંજોગો છે. ના અમરિંદર સિંહને નારાજ કરી શકે છે કે ના નવજોત સિંહને. હજુ થોડા વખત પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અકાલી, ભાજપ અને આમ આદમી પાર્ટીનાં સૂપડાં સાફ કરવામાં સફળ મુખ્યમંત્રી અમરિંદર વિધાનસભામાં ફરીને વિજયપતાકા લહેરાવવામાં સફળ રહેશે કે કેમ અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.

અકાલી-ભાજપનો રકાસ

બબ્બે વાર વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ વર્ષ ૨૦૧૭માં અકાલી દળ અને ભાજપના  જોડાણનાં કોંગ્રેસ સામે સૂપડાં સાફ થયાં હતાં એટલું નહીં, આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે આવી હતી. અકાલી અને ભાજપનું જોડાણ પણ ખેડૂત આંદોલનના મુદ્દે તૂટી ગયું છે. પ્રકાશસિંહ બાદલ અને એમના સાંસદ પુત્ર સુખબીર સિંહ બાદલ તથા કેન્દ્રમાં મંત્રી રહેલાં સુખબીર-પત્ની હરસીમરત કૌર હવે ભાજપથી ફારેગ છે. ભાજપની નેતાગીરી અકાલી દળના અસંતુષ્ટ નેતાઓને પોતાની સાથે ભેળવીને પક્ષને મજબૂત કરવામાં છે. જોકે વિધાનસભાની ગત ચૂંટણીમાં ૧૧૭ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ ૭૭ બેઠકો જીતી હતી. હવે એની સભ્ય સંખ્યા ૮૩ છે. આમ આદમી પાર્ટીના બે અસંતુષ્ટ ધારાસભ્યો સહિત ધારાસભ્યો તો હજુ હમણાં મુખ્યમંત્રી સાથે વાતચીતને અંતે કોંગ્રેસમાં સામેલ થયા છે. મુખ્ય વિપક્ષ આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોમાંથી હવે માત્ર ૧૩ રહ્યા  છે. અન્ય ૧૮માં અકાલીના ૧૪ અને ભાજપના માત્ર સભ્યો છે. ત્રણ બેઠકો ખાલી છે. ચૂંટણી આડે મહિના બાકી છે ત્યારે પક્ષમાં એકતા જરૂરી હોવાનું મુખ્યમંત્રી અમરિંદર જણાવે છે, પણ સામે પક્ષે ભાજપે રાજ્યપાલ સમક્ષ માંગણી મૂકી છે કે પોતાના પક્ષમાં બહુમતી ધારાસભ્યોનો વિશ્વાસ ખોઈ બેઠેલા કેપ્ટને ગૃહમાં બહુમતી સાબિત કરવી. પંજાબમાં મુખ્યમંત્રી પોતાના બળે ચૂંટણી જીત્યા હતા એટલે મોવડીમંડળ એમની ખફગી વહોરીને પક્ષને નુકસાન થાય એવું પણ ઇચ્છતું નથી.

ત્રણ સભ્યોની સમિતિની સુનાવણી

કેપ્ટન અમરિંદર સિંહને અંકુશમાં રાખવા અને પક્ષમાંથી વધુ નેતાઓ અન્ય પક્ષમાં હિજરત કરી ના જાય અંગે ૧૦, જનપથ ચિંતિત છે. આમ છતાં, ત્રણ સભ્યોની સમિતિ અસંતુષ્ટો અને મુખ્યમંત્રીને તથા એમના ટેકેદારોને મળીને પક્ષનાં અધ્યક્ષ સોનિયાને અહેવાલ આપે પહેલાં સમિતિના સભ્યોએ સંકેત તો આપી દીધો છે કે નેતા નહીં બદલાય, પણ સિદ્ધુને ફરી મંત્રીમંડળમાં લેવામાં આવી શકે અથવા પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાય.  સમિતિમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, પક્ષના મહામંત્રી અને પંજાબના પ્રભારી હરીશ રાવત તથા દિલ્હી પ્રદેશના વરિષ્ઠ નેતા જે.પી.અગ્રવાલ છે. કેપ્ટન સમિતિ સમક્ષ રજૂઆત માટે દિલ્હી આવીને શુક્રવારે મળ્યા પણ તેમણે ચૂંટણી અંગેની તૈયારી માટે પક્ષમાં એકતા સ્થાપવાનો રાગ આલાપ્યો. સમિતિને મળ્યા ત્યારે મોવડીમંડળ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી એમની વાત થઇ હતી. રાહુલ અને પ્રિયંકા તેમજ પક્ષના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ સાથે પણ તેમની વાત થઇ હતી.પક્ષના ધારાસભ્યો અને કેટલાક મંત્રીઓની નારાજગી અંગે પણ એમની સાથે ચર્ચા થઇ. જોકે ઘીના ઠામમાં ઘી પડ્યું રહે એવું અત્યારે તો લાગે છે.

કોંગ્રેસના ખરતા કાંગરા

કોંગ્રેસ કને હવે ઓછાં રાજ્ય રહ્યાં છે ત્યારે પંજાબ ગુમાવવાનો વારો ના આવે માટે મોવડીમંડળ છાસ પણ ફૂંકી ફૂંકીને પીવાનું પસંદ કરશે. કોંગ્રેસના ગઢમાં ગમે ત્યારે  ધાડ પડે એવા સંજોગોમાં ઘરના ભેદીઓને નારાજ કરવા પરવડે તેમ નથી. જોકે જેમણે સામેની છાવણીમાં જવું છે એમને રોકવાનું મુશ્કેલ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અંગે ૨૧ નેતાઓની નારાજગીના જાહેર તમાશા હજુ અખંડ છે. પશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને કેરળની તાજી ચૂંટણીઓમાં કેન્દ્રના સત્તા પક્ષને જોરદાર લપડાક પડી છે. મજબૂત વિપક્ષની બાંધણી કરીને આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી અનિવાર્ય છે.  સાથે ઉત્તર પ્રદેશમાં ધર્મસ્થળોમાં પણ ભાજપને ફટકો પડ્યાનો લાભ લેવા માટે વિપક્ષોએ  સક્રિય થવા કમર કસવાની જરૂર છે. પોતાનાઓને નારાજ થતા અટકાવીને અન્ય પક્ષો સાથે તત્કાળ મંત્રણાઓ આદરીને મજબૂત વિપક્ષી મોરચો તૈયાર કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં કોંગ્રેસ નહીં, અન્ય વિપક્ષોને પણ ભાજપી મોરચો ઓહિયાં કરી જવાની શક્યતા રહે છે. આપણે ત્યાં એક કહેવત છે કે જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો.ભાજપે તો ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે વિપક્ષો હજુ ઝાઝા સળવળતા જણાતા નથી.કોંગ્રેસ સહિતના વિપક્ષો સવેળા જાગશે નહીં તો અન્યોને દોષ દેવાને બદલે તેમણે જાતને દોષ દેવો પડશે.

તિખારો

સત્તા કી અનિયંત્રિત ભૂખ

રક્ત-પિપાસા સે ભી બુરી હૈ.

પાંચ હજાર સાલ કી સંસ્કૃતિ:

ગર્વ કરેં યા રોએં?

સ્વાર્થ કી દૌડ મેં

કહીં આઝાદી ફિર સે ખોએં.

અટલ બિહારી વાજપેયી

-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: જૂન ૨૦૨૧)

No comments:

Post a Comment