Wednesday 9 June 2021

China's Three Children Policy

 ચીનમાં હવે ત્રણ બાળકોની નીતિ, ભારતમાં હમ દો, હમારે દો

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         ઝાઝા હાથ રળિયામણાની નીતિ અપનાવી પાડોશી દેશ લાભ ખાટવા માંગે છે

·         બેથી વધુ બાળકો ધરાવનારાઓને ચૂંટણીમાં દંડિત કરવાની ભારતની ભૂમિકા

·         વિશ્વપ્રતિભા રવીન્દ્રનાથ ઠાકુર, નેતાજી બોઝ, ડૉ.આંબેડકરને ઘણાં ભાઈભાંડુ હતાં !

·         મહાત્મા ગાંધી કૃત્રિમ સાધનો વાપરી પરિવાર નિયોજન કરવાની સાવ વિરુદ્ધ હતા

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily of Surat and Sardar Gurjari Daily of Anand.

કોઈપણ દેશના વિકાસને વસ્તીવધારો ભરખી જાય છે એવી સામાન્ય માન્યતા સામે આપણે ત્યાં ઝાઝા હાથ રળિયામણા જેવી ઉક્તિ કંઈ અમસ્તી પ્રચલિત થઇ નહોતી. પાડોશી દેશ ચીનની વસ્તી ભારત આંબી જવામાં છે એવા વાવડ સામાન્ય હતા ત્યાં જ ચીનના કમ્યૂનિસ્ટ સત્તાવાળાઓએ પોલિટબ્યૂરોમાં પોતાની વસ્તી નીતિ બદલવાનો નિર્ણય કર્યો એટલે વળી નવચિંતન આરંભાયું છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચીનમાં સત્તાધીશો ક્યારેક એક બાળકની નીતિ અનિવાર્ય બનાવીને વસ્તીને અંકુશમાં લાવવાની કોશિશમાં હતા,પણ ૨૦૧૬માં એ નીતિમાં પરિવર્તન લાવીને બે બાળકોની નીતિ અપનાવાઈ હતી. આમ છતાં, વસ્તી ઘટતી રહ્યાથી વૃદ્ધોનું પ્રમાણ વધુ અંદાજાતાં હવે ત્રણ બાળકોની નીતિ અમલી બનાવવાનો નિર્ણય કરાયો છે. ચીન જેવા દેશમાં પણ સંતાનો જણવાની  બાબતમાં સરકારી નિયંત્રણો ઊઠાવી લેવાની માંગ ઊઠી છે, પણ આજીવન રાષ્ટ્રપતિ શી જિનપિંગ હજુ એ માટે તૈયાર નથી. ભારતમાં કુટુંબ નિયોજનનો મુદ્દો વૈજ્ઞાનિક કરતાં ધાર્મિક રાજકારણનો વધુ છે. ચીને જે કર્યું  એમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચિંતન અનુસાર નવું કશું નથી. આપણે ત્યાં આઝાદી પછી વિકાસને ભરખી જનારા વસ્તીવધારાને અંકુશમાં રાખવા માટે “અમે બે, અમારાં બે”ની પરિવાર નિયોજનની નીતિ અમલી રહી છે. જોકે દેશની સૌથી તેજસ્વી પ્રતિભાઓ પોતાનાં મા-બાપનાં ૧૩માં કે ૧૪માં  સંતાન હોવાનાં ઉદાહરણ પણ છે. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર,નેતાજી સુભાષચંદ્ર બોઝ  કે પછી બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકર પોતાનાં માં-બાપનાં આવાં સંતાન હતાં. “હમ પાંચ, હમારે પચીસ”ની ચૂંટણીલક્ષી ગર્જનાઓ કરી મુસ્લિમો ભણી ઈશારો કરનારાઓ પણ સુપેરે જાણે છે કે હવે દેશમાં તમામ ધર્મના લોકો પરિવાર બાબત “નાનું કુટુંબ, સુખી કુટુંબ” આદર્શ લેખવા માંડ્યા છે.  વર્ષ ૨૦૫૦ના વૈશ્વિક વસ્તી અંગેના અંદાજો મુજબ આવતાં ૩૦ વર્ષમાં ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો, સૌથી વધુ હિંદુ વસ્તી અને સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હશે. જોકે ૨૦૬૦માં મુસ્લિમોની વસ્તી હિંદુ વસ્તી કરતાં વધી જશે એવાં જૂઠાણાં ચલાવીને અગાઉના “ઇસ્લામ ખતરે મેં હૈ”ની જેમ જ “હિંદુત્વ ખતરે મેં હૈ”નાં ઢોલ પીટનારા અતાર્કિક વાતો કરતા વધુ લાગે છે.  મહાત્મા ગાંધીના નામે જાણીતી ઉક્તિ કે “ધેર ઈઝ ઈનફ ફોર એવરીબડીઝ નીડ, બટ નોટ ફોર ગ્રીડ” એટલે કે સૌની જરૂરિયાત માટે પૂરતાં સંસાધનો છે, પણ લોભ કે લાલચ  પૂરી કરવા માટે નહીં..  

એક બાળકની નીતિને તિલાંજલિ

ભારત અને ચીને લગભગ સાથે જ સ્વતંત્રતા મેળવી.  ચીનમાં  માઓ-ક્રાંતિ થકી પોતાની વિકાસગાથા શરૂ કરી. ભારત લોકશાહી આયોજનને માર્ગે આગળ વધ્યું. ચીન માઓના એકાધિકાર સાથે આગેકૂચ કરતું રહ્યું. ભારત કરતાં ચીન બે દાયકા જેટલું આગળ વધી ગયું. આજે વૈશ્વિક મહાસત્તા બનવા ભણી ચીન અમેરિકાની આંખમાં પણ ખટકતું થયું છે. પોતાને વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાવવાનો દાવો કરતા રહેલા ચીનને વાસ્તવમાં તાનાશાહી રાષ્ટ્ર જ ગણાવી શકાય. હા, દેખાડા પૂરતા ત્યાં ડઝનેક રાજકીય પક્ષો છે ખરા પણ છેલ્લા સાતેક દાયકાથી ત્યાં કમ્યૂનિસ્ટ પાર્ટીનું એકહથ્થુ શાસન જ રહ્યું છે. એની નીતિઓ આ જ પક્ષ ઘડતો રહ્યો છે. એક બાળકની નીતિ માઓના શાસનમાં આરંભાઈ અને ૨૦૧૬ લગી એ અમલમાં રહી. એકથી વધુ બાળક ધરાવતાં માબાપને દંડિત કરવાની નીતિ પણ ત્યાં કડકાઈપૂર્વક અમલમાં રહેતાં કેટલાંક માબાપ પોતાનાં વધારાનાં સંતાનને છુપાવી રાખતાં અથવા ગર્ભ રહે તો એનો નિકાલ કરાવી દેતાં. ૨૦૧૬માં બે બાળકોની નીતિની મોકળાશ વર્તમાન રાષ્ટ્રપતિ જિનપિંગે જ કરી આપ્યા છતાં ત્રીજા કે ચોથા બાળકને છુપાવીને રાખનારાં માબાપ પણ હતાં. કેટલાંક માબાપ અનાથાલયમાં પોતાનાં વધારાનાં બાળકોને મૂકી આવતાં હતાં. હવે આ દિશામાં વસ્તી નિષ્ણાતો બાળકોની સંખ્યા પરનાં સરકારી નિયંત્રણો સાવ જ દૂર કરવાનો મત વ્યક્ત કરે છે, પણ વર્તમાન શાસકો એ માટે તૈયાર નથી. જોકે ચીનમાં મહિલા અને પુરુષ બંને સમાન અધિકાર ભોગવે છે. બંને નોકરિયાત કે વ્યવસાય કરે છે એટલે મહિલાની બાળક જણવાનો કુલ દર હવે ૨.૧થી ઘટીને ૧.૩ થયો છે. ૨૦૧૬માં નીતિ બદલાયા છતાં જન્મતાં બાળકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો એટલે સરકાર ચિંતામાં પડી છે કે કામ કરવા માટે જરૂરી યુવા વર્ગ કરતાં વૃદ્ધોનું પ્રમાણ વધી રહ્યું છે એટલે વસ્તી વધારવી જરૂરી છે. ચીનના સત્તાવાર આંકડાઓ અને ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત ગ્રાફ જોતાં જણાય છે કે ૧૯૯૦ પછી ચીનની વસ્તી સતત ઘટી રહી છે. ૨૦૧૬માં તો ૧.૮ કરોડ બાળકો  જન્મ્યાં હતાં, જે ૧૯૬૦થી સૌથી ઓછો આંકડો હતો. ચીનની વસ્તી અત્યારે ૧.૪૪ અબજ અંદાજાય છે, જયારે ભારતની વસ્તી ૧.૩૯  અબજ ગણાય છે. ભારત ચીનને અતિક્રમી જવાના અંદાજ મૂકાતા હતા, પણ હવે વધુ સંતાનોને પ્રોત્સાહિત કરવાની નીતિ અમલમાં આવ્યા પછી નવેસરથી અંદાજ મૂકવા પડે.

વર્ષ ૨૦૫૦માં ભારતની વસ્તી

વિશ્વના દેશોમાં મહિલાની બાળકોના પ્રજનનની ક્ષમતા ઘટતી જાય છે. યુરોપમાં તો મુસ્લિમ મહિલાઓની તુલનામાં ખ્રિસ્તી મહિલાઓની કુલ સરેરાશ બાળક જણવાની ક્ષમતાનો દર (ટોટલ ફર્ટિલિટી રેટ –ટીઆરએફ) સાવ ૦.૫નો જોવા મળે છે એટલે યુરોપિયન યુનિયનમાં તુર્કી જેવા મુસ્લિમ દેશને સામેલ કરવા સામે વાંધાવચકા ચાલે છે. ઇસ્લામોફોબિયાનો પ્રભાવ જણાય છે. દુનિયામાં આફ્રિકી દેશોમાં મહિલાઓ વધુ બાળકો જણે છે. એમાં પણ નાઈજરમાં તો એ દર લગભગ ૭નો છે. ભારતમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી મહિલાઓમાં આ દર ઘટતો જતો હોવાનું વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે. વર્ષ ૨૦૫૦માં ભારતની વસ્તી દુનિયામાં સૌથી વધુ હોવાનો અંદાજ છે. અત્યારે ઇન્ડોનેશિયા સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવે છે, પણ ૨૦૫૦માં ભારત સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હશે, પરંતુ વિશ્વમાં સૌથી વધુ હિંદુ વસ્તી પણ ભારતમાં જ રહેશે. આજથી ૩૦ વર્ષ પછી ભારતમાં ૧.૩ અબજ હિંદુ (૭૬.૭%)  હોવાનું અંદાજાય છે. મુસ્લિમોની વસ્તી ૩૧.૧ કરોડ (૧૮.૪ %) અને ખ્રિસ્તી વસ્તી ૩.૭ કરોડ (૨.૨%) હશે. નીતિ આયોગના આંકડાઓ મુજબ, ભારતીય મહિલા સરેરાશ ૨.૩ બાળકોને જન્મ આપે છે. એમાં હિંદુ અને  મુસ્લિમ મહિલાઓના આ આંકડા લગભગ સમાન થવા જઈ રહ્યા છે. જોકે પ્રદેશ અનુસાર એમાં અંતર જોવા મળે છે. તમિળનાડુમાં મુસ્લિમ મહિલા સરેરાશ ૧.૭૪ બાળકોને જન્મ આપે છે, જયારે હરિયાણામાં ૪.૧૫ને જન્મ આપે છે. હિંદુ મહિલાઓમાં પણ આવું અંતર જોવા મળે છે. સામાન્ય છાપથી વિપરીત, છેલ્લી વસ્તી ગણતરીના આંકડાઓ દર્શાવે છે કે મુસ્લિમોમાં બાળકોની સંખ્યા ઘટતી જઈ  રહી છે. ભારતમાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં બેથી વધુ બાળકોનાં માબાપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા પર પ્રતિબંધ હોવાને કારણે કેટલાક કિસ્સામાં તો હિંદુ માબાપમાં પણ  પોતાનાં બાળકોને છુપાવવાનું કે દત્તક આપવાનું વલણ  જોવા મળ્યું છે. ભારત હોય કે ચીન, કાયદાના ડરથી પ્રજોત્પતિ ઘટાડવાનું કાયમ શક્ય બને એવું નથી. ગાંધીજી કૃત્રિમ સાધનો થકી પરિવાર નિયોજનના વિરોધી હતા. એ બ્રહ્મચર્ય અને સ્વૈચ્છિક શિસ્તના આગ્રહી હતા. કુદરતી સંસાધનોની  યોગ્ય વહેંચણી કરવામાં આવે તો મહાત્મા ગાંધી કહે છે તેમ તમામ પ્રજાને જરૂરિયાત મુજબનું મળી રહે, પણ અમુકના લોભ-લાલચ અને સંગ્રહખોરીના પ્રતાપે જ ભૂખમરો અને હિંસક અથડામણો સર્જાય છે.

ઈ-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૫ જૂન ૨૦૨૧)

 

No comments:

Post a Comment