Wednesday 17 March 2021

Mere announcements of 75% -85% jobs to Locals to win Elections

 

મતનો મોલ લણવા સ્થાનિકો માટે રોજગારનું લટકાવેલું ગાજર

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         ગુજરાતમાં જીઆર દ્વારા માધવસિંહ-ચીમનભાઈયુગથી ૮૫% સ્થાનિકોને નોકરીના ઠાલા વાયદા

·         “લેટરલ” કે “આઉટ સોર્સિંગ” દાખલ કરનારી સરકારોની ખાનગી ક્ષેત્રને શિરે જવાબદારી   

·         કાનૂન બનાવાય  અને અદાલતમાં પડકારાય તો એવા કાનૂનને અદાલત રદ કરી શકે

·         ઉજળિયાતોને  ૧૦% અનામતનો લાભ આપ્યો એ પણ હજુ અદાલતી સમીક્ષા હેઠળ

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari Daily of Anand and Gujarat Guardian Daily of Surat. You may visit haridesai.com to read more of Dr.Desai’s columns and comment.

ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત અધિકારોની ઐસીતૈસી કરીને આજકાલ દેશભરમાં તમામ રાજકીય પક્ષો સ્થાનિક પ્રજાને રાજી કરવા માટે ખાનગી ક્ષેત્રના  ઉદ્યોગોમાં ૭૫થી ૮૫ % સુધી રોજગાર આપવાની કાનૂની જોગવાઈઓ કરવાનાં વચન આપતાં થાકતા નથી. ભોળી પ્રજા કાં તો સમજતી નથી અને કાં તો રાજકીય પક્ષોનાં આવાં વચન અગત્સ્યના વાયદા સમાન જ હોવાનું સ્વીકારી બેઠી છે. ગુજરાત જેવા પ્રારંભથી જ પ્રગતિશીલ અને વિકસિત રહેલા રાજ્યમાં તો છેક કોંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (૧૯૯૮) અને જનતાદળિયા મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ ભારતીય જનતા પક્ષને પોતાની સરકારમાં લઈને રાજ કરતા હતા ત્યારથી (૧૯૯૦થી) આવી જોગવાઈ કરાઈ હતી. મૂડીરોકાણને આકર્ષવા અને સ્થાનિકોને રાજી કરવા માટે ખાનગી ક્ષેત્રમાં ૮૫% રોજગાર સ્થાનિકોને આપવાની “કરારિત જોગવાઈ” કરીને ઉદ્યોગપતિઓને સરકારી પ્રોત્સાહનો અપાતાં થયાં હતાં, પણ હરામ બરાબર આજ લગી એનો અમલ થયો હોય તો. ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ ક.લહેરીએ કહ્યું કે ગુજરાતમાં કોઈ કાયદો કરાયો નથી, પણ માત્ર સરકારી પરિપત્ર જ થયેલો છે. વર્ષો પહેલાં એસ્સાર અને રિલાયન્સ આવ્યાં ત્યારે આ પ્રકારની જોગવાઈ હતી, પણ અદાલતે ગયેલા કોઈ ઉદ્યોગના સંદર્ભમાં ચુકાદો પણ  સંદિગ્ધ  હોવાને કારણે ઉદ્યોગો અમલને બદલે છટકબારીના ઉપયોગ વધુ કરે છે.બાકી હતું કે વર્તમાન ભાજપી મુખ્યમંત્રી વિજય રૂપાણી શ્રમમંત્રી હતા ત્યારે પણ ૮૦ % સ્થાનિકોને રોજગારી આપવાનો અમલ કરાવવાના વાયદા કરી ચૂક્યા છે. રાજકીય વચનો પ્રજાને રાજી કરવા માટે જ હોય છે. અમલ થયો કે નહીં એનો હિસાબ માંગવા ના તો વિપક્ષ બળૂકો છે, ના સરકારી તંત્રને એ માટે સમય છે. હવે ગુજરાતના આવા અનુભવ છતાં હમણાં હરિયાણામાં સ્થાનિકોને રોજગારની જોગવાઈ કરવામાં બળૂકું બન્યું. એના પંજાબી મુખ્યમંત્રી અને સંઘનિષ્ઠ ભાજપી નેતા મનોહરલાલ ખટ્ટરને તો વર્ષ ૨૦૨૦માં નુસખો સૂજ્યો કે ૭૫ % સ્થાનિકોને ઉદ્યોગોમાં રોજગારનું વચન આપીએ અને પ્રજાને પોતાના ભણી વાળીએ. વાત હરિયાણા સુધી સીમિત નથી. બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગણ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં રાજ્યો ૭૫થી ૮૦ % જેટલી ખાનગી ક્ષેત્રની નોકરીઓ સ્થાનિકોને જ એટલે કે ૧૦થી ૧૫ વર્ષથી સંબંધિત રાજ્યમાં વસવાટ કરતા પરિવારોના લોકોને જ આપવાનો આગ્રહ સરકારો રાખીને પોતાની લોકપ્રિયતા વધારવાની કોશિશ કરે છે. સરકારી નોકરીઓમાં “લેટરલ” કે “આઉટ સોર્સિંગ” દાખલ કરીને સરકારો નોકરીઓ આપવાને બદલે વધતી જતી બેકારીનો બોજ સિફતથી ખાનગી ઉદ્યોગોના શિરે સેરવી દેવાની વેતરણમાં છે. ખાનગી ક્ષેત્ર એ માટે તૈયાર નથી. ઔદ્યોગિક સંગઠનો એને ગેરબંધારણીય લેખાવીને વિરોધ કરે છે. આ વિરોધી અવાજ ઝાઝાં ઘોંઘાટમાં ખોવાઈ જતો લાગે છે.  સરકાર તો વિધાનસભામાં બંધારણ વિરુદ્ધની કાનૂની જોગવાઈ કરીને, એને અદાલતોમાં લટકાવેલી રાખીને,પોતાનાં મતલક્ષી તરભાણાં ભરી લેવામાં મશગુલ છે. વળી, પાંચ વર્ષે નવી તરકીબ શોધી કાઢશે. ત્યાં સુધી તો પ્રજા અગાઉનાં વચન વિસરી ચૂકી હશે. નવી ગિલ્લી નવો દાવના સંજોગો પ્રજાને મૂરખ બનાવવા ચાલતા રહે છે. એ પાપમાં ભાગીદાર તમામ પક્ષો છે. કારણ? એમણે લોકપ્રિય પગલાં લઈને ચૂંટણીઓ જીતવી છે.

મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન

ભારતીય બંધારણમાં અનુચ્છેદ ૧૯ હેઠળના નાગરિકોને મળેલા અધિકારોમાં દેશમાં ક્યાંય પણ વસવા કે ધંધારોજગારનો અધિકાર છે. એટલે રાજ્યો કાનૂન બનાવીને પોતાના રાજ્યમાં પરપ્રાંતીય ગણાતા લોકોને નોકરી ધંધાથી વંચિત કરી શકે નહીં. વળી, ઉદ્યોગો પોતાના ટોચના અધિકારીઓને મેરિટ પર લેવાનો આગ્રહ રાખે છે. ખાનગી ઉદ્યોગોનો સત્તાપક્ષ કે વિપક્ષ સાથે ડોનેશન અથવા ચૂંટણી ફંડ આપવાનો સંબંધ પણ આવી જોગવાઈઓના અમલને ઢીલો કરે છે. કોઈ કાનૂન બનાવાય  અને કોઈ તેને અદાલતમાં પડકારે તો અદાલત એવા કાનૂનને રદ કરી શકે, પણ ગુજરાત સિવાયનાં રાજ્યો વિધાનસભામાં આવી જોગવાઈ કરવાની મીઠડી વાત કરે છે. બંધારણ કે અદાલતોની તમા કર્યા વિના જેમ અનુસૂચિત જાતિ (એસસી),. અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાતો (ઓબીસી) માટેની કાનૂની જોગવાઈઓનો પણ સરકારી નોકરીઓમાં અમલ નહીં કરનારી સરકારો ખાનગી ઉદ્યોગોને કઈ રીતે ફરજ પાડે એ મહાપ્રશ્ન પણ છે. મહારાષ્ટ્રમાં શિવસેના સંલગ્ન સ્થાનિક લોકાધિકાર સમિતિ મહાસંઘના અધ્યક્ષ ગજાનન  (ગજાભાઉ) કીર્તિકર   તો મહારાષ્ટ્રમાં ખાનગી ઉદ્યોગોમાં ૮૦% નોકરીઓ સ્થાનિકોને આપવાનો આગ્રહ રાખી રહ્યા છે. એમની સમિતિએ સ્થાનિકોને નોકરી આપવા માટે જનસંઘર્ષ કર્યો છે. એમાં ઘણી સફળતા મળી તો ખરી, પરંતુ હવે જ્યારે શિવસેના સત્તામાં છે ત્યારે એનો અમલ કરાવી શકે કે કેમ એ જોવું રહ્યું. વાતોનાં વડાં બહુ થાય છે. લાયકાત ધરાવનારા સ્થાનિકો બેકાર ફરતા હોય અને ઓએનજીસી કે ક્યારેક સરકારી ઉપક્રમ રહેલા આઇપીસીએલમાં બંગાળી મેનેજરોના પ્રતાપે બંગાળથી કે દક્ષિણના મેનેજરોના પ્રતાપે દક્ષિણના લોકોની ભરતી કરવામાં આવે તો એ અન્યાયી તો છે જ. શિવસેનાએ મહારાષ્ટ્રમાં આવા પરપ્રાંતીય લોકોને નોકરીઓ આપવા સામે ઉહાપોહ મચાવેલો. ક્યારેક રાજ ઠાકરેએ તો ઉત્તર ભારતીયોની મારઝૂડ પણ કરાવેલી. આમ છતાં, કોઈપણ રાજ્ય બહારના લોકોને નોકરી-ધંધા માટે અન્ય રાજ્યમાં આવતા રોકાવાનું શક્ય નથી.  ઓછામાં પૂરું, વર્ષ ૨૦૦૮માં બહુજન સમાજ પક્ષનાં માયાવતી ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તો તેમણે ખાનગી ક્ષેત્રમાં એસસી, એસટી અને ઓબીસી માટે અનામત ક્વોટા દાખલ કરવાની ઝુંબેશ આદરી હતી. હજુ સુધી એનો અમલ કોઈએ કર્યો નથી.

અમલનું તંત્ર જ અદ્રશ્ય

હરિયાણામાં તો ખાસ અધિકારીઓ નિયુક્ત કરીને તેમને જે તે કંપનીના રેકોર્ડ મંગાવવા તથા દસ હજારથી પાંચ લાખ રૂપિયા સુધીની દંડાત્મક જોગવાઈ પણ કરવાની સત્તા આપવામાં આવી છે. અત્યાર લગી હરિયાણામાં ઉદ્યોગ નાખવા કે કોર્પોરેટ ઓફિસો શરૂ કરવા માટે સાનુકૂળ વાતાવરણ રહ્યું છે. નવા કાયદાનો અમલ થતાં હરિયાણાને બદલે અન્ય રાજ્યમાં ઉદ્યોગો ધકેલાઈ નહીં જાય એની શી ખાતરી? ગત વર્ષે હરિયાણાની ધારાસભામાં મંજૂર થયેલા ૭૫ %ના ધારાને રદ કરવા માટે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટી (સીઆઈઆઈ)એ રજૂઆત કરી છે. હરિયાણામાં મહિને 30,૦૦૦ રૂપિયાથી ઓછા પગારની ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં ૭૫ % નોકરીઓ સ્થાનિકોને જ મળે એ પ્રકારની જોગવાઈ કરાઈ. ઝારખંડમાં પણ એવું જ. રાજસ્થાન  અને  મધ્યપ્રદેશમાં પણ. પશ્ચિમ બંગાળમાં સ્થાનિકો માટેને અનામત હજુ દાખલ કરાઈ નથી, પરંતુ કર્ણાટકમાં તો જાતિ-આધારિત ૯૫ ટકા સરકારી નોકરીઓમાં  તો  સ્થાનિકો જ.છે. મેઘાલયમાં પણ ૮૦ ટકા અનામત છે. તમિળનાડુમાં સરકારી નોકરીઓમાં સામાન્ય રીતે બંધારણીય ટોચમર્યાદા ૫૦ %ની હોવા છતાં એનાથી ઘણી વધુ ટકાવારી અમલમાં છે. હવેની વિધાનસભા ચૂંટણી પછી સત્તા મેળવવા માટેના આકાંક્ષી એવા દ્રમુક પક્ષે તો રાજ્યમાં આમ પણ વધુ અનામત અમલમાં છે. એમાં પણ વધારો કરીને રાજ્યમાં સ્થપાનારા ખાનગી ઉદ્યોગોમાં ૭૫ % જગ્યાઓ માત્ર સ્થાનિકો માટે જ આરક્ષિત રાખવાની વાત લલકારાઈ છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર છે. મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચો અને કોંગ્રેસની સરકાર છે. બિહારમાં જેડી (યુ) અને ભાજપની સંયુક્ત સરકાર છે. આંધ્રમાં વાય.એસ.આર. કોંગ્રેસની સરકાર છે. તેલંગણમાં ટીઆરએસની  સરકાર છે. મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને  કોંગ્રેસની સરકાર છે. અલગ અલગ પક્ષો રાજ કરતા હોય તો પણ સ્થાનિકોને ૭૫ % કે એથી વધુ સ્થાનિકો જ આપવા બાબત બધા જ સંમત છે. આ તેમની રાજકીય મજબૂરી છે. હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણીય સુધારો કરીને બિન-અનામતને એટલે કે ઉજળિયાતને  ૧૦% અનામતનો લાભ આપ્યો એ પણ હજુ અદાલતી સમીક્ષા હેઠળ છે. આવા સંજોગોમાં ૭૫ % અનામત આપવાની વાર ભલે લોકપ્રિય હોય, પરંતુ એનો વાસ્તવિક અમલ શક્ય વછે કે નહીં એ પ્રશ્ન તો રહે જ છે.

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૧૪ માર્ચ ૨૦૨૧)

No comments:

Post a Comment